For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'મર્સીનરી સ્પાયવેર'માં ઈઝરાયલની મોનોપોલી, વરસે 84 લાખ કરોડનો વકરો

Updated: Apr 13th, 2024

'મર્સીનરી સ્પાયવેર'માં ઈઝરાયલની મોનોપોલી, વરસે 84 લાખ કરોડનો વકરો

- દુનિયાભરના શાસકો અને મહત્વનાં લોકો પર અમેરિકા 'કોમર્શિયલ સ્પાયવેર'ની મદદથી નજર રાખે છે 

- 'કોમશયલ સ્પાયવેર'ના બિઝનેસમાંથી કમાણી કરવામાં ઈઝરાયલ સૌથી મોટો ખેલાડી મનાય છે. દુનિયાને કોમર્શિયલ સ્પાયવેરના ખતરા વિશે પહેલી વાર જાણ ૨૦૧૬માં થઈ પણ ઈઝરાયલની કંપનીઓ ૨૦૧૧થી આ ધંધામાં હોવાનું કહેવાય છે. દુનિયામાં 'કોમર્શિયલ સ્પાયવેર'માં સૌથી મોટી મનાતી ૬ કંપનીમાંથી ૫ કંપની ઈઝરાયલની છે તેથી 'કોમર્શિયલ સ્પાયવેર'માં ઈઝરાયલની મોનોપોલી છે એવું કહી શકાય. ઈઝરાયલ જેવો ટચૂકડો દેશ કેમ ધનિક છે તેનું રહસ્ય આ બધી ટેકનોલોજીમાં છે. 

એપલે ભારત સહિત ૯૨ દેશોના આઈફોન યુઝર્સ 'મર્સીનરી સ્પાયવેર'થી સાવચેત રહેવા ચેતવણી આપતાં આખી દુનિયામાં ખળભળાટ મચ્યો છે. એપલે 'મર્સીનરી સ્પાયવેર'નો ભોગ બની શકે એવા લોકોને ઈ-મેલ નોટિફિકેશન દ્વારા ચેતવ્યા છે કે, 'મર્સીનરી સ્પાયવેર'થી હુમલો કરનારા દૂર બેઠાં બેઠાં આઈફોન સાથે ચેડાં કરવા પ્રયત્ન કરી શકે છે. 

એપલનાં નોટિફિકેશન કોને મળ્યાં એ સ્પષ્ટ નથી પણ આઈફોનનો ઉપયોગ મોટા ભાગે હાઈ પ્રોફાઈલ લોકો જ કરે છે તેથી મોટા માણસો જ હશે. આ લોકો વિપક્ષના નેતા, શાસક પક્ષમાં જ સરકારના વિરોધીઓ, બુધ્ધિજીવીઓ, ઉદ્યોગપતિઓ, બિઝનેસમેન, રાજદ્વારીઓ, આંદોલનકારીઓ સહિત કોઈ પણ હોઈ શકે. આ સંજોગોમાં એપલે ભલે 'મર્સીનરી સ્પાયવેર' જેવા ભારેખમ ટેકનિકલ શબ્દો વાપર્યા પણ આખી વાત જાસૂસીની છે એ કહેવાની જરૂર નથી.  

આ ચેતવણીએ એક તરફ દુનિયાભરની સરકારોની કાળી બાજુ (ડાર્ક સાઈડ) લોકો સામે ઉઘાડી કરી દીધી છે તો બીજી તરફ 'કોમર્શિયલ સ્પાયવેર'ના અબજો રૂપિયાના ધીકતા તરફ પણ દુનિયાનું ધ્યાન ખેંચાયું છે. 'કોમર્શિયલ સ્પાયવેર'નો વર્લ્ડ વાઈડ બિઝનેસ કેટલો છે તેના ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી પણ એક અંદાજ પ્રમાણે દર વર્ષે ૫૦૦ અબજ ડોલર 'કોમર્શિયલ સ્પાયવેર' પાછળ ખર્ચાય છે. ભારતીય રૂપિયામાં ગણો તો ૪૨ લાખ કરોડ રૂપિયા થયા. ભારત સરકારના વાર્ષિક બજેટ કરતાં લગભગ બમણી રકમ થઈ. 

આ રકમ સાંભળીને કોઈની પણ આંખો ફાટી જાય. આ વાત કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના જેવી લાગે પણ સાચી છે. 'મર્સીનરી સ્પાયવેર'નો યુઝ કરનારા ઓછા છે પણ ટર્નઓવર જંગી છે કેમ કે સામાન્ય માણસ ખરીદતો નથી. દુનિયાભરની સરકારો, ઈન્ટેલિજન્સ એજન્સીઓ, લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ, માફિયાઓ અને મોટાં બિઝનેસ હાઉસ એ ખરીદીને  હરીફો, વિરોધીઓ કે પોતાના માટે ખતરારૂપ લોકોની જાસૂસી માટે કરે છે. 

'કોમર્શિયલ સ્પાયવેર'ના ૫૦૦ અબજ ડોલરના બિઝનેસમાં અમેરિકાનો ફાળો જ ૨૦૦ અબજ ડોલરનો હોવાનું કહેવાય છે. અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએ અને મિલિટરી ઈન્ટેલિજન્સ આખી દુનિયામાં જાસૂસની જાળ બિછાવીને બેઠું છે. દુનિયાભરના શાસકો અને મહત્વનાં લોકો પર અમેરિકા 'કોમર્શિયલ સ્પાયવેર'ની મદદથી નજર રાખે છે. ચીન પણ 'કોમર્શિયલ સ્પાયવેર'ના ઉપયોગમાં મોટો ખેલાડી છે. 

ચીને તો પોતાનાં 'કોમર્શિયલ સ્પાયવેર' પણ વિકસાવ્યાં છે છતાં દુનિયાની બીજી કંપનીઓનાં સ્પાયવેર ખરીદી પાછળ ૧૦૦ અબજ ડોલરનો ધુમાડો કરી નાંખે છે. રશિયાના વ્લાદિમિર પુતિન પણ 'કોમર્શિયલ સ્પાયવેર' પાછળ વરસે ૫૦ અબજ ડોલરનો ધુમાડો કરી નાંખે છે એવું કહેવાય છે. સાઉદી અરેબિયા સહિતના રાજાશાહી ધરાવતા ને લશ્કરી સરમુખત્યારશાહી ધરાવતા દેશો પણ ધૂમ ખર્ચો કરે છે. 'કોમર્શિયલ સ્પાયવેર' માટે ચૂકવણી કરાય ત્યારે સામાન્ય રીતે ૧૦ લાખ ડોલર, ૨૦ લાખ ડોલર જેવી મામૂલી રકમ સાદાં સર્વેલન્સ સોફ્ટવેરની ખરીદી માટે ચૂકવાયાનું કાગળ પર બતાવાય છે પણ વાસ્તવિક રીતે આ રકમ સો ગણી વધારે હોય છે. 

'કોમર્શિયલ સ્પાયવેર'ના બિઝનેસમાંથી કમાણી કરવામાં ઈઝરાયલ સૌથી મોટો ખેલાડી મનાય છે. દુનિયાને કોમર્શિયલ સ્પાયવેરના ખતરા વિશે પહેલી વાર જાણ ૨૦૧૬માં થઈ પણ ઈઝરાયલની કંપનીઓ ૨૦૧૧થી આ ધંધામાં હોવાનું કહેવાય છે. દુનિયામાં 'કોમર્શિયલ સ્પાયવેર'માં સૌથી મોટી મનાતી ૬ કંપનીમાંથી ૫ કંપની ઈઝરાયલની છે તેથી 'કોમર્શિયલ સ્પાયવેર'માં ઈઝરાયલની મોનોપોલી છે એવું કહી શકાય. ઈઝરાયલ જેવો ટચૂકડો દેશ કેમ ધનિક છે તેનું રહસ્ય આ બધી ટેકનોલોજીમાં છે. 

ઈઝરાયલનનું એનએસઓ ગુ્રપ 'કોમર્શિયલ સ્પાયવેર'માં ટોપ પર છે કે જેનું પેગાસસ સોફ્ટવેર દુનિયાભરમાં વગોવાયેલું છે. આ સિવાય કેન્ડીરુ, સાયટ્રોક્સ, ડીઅસઆઈઆરએફ, વેરિસ્ટન આઈટી અને ક્યુઆડ્રીમ એ બીજી પાંચ કંપની વરસે ૫૦ અબજ ડોલરથી વધારેનું ટર્નઓવર કરતી મોટી કંપનીઓ છે. 

એનએસઓ, કેન્ડિરુની સ્થાપના જ ઈઝરાયલમાં થયેલી છે. કેન્ડિરૂનું ડેવિલ્સ ટંગ અને શેરલોક સ્પાયવેર પણ છીંડે ચડેલું છે. સાયટ્રોક્સ ૨૦૧૭માં નોર્થ મેસેડોનિયામાં સ્થપાયેલી પણ ઈઝરાયલ અને હંગેરીમાં તેની સબસિડરી કંપનીઓ છે. સાયટ્રોક્સને પછીથી સાયપ્રસમાં રજિસ્ટર્ડ થયેલી ઈન્ટેલ્લેક્સાએ ખરીદી. ઈન્ટેલ્લેક્સાનો માલિક તાલ ડિલિયન ઈઝરાયલ મિલિટરી ઈન્ટેલિજન્સમાં ૨૪ વર્ષ સુધી ઉચ્ચ હોદ્દા પર હતો. ઓસ્ટ્રિયામાં સ્થપાયેલી ડીએસઆઈઆરએફે સબઝીરો સ્પાયવેર બનાવ્યું જ્યારે ઈઝરાયલ અને સાયપ્રસમાં સ્થપાયેલી ક્યુઆડ્રીમે રેઈન સ્પાયવેર બનાવ્યું છે. 

મજાની વાત એ છે કે, સ્પાયવેરનો ગંદો ધંધો ગેરકાયદેસર હોવા છતાં કાયદેસરનો છે. મોટાં બિઝનેસ હાઉસ કે માફિયા સિન્ડિકેટ્સ પણ 'કોમર્શિયલ સ્પાયવેર' વાપરે છે પણ મોટા ભાગના કિસ્સામાં સરકારો અને શાસકો જ ખરીદદાર છે. કોઈ સરકાર જાહેરમાં પોતે 'કોમર્શિયલ સ્પાયવેર' ખરીદ્યું કે બનાવડાવ્યું એવું કબૂલતી નથી પણ પેમેન્ટ પ્રજાના પૈસે ભરાતી સરકારી તિજોરીમાંથી જ થાય છે. મતલબ કે દુનિયાભરના શાસકોના સત્તા છિનવાઈ જવાના ડરની કિંમત બિચારી પ્રજા ચૂકવે છે. 

એપલે ૨૦૨૧થી અત્યાર સુધીમાં વારંવાર થ્રેટ નોટિફિકેશન મોકલ્યાં છે. ઘણા યુઝર્સને એક જ વરસમાં સંખ્યાબંધ વાર નોટિફિકેશન મોકલ્યાં હોય એવું પણ બન્યું છે અને અત્યાર સુધીમાં ૧૫૦ દેશોમાં આવાં નોટિફિકેશન મોકલાયાં હોવાનો પણ એપલનો દાવો છે. તેનો મતલબ એ કે, દુનિયાના કમ સે કમ ૧૫૦ દેશોમાં તો 'કોમર્શિયલ સ્પાયવેર'થી જાસૂસી થાય જ છે.  

બીજી રસપ્રદ વાત એ છે કે, સરમુખત્યારશાહી ધરાવતા દેશો જેટલો જ સ્પાયવેરનો ઉપયોગ લોકશાહી ધરાવતા દેશો કરે છે. કાર્નેગી એન્ડોવમેન્ટ ફોર ઈન્ટરનેશનલ પીસ સંસ્થાએ ૨૦૨૩ના માર્ચમાં રીપોર્ટ બહાર પાડેલો. આ રીપોર્ટમાં દુનિયાના 'કોમર્શિયલ સ્પાયવેર' વાપરનારા ૭૫ દેશોની યાદી અપાયેલી ને તેમાં ૩૦ તો લોકશાહી ધરાવતા દેશો હતા. ભારત, અમેરિકા, જર્મની, સ્વિત્ઝરલેન્ડ સહિતના લોકશાહીને સંપૂર્ણ રીતે વરેલા દેશોમાં ક્યા 'કોમર્શિયલ સ્પાયવેર'નો ઉપયોગ કરાયો તેની સંપૂર્ણ વિગતો તેમાં અપાયેલી. 

ભારતમાં એપલે ઓક્ટોબરમાં શશિ થરૂર, રાઘવ ચઢ્ઢા, મહુઆ મોઈત્રા વગેરેને તેમના આઈફોન પર સ્પાયવેર એટેક થઈ શકે છે એવી ચેતવણી મોકલેલી. એ વખતે 'સ્ટેટ સ્પોન્સર્ડ' શબ્દ વાપરેલા એ જોતાં ભારતમાં પણ સ્પાયવેરથી જાસૂસી થાય છે એ હકીકત છે. 

 એપલની ચેતવણીને પગલે આખી દુનિયાને શાસકોની માનસિકતાની ખબર પડી પણ તેના કારણે આ ગંદો ધંધો બંધ થવાનો નથી. થોડા દિવસ પછી લોકો પણ ભૂલી જશે ને આ ધંધો ચાલતો રહેશે. 

- 'મર્સીનરી સ્પાયવેર'માં ત્રણ સોફ્ટવેર અત્યંત સફળ

'મર્સીનરી સ્પાયવેર' યુઝરની સંમતિ કે જાણ વિના સ્માર્ટ ફોન કે અન્ય ડીવાઈસમાં ઘૂસણખોરી કરવા માટેનું સ્પાયવેર છે. ટેકનિકલ ભાષામાં તેને સર્વેલન્સ ટૂલ કહી શકાય. તેની મદદથી સ્માર્ટ ફોન યુઝર ક્યાં જાય છે, કોની સાથે વાત કરે છે ત્યાંથી માંડીને સ્માર્ટ ફોન કે ડીવાઈસનો ડેટા ચોરવા સુધીનાં બધાં કામ કરી શકાય છે. 

દુનિયામાં છેલ્લાં કેટલાંક વરસોમાં 'મર્સીનરી સ્પાયવેર'નો બિઝનેસ બહુ ફૂલ્યોફાલ્યો છે. ઈઝરાયલનું એનએસઓ ગુ્રપ પેગાસસ સ્પાયવેરના કારણે 'મર્સીનરી સ્પાયવેર'ના મામલે વગોવાયું છે પણ દુનિયામાં પેગાસસ સોફ્ટવેરની સાથે સાથે ફિનસ્પાય અને ગેલેલિયો પણ જાસૂસીમાં  મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે.  

પેગાસસ સોફ્ટવેર દૂર બેઠાં બેઠાં કોઈ પણ સ્માર્ટ ફોન કે ડીવાઈસને હેક કરીને કોલ સાંભળી શકે છે, ઈમેલ, મેસેજ તથા અન્ય ફાઈલો જોઈ કે છે તેથી મોટા ભાગની સરકારો પેગાસસ સોફ્ટવેર ખરીદે છે. ફિનફિશરનું ફિનસ્પાય અને હેકિંગ ટીમનું ગેલેલિયો બંને સ્માર્ટફોન-ડીવાઈસના કીસ્ટ્રોક્સે કેપ્ચર કરી શકે છે, યુઝરને ખબર ના પડે એ રીતે માઈક્રોફોન અને કેમેરા એક્ટિવેટ કરીને બધું સાંભળી શકે છે અને જોઈ પણ શકે છે. વીડિયો કોલ રેકોર્ડ કરી શકે છે અને ડેટા પણ એક્સેસ કરી શકે છે. 

- ચીનમાં વિદેશથી આવનારાંના ફોનમાં ફેંગસાઈ સ્પાય એપ નાંખી દેવાય છે

'મર્સીનરી સ્પાયવેર'માં ચીને નોખો ચિલો ચાતર્યો છે. ચીને જાસૂસી માટે ફેંગસાઈ સ્પાયવેર એપ વિકસાવી છેચીન વિદેશ જતા પોતાના તમામ નાગરિકોને ચીન ફેંગસાઈ એપ ડાઉનલોડ કરવાની ફરજ પાડે છે. આ એપ સામાન્ય એપ જેવી જ લાગે છે અને સામાન્ય એપની રેપ્લિકા બની જાય છે તેથી ચીના વિદેશમાં જાય ત્યારે ત્યાં આ એપ વિશે ખબર પડતી નથી. આ એપની મદદથી ચીના પોતાન દેશનાં લોકો વિદેશમાં શું કરે છે તેના પર પણ નજર રાખી શકે છે અને બીજા દેશની માહિતી પણ મેળવી શકે છે. 

ચીન વિદેશીઓ ચીનના એરપોર્ટ પર ઉતરે ત્યારે ચકાસણીના નામે તેમના મોબાઈલ ફોનમાં પણ ફેંગસાઈ સ્પાયવેર એપ નાખી દે છે. તેના કારણે ચીનમાં તેમની દરેક હિલચાલ પર નજર રાખી શકાય છે. વિદેશી નાગરિકને ખબર ના પડે તો પોતાના દેશમાં પણ એપ ચાલુ રહે ને ચીન તેના પર પણ જાસૂસી કરી શકે છે.


Gujarat