બોફોર્સ કૌભાંડ ફરી ચર્ચામાં... ભારત સરકારે અમેરિકા પાસે માગી નવી માહિતી, કોંગ્રેસની ચિંતા વધી
Bofors Scandal: ભારતે અમેરિકા પાસે રૂ. 64 કરોડના બોફોર્સ કૌંભાંડ સંબંધિત મહત્ત્વની માહિતી માગતાં કોંગ્રેસ પાર્ટી પર ફરી પાછી મુશ્કેલીઓ વધવાનો સંકેત મળ્યો છે. ભારત સરકારના આ પગલાંથી રાજીવ ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં સ્વીડન પાસેથી 155 એમએમ ફિલ્ડ આર્ટિલરી ગનની ખરીદીમાં થયેલા કૌભાંડની તપાસ ફરી શરૂ થઈ શકે છે.
મીડિયા સૂત્રો અનુસાર, સીબીઆઈએ તાજેતરમાં જ એક સ્પેશિયલ કોર્ટ દ્વારા જારી કરાયેલો પત્ર યુએસ ન્યાય વિભાગને મોકલ્યો હતો. આ પત્રમાં એજન્સીએ અમેરિકન પ્રાઈવેટ ડિટેક્ટીવ કંપની ફેરફેક્સના વડા માઈકલ હર્શમેન સાથે જોડાયેલી માહિતી માંગી છે.
શા માટે હર્શમેનનો રિપોર્ટ માગ્યો?
હર્શમેને 2017માં દાવો કર્યો હતો કે, 'જ્યારે મેં સ્વિસ બેન્ક ખાતામાં મોન્ટ બ્લેન્કનો પર્દાફાશ કર્યો હતો, ત્યારે તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી ગુસ્સે થયા હતા. તેમાં બોફોર્સ ડીલના લાંચના નાણાં આ ખાતામાં કથિત રીતે જમા કરવામાં આવ્યા હતા. મારી તપાસમાં તે સમયની સરકારે અડચણો ઉભી કરી હતી.' જેથી સીબીઆઈએ હર્શમેનની આ તપાસનો રિપોર્ટ અમેરિકા પાસે માગ્યો છે.
અમેરિકાને માહિતી આપવા અપીલ
સીબીઆઈએ પહેલીવાર ઓક્ટોબર 2024માં દિલ્હી કોર્ટનો સંપર્ક કર્યો હતો અને તેને યુએસ સત્તાવાળાઓ પાસેથી માહિતી મેળવવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી. હર્શમેન ભારતીય એજન્સીઓને સહકાર આપવા માટે સંમત થયા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે, આ માગ કરતો અરજી પત્ર એક ઔપચારિક લેખિત વિનંતી છે, જે એક દેશની કોર્ટ બીજા દેશની કોર્ટને ફોજદારી કેસની તપાસમાં મદદ મેળવવા માટે મોકલે છે.
આ પણ વાંચોઃ ભારત પર 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરાશે, અમેરિકન સંસદમાં ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત
શું છે બોફોર્સ કૌભાંડ?
બોફોર્સ કૌભાંડનો પર્દાફાશ સ્વીડિશ રેડિયો દ્વારા કરવામાં આવ્યો હતો. 1989ની ચૂંટણીમાં રાજીવ ગાંધીની હારનું તે એક મોટું કારણ બન્યું હતું. જોકે દિલ્હી હાઈકોર્ટે 2004માં પૂર્વ વડાપ્રધાન વિરુદ્ધ લાંચના આરોપોને ફગાવી દીધા હતા, પરંતુ આ કૌભાંડ સાથે જોડાયેલા પ્રશ્નો હજુ પણ યથાવત છે. ઇટાલિયન ઉદ્યોગપતિ ઓટ્ટાવિયો ક્વાટ્રોચીની પણ આમાં શંકાસ્પદ ભૂમિકા હતી, જેઓ રાજીવ ગાંધી સરકારમાં ખૂબ જ પ્રભાવશાળી હતા. તપાસ દરમિયાન ક્વાટ્રોચીને ભારત છોડવાની મંજૂરી આપવામાં આવી હતી અને તે મલેશિયા ફરાર થયા હતાં.
તે સમયની UPA સરકારે બ્રિટનમાં તેમના બેન્ક ખાતાઓમાંથી લાખો ડોલર ઉપાડ્યા હોવાની વાતને નકારી હતી. ત્યારે ક્વાટ્રોચી પર ફરીથી ધ્યાન કેન્દ્રિત થયું હતું. 1987માં સ્વીડિશ પબ્લિક બ્રોડકાસ્ટરે આ બોફોર્સ કૌભાંડનો ખુલાસો કરી ભારત અને સ્વીડન બંનેને આંચકો આપ્યો હતો. તેણે હોવિત્ઝર ડીલમાં લાંચ અપાઈ હોવાનો ખુલાસો કર્યો હતો.
સીબીઆઈ કરી રહી છે તપાસ
સીબીઆઈએ આ કેસમાં 1990માં એફઆઈઆર નોંધી હતી અને 1999 અને 2000માં ચાર્જશીટ દાખલ કરી હતી. રાજીવ ગાંધીને નિર્દોષ જાહેર કર્યા બાદ સ્પેશિયલ કોર્ટે હિન્દુજા બંધુઓ સહિત અન્ય આરોપીઓ સામેના તમામ આરોપો રદ કરી દીધા હતા. ક્વાટ્રોચીને પણ 2011માં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટે સીબીઆઈની અરજીને માન્ય રાખી અને તેની સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી પાછી ખેંચી લીધી હતી.