For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રોહિત વેમુલા મામલે આગળ વધુ તપાસ કરવામાં આવશે: તેલંગાણા પોલીસ

Updated: May 4th, 2024

રોહિત વેમુલા મામલે આગળ વધુ તપાસ કરવામાં આવશે: તેલંગાણા પોલીસ

Image Source: Twitter

Rohith Vemula Case: રોહિત વેમુલાના મોતનો મામલો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. વિદ્યાર્થી રોહિત વેમુલાના મોત મામલે તેલંગાણા પોલીસ વધુ તપાસ ચાલુ રાખશે. તેલંગાણા પોલીસના DGP દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે, મૃતકની માતા અને તેમના ભાઈએ કેટલાક લોકો પર શંકા વ્યક્ત કરી છે. તેથી આ કેસની વધુ તપાસ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેલંગાણા પોલીસ દ્વારા 2 મેના રોજ હાઈકોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું હતું કે, પોલીસે તમામને ક્લીનચીટ આપી દીધી છે. પોલીસના ક્લોઝર રિપોર્ટ બાદ હાઈકોર્ટે પરિવારને તેની સામે અપીલ કરવા માટે નીચલી કોર્ટનો દરવાજો ખખડાવવા જણાવ્યું હતું તો બીજી તરફ પોલીસના ક્લોઝર રિપોર્ટ બાદ હૈદરાબાદની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ફરી એક વખત રોહિત વેમુલાનો મુદ્દો ગરમાયો હતો. NSUI સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કરીને નવેસરથી તપાસની માંગ કરી હતી. એટલું જ નહીં રોહિત વેમુલાના ભાઈ રાજ વેમુલાએ આ મામલો સીએમ રેવંત રેડ્ડી સામે ઉઠાવવાની વાત કહી હતી. 

હવે તેલંગાણા પોલીસના DGPએ કહ્યું કે, આ મામલે આગળની તપાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને સબંધિત કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવશે જેમાં મજિસ્ટ્રેટને આ કેસની આગળની તપાસની મંજૂરી આપવા અનુરોધ કરવામાં આવશે. 

કોર્ટની મંજૂરીથી થશે તપાસ

તેલંગાણા પોલીસના ડીજીપી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મૃતક રોહિત વેમુલાના માતા અને અન્ય લોકો દ્વારા તપાસ પર કેટલીક શંકા વ્યક્ત કરવામાં આવી છે તેથી આ મામલે વધુ તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્ટમાં એક અરજી દાખલ કરીને મેજિસ્ટ્રેટને કેસની વધુ તપાસની મંજૂરી આપવા વિનંતી કરવામાં આવશે. ડીજીપીએ કહ્યું કે આ મામલે અંતિમ ક્લોઝર રિપોર્ટ નવેમ્બર 2023 પહેલા હાથ ધરવામાં આવેલી તપાસના આધારે તૈયાર કરવામાં આવ્યો હતો અને તપાસ અધિકારી દ્વારા 21 માર્ચ, 2024ના રોજ ન્યાયિક કોર્ટમાં સત્તાવાર રીતે દાખલ કરવામાં આવ્યો હતો. 

અગાઉ એવું માનવામાં આવતું હતું કે રોહિત વેમુલાની આત્મહત્યાનો કેસ બંધ થઈ જશે. તેલંગાણા પોલીસે વધુ તપાસ કરવાનું નક્કી કર્યા બાદ હવે આ કેસમાં નવો ટ્વીસ્ટ આવ્યો છે. રોહિત વેમુલાએ જાન્યુઆરી 2016માં હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ આ મામલો ખૂબ ચર્ચામાં રહ્યો હતો. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી અને 2 મેના રોજ 100 મહિના પછી ક્લોઝર રિપોર્ટ આપ્યો હતો. ત્યારે રાજ્યમાં બીઆરએસ સત્તા પર હતી અને રાજ્યના મુખ્યમંત્રી કેસીઆર હતા.


Gujarat