For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશમાં હિન્દુઓની વસતી 8 ટકા ઘટી, મુસ્લિમોની 43 ટકા વધી : સરકારના રિપોર્ટમાં ઘટસ્ફોટ

Updated: May 10th, 2024

દેશમાં હિન્દુઓની વસતી 8 ટકા ઘટી, મુસ્લિમોની 43 ટકા વધી : સરકારના રિપોર્ટમાં ઘટસ્ફોટ

- લોકસભા ચૂંટણી વચ્ચે આર્થિક સલાહકાર પરિષદના રિપોર્ટથી વિવાદ

- સરકાર આવા રિપોર્ટ મારફતે દેશમાં ધાર્મિક વિભાજન કરાવવા માગે છે : વિપક્ષનો આરોપ

નવી દિલ્હી : દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ છે. ત્રણ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. હવે ચાર તબક્કાના મતદાનમાં કુલ લોકસભા બેઠકમાંથી અડધી કરતાં ઓછી બેઠકો પર મતદાન થવાનું છે. આવા સમયે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદે દેશ અને દુનિય બહુમતી અને લઘુમતી વસતી અંગે એક અભ્યાસ કર્યો હતો, જેમાં દાવો કરાયો છે કે આઝાદી પછી ૧૯૫૦થી ૨૦૧૫ સુધીમાં હિન્દુઓની વસતીમાં ઘટાડો થયો છે જ્યારે આ જ સમયમાં મુસ્લિમોની સંખ્યામાં જંગી વધારો થયો છે. જોકે, આ રિપોર્ટ બાહર આવતાં જ કોંગ્રેસે સરકાર પર ચૂંટણી સમયે ધાર્મિક ધુ્રવીકરણને પ્રોત્સાહન આપતા દેશમાં વિભાજનનો આક્ષેપ કર્યો છે. 

વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદે દેશ અને દુનિયામાં બહુમતી અને લઘુમતી વસતી અંગે એક અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ મુજબ દેશમાં બહુમતી હિન્દુઓની વસતી ૭.૮૨ ટકા ઘટી છે. ૧૯૫૦માં હિન્દુઓની વસતી ૮૪.૬૮ ટકા હતી, જે ૨૦૧૫માં ઘટીને ૭૮.૦૬ ટકા થઈ છે જ્યારે આ જ સમયમાં મુસ્લિમોની વસતીમાં ૪૩.૧૫ ટકાનો વધારો થયો છે. ૧૯૫૦માં મુસ્લિમોની વસતી ૯.૮૪ ટકા હતી, જે વધીને ૨૦૧૫માં ૧૪.૦૯ ટકા થઈ ગઈ છે. 

આ જ સમયમાં ખ્રિસ્તીઓની વસતીમાં ૫.૩૮ ટકાનો ઊછાળો જોવા મળ્યો હતો. ખ્રિસ્તીઓની વસતી ૨.૨૪ ટકાથી વધીને ૨.૩૬ ટકા થઈ હતી. બીજીબાજુ  શિખોની વસતીમાં પણ ૬.૫૮ ટકાનો વધારો નોંધાયો છે. શિખોની વસતી ૧.૨૪ ટકા હતી તે ૨૦૧૫માં વધીને ૧.૮૫ ટકા થઈ ગઈ છે. એ જ રીતે બૌદ્ધોની વસતીમાં પણ વધારો નોંધાયો છે. બીજીબાજુ આ જ સમયમાં જૈનોની વસતી ૧૯૫૦માં ૦.૪૫ ટકાથી ઘટીને ૨૦૧૫માં ૦.૩૬ ટકા થઈ છે. એ જ રીતે પારસીઓની વસતી લગભગ ૮૫ ટકા ઘટી છે. વર્ષ ૧૯૫૦માં દેશમાં પારસી સમાજની વસતી ૦.૦૩ ટકા હતી, જે વર્ષ ૨૦૧૫માં ઘટીને ૦.૦૦૪ ટકા રહી ગઈ હતી.

લોકસભા ચૂંટણી સમયે જ વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદનો આ રિપોર્ટ આવતા વિપક્ષ ભડક્યો છે. વિપક્ષે ગુરુવારે ભાજપ પર દેશમાં ધાર્મિક વિભાજન કરવાનો આક્ષેપ મૂક્યો હતો. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, આપણે લોકોના જીવન સાથે જોડાયેલા મુદ્દા પર વાત કરવી જોઈએ. બેરોજગારી, ખેડૂત, મહિલાઓની સુરક્ષાના મુદ્દા પર વાત થવી જોઈએ. ભાજપવાળા તેમના મુદ્દા નીકાળે રાખે છે. તેથી આ મુદ્દા નથી. આ સાથે પ્રિયંકાએ આ સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું. ઉલટાનું તેમણે પત્રકારને જ સવાલ કર્યો હતો કે, તમારી પાસે આ સવાલ કેવી રીતે આવ્યો? તમને જેમણે આ સવાલ આપ્યો છે તેમને જઈને પૂછો કે આ રિપોર્ટ કોણે મોકલ્યો છે? 

રાજદ નેતા તેજસ્વી યાદવે વસતી ગણતરી હાથ નહીં ધરવા બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી અને કહ્યું કે, વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિનો રિપોર્ટ વોટ મેળવવા માટે ધાર્મિક વિભાજન કરવાના આશયથી રજૂ કરાયો છે. તેજસ્વી યાદવે કહ્યું કે, ભાજપ દેશમાં મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવવા માગે છે. 

Gujarat