For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પક્ષોને કોર્ટમાં રાજકીય મુદ્દાઓ ઉઠાવવાની મંજૂરી નહીં : સુપ્રીમ

Updated: May 9th, 2024

પક્ષોને કોર્ટમાં રાજકીય મુદ્દાઓ ઉઠાવવાની મંજૂરી નહીં : સુપ્રીમ

- સીબીઆઇ સામે પ. બંગાળની અરજી અંગે ચુકાદો અનામત

- 2018માં મંજૂરી પરત લીધી હોવા છતાં સીબીઆઇ રાજ્યમાં તપાસ કરી રહી હોવાનો પ. બંગાળ સરકારનો આરોપ

નવી દિલ્હી : રાજ્ય સરકારે મંજૂરી પરત લીધી હોવા છતાં સીબીઆઇ રાજ્યમાં તપાસ કરી રહી હોવાના આરોપ સાથે પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજી અંગે કોર્ટે જણાવ્યું હતું કે તે સુનાવણીમાં કેન્દ્ર અથવા પશ્ચિમ બંગાળ સરકારને કોઇ રાજકીય મુદ્દો ઉઠાવવાની પરવાનગી આપશે નહીં. 

ન્યાયમૂર્તિ બી આર ગવઇ અને ન્યાયમૂર્તિ સંદીપ મહેતાની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે તે ફક્ત કાયદાકીય મુદ્દા અંગે નિર્ણય લેશે અને કોર્ટ બંનેમાંથી કોઇ પણ પક્ષકારને રાજકીય દલીલો કરવાની મંજૂરી આપશે નહીં.

ખંડપીઠે રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનિ સ્થિરતા પણ પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. 

પશ્ચિમ બંગાળ સરકાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ૧૬ નવેમ્બર, ૨૦૧૮ના રોજ સીબીઆઇને આપેલ તપાસની મંજૂરી પરત લઇ લીધા પછી કેન્દ્ર સીબીઆઇને રાજ્યમાં તપાસ માટે મોકલવાની પરવાનગી આપી શકે નહીં.

કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અથવા તેના વિભાગો સીબીઆઇ તપાસ પર કોઇ અંકુશ ધરાવતા નથી.

ખંડપીઠે જણાવ્યું હતું કે આપણે ફક્ત ટેકનિકલ મુદ્દાની સમીક્ષા કરવાની છે, આપણે શા માટે રાજકીય મુદ્દાની તરફ જવાની જરૂર છે?

મહેતાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પાસે કોઇ અપરાધમાં એફઆઇઆર દાખલ કરવા માટે સીબીઆઇને નિર્દેશ આપવાની સત્તા નથી.

Gujarat