For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લોકસભા ચૂંટણી બાદ NCPનો કોંગ્રેસમાં થશે વિલય? જાણો શરદ પવારના નિવેદન પર કેમ ગરમાયુ રાજકારણ

Updated: May 8th, 2024

લોકસભા ચૂંટણી બાદ NCPનો કોંગ્રેસમાં થશે વિલય? જાણો શરદ પવારના નિવેદન પર કેમ ગરમાયુ રાજકારણ

Image Source: Twitter

Sharad Pawar: લોકસભાની ચૂંટણી વચ્ચે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારના નિવેદન પર રાજકારણ ગરમાયું છે. પવારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, વૈચારિક રીતે અમે ગાંધી અને નેહરુના છીએ. કોંગ્રેસ અને અમારી વચ્ચે કોઈ અંતર નથી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ ચંદ્ર પવારે દાવો કર્યો કે, તેનાથી ઘણા ક્ષેત્રીય પક્ષોનો કોંગ્રેસમાં વિલય થઈ શકે છે. ત્યારબાદ ચર્ચા શરૂ થઈ છે કે, પવારની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય થશે. એટલું જ નહીં પવારના આ સંકેત પર રાજ્યમાં રાજકીય બયાનબાજીનો તબક્કો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ પાર્ટીમાં ઘણા વર્ષો વિતાવ્યા બાદ તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરી હતી પરંતુ હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં બે જૂથ બની ગયા છે. શરદ પવારે દાવો કર્યો કે લોકસભા ચૂંટણી પછી ક્ષેત્રીય પક્ષોનો કોંગ્રેસમાં વિલય થઈ શકે છે. લોકસભા ચૂંટણી પહેલા ફેબ્રુઆરીમાં એવી સંભાવના ઉભી થઈ હતી કે એનસીપીના શરદ પવાર જૂથનો કોંગ્રેસમાં વિલય થઈ શકે છે. બાદમાં NCP શરદ પવાર જૂથના નેતાઓએ આ વાતને નકારી કાઢી હતી.

ઉદ્ધવના વિચારસરણી પણ અમારા જેવી

પવારે ઈન્ટરવ્યુમાં કહ્યું કે સાથે મળીને કામ કરવા અંગે ઉદ્ધવ ઠાકરે પોઝિટિવ છે. મેં તેમની વિચારસરણી જોઈ છે. તેઓ અમારા જેવા જ છે. સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે મળીને કામ કરવા અંગે ઉદ્ધવ ઠાકરે પોઝિટિવ છે. પવારના આ નિવેદન પર હવે ભાજપ સહિત મહાયુતિના અન્ય નેતાઓએ નિશાન સાધ્યું છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, જો શરદ પવારે અસ્તિત્વ બચાવવું હોય તો તેમણે કોંગ્રેસમાં સામેલ થવું પડશે. તેમને પોતાની હાર નજર આવી રહી છે. તેથી 4 જૂન સુધીમાં શરદ પવારનું જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથનો કોંગ્રેસમાં વિલય થઈ જશે. ફડણવીસે કહ્યું કે, 4 જૂન બાદ બંને પાર્ટીઓ ખતમ થઈ જશે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે શરદ પવારની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય કરવો કે નહીં તે સંપૂર્ણપણે તેમનો નિર્ણય છે. ચવ્હાણના નિવેદન બાદ રાજકીય વાતાવરણ વધુ ગરમાય તેવી શક્યતા છે.

સંજય નિરુપમે કટાક્ષ કર્યો હતો

થોડા દિવસો પહેલા કોંગ્રેસ છોડીને શિવસેનામાં સામેલ થયેલા સંજય નિરુપમે આ મુદ્દે મોટો કટાક્ષ કર્યો હતો. નિરુપમે કહ્યું કે, શરદ પવાર  લાંબા સમયથી પોતાની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય કરવાનું વિચારી રહ્યા છે. કોંગ્રેસે પણ તેમને ઘણી વખત આ પ્રસ્તાવ આપ્યો હતો. દીકરીને લઈને સમસ્યા હતી. તેમણે મહારાષ્ટ્રમાં કોંગ્રેસનું નેતૃત્વ તેમની પુત્રીને સોંપવાનો આગ્રહ કર્યો હતો જેને કોંગ્રેસે ઠુકરાવી દીધો હતો. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તેમનો પક્ષ વિખેરાઈ ગયો છે. તેમના તાજેતરના નિવેદનનો અર્થ એ છે કે બારામતી તેમના હાથમાંથી સરકી રહી છે. કદાચ તેઓને આવી આશંકા છે. આમ ન થાય તો પણ તેમની પાસે કોંગ્રેસમાં મર્જ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. 

Gujarat