For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

VIDEO: અપહરણ કેસમાં SIT દ્વારા એચડી રેવન્નાની ધરપકડ, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

Updated: May 4th, 2024

VIDEO: અપહરણ કેસમાં SIT દ્વારા એચડી રેવન્નાની ધરપકડ, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

Karnataka Sex Scandal Case : કર્ણાટક પોલીસની એસઆઈટીએ સેંકડો મહિલાઓના જાતીય શોષણના કેસમાં ફસાયેલા પૂર્વ વડાપ્રધાન દેવેગૌડાના પુત્ર જેડીએસ નેતા એચ.ડી.રેવન્નાની ધરપકડ કરી છે. હાલ એક પીડિત મહિલાના અપહરણ મામલે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. 

SITએ રેવન્નાને બે નોટિસ પાઠવી, છતાં હાજર ન થયો

ગત ગુરુવારે મૈસુરમાં એક મહિલાનું અપહરણ થયું હોવાના આરોમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તે મહિલા પણ જાતીય શોષણનો શિકાર બની હતી. કેસ નોંધાયા બાદ પોલીસે રેવન્નાના ખાસ સતીશ બબન્નાની ધરપકડ કરી હતી. આ મામલે એસઆઈટીએ રેવન્નાને બે વખત નોટિસ પાઠવી હતી, તેમ છતાં તે હાજર થયો નહતો, ત્યારે હવે તેની ધરપકડ કરવામાં આવી હતી.

મહિલાની જાતીય શોષણનો વીડિયો વાયરલ થયો

રાજુ એચડી નામના એક વ્યક્તિએ બીજી જૂને કેઆર નગર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. તેણે ફરિયાદમાં કહ્યું હતું કે, તેની માતાએ એચ.ડી.રેવન્નાના ઘરે અને ફાર્મહાઉસમાં છ વર્ષ કામ કર્યું હતું, જોકે તેનો પરિવાર ત્રણ વર્ષ પહેલા કામ છોડીને પોતાના ગામમાં હાલ મજૂરી કરી રહ્યો છે. થોડા દિવસ પહેલા તેનો એક પરિચિત સતીશ ઘરે આવ્યો હતો અને મહિલાને લઈને જતો રહ્યો હતો. થોડા દિવસ બાદ પરત લઈને આવી ગયો હતો. ત્યારબાદ 29 એપ્રિલે સતીશ ફરી ઘરે આવ્યો અને માતાને બળજબરીથી ઘરે લઈ ગયો હતો, સતીશ કહેતો હતો કે, પોલીસ શોધી રહી હોવાથી રેવન્નાએ તેને બોલાવી છે. પછી પહેલી મેએ તેનો એક મિત્ર તેની પાસે આવ્યો અને કહ્યું કે, તેની માતાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેની માતાનું જાતીય શોષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ સતીષને કોલ કરીને માતાને મોકલાવ કહ્યું, પરંતુ તે ન આવી.’

રેવન્નાએ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી, કોર્ટે ફગાવી

કર્ણાટકના પૂર્વ મંત્રી એચ.ડી.રેવન્નાએ મહિલાના અપહરણના કેસમાં ધરપકડથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જોકે કોર્ટે અરજી ફગાવી દીધી છે. લોકપ્રતિનિધિ કોર્ટના જજ સંતોષ ગજાનન ભટ્ટની બેંચે અરજી ફગાવ્યા બાદ આગામી સુનાવણી છ મેએ હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા એસઆઈટીએ એચ.ડી.રેવન્ના અને પુત્ર પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. આ સાથે સીબીઆઈને કહેવાયું હતું કે, પ્રજ્વલ વિરુદ્ધ ઈન્ટરપોલ દ્વારા બ્લૂ કોર્નર નોટિસ જારી કરવામાં આવે. સેક્સ સ્કેન્ડલનો ખુલાસો થયા બાદ પ્રજ્વલ 27 એપ્રિલે વિદેશ ભાગી ગયો હતો.

રેવન્નાની ધરપકડ પહેલા SIT તેના નિવાસ સ્થાને પહોંચી હતી

આ પહેલા એસઆઈટીની ટીમ પ્રજ્વલના વિવાદાસ્પદ વીડિયો કેસની તપાસ કરવા માટે તેના પિતા એચ.ડી.રેવન્નાના હસન જિલ્લાના હોલેનારાસીપુરા સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી. ત્યાં પોલીસ પંચનામું કર્યા બાદ સ્થળ પર જ પીડિતાઓના નિવેદનો નોંધ્યા હતા. SITની ટીમ એક ડીવાયએસપી, બે ઈન્સ્પેક્ટર, એક પોલીસ કોન્સ્ટેબલ, સ્થાનિક પોલીસ કર્મચારીઓની ટીમ પીડિત મહિલાઓને લઈને રેવન્ના ઘરે પહોંચી હતી. આ દરમિયાન રેવન્નાની પત્ની ભવાની સહિત રેવન્નાના વકીલ અને કેટલાક JDS નેતા ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ કર્ણાટકના મુખ્યમંત્રીએ પ્રજ્વલ મામલે ટોચના પોલીસ અધિકારીઓ અને એસઆઈટી ટીમ સાથે ઈમરજન્સી બેઠક યોજી હતી.

રેવન્ના-પ્રજ્વલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા 700 મહિલાઓની માંગ

રેવન્નાની ધરકપડ અગાઉ મહિલા અધિકાર જૂથની 700થી વધુ મહિલાઓએ રાષ્ટ્રીય મહિલા આયોગને પત્ર લખી પિતા-પુત્ર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. મહિલાઓએ આ અભિયાન ગૂગલ ફોર્મ દ્વારા હાથ ધર્યું હતું. પત્ર લખનાર મહિલાઓએ રાષ્ટ્રીય મહિલા આયોગની નબળી પ્રતિક્રિયા સામે સવાલ ઉઠાવ્યા છે. અખિલ ભારતીય નારીવાદી ગઠબંધન, વીમેન ફૉર ડેમેક્રેસી અને મહિલા અધિકારો માટે લડતા અન્ય સંગઠનોના સભ્યોએ રાષ્ટ્રીય મહિલા આયોગને પત્ર લખી પિતા-પુત્ર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ પત્રોમાં 710 મહિલાઓની સહીઓ છે. તેમણે એચ.ડી.રેવન્ના અને પ્રજ્વલ રેવન્નાની ધરપકડ કરવા માંગ કરી છે. મહિલાઓએ એવી પણ માંગ કરી છે કે, પ્રજ્વલ રેવન્નાએ ડિસેમ્બર-2023થી અત્યાર સુધી કરેલા ગુનાહિત કાંડની સત્તાધારી પક્ષને મળેલી જાણકારી અંગે પૂછપરછ કરવા ભાજપ અધ્યક્ષને સમન્સ જારી કરવા માંગ કરી છે.

કોણ છે પ્રજ્વલ રેવન્ના?

પ્રજ્વલ રેવન્ના પૂર્વ પીએમ એચ.ડી.દેવગૌડાના પૌત્ર અને કર્ણાટક સરકારના પૂર્વ મંત્રી એચ.ડી. રેવન્નાના પુત્ર છે. તે હસન બેઠક પરનો સાંસદ છે અને આ વખતે પણ પાર્ટીએ તેમને હસન લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે, રેવન્નાનો કથિત અશ્લીલ વીડિયો જાહેર થયા બાદ તે શનિવારે સવારે જ જર્મની ભાગી ગયો હતો. જો કે રેવન્નાએ દાવો કર્યો છે કે તેના વીડિયો સાથે છેડછાડ કરવામાં આવ્યા છે અને આ વીડિયો તેની ઈમેજને ખરાબ કરવા માટે જાહેર કરવામાં આવી રહ્યા છે.

Gujarat