'શાંતિ અને સ્થિરતા વધશે...', નેપાળમાં સુશીલા કાર્કી વચગાળાના PM બનતાં ભારતની પ્રતિક્રિયા
Nepal Interim Govt: ભારતે શનિવારે નેપાળમાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીના નેતૃત્વમાં બનેલી નવી વચગાળાની સરકારનું સ્વાગત કર્યું. શુક્રવારે મોડી રાત્રે સુશીલા કાર્કીએ નેપાળના પ્રથમ મહિલા વડાંપ્રધાન તરીકે શપથ લીધા.
ભારતનું સમર્થન
આ મુદ્દે ભારતીય વિદેશ મંત્રાલય (MEA)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે સુશીલા કાર્કીના નેતૃત્વ હેઠળ નેપાળમાં નવી વચગાળાની સરકારનું સ્વાગત કરીએ છીએ. અમને આશા છે કે આનાથી શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન મળશે. એક નજીકના પાડોશી, લોકશાહી દેશ અને લાંબા ગાળાના વિકાસ ભાગીદાર તરીકે, ભારત બંને દેશોના લોકો અને તેમની સુખાકારી અને સમૃદ્ધિ માટે નેપાળ સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખશે.
આ પણ વાંચોઃ સુશીલા કાર્કી બન્યા નેપાળના પહેલા મહિલા વડાંપ્રધાન, રચાયો ઇતિહાસ
શુક્રવારે સંભાળ્યો કાર્યકારી વડાંપ્રધાનનો કાર્યભાર
નોંધનીય છે કે, કે. પી શર્મા ઓલીના રાજીનામા બાદ ઘણા દિવસોની રાજકીય અનિશ્ચિતતા હતી. ત્યાર બાગ બાદ શુક્રવારે રાત્રે 73 વર્ષીય સુશીલા કાર્કીએ વડાંપ્રધાનનો કાર્યભાર સંભાળ્યો. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે કાઠમાંડુમાં રાષ્ટ્રપતિ નિવાસસ્થાને સુશીલા કાર્કીને પદના શપથ લેવડાવ્યા. આ સમારોહમાં નેપાળના મુખ્ય ન્યાયાધીશ, વરિષ્ઠ અધિકારીઓ, સુરક્ષા પ્રમુખ અને રાજદ્વારી સમુદાયના સભ્યો હાજર રહ્યા હતા. પૌડેલે કહ્યું કે સુશીલા કાર્કીના નેતૃત્વ હેઠળની કાર્યકારી સરકારને 6 મહિનાની અંદર નવી સંસદીય ચૂંટણીઓ યોજવાનો અધિકાર છે.
કે. પી ઓલીને પદ છોડવું પડ્યું
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના વિવાદાસ્પદ પ્રતિબંધને કારણે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો થયા હતા, જેના કારણે કે. પી ઓલીને પદ છોડવું પડ્યું. હિંસક આંદોલનના ત્રણ દિવસ પછી, 73 વર્ષીય સુશીલા કાર્કી નેપાળમાં વચગાળાની સરકારના વડાંપ્રધાન તરીકે પસંદગી પામ્યા છે છે. શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે સુશીલા કાર્કી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને આ સમય દરમિયાન તેમની સાથે ઉસ હામી નેપાળ NGOના સભ્ય પણ હાજર હતા, જેણે Gen Z આંદોલનનું નેતૃત્વ કર્યું હતું.
આ પણ વાંચોઃ 'ભારત પર 50 ટકા ટેરિફ લગાવવાનું કામ સરળ ન હતું', વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પનું નિવેદન
સુશીલા કાર્કી સામે મૂકવામાં આવી શરતો
હામી નેપાળ NGOએ સુશીલા કાર્કીને વચગાળાની સરકારની જવાબદારી સોંપતા પહેલાં ત્રણ મુખ્ય શરતો મુકી છે. જે મુજબ
- પહેલી શરત હાલની સંઘીય સંસદને ભંગ કરવાની છે. આનો એક અર્થ એ છે કે 2022ની સંસદીય ચૂંટણીમાં રાજકીય પક્ષો જેટલી પણ બેઠકો જીતી શક્યા હતા, હવે તે સંસદ ભંગ કરવામાં આવશે.
- બીજી શરત એ છે કે 8 અને 9 સપ્ટેમ્બરના આંદોલનમાં જે રીતે વિરોધ કરી રહેલા યુવાનોની હત્યા કરવામાં આવી હતી અને તેમના પર શૂટ એટ સાઇટના આદેશો પણ આપવામાં આવ્યા હતા, તેની પણ ન્યાયિક કમિશન દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.
- ત્રીજી શરત એ છે કે, ગત સરકારમાં વડાપ્રધાન રહેલા કે. પી. શર્મા ઓલી સહિત તમામ મંત્રીઓ અને જનપ્રતિનિધિઓની સંપત્તિની તપાસ કરવામાં આવે અને આ માટે ન્યાયિક સત્તાની રચના પણ કરવામાં આવે.
સુશીલા કાર્કી કેટલા સમય સુધી વચગાળાની સરકાર ચલાવશે?
સુશીલા કાર્કી નેપાળમાં વચગાળાની સરકાર ફક્ત ત્યાં સુધી ચલાવશે જ્યાં સુધી ત્યાં નવી ચૂંટણીઓ ન થાય અને નવી સરકાર ન બને. આ માટે 6 મહિનાનો સમયગાળો પણ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં 6 મહિનાની અંદર નવી ચૂંટણીઓ યોજીને નવી સરકાર બનાવવામાં આવશે.
નોંધનીય છે કે, નેપાળના Gen-Z યુવાનોએ સુશીલા કાર્કીને આ જવાબદારી પણ સોંપી છે કે વચગાળાની સરકારના વડા હોવા છતાં, તેઓ આગામી સંસદીય ચૂંટણીઓ સંપૂર્ણ પ્રામાણિકતા અને નિષ્પક્ષતા સાથે કરાવે.