For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચૂંટણી પ્રચાર મૌલિક અધિકાર નથી, જામીનથી નેતાઓ માટે રસ્તો ખુલશે : ઈડી

Updated: May 10th, 2024

ચૂંટણી પ્રચાર મૌલિક અધિકાર નથી, જામીનથી નેતાઓ માટે રસ્તો ખુલશે : ઈડી

- કેજરીવાલને વચગાળાના જામીન મુદ્દે આજે સુપ્રીમમાં ચુકાદો 

- દેશમાં પાંચ વર્ષમાં 123 ચૂંટણીઓ થઈ, પ્રચાર માટે જામીન અપાશે તો નેતાઓની ધરપકડ જ નહીં કરી શકાય : ઈડી

નવી દિલ્હી : દેશભરમાં લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવાનો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડીએ) ગુરુવારે જોરદાર વિરોધ કર્યો હતો. કેજરીવાલને વચગાળાના જામીનનો વિરોધ કરતા ઈડીએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, ચૂંટણી પ્રચાર એ મૌલિક કે બંધારણીય અધિકાર નથી. કેજરીવાલને જામીન આપવામાં આવશે તો દેશમાં અન્ય નેતાઓ માટે પણ જામીનનો રસ્તો ખુલી જશે અને તેમની ધરપકડ મુશ્કેલ થઈ જશે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દિલ્હીમાં દારૂ નીતિમાં મની લોન્ડરિંગના કથિત કૌભાંડ બદલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે ત્યારે ન્યાયાધીશો સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કેજરીવાલને વચગાળાના જામીન આપવા અંગે વિચારણા હાથ ધરી છે. જોકે, ઈડીએ નવું સોગંદનામું દાખલ કરી કેજરીવાલને વચગાળાના જામીન આપવાનો વિરોધ કર્યો છે.

ઈડીએ કહ્યું કે, કોઈપણ નેતાને ચૂંટણી પ્રચાર માટે ક્યારેય પણ વચગાળાના જામીન અપાયા નથી. નેતા ચૂંટણી લડતા હોય તો પણ તેમને જામીન અપાયા નથી. ચૂંટણી પંચ વિરુદ્ધ મુખ્તાર અંસારીના ૨૦૧૭ના ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે પોતે જ કહ્યું છે કે ચૂંટણી પ્રચાર કરવો એ મૌલિક અધિકાર પણ નથી અને બંધારણીય અધિકાર પણ નથી. ઈડીએ સોગંદનામામાં કહ્યું કે, દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૧૨૩ ચૂંટણીઓ થઈ છે. ચૂંટણી પ્રચાર માટે કેજરીવાલને વચગાળાના જામીન આપવામાં આવશે તો અન્ય નેતાઓ માટે જામીન મેળવવાનો દરવાજો ખુલી જશે. દરેક નેતા જામીન માટે ચૂંટણી પ્રચારનો જ તર્ક આપશે, કારણ કે દેશમાં હંમેશા કોઈ ને કોઈ ચૂંટણી ચાલતી જ હોય છે. પછી તો નેતાઓની ક્યારેય ન્યાયિક અટકાયત જ થઈ શકશે નહીં.ઈડીએ કહ્યું કે, નેતાઓ જેલમાં રહીને પણ ચૂંટણી લડયા છે અને જીત્યા છે, પરંતુ તેમને ક્યારેય આ આધાર પર વચગાળાના જામીન અપાયા નથી. ઈડીએ ૧૯૭૭નો કેન્દ્ર સરકાર વિરુદ્ધ અનુકૂલ ચંદ્રા પ્રધાનનો કેસ ટાંકીને કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ન્યાયિક અટકાયતમાં રહેલી વ્યક્તિને વોટ આપવાના બંધારણીય અધિકારથી પણ વંચિત કરી દીધા હતા. આવું કલમ ૬૨(૫) હેઠળ કરાયું હતું.

તપાસ એજન્સીએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, વચગાળાના જામીનથી એવું ઉદાહરણ સ્થાપિત થઈ જશે, જેનાથી કોઈપણ આરોપી રાજનેતાને ચૂંટણીની આડમાં ગૂનો કરવા અને તપાસથી બચવાની તક મળી જશે. વધુમાં નેતાને સામાન્ય માણસ કરતાં વધુ અધિકાર આપી શકાય નહીં. આ સાથે ઈડીએ સુપ્રીમ કોર્ટને કેજરીવાલને પાઠવાયેલા ૯ સમન્સની અવગણનાની પણ યાદ અપાવી હતી. પીએમએલએ હેઠળ અનેક નેતાઓ જેલમાં કેદ છે. આ ઘટના પછી તેઓ પણ જામીન માગવા લાગશે. કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ તેમની અરજી પર સુનાવણી કરતા ન્યાયાધીશ સંજીવ ખન્નાએ બુધવારે કહ્યું હતું કે, અમે શુક્રવારે વચગાળાનો જામીન આપવા અંગેનો આદેશ સંભળાવીશું.

Gujarat