For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતનો સૌથી 'ઊંચો' પરિવારઃ હરતાં-ફરતાં ચાર-મિનાર

Updated: Mar 29th, 2024

ભારતનો સૌથી 'ઊંચો' પરિવારઃ હરતાં-ફરતાં ચાર-મિનાર

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

કુટુંબ નિયોજનનું એક સૂત્ર હંમેશા વાંચવા મળતું - નાનું કુટુંબ સુખી કુટુંબ. જોકે મહારાષ્ટ્રના પુણેમાં રહેતા દેશના સૌથી ઊંચા ફેમિલીને જોઈને કોઈ પણ બોલી ઉઠે કે 'નાનું કુટુંબ ઊંચું કુટુંબ.' કારણ, તાડના ત્રીજા ભાઈ જેવાં  ઊંચા ઘરના મોભી શરદ કુલકર્ણીની હાઈટ ૭ ફૂટ દોઢ ઈંચ, પત્ની સંજોતની હાઈટ ૬ ફૂટ ૨.૬ ઈંચ, મોટી દીકરી મૃગાની હાઈટ ૬.૧ ઈંચ અને નાની દીકરી સાન્યાની હાઈટ ૬.૪ ઈંચ છે. પુણે કે મુંબઈમાં જયારે ટોલેસ્ટ ફેમિલી ફરવા નીકળે ત્યારે આસપાસથી પસાર  થતાં વાહનો ધીમા પાડીને લોકો આ ચાર ફેમિલી મેમ્બરના હરતાં-ફરતાં ચાર-મિનારને જોતા રહી જાય છે. હરતાં-ફરતાં ચાર મિનારને જોઈને કોને આશ્ચર્ય ન થાય? લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ટોલેસ્ટ ફેમિલી તરીકે તેમને સ્થાન મળ્યું છે. ઊંચાઈ વધુ હોવાના લાભ પણ છે અને તકલીફ પણ છે. એક તો પહેરવાનાં કપડાંથી માંડીને જૂતાં રેડીમેડ મળતાં નથી, એટલે કાં સીવડાવવાં પડે છે અને કાં વિદેશથી ઈમ્પોર્ટ કરવાં પડે છે. ઘરમાં દરવાજાની ફ્રેમ ૬ ફૂટની હતી એ ફ્રેમ ૮ ફૂટની કરવી પડી છે. પલંગની સાઈઝ પણ મોટી બનાવવી પડી છે. બીજું તો ઠીક ટોઈલેટમાં કમોડ પણ આ લંબુજીઓને અનુકૂળ તૈયાર કરવું પડયું છે. લકઝરી બસ કે પ્લેનમાં પ્રવાસ કરવાનો હોય ત્યારે શરદ કુલકર્ણી અને તેમનું ફેમિલી  સૌથી આગળની સીટની માગણી કરે છે. નહીંતર તેમના બગલા જેવા પગ સમાતા નથી. ઘરમાં સીલિંગ ફેન પણ ઊંચે ગોઠવવો પડયો છે, નહીંતર સવારે પલંગમાંથી ઊભા થઈને આળસ મરડવા જાય તો હાથમાં ઈજા થઈ જાય. આ તકલીફો છતાં ચારેય સગર્વ  કહે છે કે અમારૃં કુટુંબ દેશનું સૌથી ઊંચું  કુટુંબ. સહુનું ધ્યાન ખેંચતા આ લંબુજી પરિવાર હસીખુશીથી જીવન વિતાવે છે. સાત ફૂટિયા શરદ કુલકર્ણી તો જ્યારે સ્કૂટર પર બેસી ચક્કર મારવા નીકળે ત્યારે જાણે જિરાફના પગ વચ્ચે સસલું ચાલતું હોય એવું લાગે. આ પરિવારને જોઈને કહેવું પડે કે-

ભલે સહુ કહે કે

હરતાં ફરતાં ચાર-મિનાર છે,

પણ લુચ્ચાઈ વગર

ઊંચાઈ સાથે ફરવામાં જ સાર છે.

પૈસા ખાતર સગાં

ભાઈ-બહેનનાં લગ્ન

પૈસો હાથનો મેલ છે એવું કહેવાય છે, એટલું જ નહીં, પૈસા ખાતર કેવાં મેલા કામ કરવામાં આવે છે તેનો પુરાવો તાજેતરમાં જ ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી સામૂહિક વિવાહ આયોજન વખતે મળી ગયો. સમૂહલગ્ન વખતે સરકાર તરફથી યુગલને અપાતી ૩૫ હજાર રૂપિયાની રોકડ રકમ અને ઘરવખરી મેળવવા માટે સગાં ભાઈ-બહેને ખોટી વિગતો આપી લગ્ન કર્યાં હતાં. 

ઉત્તરપ્રદેશના મહારાજગંજમાં  લક્ષ્મીપુર ગામે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ૩૮ યુગલોનાં લગ્ન થયાં એમાં હજી એક વર્ષ પહેલાં જ પરણેલી એક યુવતી, જેનો પતિ રોજગારી માટે બહારગામ રહે છે, એનાં લગ્ન એના ભાઈ સાથે લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. આ શરમજનક લગ્નનો ભાંડો ફૂટતાં સરકારી તંત્ર દોડતું થઈ ગયું હતું. ગ્રામ પંચાયતના અધિકારીને સસ્પેન્ડ  કરવામાં આવ્યા હતા, એટલું જ નહીં, પરણેલાં ભાઈ-બહેન સામે પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે. 

આ પહેલાં પણ મુખ્ય મંત્રી સમૂહલગ્ન યોજનાનો લાભ લેવા ખાતર એક વાર પરણ્યા હોય એને ફરી વાર પરણાવવાના અને કન્યાને બનેવી સાથે ફેરા ફેરવી દેવા જેવાં કૈંક ગોટાળા કરવામાં આવ્યા હતા. આને લીધે સરકારે સારા ઈરાદા સાથે શરૂ કરેલી યોજના પર ટીકાના તીર છોડવામાં આવી રહ્યાં છે. આ જોઈને કહેવું પડે કે-

ધન મેળવવા ગોેઠવાય

જાતજાતના છટકાં,

પણ પકડાય ત્યારે ખાવા પડે

પોલીસના ફટકા.

માતૃભક્તે શરીરની ચામડીમાંથી ચપ્પલ બનાવી માતાને ભેટ ધર્યા

ઘણીવાર કોઈને એવું કહેતા સાંભળીએ છીએ કે માતા-પિતાનો એટલો મોટો ઉપકાર છે કે ચામડી ઉતારી જોડાં સીવડાવું તોય ઋણ ન ચૂકવાય, પરંતુ મધ્ય પ્રદેશના ઉજ્જૈનના પૂર્વાશ્રમના માથાભારે શખસનું રામાયણ વાંચ્યા પછી એવું હૃદય પરિવર્તન થયું કે તેણે શરીરની ખરેખર ચામડી ઉતારી એમાંથી ચપ્પલ બનાવી માતાને પહેરાવ્યાં. રોનક ગુર્જર નામના આ માથાભારે યુવાન થોડાં વર્ષો પહેલાં ગુનાખોરીના ખોટા રસ્તે ચડી ગયો હતો. એક વાર પોલીસ પાછળ પડી ત્યારે પોલીસના ગોળીબારમાં બંદૂકની ગોળી પગ વીંધીને નીકળી ગઈ હતી. ત્યાર બાદ તેણે ગુનાખોરીનો રાહ છોડી દેવાનો સંકલ્પ કર્યો. નિયમિત રામાયણનું વાંચન શરૂ કર્યું. ત્યાર પછી તાજેતરમાં ઘરે ભાગવત કથા બેસાડી. ત્યારે પરિવારજનોને ખબર ન પડે એમ હોસ્પિટલમાં જઈ સર્જિકલી ચામડી  ઉતરાવી અને એમાંથી ચપ્પલ બનાવીને માતાને ભેટ ધર્યા. બોલો કેવી માતૃભક્તિ!

લસણ ભગાડે વાઘને

લસણ વધુ ખાવાથી પેટમાં બળતરા થાય, પણ છેલ્લા થોડા સમય દરમિયાન  લસણના ભાવ આસમાને ગયા પછી  પેટની નહીં, પાકિટની બળતરા સહેવી પડે છે. બજારમાં જઈ લસણનો ભાવ પૂછો અને વેંચવાવાળો કહે કે ૩૦૦થી ૪૦૦ રૂપિયો કિલો... ત્યારે ભાવ સાંભળીને સામાન્ય માણસ તો ભડકીને આઘો જ ભાગેને? પરંતુ તમને ખબર છે, લસણમાં એવી તાકાત છે કે વાઘને પણ ભગાડી શકે છે. જોકે લસણની વાસથી વાઘ ભાગે એ માન્યતા ભારતમાં નથી, કોરિયામાં છે. અગાઉના જમાનામાં  કોરિયાના લોકો જંગલની કેડીએ કેડીએ અવરજવર કરતા ત્યારે ઘરેથી ખૂબ લસણ ખાઈને નીકળતા. લસણની તીવ્ર ગંધથી વાઘ નજીક નથી આવતો એવું કોરિયનો માને છે. 

જ્યારે આપણા દેશમાં ધર્મને નામે ઘણા લોકો લસણથી દૂર ભાગે છે. આ લોકો લસણ-ડુંગળીને જીવનભર હાથ ન લગાડવાના સોગંદ લે છે. જ્યારે ઈજિપ્તમાં તો લસણ-ડુંગળીના નામે સોગંદ લેવામાં આવતા  હતા, બોલો! 

ઇજિપ્તમાં તો પિરામિડ ચણનારા મજૂરોનો મુખ્ય ખોરાક લસણ-ડુંગળી હતો. લસણની એટલી કિંમત હતી કે લસણના બદલામાં ગુલામો ખરીદી શકાતા હતા. પુરાતન કાળથી આયુર્વેદમાં લસણનો ઔષધ તરીકે ઉપયોગ થાય છે એચલું જ નહીં, રોજિંદા આહારમાં સદીઓથી  લસણ છૂટથી વપરાય છે. દુનિયામાં સૌથી વધુ લસણ ઉગાડવામાં પહેલે નંબરે ચીન છે અને બીજે નંબરે ભારત. ચીનનું લસણ પણ બજારમાં વેંચાય છે અને લસણદાર ચાઈનીઝ વાનગીનો ગામડાથી લઈ શહેર સુધી ધૂમ વેંચાય છે. ચીન આપણી જમીન પચાવે અને આપણે ચીનનું  ખાણું  પચાવીએ. ટૂંકમાં, આ લસાયણને અંતે એટલું કહી શકાય કે કોરિયાની માન્યતા મુજબ ખૂબ લસણ ખાઈને નીકળે એ માણસથી વાઘ ભાગે છે, જ્યારે આપણે ત્યાં બહુ લસણ ખાતા હોય તેનાંથી આઘા રહેવાથી વાયુ-પ્રદૂષણથી બચી શકાય છે એટલે જ કહેવું પડે કે-

કોરિયામાં વાઘ લસણની

વાસથી આઘો ભાગે,

ભારતમાં માણસ લસણના

ભાવથી આઘો ભાગે.

પંચ-વાણી

આ ત્રણથી દૂર રહેવામાં જ સાર છેઃ

વાસી ખાણાથી, ઉછીના ગાણાથી અને બેઈમાનીના નાણાથી.

Gujarat