For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આ ગામના કોઈ ઘરમાં પલંગ નથી, કારણ કે...

Updated: Feb 9th, 2024

આ ગામના કોઈ ઘરમાં પલંગ નથી, કારણ કે...

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

સામાન્ય રીતે ગામડામાં ધામધૂમથી લગ્ન થતાં હોય છે અને દરેક ગ્રામજનને પરિવારના સભ્ય ગણીને  જમણવારમાં સામેલ કરાતા હોય છેે. પરંતુ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) જિલ્લાના ચોંઢાળા ગામમાં પરાપૂર્વથી  એવો રિવાજ છે કે યુવક-યુવતીનાં લગ્ન ગામની અંદર કરવામાં નથી આવતા. લગ્નવિધિ ગામથી બે કિલોમીટર દૂર મારૂતિ મંદિરે જઈને કરવામાં આવે છે. બીજું , ગામના  કોઈ ઘરમાં પલંગ રાખવામાં નથી આવતા અને ત્રીજું , માળવાળા મકાન નથી બાંધવામાં આવતાં, બધાં જ ઘર બેઠા ઘાટનાં છે. ગામમાં રેણુકા દેવીનું પ્રાચીન મંદિર છે. રેણુકા દેવી અવિવાહિત રહ્યાં એટલેે તેમનાં પ્રત્યે આદર વ્યક્ત કરવા ગામની અંદર લગ્ન થતાં નથી અને ગામથી બે કિલોમીટર દૂર મારૂતિ મંદિરમાં લગ્નો યોજાય છે લગ્ન પછી યુવક-યુવતીને પલંગ અપાતા નથી. ગામમાં રેણુકા દેવીનું મંદિર છે તેનાંથી ઊંચું  મકાન ન બંધાય એવી માન્યતાને ગામના શ્રદ્ધાળુઓ સદીઓથી વળગી રહ્યા છે. દેવીનો કોપ ન ઉતરે અને રેણુકા દેવીના સદાય આશીર્વાદ મળે એ માટે આ અનોખી પરંપરા નિભાવવામાં આવે છે.

૧૮૬૦ પહેલાં લોકો ટેક્સ ન ભરતા અને આજેય નથી ભરતા

આ દેશમાં કર ભરનારા કરતાં કર ન ભરનારાની સંખ્યા અનેક ગણી વધુ છે. મુઠ્ઠીભર કરદાતાઓનું નાક દબાવી સરકાર કર વસૂલ કરે છે અને કરચોરો  જલ્સા કરે છે. આ વખતે અંદાજે આઠથી નવ કરોડથી વધુ લોકોએ ઈન્કમ ટેક્સ ભર્યો હતો. એટલે એમ કહી શકાય કે કુલ વસ્તીના સાતથી આઠ ટકાએ જ કર ભર્યો હતો. એટલે એમ કહી શકાય કે ૧૮૬૦ પહેલાં લોકો ટેકસ નહોતા ચૂકવતા અને આજે એકવીસમી સદીમાં પણ ગણ્યાગણાય નહીં એટલા લોકો ટેક્સ ભરવાનું ટાળે છે. ફેબુ્રઆરીની શરૂઆતમાં નાણામંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રનું બજેટ રજૂ કર્યું હતું, પરંતુ ભારતમાં અંગ્રેજોની હકૂમત વખતે સર્વ પ્રથમ બજેટ ૧૮૬૦માં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારથી આવકવેરાની શરૂઆત થઈ હતી. એ વખતે પાંચસો રૂપિયાની  આવકવાળા પર બે ટકા (એટલે કે૧૦ રૂપિયા ) અને પાંચસોથી વધુ આવક હોય એની પર ચાર ટકા (એટલે ૨૦ રૂપિયા) ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. એ વખતે મોટા જમીનદારો અને વેપારીઓએ કરનો વિરોધ કર્યો હતો, પરંતુ સુરક્ષિત વ્યાપારની બાંયધરી આપનારા અંગ્રેજોએ કહ્યું કે કર તો ચૂકવવો જ પડશે.૧૮૫૭ના બળવામાં જે નુકસાન થયું હતું તે ભરપાઈ થઇ જાય તે માટે કોઈ પણ ભોગે અંગ્રેજો ટેક્સ વસૂલવા મક્કમ હતા. પછી તો રાજકારભાર ચલાવવા માટે બ્રિટિશરોને ટેક્સનું અમોધ શસ્ત્ર મળી ગયું હતું. અંગ્રેજોને આ શસ્ત્ર દેખાડનારા સ્કોટલેન્ડના અર્થશાસ્ત્રીનું  નામ હતું જેમ્સ વિલ્સન. તેમણે જ પરતંત્ર ભારતનું પહેલું બજેટ રજૂ કર્યું હતું. 

કેવી કમબખ્તી કહેવાય! ગુલામ દેશમાં ૧૮૬૦ પહેલાં કોઈ ઈન્કમ-ટેક્સ નહોતું ભરતું અને આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી થઈ રહી છે ત્યારે મોટા ભાગના લોકો કર નથી ચૂકવતા. પૈસાદારો કર ન ચૂકવે ત્યારે અંગ્રેજી અને ગુજરાતીની મિલાવટી ગુજરેજી ભાષામાં શું કહેવાય ખબર છે? નો-કર.

માણસને નડે કબૂતર

અને કાં નડે કપૂતર

બેટી બની બિનવારસ મૃતકોની બેલી

સામાન્ય રીતે આપણા સમાજમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે તેના પરિવારની સ્ત્રીઓ સ્મશાને જતી નથી. મહિલા સ્મશાને જાય તેને અશુભ પણ માનવામાં આવે છે... પરંતુ આવી  કોઈ મ્હેણાં-ટોણાંની સાડીબાર રાખ્યા વિના ફરીદાબાદની પૂજા શર્મા નામની ૨૬ વર્ષની યુવતીએ બિનવારસ મૃતદેહની અંતિમવિધિ કરવાનો ભેખ લીધો છે. એક વખત એવો હતો કે કોઈ તેની મદદે ન આવતું ત્યારે સ્ટ્રેચરમાં કે  લારીમાં એકલી જ મૃતદેહને સ્મશાને  લઈ જતી અને અગ્નિદાહ આપતી હતી. પૂજાના સમાજના લોકો એટલી  હદે નારાજ થયા કે એક દિવસ તેની ઉપર હુમલો કરી પગ તોડી નાખ્યો. છતાં પરોપકારી  પૂજા હિંમત ન હારી.  સાજી થઈ એટલે ફરી સેવાકાર્યમાં લાગી ગઈ. ત્યારબાદ ગામના લોકોએ એવી અફવા ફેલાવી કે પૂજા લાવારીસ મૃતકોને અગ્નિદાહ આપે છે એટલે જ્યારે એ બહાર નીકળે છે ત્યારે તેની પાછળ ભૂતપ્રેતનું ટોળું ચાલતું હોય છે. આ હાઉ ફેલાવવામાં આવ્યા પછી ઘણા લોકો ડરીને આઘા ચાલવા માંડયા, પણ આ યુવતીને કોઈ ફરક ન પડ્યો. છેલ્લાં ત્રણેક વર્ષ દરમિયાન લગભગ ચાર હજાર મૃતદેહોના તે અગ્નિ સંસ્કાર કરી ચૂકી છે. જોકે હવે તો તેની આ નિષ્ઠા જોઈ ઘણા મદદે આવતા જાય છે. મીડિયાવાળાએ સવાલ કર્યો કે તને બિનવારસ લાશોની અંતિમ ક્રિયાનો વિચાર તેવી રીતે આવ્યો? ત્યારે પૂજાએ કહ્યું કે ૨૦૨૨માં તેના ભાઈને કોઈએ અદાવતને લીધે ઠાર કર્યા હતો. ભાઈને સ્મશાને લઈ જવા તે આડોશીપાડોશી પાસે ગઈ અને વિનવણી કરી કે મૃત ભાઈને સ્મશાને પહોંચાડો, પણ કોઈ આગળ ન આવ્યું. છેવટે પોતે ભાઈના મૃતદેહને સ્મશાને લઈ ગઈ અન અંતિમવિધિ કરી. ત્યારે તેના મગજમાં ઝબકારો થયો કે બિનવારસ મૃતદેહોની કેવી અવદશા થાય છે. આ લાશો શબગૃહમાં પડી રહે તેના કરતાં સન્માનપૂર્વક અંતિમક્રિયા કરવી જોઈએ. બસ, ત્યારથી તેણે આ સેવા કાર્યની શરૂઆત કરી. હવે તો હોસ્પિટલોમાંથી કે પોલીસમાંથી ફોન આવે કે લાવારીસ મૃતદેહને અગ્નિદાહ આપવાનો છે, એટલે પૂજા યાદવ પહોંચી જાય છે. 

પૂજાના પિતા દિલ્હી મેટ્રોમાં નોકરી કરે છે એ દર મહિને બહાદુર બેટીને દસ-પંદર હજારની મદદ કરે છે. પૂજાના દાદા લશ્કરમાં હતા. એ શહીદ થયા પછી પરિવારને જે પેન્શનમળે છે એમાંથી પણ થોડો હિસ્સો પૂજાને આપે છે. આ પૈસામાંથી  પૂજા અવિરત સેવાયજ્ઞા ચલાવે છે. જેનાં અગ્નિસંસ્કાર કર્યા હોય તેના અસ્થિ કળશ સાચવીને રાખવામાં આવે છે.  ત્યારબાદ દર અમાવસ્યાએ પૂજા ખુદ અસ્થિ કળશ લઇ હરદ્વાર જાય છે અને તેનું ગંગા નદીમાં વિસર્જન કરે છે. યુવતીના આ સેવા કાર્યને જોઈને કહેવું પડે કે-

ભલેને વાંહે આવે ભૂતનું ટોળું

મારું કામ નહીં પડવા દઉં મોળું.  

કબૂતર જા... જા... જા...

શાંતિના પ્રતિક ગણાતાં સફેદ કબૂતરો ઘણીવાર વાર તહેવારે ઊડાડવામાં આવે છે, પણ વસમા પાડોશી પાકિસ્તાન અને ખંધા, ખૂંટલ ચીનાઓ જાસૂસી કરવા કબૂતરોની પાંખમાં ચીપ બેસાડી કબૂતરોને ભારતની સરહદમાં મોકલે છે. આવું જ એક ચીની કબૂતર મુંબઈમાં પકડાયું હતું જેને મુંબઈ પોલીસે ૮ મહિના હિરાસતમાં રાખ્યા બાદ છોડી મૂક્યું હતું. મુંબઈના  પરેલ વિસ્તારમાં આવેલી બાઈ સાકરબાઈ પેટીટ હોસ્પિટલ ફોર એનિમલ્સમાં આ કબૂતરને રાખવામાં  આવ્યું હતું. પ્રાણી હોસ્પિટલવાળાએ તેને છોડી મૂકવાની મંજૂરી માગ્યા પછી પોલીસે અનુમતિ આપી હતી.  કાશ્મીર અને પંજાબની સરહદે અનેક વાર જાસૂસ કબૂતરો પકડાય છે. ભારતથી ગેરકાયદેસર અમેરિકા અને કેનેડા સહિત લોકોને મોકલવાના ગોરખધંધા ચાલે છે એને કબૂતરબાજી કહેવાય છે, બરાબરને? એટલે આપણા દેશના કેટલાય કબૂતરબાજો લોકોને બનાવટી પાસપોર્ટ અને વિઝાના જોરે પરદેશ રવાના કરે છે, જ્યારે બીજી તરફ પરદેશથી જાસૂસી કરવા માટે કબૂતરોશાંતિદૂત નહીં પણ અશાંતિ દૂત જ છે. મુંબઈ જેવાં શહેરોમાં કબૂતરખાનામાં ચણ નાખવામાં આવે છે એ ખાવા કબૂતરો તૂટી પડે છે. હવે આ જ કબૂતરોના ચરકની વાસથી કેટલાય લોકો શ્વસનતંત્રની ગંભીર બીમારીમાં પટકાય છે. અમુક મ્યુનિસિપલ હોસ્પિટલોમાં તો આ રીતે શ્વસનતંત્રની બીમારી લાગુ પડી હોય તેની સારવાર માટે ખાસ વ્યવસ્થા છે. કાંદિવલીની એક ગુજરાતી યુવતીને તેના ઘરની છત પર બેસતા કબૂતરો એવાં નડયા કે  ફેફસાં કામ કરતા બંધ થઈ ગયા. છેલ્લાં લગભગ પંદર વર્ષ દરમ્યાન તેના શરીર પર જુદા જુદા ૧૮ ઓપરેશન થયા છતાં આજ સુધી તે સંપૂર્ણ સાજી થઈ નથી. એટલે જાસૂસી કરતા અને લોકોને કનડતા આ કબૂતરોનો ત્રાસ જોઈને કહેવું પડે કે-

પંચ-વાણી

બીજે બધે હોય કાળ-ચોઘડિયું

સુરતમાં હોય ગાળ-ચોઘડિયું

Gujarat