For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આણંદનું આ વિરાટ કેસરિયા સાગર જોઇ લાગે છે કે આણંદે આજે બધા રેકોર્ડ તોડયા છે : નરેન્દ્ર મોદી

Updated: May 2nd, 2024

આણંદનું આ વિરાટ કેસરિયા સાગર જોઇ લાગે છે કે આણંદે આજે બધા રેકોર્ડ તોડયા છે : નરેન્દ્ર મોદી

- આ ચૂંટણીમાં ખેડા-આણંદ બધા જ વિક્રમો તોડશે

- ''વિકાસનો મતબલ ખેડા-આણંદવાસીઓને સમજાવવો ન પડે, તેમણે દુનિયા જોઇ છે, સમુદ્ધ દુનિયા કેવી હોય તેની ખબર છે, મારે અહીંયા આવું બનાવવું છે''

આણંદ: આણંદ પાસેના વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે ગુરૂવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાઈ હતી.મોદીએ ભારત માતા કી જય ના નારા લગાવીને સબોધનની શરૂઆત કરી હતી. નાના બાળકોને ફોટા લઇને ઉભા ન રાખવા, તેમને બેસાડીને શાંતિથી સાંભળવા , જોવા દેવા અપીલ કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે હુ ગુજરાતમાં ઘણા વર્ષો સુધી મુખ્યમંત્રી તરીકે આપની સેવા કરતો રહ્યો તેમજ પાર્ટીના સંગઠનના કામ માટે ગુજરાતમાં કામ કરતો રહ્યું છું. 

ચૂંટણીઓ લડાવી પણ ખરી અને લડી પણ ખરી, સભાઓ પણ કરી અને રેલીઓ પણ કરી પરંતુ મારે આજે કહેવું પડે કે ગુજરાતમાં ૧૧ , ૧૨ વાગ્યા પહેલા જો કોઇ સભા કરવી હોય તો લોઢાના ચણા ચાવવા પડે. સાંજે ઠંડક થાય ત્યારે સભા રાખો તેવો આગ્રહ રખાય. પરંતુ આજે તો આણંદનું આ વિરાટ કેસરિયા સાગર જોઇ એવું લાગે છેકે આજે આણંદે બધા જ રેકોર્ડ તોડયા છે. આ ચૂંટણીમાં પણ આણંદ અને ખેડા બધા જ રેકોર્ડ તોડશે. 

વર્ષ ૨૦૧૪માં તેમ મને દેશની સેવા કરવા મોકલ્યો , સરદારની ભુમિમાંથી  મને મળેલું શિક્ષણ, ઘડતર દેશ સેવામાં લેખે લાગે છે, કામે લાગે છે. તેઓએ વધુમા ંજણાવ્યું હતું કે આપણો ગુજરાતનો મંત્ર રહ્યો છે કે 'ભારતના વિકાસમાં ગુજરાતનો વિકાસ'. મારૂ એક જ સપનું છે વર્ષ ૨૦૪૭માં આપણે જ્યારે દેશની આઝાદીના ૧૦૦ વર્ષની ઉજવણી કરીએ ત્યારે હિન્દુસ્તાન વિકસિત ભારત હોવું જોઇએ. ગુજરાત પણ વિકસિત ભારત હોવું જોઇએ. 

અને વિકાસ શું છે તેનો મતબલ ખેડા-આણંદવાસીઓને સમજાવવો ન પડે. કુટુંબીજનો દુનિયાભરના દેશોમાં વસવાટ કરે છે. તેઓએ આખી દુનિયા જોઇ છે. સમુદ્ધ દુનિયા કેવી હોય તેની ખબર છે. પ્રગતિ કેવી હોય તેવી ખબર છે. આપણે પણ અહીંયા આવું બનાવવું છે, એમ મોદીએ જણાવ્યું હતું.

આ કામ માટે મને ૧૪૦ કરોડ દેશવાસીઓને આશિર્વાદ જોઇએ છે. મને સરદાર સાહેબની ભુમીના આશિર્વાદ જોઇએ છે. આખા દેશમાંથી આશિર્વાદ મળે અને સરદારની ભુમીના આશિર્વાદ મળે તો ચાર ચાંદ લાગી જાય. ગુજરાતની ભુમીના આશિર્વાદ માટે આવ્યું છે. 

મોદીએ તેમના સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે તેઓએ ચૂંટણી પ્રચાર માટે નહી પણ ગુજરાતના દિકરાના નાતે આપનો આશીર્વાદ મેળવવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ માગતા પીએમ તરીકે નહી પરંતુ નરેન્દ્રભાઈ તરીકે ઓળખાવા માગુ છું તેમ જણાવ્યું હતું. 

પી.એમ. સાહેબ નહી પણ આપણા નરેન્દ્રભાઈ તરીકે મને બધા ઓળખે તેવી મારી અપેક્ષા છે તેમ કહેતા દુનિયાના કોઈપણ દેશમાં કોઈ ગુજરાતી મળે અને નરેન્દ્રભાઈ તરીકે બોલાવે તે તેમને પસંદ હોવાનું ઉમેર્યું હતું.

મોદીએ કોંગ્રેસ અને ઇન્ડિ ગઠબંધનની રણનીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. મુસ્લિમોને વોટ જેહાદ માટે કરાયેલા આશ્વાહનને લોકતંત્ર અને સંવિધાનનું અપમાન ગણાવ્યું હતું. કોંગ્રેસ સંવિધાનમાં સુધારો કરીને ધર્મ આધારિત મુસ્લિમોને આરક્ષણ નહીં આપે તેવી લેખિતમાં ગેરંટી કોંગ્રેસના શાહજાદા પાસે માંગી હતી. એસસી. એસટી. ઓબીસીના હક રોકવામાં નહીં આવે , કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ઓબીસીના ક્વોટામાં કાપ મુકીને મુસ્લિમોને આરક્ષણ નહીં અપાય તેવી લેખિતમાં ગેરંટી પણ મોદીએ કોંગ્રેસના શાહજાદા પાસે માંગી હતી.

- આણંદનું સિવિલ હોસ્પિટલ, સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું સપનું પુરૂ થયું ઃ સી.આર.પાટીલ

ભાજપના સી.આર.પાટીલે સ્વાગત પ્રવચનમાં ભારત માતા કી જય, વંદે માતરમ અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા.૧૪૦ કરોડ દેશવાસીઓ માટેના મોદીના સંકલ્પની વાત કરી હતી. દેશની સુરક્ષા માટે લેવાયેલા પગલાની વાત કરી હતી. હેલિકોપ્ટર, યુદ્ધ ટેંકો હવે ભારતમાં બને છે તેનું ગૌરવ લીધું હતું. ડબલ એન્જિનની સરકારમાં ૨૦ વર્ષોથી જેની રાહ જોવાતી હતી તે સિવિલ હોસ્પિટલ પ્રશ્ન ભુપેન્દ્રભાઇની સરકારમાં ઉકેલાયો, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું સપનું પુરૂ થયુ , નલ સે જલ યોજનાની ૧૦૦ ટકા કામગીરી થઇ તે અંગેની માહિતી આપી હતી.

Gujarat