અમેરિકામાં ભારતીય મૂળની મહિલાનું શરમજનક કૃત્ય, 11 વર્ષના દીકરાની ગળું કાપી હત્યા કરી
USA California Sarita Ramaraju News : અમેરિકાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. ભારતીય મૂળની એક મહિલા પર તેના દીકરાની જ ગળું કાપી નાખી હત્યા કરી દીધાનો મામલો સામે આવ્યો છે. આરોપી મહિલાનું નામ 48 વર્ષીય સરિતા રામારાજુ છે. જેણે પહેલા તો ડિઝ્નીલેન્ડમાં દીકરાને ફેરવ્યો હતો અને પછી દીકરાની ક્રૂરતાપૂર્વક ગળું કાપી નાખી હત્યા કરી દીધાનો આરોપ લાગ્યો છે.
દોષિત ઠરશે તો 26 વર્ષની સજા
કેલિફોર્નિયાની ઓરેન્જ કાઉન્ટીના જિલ્લા એટોર્ની કાર્યાલયના એક નિવેદનમાં જણાવાયું હતું કે જો ભારતીય મૂળની આ મહિલા તમામ આરોપોમાં દોષીત ઠરશે તો તેને મહત્તમ 26 વર્ષની કારાવાસની સજા થશે. ઉલ્લેખનીય છે કે આ મહિલાએ 2018માં પતિ જોડે છૂટાછેડા લઈ લીધા હતા અને દીકરા સાથે એક મોટેલમાં રહેતી હતી.
માતાએ કેમ બાળકની હત્યા કરી?
માહિતી અનુસાર 19 માર્ચના રોજ આ ઘટના બની હતી જ્યારે સરિતા મોટેલથી ચેક આઉટ કરીને તેના દીકરાને તેના પિતા જોડે મૂકી આવવાની હતી. જોકે સરિતાના મગજમાં શું ખબર શું ચાલતું હતું કે તેણે સવારે 911 પર કૉલ કરીને જાણ કરી દીધી કે તેણે પોતાના દીકરાને મારી નાખ્યો છે અને હવે પોતે ગોળીઓ ખાઈને આત્મહત્યા કરી રહી છે. આ જાણકારી મળતાં જ સાંતા એના પોલીસ મોટેલ પહોંચી ગઈ હતી જ્યાં બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.