Russia-Ukraine War : રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ શરુ થવાનું કારણ નાટો છે, કારણ કે યુદ્ધ પહેલા યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદોમિર ઝેલેન્સ્કીએ નાટોમાં સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જેના કારણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન ભારે ગુસ્સે થયા હતા અને યુદ્ધની શરુઆત કરી દીધી હતી. ત્યારે હવે ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધ બાદ ઝેલેન્સ્કીએ મોટો નિર્ણય લીધો છે, જો પુતિનને તેમનો નિર્ણય યોગ્ય લાગશે તો બંને દેશો વચ્ચેનું યુદ્ધ હવે અટકી શકે છે.
ઝેલેન્સ્કી નાટોમાં જવાની માંગ પરત ખેંચવા તૈયાર
યુદ્ધ બંધ કરાવવાની હંમેશા માંગ કરતા ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy) જર્મનીના બર્લિનમાં કહ્યું કે, ‘તેઓ નાટો(NATO)માં સામેલ થવાની પોતાની માંગ પરત ખેંચવા માટે તૈયાર થઈ ગયા છે.’ તે વખતે પુતિન(Russia President Vladimir Putin)ને ચિંતા હતી કે, જો યુક્રેન અમેરિકાની આગેવાની હેઠળના નાટો ગઠબંધનમાં સામેલ થઈ જશે તો રશિયા પર ખતરો વધી શકે છે. જોકે હવે ઝેલેન્સ્કીએ નાટોમાં જવાની માંગ પરત ખેંચવાની વાત કહી છે.
અમેરિકા અને પશ્ચિમ દેશો સુરક્ષા ગેરેન્ટી આપે : ઝેલેન્સ્કી
ઝેલેન્સ્કીએ બર્લિનમાં અમેરિકા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ રાજદૂત સ્ટીવ વિટકૉફ અને ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર સાથે બેઠક કરીને કહ્યું કે, ‘અમે નાટોમાં સામેલ થવાની અમારી માંગને પરત ખેંચવા માટે તૈયાર છીએ, પરંતુ આ માટે અમેરિકા અને પશ્ચિમ દેશોએ યુક્રેનને સુરક્ષા ગેરેન્ટી આપવી જોઈએ. આ સુરક્ષા ગેરન્ટી કાયદેસર રીતે બંધનકર્તા હોવી જોઈએ.’
‘ગેરેન્ટી મળશે તો રશિયા અમારા પર હુમલો નહીં કરે’
ઝેલેન્સ્કીએ બર્લિનમાં કહ્યું કે, ‘અમેરિકા અને કેટલાક યુરોપિયન દેશોએ યુક્રેનને નાટોમાં જોડાવા માટે પ્રયાસ કરવાનો ઇન્કાર કરી દીધો છે. જોકે અમારી માંગ છે કે, નાટો અને નાટોના સભ્ય દેશો અમારા દેશની સુરક્ષા માટે ગેરેન્ટી આપે. આ ગેરેન્ટીથી અમને મદદ મળશે કે, રશિયા અમારા પર ફરીવાર હુમલો નહીં કરે. આવું કરવું એ અમારા માટે એક સમજૂતી જ છે.’
ટ્રમ્પના પ્રસ્તાવમાં યુક્રેનના વિસ્તારો રશિયાને આપી દેવાની વાત
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) થોડા દિવસો પહેલા યુક્રેન-રશિયા યુદ્ધનો શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પ્રસ્તાવમાં શરતો હતી કે, રશિયાએ યુક્રેનના જે વિસ્તારો પર કબજો કર્યો છે, તે વિસ્તારો રશિયામાં જ વિલય થઈ જાય અને આ માટે યૂક્રેન સંમત થઈ જાય, ત્યારબાદ યુદ્ધ સમાપ્ત કરી દેવામાં આવે.’ જોકે ઝેલેન્સ્કી યુક્રેનના વિસ્તારો રશિયાને આપવા માટે અસંમત હતા.
આ પણ વાંચો : એક ઈમેલ અને અમેરિકામાં રહેતા ભારતીયોમાં અફરાતફરીનો માહોલ, ટ્રમ્પની નીતિથી હડકંપ


