Get The App

LIVE: ઈરાન પર હુમલાને લઈને ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- 'અમારા હુમલામાં 48 નેતા માર્યા ગયા'

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
LIVE: ઈરાન પર હુમલાને લઈને ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- 'અમારા હુમલામાં 48 નેતા માર્યા ગયા' 1 - image

US-Israel and Iran War LIVE: મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત વિસ્ફોટક બની ગઈ છે. અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના મોતના સમાચારની પુષ્ટિ બાદ હવે યુદ્ધની જ્વાળાઓ અન્ય દેશો સુધી પ્રસરી રહી છે. ઈરાકે પણ હવે આ જંગમાં ઝંપલાવ્યું છે.

US-Israel and Iran War LIVE UPDATES 

ઈરાન પર હુમલામાં 48 નેતા માર્યા ગયા: ટ્રમ્પ

ઈરાન પર હુમલાને લઈને ટ્રમ્પનું મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ઈરાન પર હુમલામાં 48 નેતા માર્યા ગયા છે. સૈન્ય ઓપરેશન નક્કી સમય પહેલા કરાયું છે.

ઈઝરાયલના બેઈત શેમેશમાં રહેણાંક મકાન પર મિસાઈલ હુમલો, 8 લોકોના મોત, 20 થી વધુ ઘાયલ

જેરુસલેમથી લગભગ 35 કિલોમીટર દૂર ઈઝરાયલી શહેર બેઈત શેમેશમાં રહેણાંક મકાન પર સીધા મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા. રાહત સેવાઓ અનુસાર, શનિવારથી અત્યાર સુધીમાં ઈરાની હુમલાઓમાં ઈઝરાયલમાં કુલ મૃત્યુઆંક ઓછામાં ઓછો નવ થઈ ગયો છે. મિસાઈલ એક રહેણાંક વિસ્તારમાં અથડાઈ, જેના કારણે જાહેર બોમ્બ આશ્રયસ્થાન અને નજીકના ઘરોને વ્યાપક નુકસાન થયું. એક નાની છોકરી સહિત બે લોકોની હાલત ગંભીર છે, જ્યારે ઓછામાં ઓછા 20 અન્ય લોકોને નાની ઈજાઓ પહોંચી છે, જેમાં ચાર વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.

અમેરિકાએ ઈરાનના ભૂગર્ભ મિસાઈલ ઠેકાણાઓને નિશાન બનાવ્યા, ચાર B-2 બોમ્બરથી બોમ્બ ફેંક્યા

અમેરિકાએ ઈરાનના ભૂગર્ભ મિસાઈલ ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. ચાર અમેરિકન B-2 બોમ્બરોએ ઈરાની મિસાઈલ સ્થળો પર 2,000 પાઉન્ડના ડઝનેક બંકર-બસ્ટર ફેંક્યા. યુએસ સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ઓપરેશન એપિક ફ્યુરીના ભાગ રૂપે કરવામાં આવેલા ઓપરેશન દરમિયાન ત્રણ યુએસ સર્વિસ મેમ્બર માર્યા ગયા હતા અને પાંચ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અન્ય ઘણા કર્મચારીઓને નાની-મોટી ઇજાઓ થઈ હતી અને સારવાર બાદ તેમને ફરજ પર પાછા ફર્યા છે." યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે મોટા પાયે લશ્કરી કાર્યવાહી ચાલુ છે અને જવાબી કાર્યવાહી હજુ પણ ચાલુ છે.

ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદનું મોત!

ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, ઈઝરાયલ અને અમેરિકાના સૈન્ય દળો દ્વારા તેહરાનમાં કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલામાં ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદ માર્યા ગયા છે. અહેવાલો જણાવે છે કે તેહરાનના ઉત્તર-પૂર્વી વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાનને નિશાન બનાવીને કરવામાં આવેલા આ હુમલામાં અહમદીનેજાદની સાથે તેમની સુરક્ષામાં તૈનાત અનેક આઈઆરજીસી (IRGC) કમાન્ડો પણ મોતને ભેટીયા છે. સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુના ગણતરીના કલાકો બાદ જ આ સમાચાર આવતા ઈરાનની સત્તાધારી વ્યવસ્થા સંપૂર્ણપણે વિખેરાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ઈઝરાયલે આ હુમલાને 'આતંકી શાસન' વિરુદ્ધના તેના અભિયાનનો એક ભાગ ગણાવ્યો છે.

ખામેનેઈની હત્યા બાદ ઈરાનના વિદેશ મંત્રીનું પહેલું નિવેદન

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે, 'સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈની હત્યાથી પરિસ્થિતિ વધુ જટિલ બનશે અને તણાવ વધશે. તેહરાન તેના ભાઈઓ પર હુમલો કરી રહ્યું નથી. અમે ફક્ત અમેરિકન લક્ષ્યો પર હુમલો કરી રહ્યા છીએ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવાનો કોઈ ઈરાદો નથી.'

'અટક્યા વગર ઈરાન પર વધુ જોરદાર હુમલો કરીશું', નેતન્યાહુએ ઇઝરાયેલના 'એટેક પાર્ટ-2' ને આપી મંજૂરી

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે ઈરાનના લોકોને સીધી અપીલ કરી છે કે તેઓ પોતાના દેશની વર્તમાન સત્તા સામે અવાજ ઉઠાવે. અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત સૈન્ય હુમલામાં સુપ્રીમ લીડર આયાતુલ્લાઅલી ખામેનેઈના મોત બાદ નેતન્યાહુએ મોટાપાયે વિરોધ પ્રદર્શન કરી 'વર્તમાન શાસનને ઉખેડી ફેંકવાની' વાત કરી છે.

તાજેતરના હુમલાઓ બાદ જારી કરાયેલા એક વીડિયો સંદેશમાં નેતન્યાહૂએ જણાવ્યું હતું કે, ઇઝરાયેલનું સૈન્ય અભિયાન ઈરાનની સત્તાધારી વ્યવસ્થાને નબળી પાડશે અને લોકોને તે શાસનને પડકારવાની તક આપશે, જેને તેમણે 'આતંકી શાસન' ગણાવ્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું કે, 'આગામી દિવસોમાં અમે આ આતંકી શાસનના હજારો ઠેકાણાઓ પર હુમલો કરીશું. અમે ઈરાનના બહાદુર લોકો માટે સરમુખત્યારશાહીની જંજીરોમાંથી આઝાદ થવાની સ્થિતિ ઊભી કરીશું. આ જ કારણ છે કે હું ફરી એકવાર તમારી સાથે વાત કરી રહ્યો છું.'

આજે CCSની બેઠક કરશે PM મોદી 

અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર કરેલા હુમલા બાદ મિડલ ઈસ્ટમાં યુદ્ધ થઈ રહ્યું છે. ઈરાને 9 દેશો પર વળતો હુમલો કર્યો છે. મિડલ ઈસ્ટના દેશોમાં મોટી સંખ્યામાં ભારતીયો પણ રહે છે. એવામાં સમાચાર એજન્સી ANI અનુસાર આજે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં CCSની બેઠક યોજાશે. 

ક્રાઉન પ્રિન્સ રેઝા પહલવીનું પહેલું નિવેદન

ઈરાનના દેશનિકાલ કરાયેલા ક્રાઉન પ્રિન્સ રેઝા પહલવીએ વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું કે, 'તેઓ જે દુષ્ટ વ્યક્તિએ થોડા અઠવાડિયા પહેલા જ ઈરાનના હજારો સારા દીકરા-દીકરીઓના નરસંહારનો આદેશ આપ્યો હતો તે હવે સમાપ્ત થઈ ગયો છે. તેના અને તેના ઘણા નિયુક્ત અધિકારીઓ અને વફાદારોના અપમાનજનક મૃત્યુ સાથે ઇસ્લામિક રિપબ્લિક તેના અંતિમ શ્વાસ લઈ રહ્યું છે. તમારા દૃઢ નિશ્ચય અને હિંમતથી, તે ટૂંક સમયમાં ઇતિહાસના કચરાપેટીમાં ફેંકાઈ જશે.'

અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી

અમેરિકાએ પોતાના નાગરિકોને સલાહ આપી છે કે, બહેરીનના મનામાની હોટલમાં ન રોકાઓ, તેને ઈરાનની સેના નિશાન બનાવી શકે છે. તેને લઈને અમેરિકાએ એડવાઈઝરી જાહેર કરી છે.

ઈરાને બહેરીનની રાજધાનીમાં મિસાઈલો છોડી

ઈરાને બહેરીનની રાજધાની મનામામાં પણ મિસાઈલો છોડી છે. બહેરીનના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, મનામાની ક્રાઉન પ્લાઝા હોટલને ટાર્ગેટ કરાઈ છે, જેમાં બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું છે. રાહતની વાત એ છે કે, તેમાં કોઈ જાનહાની થઈ નથી.

ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક ઓઇલ ટેન્કર પર કર્યો હુમલો

ઇઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની જાહેરાત કરી હતી. તેમ છતાં એક તેલ ટેન્કર પસાર થઈ રહ્યું હતું, જેના કારણે ઈરાની દળોએ જહાજ પર હુમલો કર્યો.

ઇસ્લામાબાદમાં અમેરિકન દૂતાવાસ નજીક પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ફરી અથડામણ

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકન દૂતાવાસથી એક કિલોમીટર દૂર પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ. પોલીસે પ્રદર્શનકારીઓને અમેરિકન દૂતાવાસની બહાર પ્રદર્શન કરતા અને હિંસા કરતા અટકાવતા જ તેઓએ પથ્થરમારો શરૂ કરી દીધો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ ટીયર ગેસનો ઉપયોગ કરી રહી છે.

ઈઝરાયલે ઈરાનના જોઈન્ટ આર્મી ફોર્સના હેડક્વાર્ટર પર હુમલાનો VIDEO  શેર કર્યો 

ઈરાનના તેહરાનમાં ઇઝાયલે સૌથી મોટું સૈન્ય અભિયાન હાથ ધર્યું છે. જે હેઠળ ઇઝરાયલી વાયુસેનાએ આજે પણ તેહરાન અને પશ્ચિમી ઈરાનમાં આવેલી અનેક સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. IDF દ્વારા જાહેર કરાયેલા નવા ફુટેજમાં તેહરાનના આકાશમાં માત્ર આગની લહેરો અને ધુમાડા જ જોવા મળી રહ્યા છે, જે હુમલાની ભયાનકતાને દર્શાવે છે.

IDFએ વીડિયો રિલીઝ કરતા કહ્યું કે, થોડી મિનિટો પહેલા તેહરાનમાં 'ઈરાની આતંકી શાસન'ના હેડક્વાર્ટરને નિશાન બનાવીને સચોટ હુમલા કર્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી શક્તિશાળી મિસાઈલોના હુમલામાં સેકન્ડોમાં બિલ્ડિંગ નષ્ટ થઈ જાય છે. 

ઈરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ અબ્દુલરહીમ મૌસાવીનું મોત: ઈઝરાયલનો દાવો

ઈઝરાયલના IDFએ દાવો કર્યો છે કે, તેહરાનમાં ટોચના ઈરાની સુરક્ષા નેતૃત્વના 7 સભ્યો અને 40 વરિષ્ઠ કમાન્ડરોને હુમલો કરીને ખતમ કરી દીધા.

ઈઝરાયલના હુમલાથી તહેરાન ફરી ધણધણ્યું 

24 કલાક વીતી જવા છતાં યુદ્ધ શાંત થતું નથી દેખાઈ રહ્યું. આજે પણ ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાનમાં હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે. ઈઝરાયલે કહ્યું કે અમે ઈરાનના હૃદય સમાન વિસ્તાર તહેરાનને ટારગેટ કરી રહ્યા છીએ. 

ઇઝરાયલી પીએમ નેતન્યાહૂનું મોટું નિવેદન

નેતન્યાહૂએ કહ્યું કે, ઈરાનના આતંકી શાસન વિરૂદ્ધ હુમલા થશે. હજુ હજારો હુમલા થશે. ઈરાનને જુલ્મથી આઝાદ કરાવીશું.

ઈરાનના રાષ્ટ્રપતિનું મોટું નિવેદન

મસૂદ પેઝેશ્કિયને કહ્યું કે, તહેરાન બદલાને કાયદાકીય અધિકાર માને છે. તમામ સંભવ બદલાની કાર્યવાહી કરીશું.

સમગ્ર મધ્ય પૂર્વ યુદ્ધના ભરડામાં, ઓમાન બાકી રહી ગયું હતું ત્યાં પણ ઈરાને ડ્રોન ઝીંક્યા 

અમેરિકા અને ઈઝરાયલના ઈરાન પર સંયુક્ત રીતે હુમલા બાદથી મધ્ય પૂર્વના દેશોમાં ભયાનક યુદ્ધ ફાટી નીકળ્યું છે. ગઈકાલે ઈરાને 8 જેટલા દેશો પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલા કર્યા હતા. જેમાં જોર્ડન, ઈઝરાયલ, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, બહેરીન, યુએઈ અને ઇરાકનો સમાવેશ થતો હતો. જોકે મધ્ય પૂર્વમાં લગભગ ઓમાન જ રહી ગયો હતો જે આ યુદ્ધમાં મધ્યસ્થતા કરી રહ્યો હતો હવે તેના ઉપર પણ ઈરાન દ્વારા હુમલા કરી દેવામાં આવ્યા છે. 

કરાચીમાં પોલીસની સાથે અથડામણમાં 12 લોકોના મોત

ખામેનેઈના મોત પર પાકિસ્તાનના કરાચીમાં અમેરિકન દૂતાવાસમાં પ્રદર્શન થયું. આ દરમિયાન પોલીસની સાથે પ્રદર્શનકારીઓની અથડામણ થઈ. જેમાં 12 લોકોના મોત થયા. સિંધના ગૃહમંત્રીએ આ મામલે રિપોર્ટ માંગ્યો છે અને કડક સુરક્ષાના આદેશ આપ્યા. તેમણે કહ્યું કે, કોઈને પણ કાયદો હાથમાં લેવાની મંજૂરી નથી. જણાવી દઈએ કે, કરાચીમાં અમેરિકન દૂતાવાસમાં ભારે તોડફોડ અને આગચંપીની ઘટના બની. ટોળાએ દૂતાવાસમાં ઘુસીને દૂતાવાસના કેટલાક ભાગમાં આગચંપી પણ કરી. ઈરાનમાં ખામેનેઈની હત્યા બાદ પાકિસ્તાનમાં ભારે પ્રદર્શન થઈ રહ્યા છે.


ઇઝરાયલના હુમલામાં ઈરાનના ચીફ ઓપ સ્ટાફ અબ્દુલ રહીમ મૌસવીનું મોત

IRNA એજન્સીનું કહેવું છે કે, શનિવારે ઈરાન પર અમેરિકા-ઇઝરાયલના હુમલામાં ઈરાની આર્મીના ચીફ ઓફ સ્ટાફ અબ્દુલ રહીમ મૌસવી અને ડિફેન્સ મિનિસ્ટર અજીજ નસીરજાદેહ માર્યા ગયા.

એવો હુમલો કરીશું જે ક્યારેય જોયો નહીં હોય: ટ્રમ્પ

ઈરાનના હુમલા વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે, ઈરાને હાલમાં કહ્યું છે કે તેઓ ખુબ મોટો હુમલો કરશે. પરંતુ સારું રહેશે કે તેઓ એવું ના કરે, કારણ કે જો તેઓ એવું કરશે તો અમે તેના પર એવો ભયંકર હુમલો કરીશું, જ પહેલા ક્યારેય નહીં જોયો હોય.

અમે ખામેનેઈના રસ્તાને વધુ મજબૂત કરીશું: ઈરાની સંસદ સ્પીકર

ખામેનેઈના મોત પર ઈરાની સંસદ સ્પીકર મોહમ્મદ બાધેર ગાલિબફનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ખામેનેઈ પાક્કા અને વફાદાર હતા. ઈરાનના રસ્તાને મજબૂતી અને પાક્કા ઈરાદાથી યથાવત્ રહેશે. અમે અમેરિકા અને ઇઝરાયલી દુશ્મનોને જણાવીએ છીએ કે તમે અમારી રેડ લાઈન પાર કરી છે અને તમારે તેની કિંમત ચૂકવવી પડશે. અમારી સેનાઓએ તમામ ઇઝરાયલી દુશ્મન સેન્ટર્સ અને US બેઝ પર હુમલો કર્યો છે અને અમારો હુમલો યથાવત્ રહેશે. ઈરાને હાલ માટે તૈયાર કરી લીધી છે અને અમે કમાન્ડરની શહીદી બાદ પણ તેના રસ્તે ચાલતા રહીશું.

દિલ્હીમાં ઈરાની એમ્બેસીએ પોતાનો ઝંડો અડધો ઝૂકાવ્યો

ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ દિલ્હીમાં ઈરાની એમ્બેસીએ પોતાનો ઝંડો અડધો ઝુકાવ્યો છે.

ઈરાનમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, 4 લોકોના મોત

ઈરાનમાં એક મિલિટ્રી હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. જેમાં 4 લોકોના મોત થયા. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, આ ક્રેશ ઈરાનની રાજધાની તેહરાનથી 330 કિલોમીટર દક્ષિણમાં ઇસ્ફહાનના દોરચેહ શહેરમાં થયું. જેમાં જણાવાયું છે કે, ક્રેશમાં પાયલોટ અને કો-પાયલોટનું મોત થઈ ગયું.

દુબઈમાં ડ્રોનનો કાટમાળ પડતા 2 લોકો ઘાયલ

દુબઈની મીડિયા ઓફિસે એક્સ પર પોસ્ટ કરતા જણાવ્યું કે, એર ડિફેન્સ દ્વારા ઇન્ટરસેપ્ટ કરાયેલા ડ્રોનનો કાટમાળ દુબઈમાં 2 ઘરમાં પડ્યો, જેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા.

કરાચીમાં અમેરિકન દૂતાવાસ પર પર ટોળાનો હુમલો

ઇઝરાયલ અને અમેરિકાના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના નિધન પર દુનિયાભરમાં રોષ ફેલાયો છે. ઠેર ઠેર અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ દેખાવો કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના કરાચીમાં ભીડે અમેરિકન દૂતાવાસ પર હુમલો કરીને તોડફોડ મતાવી હતી. આ દરમિયાન કેટલીક જગ્યાએ આગચંપી કરાઇ હોવાની પણ માહિતી સામે આવી છે. 

ઈસ્ફહાનમાં લાખો લોકો દેખાવો કરવા માર્ગો પર ઉતર્યા 

ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા ખામેનાઈના અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં મોત બાદ દેશભરમાં રોષ ફેલાયો છે. ઈસ્ફહાન સહિત અને શહેરોમાં લાખો લોકો માર્ગો પર ઉતરી આવ્યા હતા અને તેમણે અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ નારેબાજી કરી હતી. હજારો લોકો ખામેનેઈની હત્યા પર માતમ મનાવી રહ્યા છે. વીડિયો ઇસ્ફહાનનો છે.

પશ્ચિમ એશિયામાં 27 અમેરિકન બેઝ પર ઈરાનનો પ્રચંડ હુમલો 

IRGCએ આપેલી માહિતી અનુસાર સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના નિધન બાદ ઈરાની સેનાએ પશ્ચિમ એશિયામાં આવેલા અમેરિકાના 27 બેઝને નિશાન બનાવતા ભયાનક હુમલા શરૂ કર્યા છે. 

LIVE: ઈરાન પર હુમલાને લઈને ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- 'અમારા હુમલામાં 48 નેતા માર્યા ગયા' 2 - image

ઈઝરાયલના જનરલ સ્ટાફની બિલ્ડિંગ પર મિસાઈલ હુમલો 

સુપ્રીમ લીડર અલી ખામેનેઈના મૃત્યુ પછી ઈરાને વધુ એકવાર આક્રમક હુમલા શરૂ કર્યા છે. ઈરાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈઝરાયલના જનરલ સ્ટાફ બિલ્ડિંગ પર મિસાઈલ હુમલા બાદ ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.

LIVE: ઈરાન પર હુમલાને લઈને ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- 'અમારા હુમલામાં 48 નેતા માર્યા ગયા' 3 - image

ઈરાકની એન્ટ્રી અને અમેરિકન બેઝ પર હુમલો

તાજા અહેવાલો મુજબ, ઈરાકની 'રેઝિસ્ટન્સ ફોર્સ' એ ઈરાકી કુર્દિસ્તાનના ઇરબિલમાં આવેલા અમેરિકી સૈન્ય બેઝને નિશાન બનાવી હુમલા શરૂ કર્યા છે. ઈરાન પર થયેલા હુમલાના વિરોધમાં ઈરાકી દળોએ અમેરિકા સામે મોરચો ખોલ્યો છે.

ખામેનેઈના મોત બાદ ઈરાનમાં માતમ અને નવા સુપ્રીમ લીડરની વરણી 

ઈરાની સ્ટેટ મીડિયા 'પ્રેસ ટીવી' એ ખામેનેઈના મોતની પુષ્ટિ કરી છે. તેહરાનના એંઘેલાબ સ્ક્વેર પર લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને શોક મનાવી રહ્યા છે. દેશમાં 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. દરમિયાન, વચગાળાની લીડરશીપ કાઉન્સિલ (જેમાં રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન અને ન્યાયતંત્રના વડા સામેલ છે) દેશની વ્યવસ્થા સંભાળશે. મજતબા ખામેનેઈને નવા સુપ્રીમ લીડર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

ઈરાનનો વળતો પ્રહાર: અમેરિકી રડાર સિસ્ટમ તબાહ

ઈરાનના IRGC એ દાવો કર્યો છે કે તેમણે કતારમાં આવેલા અમેરિકાના અત્યંત આધુનિક $1.1 બિલિયનના રડાર સિસ્ટમને મિસાઈલ હુમલામાં સંપૂર્ણપણે તબાહ કરી દીધું છે. આ સિસ્ટમ 5,000 કિમી સુધીની રેન્જ ધરાવતી હતી. આ ઉપરાંત, ઈરાને દાવો કર્યો છે કે તેમના વળતા પ્રહારમાં સેંકડો અમેરિકી સૈનિકો માર્યા ગયા છે.

ભારત પર અસર: સેંકડો ફ્લાઈટ્સ રદ

મધ્ય પૂર્વમાં યુદ્ધના કારણે એરસ્પેસ બંધ થતા ભારતની નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મોટી જાહેરાત કરી છે. શનિવારે 410 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી અને રવિવારે વધુ 444 ફ્લાઈટ્સ રદ થવાની શક્યતા છે. એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ મધ્ય પૂર્વના દેશોની તમામ ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરી દીધી છે.

ઈઝરાયલમાં ભારતીયો માટે એડવાઈઝરી

ઈઝરાયલમાં રહેતા ભારતીય રાજદૂતે નાગરિકોને સ્થાનિક અધિકારીઓના નિર્દેશોનું પાલન કરવા અને બિનજરૂરી અવરજવર ટાળવા સૂચના આપી છે. હાલમાં એરસ્પેસ બંધ હોવાથી ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સરકાર સંકલન કરી રહી છે.