Get The App

ભારતીય સશસ્ત્ર દળોનો પાક. પ્રેરિત આતંકવાદ પર કમરતોડ પર પ્રહાર

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
ભારતીય સશસ્ત્ર દળોનો પાક. પ્રેરિત આતંકવાદ પર કમરતોડ પર પ્રહાર 1 - image


- સમગ્ર વિપક્ષે ટેરર પર સ્ટ્રાઇક્સની મન મૂકીને પ્રશંસા કરી

- આતંકવાદ પર હુમલાને લઈને પહેલી જ વખત સરકાર અને વિપક્ષ બધા એક જ પ્લેટફોર્મ પર આવ્યાં

વોશિંગ્ટન : ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને પાક.માં કરેલા ઓપરેશન સિંદૂરની સમગ્ર વિપક્ષે એકી અવાજે મન મૂકીને પ્રશંસા કરી હતી. તેઓએ આ કાર્યવાહીને ભારતીય સશસ્ત્ર દળોનો પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ પર કમરતોડ પ્રહાર સમાન ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતીય દળોએ અત્યંત સંતુલિત અભિગમ અપનાવીને આ કાર્યવાહી કરી હતી. 

વિપક્ષ કોંગ્રેસ, ડાબેરી પક્ષો, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, દ્રવિડ મુન્નેત્ર કઝગમ, રાષ્ટ્રીય જનતા દળ, શિવ સેના (યુબીટી), અને એનસીપી (એસપી)એ ભારતીય લશ્કરની કાર્યવાહીની એકીઅવાજે અને એકીસૂરે પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આતંકવાદના આકાઓ સામે કરવામાં આવેલી આ કાર્યવાહીને અમારું પૂરા હૃદયથી સમર્થન છે.આમ આતંકવાદીઓ પર હુમલાને લઈને પહેલી જ વખત સરકાર અને વિપક્ષ એકમત જોવા મળ્યા હતા અને એક જ પ્લેટફોર્મ પર આવ્યા હતા. 

ભારતીય સશસ્ત્ર દળોએ પાક.માં અને પીઓકેમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબાના નવ ઠેકાણા ધ્વસ્ત કરી દીધા હતા. આ હુમલો ૨૫ મિનિટ સુધી ચાલ્યો હતો. ભારતે આ સ્ટ્રાઇકને ચોકસાઈપૂર્વકની ગણાવી હતી. આ હુમલાની જાણ થતાં કોંગ્રેસ કારોબારી કમિટીએ તેના બધા કાર્યક્રમો રદ કરીને તાત્કાલિક બેઠક બોલાવી હતી. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે અમે આપણા સૈનિકોની હિંમત, તેમના શૌર્ય, તેમના દેશપ્રેમ અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરીએ છીએ. આપણા દેશની રક્ષા કરતાં સૈનિકો પાછળ અમે અમારી પૂરેપૂરી તાકાત ઝોંકી દઇશું. રાહુલ ગાંધીએ પણ સફળ કાર્યવાહી બદલ ભારતીય દળોને અભિનંદન આપ્યા હતા. 

એનસીપી (એસપી)ના વડા શરદ પવારે જણાવ્યું હતું કે કોઈપણ દેશ આતંકવાદ સામે મૂક દર્શક બનીને બેસી ન શકે, ભારતનો વળતો જવાબ આખા વિશ્વને મળેલો સંદેશો છે. આતંકવાદનો વળતો જવાબ આપવા દરેક પગલું કાળજીપૂર્વક લેવામાં આવે તે જરુરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ પણ જણાવ્યું હતું કે આતંકવાદ સામેના યુદ્ધમાં અમે કેન્દ્રની સાથે છીએ. આ મુદ્દે અમારો કેન્દ્ર સાથે કોઈ મતભેદ નથી. 

ડીએમકેના પ્રમુખ અને તમિલનાડુના સીએમ સ્ટાલિને આ પગલાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે અમે આપણા લશ્કરની સાથે છે, આખુ તમિલનાડુ તેમના સમર્થનમાં છે. આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પણ આ વાત કહી હતી. તેમણે જણાવ્યું હતું કે ૧૪૦ કરોડ ભારતીયો આતંકવાદ સામેની લડાઈમાં તેમની સાથે છે. આરજેડી આગેવાન તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે ભારત અને ભારતનું લશ્કર કોઈપણ સ્વરૂપના ત્રાસવાદ કે અલગતાવાદી ચળવળને નહીં ચલાવી લે. યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે પાક.માં આતંકવાદના ઠેકાણા પર ભારતીય લશ્કરનો હુમલો તે આપણા માટે ગૌરવવંતી ક્ષણ છે.

Tags :