For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આધુનિક દક્ષમહાયજ્ઞામાં 'શિવ'ની ઘોર ઉપેક્ષા

Updated: Mar 6th, 2024

આધુનિક દક્ષમહાયજ્ઞામાં 'શિવ'ની ઘોર ઉપેક્ષા

- અમૃત પીએ તે દેવ... ઝેર પીએ તે મહાદેવ

- હંસી આતી હૈ હમ કો મુખૌટે દેખકર ઉનકે, લગાકર આગ ઘર મેં, વો શમન કી બાત કરતે હૈ.

આવતી કાલે આવનારી મહાશિવરાત્રીના સંદર્ભે મહારાજ દક્ષે યોજેલા મહાયજ્ઞાનું સ્મરણ થયું. આ મહાયજ્ઞામાં મહારાજ દક્ષે સહુને નિમંત્રણ આપ્યું હતું, પરંતુ શિવને બોલાવ્યા નહોતા. યજ્ઞા એ સર્જનનો પર્યાય છે, પરંતુ અહીં યજ્ઞામાં મહાસર્જન થવાને બદલે મહાસંહાર થયો.

આધુનિક જગતમાં પણ આવો જ દક્ષ મહાયજ્ઞા ચાલી રહ્યો છે. દક્ષતા એટલે કુશળતા, સ્કિલ. માનવીએ છેક રોબોટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધીની કુશળતા હાંસલ કરી છે. એણે ટેક્નિકનાં સહારે વિરાટ હરણફાળ ભરી છે, પરંતુ એની સાથોસાથ પૃથ્વીનો પળવારમાં વિનાશ કરી શકે એવાં વિનાશક શસ્ત્રો માનવીએ સજ્યાંર્ છે. માનવીએ સર્જેેલાં એ પરમાણુ શસ્ત્રો આજે માનવજાતનાં અસ્તિત્વને જ ખતરામાં મૂકી રહ્યાં છે. આજના આ દક્ષ મહાયજ્ઞામાં આવું બન્યું કેમ? સર્જનને બદલે સંહારનો ભય શા માટે?

તો એનું કારણ એ કે એમાં 'શિવ'ને નિમંત્રણ આપવામાં આવ્યું નહોતું. શિવ એટલે કલ્યાણ. સહુ કોઈનું કલ્યાણ. આને કારણે જ ટેક્નોલોજીનો અદ્ભૂત વિકાસ માનવજાતને માટે માનભર્યા ગૌરવને બદલે મૂંઝવનારો કોયડો બની ગયો છે. તોપના વિશાળ ગોળામાં સુગરીએ માળો બાંધ્યો હોય તેવી આ પૃથ્વી પર વસતી માનવજાતિની દયનીય હાલત છે. દક્ષ મહાયજ્ઞાનો વર્તમાન સમય સાથે સંબંધ છે. એ જ રીતે આશ્ચર્યજનક બાબત એ છે કે શિવની દેહસામગ્રી અને એની ઉપાસનાનું એકેએક પ્રતીક વર્તમાન સમય સાથે ગાઢ સંબંધ ધરાવે છે. 

આપણે માત્ર ભગવાન શિવનું બાહ્ય રૂપ જોઈએ છીએ, પરંતુ એ બાહ્ય રૂપની પાછળ રહેલું આંતરિક અર્થઘટન જોઈએ, ત્યારે જ શિવની ઉપાસનાની પાછળ રહેલું આધ્યાત્મિક રહસ્ય પ્રાપ્ત થાય. મહાભારતમાં પણ કહ્યું છે કે, 'ચર્મચક્ષુથી તમે શિવને જોઈ શકશો નહીં. એનું ખરું રૂપ તો ધ્યાનમગ્ન એવા મહાયોગી અને તપસ્વીનું છે.'

આ સંદર્ભમાં વિચાર કરીએ તો શિવના કંઠની આસપાસ ફણી એટલે કે સર્પ વીંટળાયેલો હોય છે. સામાન્ય જનો જેમ પોતાના દેહને કિંમતી વસ્ત્રો, આભૂષણો અને હીરાજડિત ઘરેણાંથી શણગારે છે, ત્યારે શિવ એના પર ભસ્મ ચોળે છે. એ જ રીતે સામાન્યજનો જે કંઠમાં સોના-ચાંદી અને હીરાનાં આભૂષણો પહેરે છે, તે સ્થાને શિવ સર્પ વીંટાળે છે. આનો અર્થ જ એ કે શિવ માનવીને પરમ કલ્યાણરૂપ મોક્ષનો સંદેશ આપે છે. આપણા ગ્રંથોમાં સર્પને મારક મૃત્યુનું પ્રતીક ગણવામાં આવે છે. વ્યક્તિ પોતાના વિષયોને અને વૃત્તિઓને યોગ્ય રૂપે સમજે, તો તે વિષયો એના માટે જીવલેણ બનતા નથી. જેમ ચિકિત્સક અમુક માત્રામાં ઝેરની ઔષધિ આપીને દર્દીને બચાવે છે, એ રીતે શાસ્ત્ર પ્રમાણે વૃત્તિઓનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તે મારક બનતી નથી. શિવ જેમ સર્પને ગળા પર વીંટાળીને એને રમાડે છે, એ જ રીતે જ્ઞાાની પુરુષ પણ પોતાની આ વૃત્તિઓને પોતાના નિયંત્રણમાં રાખીને રમાડી શકે છે.

રામાયણ કે મહાભારતમાં અહંકારને કારણે સર્જાયેલા વિનાશની કથા મળે છે. રાવણનો અહંકાર લંકાનો નાશ કરે છે અને દુર્યોધનનો અહંકાર કુરુક્ષેત્રનું યુદ્ધ સર્જે છે. અહંકારનાશની આખીય પ્રક્રિયા શિવસ્વરૂપમાં જોવા મળે છે. માનવીના અહંકારનો નાશ ક્યાં થાય? સ્મશાનમાં ગયેલી વ્યક્તિનો અહંકાર ટકતો નથી. એને જીવનની ક્ષણભંગુરતાનો ખ્યાલ આવે છે. શંકરનો વાસ સ્મશાનમાં છે એનો અર્થ જ એ કે અહીં જીવનની કોઈ સ્પૃહા પ્રવર્તતી નથી. માત્ર આત્મરમણતા છે. આ સ્મશાનમાં કોણ રહેવાનું પસંદ કરે? એ સ્મશાનવાસ શા માટે કરે છે? કારણ એટલું જ કે સ્મશાનમાં પરમ એકાંત મળે છે અને આવી એકાંત સાધનામાં ખુદ પિશાચ પણ સીધા ચાલવા લાગે છે.

શિવનું પ્રિય નિવાસસ્થાન કાશીનું સ્મશાન ગણવામાં આવે છે, આથી જ શિવભક્તો કાશીને પરમ પવિત્ર માને છે. આ ઉપરાંત મહામેરુ પર્વત, કૈલાસ અને હિમાલય પણ એમનાં નિવાસસ્થાન હતાં. શિવ 'કૈલાસનાથ' કે 'કૈલાસપતિ' તરીકે પણ એટલા જ પ્રસિદ્ધ છે.

શિવનું વાહન મહોક્ષ અર્થાત્ મોટો પોઠિયો છે. મહોશ એટલે ઘરડો બળદ. સામાન્ય રીતે બળદ એ બળનું પ્રતીક છે, પણ એની સાથોસાથ અહંકારીના બળનું સૂચક છે. બળ હનુમાનજીનું હોય અને રાવણનું પણ હોય. બંને પાસે અપ્રતિમ બળ હતું, પરંતુ હનુમાનનું બળ ઈશ્વર સમર્પણમાં પ્રયોજાયું, તો રાવણનું બળ અહંકાર વૃદ્ધિમાં વપરાયું. હનુમાનનું બળ સમર્પણમાં માને છે, તો રાવણનું બળ પારકું છીનવી લેવાનું દુષ્કૃત કરે છે.

અહીં 'મહોક્ષ' શબ્દથી વૃદ્ધ અહંકારી બળની વાત પ્રગટ થાય છે. માણસ વૃદ્ધ થાય છે, પરંતુ એની વૃત્તિઓ વૃદ્ધ થતી નથી. માણસ ઘરડો થાય, પરંતુ એનો અહંકાર ક્યારેય વૃદ્ધ થતો નથી, બલ્કે વધુને વધુ બહેકતો જાય છે. આ અહંકાર નમ્ર તો હોતો નથી, બલ્કે પોતાની જાતે જ પોતાનો નાશ નોતરનારો બને છે. પછી એ અહંકાર દુર્યોધનનો હોય કે પછી રાજા કંસનો હોય. આ અહંકારીઓ તૂટી જાય છે, પણ ઝુકી શકતા નથી. શિવ એ જ્ઞાાનના દેવ છે અને જેની પાસે જ્ઞાાન હોય છે, તે જગતના સત્યની નિકટ વસે છે. જ્ઞાાનીને અહંકાર કે વિષયવૃત્તિઓ ડગાવી શકતી નથી. આમ મોહાક્ષ શબ્દનો મર્મ એ છે કે મહાન અહંકારરૂપી બળદને નાથવાની શક્તિ શિવમાં રહેલી છે.

શિવના હાથમાં રહેલી ગદા ખટ્વાંગ કહેવાય છે. શિવ એ જગતનિયંતા છે અને જગતનું નિયંત્રણ કરનાર પાસે દંડ હોય એવો દંડ એટલે ખટ્વાંંગ, એના દ્વારા એ અનિષ્ટને જેર કરીને ઈષ્ટ પ્રવર્તાવે છે. અકલ્યાણને દંડિત કરીને કલ્યાણને પ્રતિષ્ઠિત કરે છે.

શિવ એ માંગલ્યનું પ્રતીક છે. શિવ નિલકંઠ કહેવાય છે, એનું કારણ એ કે કાળકૂટનું વિષપાન કરવાથી એમના ગળા પર કાળાશ આવી ગઈ હતી. જોકે એ કાળાશ શિવની શોભા બની છે, કારણ કે એમણે જગતના કલ્યાણ અર્થે વિષપાન કર્યું હતું. અમૃત પીએ તે દેવ અને ઝેર પીને પચાવે તે મહાદેવ. એ ઝેર એટલે વિઘ્નો, અનિષ્ટો અને અકલ્યાણમયી વૃત્તિ- એ બધા પ્રત્યે સહેજે ગભરાયા વિના જીવનનું અમૃત પ્રગટાવે તે મહાદેવ.

આ કાર્ય કરવાને પરિણામે શિવનો કંઠ કાળો થઈ ગયો. અન્યનું કલ્યાણ કરવા માટે કશુંક સહન કરવું પડે તો પણ મુંઝાવું જોઈએ નહીં. સાથોસાથ એમ પણ કહ્યું છે કે વિના કારણે અનિષ્ટ કરનારા કામદેવ કે તાડકાસુરને શિવ જેવા કલ્યાણકારી દેવનું અહિત કરવા જતાં એમને સહન કરવું પડે છે. કામદેવનું દહન થાય છે. એની આકૃતિ નાશ પામે છે અને એ માત્ર સ્મૃતિશેષ બની જાય છે. જ્યારે તાડકાસુર શિવના સંતાન (કાર્તિકેય)ના હાથે હણાય છે. સજ્જનને કદી પરેશાન કરવા નહીં એવો સંદેશ આમાંથી પ્રાપ્ત થાય છે.

કલ્યાણકારી શિવને 'સ્વાત્મારામ' એમ કહેવામાં આવે છે, અર્થાત્ તે આત્મામાં રમમાણ યોગી છે. આવા આત્મામાં રમમાણ યોગીને વિષયોરૂપી ઝાંઝવાનું જળ ભમાવી શકતું નથી. તેઓ જીવનભર ઉગ્ર તપમાં લીન રહ્યા, આથી જ મહાતપસ્વી તરીકે પણ જાણીતા છે. અમાપ શક્તિના સ્વામી એવા તેઓ શુદ્ધ ધર્મજ્ઞાાન પામીને બ્રહ્મરૂપ બન્યા અને જગતમાં તેમનું બ્રહ્મરૂપ જ વિશેષ પ્રસિદ્ધિ પામ્યું છે.

શિવનાં કાર્યોમાં અપાર વૈવિધ્ય અને વિરોધાભાસ પણ જોવા મળે છે. એમણે અસુરોના નગરનો નાશ કર્યો છે. શંખચૂડ, ગંધક, મહિષાસુર અને વૃત્રાસૂર સાથે યુદ્ધ કર્યું છે. વિષ્ણુ સાથે એમનું વૈમનસ્ય છે, તો સૂર્ય સાથે એમણે જંગ ખેલ્યો છે. એક બાજુ તેઓ કામદેવનું દહન કરે છે, તો સામે પક્ષે સમુદ્રમંથન દરમ્યાન નીકળેલા કાળકૂટ વિષનું પાન કરે છે. એક તરફ તેઓ દક્ષયજ્ઞામાં ધ્વંસ કરે છે, તો બીજી તરફ ગંગાવતરણના કાર્યમાં ભગિરથને મદદ કરે છે. પિંગળી જટાને ધારણ કરતા એમના મસ્તક પરથી ગંગા નીકળે છે.

એ કથા પ્રસિદ્ધ છે કે શિવજીએ કામદેવનું દહન કર્યું હતું. પાર્વતીના રૂપ સાથે અને પૂરબહારમાં ખીલેલી વસંત સાથે કામદેવે શિવજીને આકર્ષવા પ્રયત્ન કર્યો, પરંતુ શિવજીએ ત્રીજી આંખથી કામદહન કર્યું. એનો અર્થ એ કે સાચા યોગી અને ધ્યાની પર કામનું પ્રબળ આકર્ષણ પણ નિષ્ફળ જાય છે. સાચો જ્ઞાાની પોતાના જ્ઞાાનનાં અગ્નિથી કામ હોય કે કોઈ કામના હોય, તેને ભસ્મિભૂત કરી દે છે. આ કામ નષ્ટ થયા પછી કર્મો બાધક નીવડતાં નથી અને એથી જ ગીતાકાર શ્રીકૃષ્ણ નિષ્કામ કર્મયોગનો મહિમા ગાય છે. આ કર્મનું બીજ છે કામના અને એ ભસ્મીભૂત થયા પછી એ કર્મો માનવીને કનડતા નથી.

આ શિવ ક્યાં બિરાજમાન છે? તો એ કૈલાસના ઉત્તુંગ શિખર પર બિરાજમાન છે. આપણે જોયું તેમ શિવ એટલે માનવકલ્યાણ અને એ માનવકલ્યાણ પામવાનો પંથ ઘણો લાંબો છે. સહુનું કલ્યાણ ઇચ્છનારનો પંથ કપરો અને કાંટાળો છે અને તેથી શિવને પામવા માટે અર્થાત્  જીવનમાં કલ્યાણની ભાવના સાકાર કરવા માટે વ્યક્તિએ જીવનમાં ઊંચે ચડવું પડે છે. જીવનમાં ઘણા સીધા અને આકરા ચઢાણ ચઢવા પડે છે. સેવા, સાધના અને સમર્પણ વિના આ શિવત્વ સાંપડતું નથી.

બીજી દ્રષ્ટિએ જોઈએ તો ઘણી વ્યક્તિઓ માત્ર રોજિંદી સામાન્ય વાતોમાં, મોજમજામાં કે વિલાસમાં પોતાનું જીવન ગાળતી હોય છે. આવી આરામપ્રિય વ્યક્તિઓ કલ્યાણનાં કપરા ચઢાણ ચઢી શકતી નથી, અર્થાત્ જીવનની સામાન્ય તુચ્છ કે રોજિંદી બાબતોમાંથી ઉપર ગયા વગર શિવત્વની ઝલક સાંપડતી નથી.

એક મહત્ત્વની બાબત એ છે કે વ્યક્તિને શિવદર્શનમાંથી જ શિવ બનવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે. 'શિવો ભૂત્વા શિવં યજેત્' આનો અર્થ એ કે 'શિવ થઈ શિવની ઉપાસના કરવી જોઈએ.' અર્થાત્  જ્ઞાાનનાં દેવ શિવની ઉપાસના કરવા ઇચ્છનાર માનવી એ જ્ઞાાનપિપાસુ બનીને વિશુદ્ધ બુદ્ધિથી જીવન જીવવું જોઈએ. જીવનના કપરા કોયડાઓમાંથી આરપાર નીકળવાની હિંમત કેળવવી જોઇએ અને સાચો જ્ઞાાની જટિલ પ્રશ્નોનો ઉકેલ સહજ રીતે કરી શકે છે અને જેથી જેના મસ્તકમાંથી સતત જ્ઞાાનગંગા વહે છે એવા શિવની ઉપાસનાથી સાચા જ્ઞાાનીની કોઇ સમસ્યા ટકતી નથી.

Gujarat