For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બેઠકોની ફાળવણીમાં કોંગ્રેસે મોટી બાંધછોડ કરતાં આશ્ચર્ય

Updated: Feb 28th, 2024

બેઠકોની ફાળવણીમાં કોંગ્રેસે મોટી બાંધછોડ કરતાં આશ્ચર્ય

- કોંગ્રેને ઉત્તર પ્રદેશમાં માત્ર 80માંથી માત્ર 17 બેઠકો

- ઇનસાઇડ સ્ટોરી

- રાહુલ ન્યાયયાત્રા લઇને પ.બંગાળમાં પ્રવેશ્યા ત્યારે તૃણમૂલ કોંગ્રેસે તેમને સત્કારવા ઉમળકો બતાવ્યો નહોતો

વિપક્ષી જોડાણે પંજાબ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં  બેઠકોની વહેંચણી કરી છે. દિલ્હીના કેસમાં કોંગ્રેસમાં મતભેદો જોવા મળે છે એમ ગુજરાતમાં કોંગ્રેસના દિવંગત નેતા એહમદ પટેલના પરિવારના પ્રભુત્વ વાળી  ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને ફાળવતા નારાજગી જોવા મળે છે.  બેઠકોની વહેંચણી વખતે આવા ખટરાગ જોવા મળે તે સ્વભાવિક છે પરંતુ વિપક્ષના જોડાણ માટે હાલમાં પ્રયોગો કરવાનેા સમય નથી.  વિપક્ષોના જોડાણ સામે મમતા બેનરજી પડકાર ઉભો કરી રહ્યા છે તે વારંવાર કહી રહ્યા છે કે અમે કોંગ્રેસને ૪૨માંથી એક પણ બેઠક આપીશું નહીં. 

કોંગ્રેસ રોજ સવારે ઉત્તર પ્રદેશમાં પ્રચાર કરવાનું વિચારે છે પરંતુ ત્યાં અખિલેશ યાદવને પૂછ્યા સિવાય કોંગ્રેસ પાણી પણ પી શકતી નથી. દિલ્હીમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન  શિલા દિક્ષીતના પુત્ર સંદીપ દિક્ષીતના સાથીઓ આમ આદમી પાર્ટી સાથેના જોડાણથી નારાજ ચાલી રહ્યા છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભ્રષ્ટાચારના ઢગલો આક્ષેપો સામ સામે કરી રહ્યા છે. 

જેના કારણે દિલ્હીમાં બંને પક્ષે કડવાશ બહુ ઉંડે સુધી ઉતરેલી છે પરંતુ મોદીને હરાવવાના એક માત્ર હેતુથી બંને પક્ષ કડવાશ ગળી ગયા છે અને હાથ મિલાવી રહ્યા છે. રાજકીય પક્ષો જ્યારે પ્રતિસ્પર્ધીની સામે  આક્ષેપો કરે છે ત્યારે ભવિષ્યમાં તેમનું કામ પડશે ત્યારે શું થશે તે બાબતે ક્યારેય વિચારતા નથી.એેટલેજ કહેવાય છે કે રાજકારણમાં કોઇ કાયમી દેાસ્ત કે દુશ્મન નથી હોતો. પં.બેગાળમાં કોંગ્રેસના નેતા અધિરરંજન ચૌધરીએ મમતા સરકાર અને તૃણમૂલ સામે ખુબ આક્ષેપો કર્યા છે. 

 અમે કોંગ્રેસ સાથે જોડાણ કરવા તૈયાર નથી એવું અધિર રંજન   વારંવાર કહી ચૂક્યા છે.  જ્યારે રાહુલ ગાંધી ન્યાય યાત્રા લઇને પ.બંગાળમાં પ્રવેશ્યા ત્યારે તૃણમૂલ કોંગ્રેસે તેમને સત્કારવા કોઇ ઉમળકો બતાવ્યો નહોતો.  બિહારમાં નિતીશ કુમારે જાહેરમાં વિપક્ષી જોડાણને ફટકો માર્યો હતો તો મમતા બેનરજીએ પડદા પાછળથી જોડાણને હચમચાવ્યા કર્યું છે.

ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવે કોંગ્રેસને નચાવ્યા કરી છે. દેશના સૌથી જુના પક્ષ કોંગ્રેસે ઉત્તર પ્રદેશની ૮૦માંથી માત્ર ૧૭ બેઠકોથી સંતોષ માન્યો છે તે બતાવે છે કે તે સાથી પક્ષો પર પ્રભાવ ઉભો કરી શકતી નથી. તેની સામે ઉત્તર પ્રદેશનો પ્રાદેશિક પક્ષ  સમાજવાદી પક્ષ ૬૭ બેઠકો પર લડશે. કોંગ્રેસે તેમના પ્રાદેશિક નેતાઓને નારાજ કર્યા હોય એમ લાગે છે. ગુજરાતની જેમ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ પ્રાદેશિક નેતાઓ સાથે મસલત કર્યા વગર નિર્ણયો લીધા હોવાનું મનાય છે. ઉત્તરપ્રદેશમાં માત્ર ૧૭ બેઠકો સમાધાન પેટે સ્વિકારવી તે કોંગ્રેસના આત્મવિશ્વાસનો અભાવ બતાવે છે. કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે કાર્યકરો  વચ્ચે નહીં પણ ટોચના નેતાઓ વચ્ચેજ ચર્ચા ચાલતી હોય એમ લાગે છે. કાર્યકરો સતત એકબીજાની સામે આક્ષેપબાજી કર્યા કરે છે. 

પ્રાદેશિક પક્ષોને સરંડર થવાની કોંગ્રેસની નીતિનો લાભ આમ આદમી પાર્ટી ઉઠાવી રહી છે.  દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે પરંતુ ઉત્તર પ્રદેશમાં અખિલેશની સરકાર નથી છતાંય કોંગ્રેસે ૧૭ બેઠકોથી મન મનાવી લીધું છે. બેઠકોની ફાળવણીના કેસમાં કેજરીવાલ અને અખિલેશ યાદવ ફાવી ગયા છે જ્યારે મમતા બેનરજી એક પણ બેઠક આપવા તૈયાર નથી. આ તબક્કે એવો દેખાડો થાય છે કે વિપક્ષના જોડાણમાં બેઠકોની ફાળવણી શરૂ થઇ ગઇ છે પરંતુ અંદર અસંતોષ ભભૂકી રહ્યો છે. આ બધાની વચ્ચે સરકાર ગમે ત્યારે ચૂંટણી જાહેર પણ કરી શકે છે.  

Gujarat