For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બિહાર અને પ.બંગાળ વિપક્ષી જોડાણમાં ડખા ઊભા કરી શકે છે

Updated: Jan 24th, 2024

બિહાર અને પ.બંગાળ વિપક્ષી જોડાણમાં ડખા ઊભા કરી શકે છે

- અધિરંજન ચૌધરી પ.બગાળમાં વધુ બેઠકો માંગે છે

- ઇનસાઇડ સ્ટોરી

- બિહારમાં લાલુપ્રસાદ યાદવ પોતાના પુત્રોને રાહુલ ગાંધીની હરોળમાં મુકવા મથે છે

બિહાર અને પ.બંગાળ વિપક્ષની જોડાણ આઇએનડીઆઇએ (INDIA) માટે માથાના દુખાવા સમાન બની ગયું છે. તાજેતરમાં પ.બંગાળમા તૃણમૂલ કોંગ્રેસે લોકસભાની ૪૨ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરતાં પ.બંગાળ કોંગ્રેસના વડા અધિરંજન ચૌધરી છંછેડાયા હતા. તેમણે જાહેરમાં કહ્યું હતું કે અમને પણ ચૂંટણી લડતા અને જીતતા પણ આવડે છે અમને પૂછ્યા વગર તૃણમૂલ કોંગ્રેસ ઉમેદવારો ઉભા ના રાખી શકે. 

મામલો ગંભીર છે. વિપક્ષી જોડાણમાં જેમ પ.બંગાળ મનમાની કરે છે એમ બિહાર પણ બેકાબુ છે. બિહારમાં લાલુપ્રસાદ યાદવ પોતાના પુત્રોને નિતીશ કુમાર કરતાં આગળ લાવવા મથે છે અને તેમને રાહુલ ગાંધીની હરોળમાં મુકવા પ્રયાસ કરે છે. નિતીશ કુમાર ભલે વિપક્ષી સંગઠન માટે તનતોડ પ્રયાસ કર્યા હોય પરંતુ આજે તેમને હાંસીયામાં ધકેલી દેવાયા છે. સ્થિતિ એવી ઉભી કરાઇ હતી કે નીતીશ કુમારે વિપક્ષના સમુહની બેઠક મળે તે પહેલાંજ ખસી જવું પડયું હતું. કહે છેકે નિતીશ સામનો ઉહાપોહ લાલુપ્રસાદ યાદવે શરૂ કરાવ્યો હતો અને તેના પડદા પાછળથી ટેકો આપનારામાં મમતા બેનરજી અને અરવિંદ કેજરીવાલ હતા.

બિહાર એટલે  નિતીશકુમાર નહીં પણ તેજસ્વી યાદવ એવું વિપક્ષના અન્ય નેતાઓના મનમાં ઠસાવવા લાલુપ્રસાદ યાદવ સફળ થયા હોય એમ  દેખાઇ રહ્યું છે. વિપક્ષના નેતાઓ બહુ બોલકા છે.  સમાજવાદી પક્ષના અખિલેશ યાદવે જ્યારે એમ કહ્યું કે અમે તો માયાવતીને મુખ્યપ્રધાન બનાવવા માંગતા હતા એમ કહીને મશ્કરી કરી હતી. જોેકે તેના કારણે માયાવતીએ વિપક્ષ સાથે જોડાવનો વિચાર સાઇડમાં ધકેલી દીધો હતો.

માયાવતીના બહુજન સમાજવાદી પક્ષનું જોર ભલે ધટી ગયું હોય પણ તે ધારે તો ફરી ઉત્તર પ્રદેશમાં છવાઇ જઇ શકે છે. દેશના તમામ પ્રાદેશિક પક્ષને સાથે લઇને ચલવું વિપક્ષી જોડાણના સંયોજક માટે બહુ અઘરૃં છે કેમકે દરેક પોતાને વડાપ્રધાન પદના ઉમેદવાર સમજી બેઠા છે.

ભાજપે લોકસભાના ચૂંટણી જંગની તૈયારીઓ શરૂ કરી દીધી છે જ્યારે વિરોધ પક્ષનો સમુહ શરૂઆતમાં ગાજ્યો એટલો વરસી શકતો નથી. હજુ વિપક્ષો બેઠકોની વહેંચણીમાં અટવાયેલા છે અનેક નેતાઓ વચ્ચે તૂ તૂ-મૈં મૈં ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીની બીજા પાર્ટની પદયાત્રામાં કોંગ્રેસ સિવાયના વિપક્ષોની ગેરહાજરી જોવા મળતી હતી. રાહુલ ગાંધીના પ્રયાસો માત્ર કોંગ્રેસના વિજય માટે નથી પણ દરેક વિપક્ષના વિજય માટેના છે. પરંતુ એવું લાગે છે કે બધા વિપક્ષની જવાબદારી રાહુલ ગાંધીએ ઉપાડી લીધી છે.

તેમના પ્રયાસોને ટેકો આપવાના બદલે અન્ય વિપક્ષેા અંદરો અંદર હૂંસા તૂંસી પર ચઢી ગયા છે. એક તરફ ભાજપ રામમંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાથી પોતાનો પોઝિટીવ સ્કોર ઉભો કરી રહ્યો છે જ્યારે વિપક્ષો હજુ રનવે પરજ ઉભેલા દેખાય છે.

આધિરંજન ચૈાધરી અને તૃણમૂલ કોંગ્રેસના ડખા પર પાછા ફરીયે તો પ.બંગાળ કોંગ્રેસના અધિરંજન સહીતના ટોચના નેતાઓ કોંગ્રેસ મોવડીમંડળના કહી ચૂક્યા છે કે ઓછામાં ઓછી દશ બેઠકો પર કોંગ્રેસ જીતી શકે છે પરંતુ મમતા બેનરજી કોંગ્રેસને એક પણ બેઠક આપવા તૈયાર નથી. અધિરંજન ચૌધરીનો મ્હોં ફાડ બોલે છે. કોંગ્રેસ તેમને બોલતા નહીં રોકે તે તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ સાથે સંબંધો વણસી શકે છે.

અધિરંજન ચૌધરીની વાત સાચી હોય તો પણ તેમની મમતા બેનરજીને પડકારીને વાત કરવાની શૈલી વિપક્ષની એકતામાં ફાટફૂટ પડાવી શકે છે.

Gujarat