મૃતદેહ પાસેથી 'સેલફોસ'ની ડબ્બીઓ મળી આવતા આત્મહત્યાનું અનુમાન
- બગોદરા પાસે ભોગાવો નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
બગોદરા : બગોદરા પાસે ભોગાવો નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ પાસેથી 'સેલફોસ'ની ડબ્બીઓ મળી આવતા આત્મહત્યાનું અનુમાન સેવાઇ રહ્યું છે. હાલ પોલીસે મૃતદહેને પીએમ માટે ખસેડી મૃતકનો વાલીવારસો શોધવા તપાસ હાથ ધરી છે.
બગોદરા નજીક ભોગાવો નદીના કિનારે આવેલા મેલડી માતાના મંદિર પાસેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતદેહ પાસેથી ઝેરી દવા 'સેલફોસ'ની ત્રણ જેટલી ડબ્બીઓ મળી આવતા, પ્રાથમિક રીતે આત્મહત્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં બગોદરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. નદીના પાણીમાં મૃતદેહ હોવાને કારણે પોલીસ ટ્રેક્ટરની મદદથી ત્યાં પહોંચી હતી અને મૃતદેહનો કબજો લીધો હતો. ત્યારબાદ, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બગોદરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મૃતક કોણ છે, ક્યાંનો રહેવાસી છે અને આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઈ છે, તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની તપાસ બાદ જ આ ઘટના પાછળનું સાચું કારણ સામે આવશે.