Surat Conversion Scam : સુરત જિલ્લાના માંડવી તાલુકામાં સામે આવેલા મસમોટા ધર્માંતરણ કૌભાંડમાં જિલ્લા પોલીસે વધુ એક મહત્ત્વની કડી શોધી કાઢી છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર રામજી ચૌધરીના અત્યંત નજીકના સાથી અને તેના 'રહસ્ય સચિવ' તરીકે ઓળખાતા રાકેશ ચંદુલાલ વસાવાની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ બાદ શૈક્ષણિક જગત અને સ્થાનિક પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
શિક્ષકની આડમાં ધર્માંતરણનું નેટવર્ક
આરોપી રાકેશ વસાવાની પ્રોફાઇલ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે. તે હાઇવે નજીક આવેલી શહેરની એક પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જે શિક્ષક પર બાળકોનું ભવિષ્ય ઘડવાની જવાબદારી હતી, તે જ શિક્ષક પડદા પાછળ ધર્માંતરણના કાળા કારોબારનો હિસાબ રાખતો હોવાનું બહાર આવ્યું છે.
આ પણ વાંચો: બગદાણા મારામારી કેસ: જયરાજ આહીરનો વીડિયો વાઈરલ, 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
ફંડથી લઈને રજિસ્ટર સુધીનો તમામ વહીવટ રાકેશ પાસે
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, રાકેશ વસાવા આ નેટવર્કનો 'બેકબોન' હતો. તેની મુખ્ય ભૂમિકાઓ નીચે મુજબ હતી:
નાણાકીય વહીવટ: ધર્માંતરણની પ્રવૃત્તિ માટે ક્યાંથી ફંડ આવે છે, કેટલો ફાળો ઉઘરાવવામાં આવ્યો અને ક્યાં કેટલો ખર્ચ થયો તેનો તમામ હિસાબ રાકેશ રાખતો હતો.
ડેટા મેનેજમેન્ટ: કોનું ધર્માંતરણ કરવામાં આવ્યું અને કોને કઈ જવાબદારી સોંપવી તેનું પ્રોપર રજિસ્ટર રાકેશ પોતે નિભાવતો હતો.
ઈવેન્ટ ઓર્ગેનાઈઝર: ખ્રિસ્તી ધર્મના ત્રણ દિવસીય મોટા કાર્યક્રમોના આયોજનમાં રાકેશે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
પુરાવા: એકસાથે 20 વ્યક્તિઓને ધર્મ પરિવર્તન કરાવવાના કિસ્સામાં રાકેશ વસાવાની સીધી સંડોવણીના મજબૂત પુરાવા પોલીસને હાથ લાગ્યા છે.
માંડવીમાં પ્રથમવાર આટલા મોટા નેટવર્કનો પર્દાફાશ
માંડવી તાલુકામાં આ પ્રકારે વ્યવસ્થિત રીતે ચાલતા ધર્માંતરણના નેટવર્કનો પ્રથમવાર પર્દાફાશ થયો છે. જિલ્લા પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે રાકેશ જે ફંડનો હિસાબ રાખતો હતો, તે નાણાં વિદેશથી આવતા હતા કે સ્થાનિક સ્તરેથી? આ કૌભાંડમાં હજુ પણ કેટલાક મોટા માથાઓ અને અન્ય સંસ્થાઓની સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે.


