Get The App

રાજકોટમાં ઘરકંકાસનો લોહિયાળ અંજામ: પત્ની અને પુત્રોએ મળી પિતાનું ઢીમ ઢાળી દીધું

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
રાજકોટમાં ઘરકંકાસનો લોહિયાળ અંજામ: પત્ની અને પુત્રોએ મળી પિતાનું ઢીમ ઢાળી દીધું 1 - image


Rajkot Crime News: રંગીલા રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. શહેરના હુડકો પોલીસ ચોકી પાછળ આવેલા ક્વાર્ટર્સમાં સામાન્ય ઘરકંકાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પત્ની અને પુત્રોએ મળીને ઘરના મોભીની જ હત્યા કરી નાખી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ભક્તિનગર પોલીસે આ મામલે મૃતકની પત્ની અને બંને પુત્રોને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હુડકો પોલીસ ચોકી પાછળ આવેલા હુડકો ક્વાર્ટરમાં રહેતા અને મોજાં વેચવાનો વ્યવસાય કરતા 40 વર્ષીય નરેશભાઈ નટુભાઈ વ્યાસ ગુરુવારે રાત્રે પોતાના ઘરે હતા. આ દરમિયાન તેમની પત્ની અને બે પુત્રો સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. ઘરકંકાસ એટલી હદે વકર્યો હતો કે આવેશમાં આવીને નરેશભાઈ પર છરીના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા અને લોહીલુહાણ હાલતમાં પડેલા નરેશભાઈ માટે તાત્કાલિક 108 બોલાવવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદની 'લૂંટેરી દુલ્હન' ટોળકીનો પર્દાફાશ: 3 યુવતીઓએ 21 યુવકો સાથે લગ્ન કરી 52 લાખ અને દાગીના ખંખેર્યા

પોલીસનો કાફલો ઘટનાસ્થળે 

હત્યાના બનાવની જાણ થતાં જ ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ તેમજ ડીસીપી અને એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.

કોણે ચલાવી છરી? પોલીસ તપાસ શરૂ 

પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળનું કારણ ઘરકંકાસ હોવાનું બહાર આવ્યું છે. મૃતક નરેશભાઈ અને તેમના પરિવારજનો વચ્ચે છેલ્લા ઘણા સમયથી અવારનવાર ઝઘડા થતા હતા. ગુરુવારે રાત્રે પણ ઝઘડા બાદ હત્યા કરવામાં આવી હતી. જોકે, હત્યામાં છરીનો ઘા કોણે માર્યો? પત્નીએ કે પુત્રોએ તે હજુ સ્પષ્ટ થયું નથી. ભક્તિનગર પોલીસે મૃતકના પત્ની અને બંને પુત્રોને પોલીસ સ્ટેશન લાવી આકરી પૂછપરછ શરૂ કરી છે, જે બાદ હત્યાની મુખ્ય ભૂમિકા કોની હતી તે સ્પષ્ટ થશે.

Tags :