વડોદરાના પૂર્વ વિસ્તારમાં 4.14 કરોડના ખર્ચે વરસાદી ગટર અને વરસાદી ચેનલ બનાવાશે

શહેરના પૂર્વ ઝોનમાં વર્ષા સોસાયટીથી પ્રભુનગર સોસાયટી સુધીના 13.5 મીટર રસ્તા પર જૂની 20 ઇંચ ડાયામીટરની વરસાદી ગટર છે. પ્રભુ નગર સોસાયટીથી વૃંદાવન ચાર રસ્તા સુધીમાં હાલ કવર્ડ વરસાદની ચેનલ છે. જે વૃંદાવન ચાર રસ્તા પાસે રૂપારેલ કાંસને મળતી વરસાદી ચેનલ સાથે જોડાયેલ છે,પણ વરસાદી ગટર નાની હોવાથી પ્રભુનગર સોસાયટી પાસેના રસ્તાના લેવલ બહારના મુખ્ય રસ્તાની સરખામણીમાં 0.30 મીટર નીચા હોવાના કારણે ચોમાસામાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે છે. આ સમસ્યાના નિવારણ માટે મોટી વરસાદી ગટર અને વરસાદી ચેનલ બનાવવાની જરૂરી છે.
આ કામગીરી માટે પ્રભુનગર સોસાયટીથી વૃંદાવન ચાર રસ્તા સુધીનો ગેરંટી પીરીયડ હેઠળનો પાકો રસ્તો તોડીને કામગીરી કરવી પડશે. અહીં નવી વરસાદી ગટર બનાવવા માટે કોર્પોરેટરો દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે. કોર્પોરેશનના સલાહકાર દ્વારા આ સ્થળે સર્વે કરતા વર્ષા સોસાયટીથી પ્રભુનગર સોસાયટી સુધી 365 મીટર લંબાઈમાં તથા પ્રભુ નગર સોસાયટીથી વૃંદાવન ચાર રસ્તા સુધી 415 મીટર લંબાઈમાં નવી કવર્ડ આરસીસી ચેનલ બનાવવાનો ખર્ચ 4.14 કરોડ રૂપિયા થશે. આ રોડ પર ટ્રાફિકનું ભારણ ખૂબ જ રહે છે. રસ્તો સાંકડો છે. ઉપરાંત ખોદકામ દરમિયાન જૂની લાઈનો ટ્રાન્સફર કરવાની અને જૂની લાઈન સાથે કનેક્શન કરવાની કામગીરી રાત્રે કરવી પડે તેમ છે. અહીં વોટર ટેબલ પર ઊંચું છે.

