For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સાબરકાંઠાના વેડાછાવણીમાં પાર્સલ બ્લાસ્ટ મામલો: ટોચની એજન્સીઓ તપાસમાં જોડાઈ, ઘર કોર્ડન કરાયું

Updated: May 2nd, 2024

સાબરકાંઠાના વેડાછાવણીમાં પાર્સલ બ્લાસ્ટ મામલો: ટોચની એજન્સીઓ તપાસમાં જોડાઈ, ઘર કોર્ડન કરાયું

Parcel Explodes in Sabarkantha: સાબરકાંઠાના વડાલી તાલુકાના વેડાછાવણી ગામમાં અજાણી વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલા પાર્સલ બ્લાસ્ટ થયું હતું. આ ઘટનાને ગંભીરતાથી લઇને રાજ્યના ગૃહવિભાગે તાકીદે સમગ્ર મામલે ગુજરાત એટીએસ, અમદાવાદ ક્રાઈમબ્રાંચ અને ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરીના ટીમને સમગ્ર કેસની તપાસ માટે સક્રિય કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના દિવસે જ આ ઘટના બનતા એનએસજી, એનઆઈએ સહિતની એજન્સીઓના અધિકારીઓએ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત પોલીસની 10 જેટલી ટીમને રીક્ષા ચાલકને પાર્સલ આપનાર સ્કૂટર ચાલકને ઝડપી લેવા માટે સીસીટીવી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે સક્રિય કરવામાં આવી છે.

ટોચની એજન્સીઓ તપાસમાં જોડાઈ

સાબરકાંઠાના વડાલી તાલુકાના વેડાછાવણીમાં રહેતા જીતેન્દ્ર વણઝારાના ઘરે ગુરૂવારે (બીજી મે) અજાણ્યો રીક્ષા ચાલક પાર્સલ આપી ગયો હતો. જે પાર્સલ ખોલતાની સાથે જ મોટો બ્લાસ્ટ થયો હતો. જેમાં જીતેન્દ્ર વણઝારા (30 વર્ષ) અને તેમની પુત્રી ભૂમિ (14 વર્ષ) નું મોત નીપજ્યું હતું. ડીજીપી અને ગૃહવિભાગે સમગ્ર બનાવને ગંભીરતાથી લઈને તાત્કાલિક અમદાવાદ ક્રાઈમબ્રાંચ, ગુજરાત એટીએસ અને ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરીના અધિકારીઓને પાર્સલ બ્લાસ્ટની ઘટનાની તપાસમાં જોડાવવા તાકીદ કરી હતી. 

Article Content Image

સીસીટીવીના આધારે તપાસ શરૂ 

સાબરકાંઠા પોલીસની સાથે ક્રાઈમબ્રાંચ, એટીએસ અને ફોરેન્સિક લેબોરેટરીની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડના અધિકારીઓની ટીમ પણ મોકલવામાં આવી હતી. આ ટીમ દ્વારા પાર્સલ બોમ્બ બનાવવાની પેટર્ન અંગે તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે રીક્ષા ચાલકને પાર્સલ આપનાર સ્કૂટર ચાલકને ઝડપી લેવા માટે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી વેડાછાવણી ગામથી જે સ્થળે સ્કૂટર ચાલકે પાર્સલ આપવામાં આવ્યું હતું તે સ્થળ ઉપરાંત, તેની સાથે જોડાયેલા રસ્તાઓ પરના સીસીટીવીના આધારે તપાસ કરૂ કરવામાં આવી રહી છે.  


Article Content Image

ચૂંટણી પંચે આ મામલે રિપોર્ટ માગ્યો

ગુજરાતમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે આ મામલે રિપોર્ટ માગ્યો છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન બ્લાસ્ટની ઘટના બનતા એનઆઈએ, એનએસજીની ટીમને પણ સાબરકાંઠા પહોંચી છે. જો કે, આ ઘટનાને લઈને હવે વડાપ્રધાન મોદીની આગામી ચૂંટણી રેલી અને સભામાં વધુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

Article Content Image

નોંધનીય છે કે, જ્યારે બ્લાસ્ટની ઘટના બની, ત્યારે એવા અહેવાલો મળ્યા હતા કે, ઓનલાઈન મંગાવેલા પાર્સલમાં બ્લાસ્ટ થયો છે. પરંતુ તપાસમાં એવું સામે આવ્યું છે કે, આ પાર્સલ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા મોકવામાં આવ્યું છે. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે બે લોકોની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. 

Gujarat