For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'રૂપાલાએ ટિકિટ રદ કરવાની વાત કેમ ન કરી..' ક્ષત્રિયો સામે ભાજપના નેતાઓનો પનો ટૂંકો પડ્યો

Updated: Apr 28th, 2024

'રૂપાલાએ ટિકિટ રદ કરવાની વાત કેમ ન કરી..' ક્ષત્રિયો સામે ભાજપના નેતાઓનો પનો ટૂંકો પડ્યો

Lok Sabha Elections 2024 | ક્ષત્રિય સમાજ વિરુધ્ધ ટિપ્પણી કરતાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રુપાલા સામે વિરોધ વંટોળ ખાળવા ભાજપે એડીચોટીનુ જોર લગાવયું છે પણ હજુ કોઈ મેળ પડ્યો નથી. રૂપાલાએ માફી માગી છે તેવું ક્ષત્રિયોને સમજાવવામાં આવી રહ્યું છે ત્યારે ક્ષત્રિય સંકલન સમિતિએ એવો સવાલ ઊઠાવ્યો છે કે રૂપાલાએ માફી માગી ખરી પણ તેમણે હાઈકમાન્ડને કેમ ન કહ્યું કે મારી ટિકિટ રદ કરો, મારે ચૂંટણી નથી લડવી. ગુજરાતમાં વડાપ્રધાન મોદીની સભાની તૈયારીઓ થઇ રહી છે ત્યારે જાહેરસભામાં ક્ષત્રિયો વિરોધ પ્રદર્શન ન કરે તેનો ભાજપને ડર સતાવી રહ્યો છે. 

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ટિપ્પણીને મામલે ભાજપ હજુય ડેમેજકંટ્રોલ કરી શક્યુ નથી. ક્ષત્રિયોના મનામણાં માટે ભાજપ પ્રદેશના નેતાઓનો પનો ટૂંકો પડ્યો છે. હવે તો ક્ષત્રિય આંદોલન પાર્ટ-રની આગ છેક છેવાડાના ગામડાં સુધી પહોંચી ગઇ છે જેના કારણે ક્ષત્રિય સંકલન સમિતીના હાથમાં આંદોલન સમેટવુ શક્ય રહ્યુ નથી. હવે તો ક્ષત્રિયો મતના માધ્યમથી ઓછુ નુકશાન કરે તેવી ગણતરી સાથે ભાજપ આગળ વધી રહ્યું છે. 

આ તરફ, ભાજપ સરકાર ક્ષત્રિયોને ડરાવી-ધમકાવી રહી છે તેવો આક્ષેપ કરતાં ક્ષત્રિય સકંલન સમિતિએ એવા સવાલ ઉઠાવ્યા છે કે, એક તરફ, ભાજપના નેતાઓનો વાણી વિલાસ યથાવત રહ્યો છે ત્યાં બીજી તરફ, ક્ષત્રિયો માફ કરી દે તેવી સુફિયાણી વાતો કરવામાં આવી રહી છે. ક્ષત્રિયોના દિલ પર ઘા કરીને માફીની વાતો કરવી કેટલાં અંશે યોગ્ય છે?

ક્ષત્રિય સંકલન સમિતીએ સ્પષ્ટ કર્યું છે કે, પરષોતમ રૂપાલાએ ભૂલ કરી, માફી પણ માંગી પણ જો તેઓ ખુદ ચૂંટણીમાંથી ખસી ગયા હોત તો કદાચ ગુજરાતમાં આ પરિસ્થિતીનું નિર્માણ થયુ ન હોત. રૂપાલાએ હાઈકમાન્ડને કહેવુ જોઈતુ હતુંકે, મારી ટિકિટ રદ કરો. મારે ચૂંટણી લડવી નથી. આ બધુ કરવાને બદલે માફીની વાતો કરાય છે. ક્ષત્રિયોના ઘા પર મલમ લગાવવા માટે આ બધાય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે, માફી પણ દિલથી માંગી હોય તેમ લાગતુ નથી.

Article Content Image

Gujarat