For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ક્ષત્રિય આંદોલન વચ્ચે આજે વડાપ્રધાનની હાલારી પાઘડી અને રૂપાલાની ગેરહાજરી બની ચર્ચાનો વિષય

Updated: May 2nd, 2024

ક્ષત્રિય આંદોલન વચ્ચે આજે વડાપ્રધાનની હાલારી પાઘડી અને રૂપાલાની ગેરહાજરી બની ચર્ચાનો વિષય

PM Modi in Gujarat : ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. બીજી તરફ રાજ્યમાં ક્ષત્રિયોનું આંદોલન દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યું છે. વડાપ્રધાન મોદી ગુજરાતમાં ગુરુવારે (2 મે) ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. વડાપ્રધાને આણંદ બાદ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં ચૂંટણી સભાને સંબોધી હતી. ગુજરાતમાં ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલાના નિવેદનથી રોષમાં છે. તો ભાજપ પણ ખુબ ચિંતામાં જોવા મળી રહ્યું છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ આજે ક્ષત્રિય સમાજનો રોષ ઠારવાનો પ્રયાસ કર્યો હતો. વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન બે ઘટનાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. એક તો વડાપ્રધાન મોદીએ જામ સાહેબ સાથે મુલાકાત અને બીજું સૌરાષ્ટ્રની ત્રણેય સભામાં પરશોત્તમ રૂપાલાની ગેરહાજરી. વડાપ્રધાન મોદીએ ચૂંટણી સભામાં ક્ષત્રિય સમાજના બલિદાન અંગે વાત કરી હતી. ક્ષત્રિય સમાજના આંદોલનના સંદર્ભમાં વડાપ્રધાન મોદીએ આડકતરો ઉલ્લેખ કર્યો હતો.

વડાપ્રધાન મોદીની સૌરાષ્ટ્રની ત્રણેય સભામાં રૂપાલા ગેરહાજર

વડાપ્રધાન મોદીએ આજે ગુજરાતમાં ચાર સભાને સંબોધી હતી. તેમણે આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં પ્રચાર કર્યો હતો. આ વચ્ચે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં વડાપ્રધાન મોદીના પ્રચાર દરમિયાન રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ગેરહાજર જોવા મળ્યા હતા. સુરેન્દ્રનગર બેઠકના પ્રચારમાં રાજકોટ બેઠકનો સમાવેશ હતો. જોકે, રાજકોટના અન્ય નેતાઓ હાજર હતા. પરંતુ ક્ષત્રિય સમાજના રોષના પગલે રૂપાલાને ગેરહાજર રખાયા હોવાની ચર્ચા ચાલી રહી છે. વડાપ્રધાન મોદીએ પ્રચારમાં રૂપાલાથી અંતર રાખ્યું હોવાની પણ ચર્ચા છે. તો રૂપાલાની ગેરહાજરી અંગે ભાજપ દ્વારા કહેવાયું છે કે તેઓ ચૂંટણી પ્રચારમાં હોવાથી સભામાં ન ગયા. બીજી તરફ એવું પણ કારણ અપાઈ રહ્યું છે કે રૂપાલા બિમાર હોવાથી વડાપ્રધાનની સભામાં ઉપસ્થિત ન રહી શક્યા. જોકે રૂપાલા સભામાં ગયા નહીં કે તેમને ગેરહાજર રખાયા તે અંગે અનેક સવાલો થઈ રહ્યા છે. જણાવી દઈએ કે, જામનગરની સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમ, પોરબંદર વિધાનસભા બેઠકના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પબુભા માણેક સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

Article Content Image

જામ સાહેબે વડાપ્રધાન મોદીને પહેરાવી હાલારી પાઘડી

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર એરપોર્ટથી સીધા જામનગરના માજી રાજવી શત્રુશલ્યસિંહજીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમણે જામ સાહેબ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન રાજવી શત્રુશલ્યસિંહજીએ વડાપ્રધાન મોદીનું ફુલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ જામ સાહેબે વડાપ્રધાન મોદીને હાલારી પાઘડી પહેરાવી હતી. આ સાથે જામ સાહેબે વિજયીભવના આશીર્વાદ પાઠવ્યા હતા. તો ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે વડાપ્રધાનની રાજવી સાથે મુલાકાત એક પ્રકારે ક્ષત્રિયોને રિઝવવા માટેનો પ્રયાસ હોવાનું મનાઈ રહ્યું છે.

Article Content Image

સભા સ્થળથી વિદાય લીધી ત્યાં સુધી વડાપ્રધાને પહેરીને રાખી પાઘડી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડાપ્રધાન મોદીનું પાઘડી પહેરાવીને સન્માન કરવાનો સમય આવ્યો, ત્યારે તે પાઘડીને હાથમાં લઈને તેઓનું અભિવાદન જીલી લીધું હતું. જામ સાહેબે પહેરાવેલી પાઘડી વડાપ્રધાને ઉતારી ન હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, મને અહીં મંચ પર આવ્યો તે પહેલાં જામનગરના માજી રાજવી જામસાહેબે પાઘડી પહેરાવી છે, જે મારા માટે પ્રસાદી રૂપ છે. તેને ઉતારવાની હિમ્મત કોનામા હોય, તેમ કહી તે પાઘડી ઉતારી ન હતી. સભા સ્થળથી વિદાય લીધી ત્યાં સુધી વડાપ્રધાને તે પાઘડી પહેરીને જ રાખી હતી.

Article Content Image

'જામ સાહેબની પાઘડી મારા માટે મોટો પ્રસાદ છે'

જામનગરમાં સભા પહેલા વડાપ્રધાન મોદીએ જામ સાહેબની મુલાકાત કરી હતી. આ દરમિયાન જામ સાહેબે વડાપ્રધાન મોદીને હાલારી પાઘડી પહેરાવી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદી સભા સ્થળે પહોંચ્યા હતા. ત્યારે જામનગર ખાતે વડાપ્રધાન મોદીએ સંબોધનની શરૂઆતમાં જામ સાહેબ સાથેની મુલાકાત અંગે વાત કરતા કહ્યું કે, 'બધાને થતું હશે કે નરેન્દ્ર ભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા. મુખ્યમંત્રી પાઘડી પહેરાવવા જતા હતા તો મેં કહ્યું કે, આ પાઘડી ઉતારાય એવું નથી. હું રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા માટે ગયો હતો. જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કાંઈ બાકી જ ના રહે. એટલે મારા માટે તો જામ સાહેબની પાઘડી મોટો પ્રસાદ છે. તેમણે (મહારાજા દિગ્વિજય સિંહજીએ) જે બીજ વાવ્યું, તેના કારણે આજે પણ પોલેન્ડ સાથે આપણા સંબંધો મજબૂત છે. જામ સાહેબના પરિવાર સાથે મારો જૂનો નાતો રહ્યો છે, તેમના આશીર્વાદ રહ્યા છે. આજે પણ અહીં આવતા સમયે, તેમના આશીર્વાદ લેવા ગયો અને જ્યારે જામ સાહેબ વિજયી ભવઃ કહે છે, ત્યારે વિજય નક્કી થઈ જાય છે.'

Article Content Image

'જામનગરના મહારાજાએ પોલેન્ડના નાગરિકોને આશરો આપેલો'

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ગુજરાતે હાલમાં દેશ માટે જેટલું યોગદાન આપ્યું છે, એટલું જ યોગદાન ભૂતકાળમાં પણ અપાયું છે. જામનગરના મહારાજા દિગ્વિજય સિંહજીએ બીજા વિશ્વ યુદ્ધના સમયે પોલેન્ડના નાગરિકોને અહીં આશરો આપ્યો હતો. આજે પણ જ્યારે પોલેન્ડની પાર્લામેન્ટ શરૂ થાય છે, તો સૌથી પહેલા જામનગરનું અને મહારાજા દિગ્વિજય સિંહજીનું સ્મરણ કરવામાં આવે છે, પછી પાર્લામેન્ટ શરૂ થાય છે.'

'આપણા દેશના રાજા-મહારાજાઓના યોગદાનને ક્યારેય નહીં ભૂલી શકાય'

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આપણા દેશના રાજા-મહારાજાઓએ અખંડ ભારત બનાવવા માટે પોતાની પેઢીઓ અને રાજપાટ આપી દીધા હતા. તેમના યોગદાનને આ દેશ ક્યારે નહીં ભૂલી શકે.'

'ક્ષત્રિયોના બલિદાન સામે મારા મુખ્યમંત્રીપદની કિંમત નથી'

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આજે જામનગર આવ્યો છું ત્યારે અનેક જૂની વાતો તાજી થઈ છે. એકવાર મહત્ત્વની ઘટના બની. ભૂચર મોરીની યુદ્ધની વાત. મને આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યા. પછી મને કોઈએ કાનમાં કહ્યું, અમે સાહેબ નિમંત્રણ આપવા આવ્યા છીએ પણ તમે નહીં આવો પણ આતો અમારું કર્તવ્ય છે એટલે અમે આવ્યા છીએ. મે કહ્યું કેમ નહીં આવું. તો કહ્યું કે, કોઈ મુખ્યમંત્રી નથી આવ્યાં. અમે બધા મુખ્યમંત્રીને આમંત્રણ આપીને ટ્રાઈ કરી લીધી છે. ત્યાં એવી માન્યતા છે કે, જ્યાં આટલા બધા પાળિયા હોય. પૂજાતા હોય પણ ગુજરાતના મુખ્યમંત્રીઓના કાનમાં કોઈએ ભેળવી દીધું છે કે તમે ભૂચર મોરીના સ્થાને જાવ એટલે તમારૂ મુખ્યમંત્રીનું પદ જતું રહે, એટલા માટે ત્યાં કોઈ મુખ્યમત્રી જતા ન હતા. ત્યારે મેં કહ્યું કે, મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી. હું આવીશ જ. અને હું આવ્યો હતો અને ખૂબ ઉલ્લાસથી તે કાર્યક્રમને મેં વધાવ્યો હતો. એટલે જામનગર સાથેની એવી અનેક યાદો સાથે હું આજે ફરી જામનગર આવ્યો છું.'

ગુજરાતમાં ક્ષત્રિયો ભાજપથી નારાજ!

ભાજપ ક્ષત્રિય વોટ બેન્ક ગુમાવે તેવી પરિસ્થિતિ

કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાએ ટિપ્પણી બાદ પાટીદારોને સાચવવામાં ભાજપ હવે ક્ષત્રિય વોટ બેન્ક ગુમાવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શરૂઆતના તબક્કામાં ક્ષત્રિયોનો રોષ ઠરી જશે તેવી ભાજપની ગણતરી ઉંધી પડી છે. હવે સમાધાનની શક્યતા ઓછી છે. આ સંજોગોમાં રત્નાકર સહિત પ્રદેશના નેતાઓએ જીલ્લાવાર પ્રવાસ કરીને ક્ષત્રિયોના મનામણાં માટે ઉધામા મચાવ્યા છે પણ ડેમેજ કંટ્રોલ થઇ શક્યુ નથી. વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પહેલાં ક્ષત્રિય આંદોલન ઠારવા ઘણી મથામણ કરાઇ પણ ભાજપનો પનો ટૂંકો પડ્યો છે. હજુય ગ્રામ્ય સ્તરે ભાજપના ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. 

ભાજપ માટે મુશ્કેલી સર્જાઇ શકે છે

ક્ષત્રિય આંદોલન પાર્ટ-2માં આખાય ગુજરાતમાં ધર્મયાત્રા શરૂ થઇ છે જેને અન્ય સમાજોનું સમર્થન સાંપડી રહ્યુ છે જેના કારણે ભાજપના પેટમાં ફાળ પડી છે. હાલ ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી બેઠકો પર એવુ ચિત્ર ઉપસ્યુ છે કે, ક્ષત્રિય સમાજની સાથે ઓબીસી, દલિત અને લઘુમતી મતદારો વિરૂદ્ધમાં મતદાન કરે તો ભાજપ માટે મુશ્કેલી સર્જાઇ શકે છે. અત્યારે ભરૂચ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, કચ્છ જેવી બેઠકો પર ક્ષત્રિય મતદારો ભાજપની ગણતરી ઉંધી પાડી શકે છે. 

ક્ષત્રિયો મતના શસ્ત્રથી બદલો લેવાની મૂડમાં

હવે જ્યારે આજે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓ ક્ષત્રિય સમાજને ઇમોશનલ અપીલ કરશે તેવી પ્રદેશ નેતાગીરીને આશા છે. જેથી આંદોલનની અગનજવાળા શાંત પડે. સાથે સાથે એ વાતનો ભય સતાવી રહ્યો છે કે, જો સભામાં વિરોધ થાય તો ભાજપની દેશ લેવલે ઇમેજ ખરડાઇ શકે છે. 

ભાજપને એવો ભય સતાવી રહ્યો છે કે, લોકસભાની ચૂંટણી પછી આ સ્થિતી રહી તો ભાજપને ક્ષત્રિય મતદારો ગુમાવવા પડે તેમ છે. બીજી તરફ, મહિલા સ્વમાનની લડાઇ લડતા ક્ષત્રિયો કોઇપણ ભોગે આ વખતે ભાજપને મતના શસ્ત્રથી બદલો લેવાની મૂડમાં છે. 

Gujarat