For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને પગલે અમદાવાદ મ્યુનિ.તંત્ર એલર્ટ મોડ ઉપર તમામની રજા રદ કરી દેવાઈ

મ્યુનિ.સંચાલિત તમામ હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટરમાં તબીબી સ્ટાફને જરુરી દવાઓ સાથે સારવાર માટે સ્ટેન્ડ ટુ રહેવા આદેશ

Updated: Jun 13th, 2023

બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને પગલે અમદાવાદ મ્યુનિ.તંત્ર એલર્ટ મોડ ઉપર તમામની રજા રદ કરી દેવાઈ

અમદાવાદ,મંગળવાર,13 જુન,2023

બિપરજોય વાવાઝોડાની અમદાવાદ શહેરમાં થનારી સંભવિત અસરને પગલે મ્યુનિસિપલ તંત્રના હેલ્થ-હોસ્પિટલ સહિતના તમામ વિભાગને એલર્ટ મોડ ઉપર મુકવામાં આવ્યા છે.તમામની રજા રદ કરાઈ છે.મ્યુનિ.સંચાલિત હોસ્પિટલ તથા અર્બન હેલ્થ સેન્ટરમાં તબીબી સ્ટાફને જરુરી દવાઓના જથ્થા સાથે સારવાર માટે સ્ટેન્ડ ટુ રહેવા આદેશ આપવામાં આવ્યો છે.

અરબી સમુદ્રમાં ઉદભવેલા બિપરજોય વાવાઝોડાએ અતિ ગંભીર સ્વરુપ ધારણ કરતા અમદાવાદ શહેર ઉપર થનારી તેની સંભવિત અસરને ધ્યાનમા લઈ મ્યુનિસિપલ તંત્રે શહેરીજનોની સુરક્ષા તથા સલામતી માટે તૈયારીઓ કરી લીધી છે.મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને સતત બીજા દિવસે રીવરફ્રન્ટ હાઉસ ખાતે વાવાઝોડાની અસરને લઈ ઉભી થનારી પરિસ્થિતિ સંદર્ભમાં મ્યુનિ.ના તમામ વિભાગ દ્વારા કરવામા આવેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી.શહેરમાં મ્યુનિ.સંચાલિત આવેલી તમામ હોસ્પિટલ ઉપરાંત ૮૦ જેટલા અર્બન હેલ્થ સેન્ટર તથા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર જરુરી દવાઓ તથા સાધનો સાથે તબીબી સ્ટાફને હાજર રહેવા તાકીદ કરવામા આવી છે.દરમિયાન શહેરના મેયર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક કરી તંત્ર દ્વારા વાવાઝોડાની સંભવિત અસરને  પહોંચી વળવા કરવામા આવેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી.

મ્યુનિ.શાળાઓમાં અસરગ્રસ્તોને રાખવા વ્યવસ્થા કરાઈ

બિપરજોય વાવાઝોડાની અમદાવાદ શહેરમાં થનારી સંભવિત અસરને ધ્યાનમાં રાખી  વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ શાળાઓમાં અસરગ્રસ્તોને રાખવા માટે વ્યવસ્થા કરવામા આવી છે.સ્કૂલબોર્ડના ચેરમેન ડોકટર સુજય મહેતાના કહેવા પ્રમાણે,શહેરમાં સાત ઝોન છે.એવા મ્યુનિ.સ્કૂલબોર્ડના બાર ઝોન છે.દરેક ઝોનમાં એક-એક શાળા વાવાઝોડાની થનારી સંભવિત અસરને પગલે અસરગ્રસ્ત લોકોને રાખી શકાય એ માટે સ્ટેન્ડબાય રાખવામા આવી છે.

મ્યુનિ.તંત્ર દ્વારા શહેરીજનોને અપીલ કરાઈ

અમદાવાદમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને પગલે મ્યુનિસિપલ તંત્ર દ્વારા શહેરીજનોને જરુર ના હોય તો ઘરની બહાર ના નીકળવા અપીલ કરવામા આવી છે.

-દૂધ,અનાજ,શાકનો ખપ પુરતો સંગ્રહ કરવો.

-જુના મકાન કે વૃક્ષ નીચે ઉભા ના રહેવુ

-આપત્તિના સમયે વીજલાઈનથી દુર રહેવુ તેમજ ટ્રાન્સફોર્મર સેન્ટર પાસે વાહન પાર્ક ના કરવા

-ફાનસ,ટોર્ચ,મીણબત્તી,પાણી,કપડાં, ધાબળા પ્રાથમિક સારવારની કીટ હાથવગી રાખવી

-ઘરમાં પાલતુ જાનવર હોય તો સલામત સ્થળે ખસેડવા,ઘરના બારી-બારણાં વાવાઝોડા દરમિયાન બંધ રાખવા

-ઘરમાં પતરાના શેડ હોય તો થોડો સમય હટાવી લેવા અથવા તેની મરામત કરાવી લેવી

-સોસાયટી-ઘરના ભયજનક વૃક્ષનુ ટ્રીમીંગ કરાવી લેવુ

-જરુરી અને કીંમતી સામાન ઘરના પહેલા માળે ખસેડી લેવો

-અફવાઓથી દુર રહી તંત્ર તરફથી આપવામા આવતી માહિતી,સમાચાર ઉપર ધ્યાન આપવું

Gujarat