For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ્રદૂષિત પાણી-કાળઝાળ ગરમીના કારણે અમદાવાદમાં એક મહિનામાં પાણીજન્ય રોગના બે હજારથી વધુ કેસ

એપ્રિલ મહિનામાં વટવાવોર્ડમાં ઝાડા ઉલટીના ૧૬૬, ઠકકરબાપાનગર વોર્ડમાં ૧૫૫ કેસ નોંધાવા પામ્યા

Updated: May 8th, 2024


પ્રદૂષિત પાણી-કાળઝાળ ગરમીના કારણે  અમદાવાદમાં એક મહિનામાં પાણીજન્ય રોગના બે હજારથી વધુ કેસઅમદાવાદ,મંગળવાર, 8 મે, 2024

અમદાવાદમાં કેટલાક સમયથી પડી રહેલી કાળઝાળ ગરમીની સાથે શહેરના અનેક વિસ્તારમાં પ્રદૂષિત પાણી આવવાની સમસ્યાના કારણે એક મહિનામાં પાણીજન્ય રોગના બે હજારથી વધુ કેસ સામે આવ્યા છે. એપ્રિલના એક જ મહિનાના સમયમાં ઝાડા ઉલટીના ૧૫૨૪ કેસ નોંધાયા હતા. ટાઈફોઈડના ૩૬૧ કેસ જયારે કમળાના ૧૫૧ કેસ નોંધાયા હતા.પૂર્વ ઝોનમાં આવેલા વટવા વોર્ડમાં ઝાડા ઉલટીના સૌથી વધુ ૧૬૬ કેસ નોંધાયા હતા.ઠકકરબાપાનગર વોર્ડમાં ૧૫૫ જયારે વિરાટનગર વોર્ડમાં ૧૨૭ કેસ ઝાડા ઉલટીના નોંધાવા પામ્યા હતા.

શહેરના મધ્ય ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારની સાથે પૂર્વ ઝોન ઉપરાંત દક્ષિણ તથા ઉત્તર ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં પ્રદૂષિત પાણી આવતુ હોવા અંગેની અનેક ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને શહેરીજનો કોમ્પ્રિહેન્સિવ રીડ્રેસલ સિસ્ટમ અંતર્ગત ઓનલાઈન કરતા હોય છે.મ્યુનિસિપલ કમિશનર દ્વારા લોકો તરફથી પ્રદૂષિત પાણીની મળતી ફરિયાદોનો ઝડપથી નિકાલ કરવા ઈજનેર વિભાગ સહિતના વિભાગના અધિકારીઓને અવારનવાર સુચના આપેલી છે.પ્રદૂષિત પાણીને લગતી ફરિયાદ વોર્ડ કક્ષાએ જ ઉકેલવા અપાયેલી સુચનાનો પણ અમલ કરવામાં આવતો નથી.વટવા,રામોલ-હાથીજણ ઉપરાંત અમરાઈવાડી, ભાઈપુરા-હાટકેશ્વર સહિતના વોર્ડમાં રહેતા લોકો એક તરફ પ્રદૂષિત પાણી અને બીજી તરફ કાળઝાળ ગરમીના કારણે પાણીજન્ય રોગનો ભોગ બની રહયા છે. આ વર્ષના જાન્યુઆરીથી મે-૨૪ સુધીમાં શહેરમાં ઝાડા ઉલટીના ૩૩૪૯, ટાઈફોઈડના ૧૧૭૬ જયારે કમળાના ૫૨૦ કેસ નોંધાયા છે.શહેરના પૂર્વ ઝોન સહિતના અન્ય વોર્ડ વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં શેરડીના રસ,બરફના ગોળા, પેપ્સીકોલા જેવા પીણાંની સાથે પાણીપુરી વેચાઈ રહી છે.છતાં ફૂડ વિભાગ તરફથી નકકર કાર્યવાહી કરવાના બદલે માત્ર નામ પુરતા જ સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલવામા આવતા હોવાથી પાણીજન્ય રોગના કેસ વધી રહયા છે.

એક મહિનામાં  ઝાડા ઉલટીના વધુ કેસ કયા વોર્ડમાં?

વોર્ડ            કુલ કેસ

વટવા          ૧૬૬

ઠકકરનગર     ૧૫૫

બહેરામપુરા     ૧૪૫

દાણીલીમડા    ૧૪૨

વિરાટનગર     ૧૨૭

ગોમતીપુર      ૧૧૪

સરસપુર        ૧૦૦

સાબરમતી      ૭૬

એક મહિનામાં ટાઈફોઈડના વધુ કેસ કયા વોર્ડમાં?

વોર્ડ            કુલ કેસ

વટવા          ૬૯

બહેરામપુરા     ૩૨

દાણીલીમડા    ૨૫

અમરાઈવાડી   ૨૧

ઠકકરબાપાનગર    ૧૫


Gujarat