અમદાવાદમાં પ્રદૂષણ સાથે ધૂંધળું હવામાન, રાજ્યમાં 3 દિવસ બાદ ફરી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરુ થશે

Weather Update: ગુજરાતમાં લઘુતમ તાપમાનનો પારો ઊંચકાયો છે, જેના કારણે છેલ્લા થોડા દિવસોથી ઠંડી ગાયબ થઈ ગઈ છે. જોકે, હવામાન વિભાગની આગાહી મુજબ આ રાહત કામચલાઉ છે અને આગામી સોમવારથી રાજ્યમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરુ થવાની પ્રબળ શક્યતા છે.
બુધવારે અમદાવાદ શહેરનું તાપમાન સ્થિર રહ્યું હતું, પરંતુ પર્યાવરણીય ફેરફારો સ્પષ્ટ જોવા મળ્યા હતા. સવારના સમયે આકાશમાં વાદળો છવાયેલા હતા અને શહેરમાં ધૂંધળું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાનની ભાષામાં આ સ્થિતિને ‘સ્મોગ’ (Smog) તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રદૂષણયુક્ત ધુમ્મસને કારણે સવારના તાપમાનમાં પણ સામાન્ય વધારો નોંધાયો હતો.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાઢ ધુમ્મસ
બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી. ખાસ કરીને રાજકોટ, દ્વારકા, પોરબંદર, દીવ, સુરેન્દ્રનગર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી પર અસર પડી હતી. હાલ રાજ્યમાં તાપમાનનો પારો ઊંચો રહેતા ઠંડીમાં ઘટાડો થયો છે, પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ બાદ ફરી તાપમાન નીચે ઉતરશે અને ફૂલગુલાબી ઠંડીનો અનુભવ થશે.
આગામી દિવસોની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે આગામી ચાર દિવસ સુધી તાપમાનમાં સામાન્ય વધ-ઘટ જોવા મળશે. ત્યારબાદ પારો 2થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. એટલે કે સોમવારથી ફરી ઠંડીનું જોર વધશે.
બુધવારે નોંધાયેલું લઘુતમ તાપમાન
નલિયા: 12 સેલ્સિયસ (સૌથી ઓછું)
જૂનાગઢ અને જામનગર: 14 સેલ્સિયસ
રાજકોટ, ભુજ, કેશોદ: 15 સેલ્સિયસ
ગાંધીનગર, ડીસા, કંડલા, પોરબંદર: 16 સેલ્સિયસ
દીવ: 17 સેલ્સિયસ
અમદાવાદ, સુરેન્દ્રનગર, મહુવા: 18 સેલ્સિયસ
વડોદરા, સુરત, ભાવનગર, દ્વારકા: 20સેલ્સિયસની આસપાસ
દક્ષિણ ભારતમાં ઍલર્ટ
આ દરમિયાન ભારતના આંદામાન-નિકોબાર ટાપુઓથી 600થી 750 કિ.મી. દૂર ઈન્ડોનેશિયા પાસે દરિયામાં એક વાવાઝોડું સર્જાયું છે, જેનું નામ ‘સેનયાર’ રાખવામાં આવ્યું છે. આ સિસ્ટમના કારણે બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરમાં લો-પ્રેશર વધુ શક્તિશાળી બન્યું છે.
આ સિસ્ટમની અસરને પગલે આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુ સહિત દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. જોકે, આ વાવાઝોડું ગુજરાતથી ઘણું દૂર હોવાથી રાજ્ય પર તેની સીધી અસરની કોઈ શક્યતા નથી. તેમ છતાં, સ્થાનિક હવામાનમાં ફેરફારને કારણે તારીખ 28થી 30 દરમિયાન રાજ્યમાં ક્યાંક-ક્યાંક છૂટાછવાયા વાદળો જોવા મળી શકે છે.

