વડોદરામાં અટલાદરાની દુકાનમાં પાંચ દિવસ પહેલા આગ લગાડનાર આરોપી ઓળખાયો
Vadodara Crime : વડોદરામાં જુના પાદરા રોડ મથુરા નગર સોસાયટીમાં રહેતા અને ખેતી કામ કરતાં નિકુલ પરીક્ષિતભાઈ પટેલે અટલાદરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું પાદરાના જલાલપુરા ગામે ખેતી કરું છું અને બપોર પછી અટલાદરાના વર્ધમાન એન્કલવમાં પટેલ પાન નામની દુકાન ચલાવું છું.
ગત પહેલી તારીખે સવારે સાડા સાત વાગે અમારા દુકાન પાસે સફાઈ કામ કરતા ધીરુભાઈ ઠક્કરે ફોન કરીને જાણ કરી હતી કે તમારી દુકાનમાંથી ધુમાડા નીકળે છે. જેથી મેં આવીને તપાસ કરતા દુકાનમાં આગ લાગી હતી અને થોડો સામાન બળી ગયો હતો. આગ કુદરતી રીતે લાગી હોવાનું મને અંદાજ હતો પરંતુ સવારે 10:00 વાગે દુકાનના સીસીટીવી ચેક કરતાં મને ખબર પડી નથી કે ગયા ઓક્ટોબર મહિનામાં મારી દુકાનમાં ફાયર બોટલ વેચવા માટે એક શખ્સ આવ્યો હતો અને મેં તે બોટલ ખરીદી ન હતી. આ વ્યક્તિએ મારી દુકાન પાસે આવી થેલીમાંથી પ્રવાહી કાઢી મારા સોડા મશીનના પાંજરા પાસે તથા દુકાન પાસે રેડી દીધી હતી. અને ત્યારબાદ આગ ચાપીને જતો રહ્યો હતો. એ વ્યક્તિનું નામ આરીફ આબિદ ખાન (રહે-શોભના નગર વાસણા રોડ) હોવાનું જાણવા મળ્યું હતું.