જામનગરમાં 33 ગેરકાયદે દબાણો દૂર કરવા ડિમોલેશનની કાર્યવાહી, 66,000 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાશે
Jamnagar Demolition: જામનગર મહાનગરપાલિકા દ્વારા એક દિવસના વિરામ બાદ રંગમતી નદી પછી નાગમતી નદીના કિનારે રણજીત સાગર રોડ પર અલગ અલગ બે સ્થળોએ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના માટે 6 જેસીબી મશીન અને 4 ટ્રેક્ટર, 1 હિટાચી મશીન સહિતની મશીનરી કામે લગાડવામાં આવી છે. 33 ગેરકાયદેસર દબાણકારોને નોટિસ પાઠવ્યા બાદ આજે મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે અને અંદાજે 66 હજાર ફૂટ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી રહી છે. જેની અંદાજિત કિંમત એકાદ કરોડ ગણાવાઇ રહી છે.
શહેરમાં વરસાદી પાણી ન ભરાય તે માટે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જેમાં મનપાના 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ અને ભારે પોલીસ પહેરા હેઠળ મેગા ડિમોલિશન હાથ ધરાયું છે. રિવર ફ્રન્ટ પ્રોજેક્ટને લઈને બુધવારે કાલાવડ નાકા બહારથી લઈને છેક નાગેશ્વર વિસ્તાર સુધીમાં નદીના પટમાં ખડકી દેવાયેલા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સવાર થી સાંજે 6 વાગ્યા સુધીમાં 50,000 ફૂટ જગ્યા ખુલ્લી કરી લેવાઈ છે.
આ પણ વાંચો: દાહોદ મનરેગા કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણીની શક્યતા, ગરીબ મજૂરોના જોબ કાર્ડના આધારે લાખોની કટકી
ત્યારબાદ એક દિવસનો વિરામ લઈને આજે સવારે રંગમતિ નદી કિનારે જુદા જુદા બે સ્થળોએ તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. 33 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરીને અંદાજે 66,000 ફૂટ જગ્યા ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં મહાનગરપાલિકાના અધિકારીઓની મોટી ટીમ અને 100થી વધુ સ્ટાફ ઉપરાંત સીટી એ. ડિવિઝનનો મહિલા પોલીસ સહિતનો વિશાળ પોલીસ કાફલો જોડાયો છે.