For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આરબ વર્લ્ડની એકતા : વૈશ્વિક રાજકારણમાં નવાં સમીકરણો

Updated: Apr 26th, 2024

આરબ વર્લ્ડની એકતા : વૈશ્વિક રાજકારણમાં નવાં સમીકરણો

- વર્લ્ડ વિન્ડો

- ઈરાનના રાષ્ટ્રપતિ પાકિસ્તાનના પ્રવાસે ગયા ને તુર્કીના પ્રમુખ ઈરાકની મુલાકાતે પહોંચ્યા. મુસ્લિમ દેશો ઈઝરાયલના બહાને નજીક આવી રહ્યા છે...

ઈઝરાયલ અને આરબ દેશો વચ્ચે ૬૦-૭૦ના દશકામાં ભારે તંગદિલી હતી. યુદ્ધો છેડાઈ ચૂક્યાં હતાં અને એકેય વખત આરબ દેશો ઈઝરાયલને હરાવી શક્યા ન હતા. ૧૯૪૮, ૧૯૫૬, ૧૯૬૭ - એમ ત્રણ-ત્રણ વખત ઈઝરાયલ સામે લડી ચૂક્યા હોવા છતાં આરબ દેશોને સફળતા મળી ન હતી. ઈઝરાયલે શરૂઆતથી જ ડુ-ઓર-ડાઈની પૉલિસી અજમાવીને આક્રમક લડત આપી હતી. આમેય યહૂદીઓને દુનિયાભરમાંથી તેમના લાંબા સામાજિક-રાજકીય સંઘર્ષના કારણે સહાનુભૂતિ મળતી હતી. યહૂદીઓને હજાર-દોઢ હજાર વર્ષ પછી તેમના પૂર્વજોની ભૂમિમાં રહેવાની તક મળી હતી એ વાતે વેસ્ટર્ન વર્લ્ડ ઈઝરાયલના સમર્થનમાં હતું. ઈઝરાયલના લોકો પણ ધારણા કરતાં વધારે લડાકુ સાબિત થયા.

ઈઝરાયલને માન્યતા મળી ત્યારથી જ મુસ્લિમ દેશો એના વિરોધમાં હતા. બ્રિટિશ તાબાના પેલેસ્ટાઈનમાંથી બે રાષ્ટ્રની થિયરી રજૂ થઈ તે આરબ દેશોને માન્ય ન હતી, કારણ કે ઈઝરાયલની અલ-અક્સ મસ્જિદ પર તેમનો પણ દાવો હતો. અલ-અક્સ મસ્જિદ ઈસ્લામમાં ત્રીજી સૌથી પવિત્ર મસ્જિદ છે. એ રીતે આખાય ઈસ્લામમાં તેનું ખાસ મહત્ત્વ છે. જેરૂસલેમ યહૂદીઓ ઉપરાંત મુસ્લિમો માટેય ધાર્મિક રીતે એટલું જ મહત્ત્વનું હતું. આ બધાં કારણોથી મુસ્લિમ દેશોમાં એકતા આવી.

૨૫ સપ્ટેમ્બર, ૧૯૬૯ના દિવસે સાઉદી અરબના રાજાએ ઈસ્લામિક કોન્ફરન્સ બોલાવી. મુસ્લિમ બહુમતી ધરાવતા ૨૪ દેશોના સર્વોચ્ચ નેતાઓ વચ્ચે મોરોક્કોમાં બેઠક મળી. એ બેઠકમાં ઈસ્લામ ધર્મનો અવાજ બનવા માટે ઈસ્લામિક દેશોના મજબૂત સંગઠનનો પ્રસ્તાવ મૂકાયો. એ જ પળે ઓર્ગેનાઈઝેશન ઓફ ધ ઈસ્લામિક કોન્ફરન્સ નામનું સંગઠન અસ્તિત્વમાં આવ્યું, જે પછીથી ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી)ના નામે જાણીતું થવાનું હતું. સંગઠનની સ્થાપના ધર્મના આધારે થઈ. એમ તો જ્યારે ઈઝરાયલ-પેલેસ્ટાઈનના બે અલગ રાષ્ટ્રોની વાતો ચાલતી હતી ત્યારે ૧૯૪૫માં આરબ લીગની સ્થાપના થઈ હતી, પરંતુ એ વખતે ૨૨ દેશો એમાં સભ્ય બન્યા હતા. ઓઆઈસી એના કરતાં મોટું સંગઠન બન્યું. એનો મુખ્ય હેતુ જ ધાર્મિક હિતો જાળવવાનો હતો.

સંગઠનની સ્થાપના વખતે ધાર્મિક હિતોનું રક્ષણ ઉપરાંત સાંસ્કૃતિક, સામાજિક આદાન-પ્રદાનનો હેતુ પણ હતો. તે સિવાય આ દેશોમાં વૈજ્ઞાાનિક અભિગમ કેળવાય તે માટેના પ્રયાસો કરવાના ય પ્રસ્તાવો મૂકાયા હતા, પરંતુ સમય જતાં સંગઠનનો મૂળ હેતુ ધર્મ આધારિત રાજનીતિનો બની ગયો, પણ સમયાંતરે એમાંય રાજકીય રીતે એકબીજાથી વધારે મજબૂત થવાની, આર્થિક રીતે સદ્ધર થવાની હોડ શરૂ થઈ. અમેરિકાએ પણ એમાં ફૂટ પડાવી. સાઉદી, યુએઈ જેવા દેશો સાથે કરારો કરીને અમેરિકાએ કેટલાક દેશોની રશિયાની નજીક જતાં અટકાવ્યા. અમેરિકાએ માતબર રોકાણ કરીનેય ઘણાં દેશોમાં પોતાનું પ્રભુત્વ જમાવ્યું, પરંતુ ઈઝરાયલના નામે કાયમ અમેરિકાનું વલણ ઈઝરાયલ તરફી રહ્યું છે. અમેરિકામાં રહેતા મૂળ યહૂદી ઉદ્યોગપતિઓની એમાં ચાવીરૂપ ભૂમિકા હતી. અમેરિકામાં સરકારો બદલાવા છતાં આ પ્રતિષ્ઠિત અને પહોંચેલા યહૂદીઓના કારણે આરબ વર્લ્ડ અને ઈઝરાયલના ઘર્ષણની વાત આવે ત્યારે ઈઝરાયલની મદદ કરવાનો રસ્તો પસંદ કર્યો.

આ વખતે પણ એવું જ થયું. હમાસે ઈઝરાયલમાં હુમલો કર્યો તે પછી ઈઝરાયલના સૈન્યએ આક્રમક થઈને બદલો લીધો. સૂકા ભેગું લીલું પણ એમાં બળ્યું. હમાસના ઉગ્રવાદીઓના કેમ્પો તો ધ્વસ્ત થયા જ, પરંતુ સેંકડો નિર્દોષ લોકોનો પણ ભોગ લેવાયો. ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામના અમેરિકાના પ્રયાસો પણ નિષ્ફળ ગયા. અમેરિકાએ પહેલી વખત ઈઝરાયલના પીએમ નેતાન્યાહૂની ટીકા કરી. ઈઝરાયલ આટલેથી અટક્યું નહીં. સીરિયામાં ઈરાનની એમ્બેસી પર હુમલો કરાવ્યો. છંછેડાયેલા ઈરાને ઈઝરાયલ પર વળતો હુમલો કર્યો એટલે ઈઝરાયલ-હમાસના યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-આરબ યુદ્ધના ભણકારા વાગવા માંડયા.

આવા તંગ માહોલમાં આરબ દેશો ફરીથી નજીક આવવા માંડયા છે ને તેનાથી વૈશ્વિક રાજકારણમાં નવાં સમીકરણો રચાઈ રહ્યાં છે. જે દેશો વચ્ચે આંતરિક સંઘર્ષ હતો એ દેશો પણ જૂના મતભેદો ભૂલીને એકબીજાના સમર્થનમાં આવવા માંડયા છે. પેલેસ્ટાઈનના મુસ્લિમ નાગરિકો માટે આ દેશો એક થઈ રહ્યા છે. આગામી સમયમાં તેમના વચ્ચે ફરીથી ભાઈચારો વધે અને ઈઝરાયલને તેમજ ઈઝરાયલના સમર્થક દેશો સાથે સંબંધો ઘટાડવાની દિશામાં વિચારણા થઈ રહી છે. નવેસરથી આરબ દેશોની એકતા માટેની જવાબદારી તુર્કીના પ્રમુખ એર્ડોઆને લીધી છે. આમેય એર્ડોઆન પોતાને મુસ્લિમ દેશોના ઉદ્ધારક માને છે. એક સમયે પરમાણુ પરીક્ષણો પછી પાકિસ્તાને જે આગેવાની લીધી હતી એ હવે તુર્કીએ લીધી છે. પાકિસ્તાનની રાજકીય સ્થિતિ ડામાડોળ થઈ છે અને દેશમાં આંતરિક અસંતોષ-અજંપો છે એટલે આરબ વર્લ્ડની આગેવાની લેવાની સ્થિતિમાં નથી. એ તક પારખીને તુર્કીના પ્રમુખ એર્ડોઆન આરબ દેશોને એક કરવાની પેશકશમાં પડયા છે. એર્ડોઆન અત્યારે ઈરાકની મુલાકાતે છે. ઈરાન પર ઈઝરાયલના હુમલા પછી આરબ દેશોની એકતામાં ઈરાક સાથે હોય એ જરૂરી છે. આ બંને પાડોશી દેશો વચ્ચે કોઈને કોઈ બાબતે ટકરાવ થતો રહે છે. એર્ડોઆન એ સમજાવવાની કોશિશમાં પડયા છે કે આંતરિક મુદ્દા જેમના તેમ બાજુમાં રાખીને વૈશ્વિક બાબતોમાં સૌએ ધાર્મિક આધાર પર એકતા બતાવવી જોઈએ. એર્ડોઆન આ મેસેજ લઈને સાઉદી, યુએઈ અને કતાર પણ ગયા. ખાડી દેશોના વડાઓ સાથે એર્ડોઆનની મુલાકાત એવા સમયે થઈ છે કે જ્યારે ઈરાનને ઈઝરાયલ સાથે સંઘર્ષ થયો છે. 

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી પાકિસ્તાનની મુલાકાતે પહોંચ્યા છે. કહેવા માટે તો આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા માટે છે, પરંતુ ખરું કારણ જુદું છે. ઈરાન-પાકિસ્તાન કોલ્ડ વોર વખતે પૂર્વ બ્લોકને બદલે પશ્વિમી બ્લોકનો હિસ્સો હતા. બીજા બધા દેશો રશિયાની તરફેણમાં હતા ત્યારે આ બંને દેશો અમેરિકાની ફેવર કરતા હતા. પણ આ વખતે અલગ સમીકરણ રચાઈ રહ્યું છે.

પશ્વિમી દેશો સાથે વેપાર ઘટાડીને ચીન-રશિયાની મદદથી ઈઝરાયલ ઉપરાંત વેસ્ટર્ન વર્લ્ડ પર શક્ય એટલું પ્રેશર બનાવવાનો આરબ વર્લ્ડનો વ્યૂહ છે. મુસ્લિમ દેશો ખરેખર એક થઈ જાય તો દુનિયાના વેપારને અસર કરી શકે. ખનીજ તેલમાં આ દેશોની જે મોનોપોલી છે તેનાથી દુનિયાના અર્થતંત્રમાં ઉતાર-ચઢાવ લાવી શકે છે. 

વેલ, ૧૯૪૫માં આરબ લીગની સ્થાપના થઈ ત્યારે પણ ઈઝરાયલ નામના અલગ દેશને સંભવિત માન્યતા મળશે એ ભય જવાબદાર હતો. ૧૯૬૯માં આઈઓસીની સ્થાપના થઈ ત્યારે પણ ઈઝરાયલ કારણ બન્યું હતું. નવેસરથી મુસ્લિમ દેશોમાં એકતા આવી રહી છે એ પાછળ પણ ઈઝરાયલ જ જવાબદાર છે. અગાઉ આ રીતે થયેલી એકતા લાંબો વખત ટકી નથી. આ વખતે ટકશે નહીં તેના પર દુનિયાની નજર રહેશે.

Gujarat