For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'ગુજરાતની પ્રજા માટીનો લોંદો નથી કે એમના પર દ્વિભાષા પ્રયોગ કરી શકાય'

Updated: Apr 27th, 2024

'ગુજરાતની પ્રજા માટીનો લોંદો નથી કે એમના પર દ્વિભાષા પ્રયોગ કરી શકાય'

- વાત-વિચાર-શિશિર રામાવત

- ઇન્દુલાલ યાજ્ઞિક

- જવાહરલાલે નેહરૂએ સૂચન કર્યું:  એમ કરો, બોમ્બે સ્ટેટના ત્રણ ટુકડા કરો - ગુજરાત, મહારાષ્ટ્ર અને મુંબઈ શહેર. મુંબઈ શહેર પર ન ગુજરાતીઓનો હક, ન મરાઠીઓનો અધિકાર, એને કેન્દ્રશાસિત કરી નાખોે! લોકોમાં નવેસરથી રોષ ફાટી નીકળ્યો.

ચાર દિવસ પછી, ૧ મે ૨૦૨૪ના રોજ આપણું ગુજરાત રાજ્ય ૬૪ પૂરાં કરીને ૬૫મા વર્ષમાં પ્રવેશ કરશે. ગુજરાતની રચના અને મહાગુજરાત આંદોલનની વાત આવે ત્યારે ઇન્દુલાલ યાજ્ઞિાકનું સ્મરણ થયા વગર ન રહે. ઇન્દુલાલ યા તો ઇન્દુચાચાના જીવનકર્મ પર નજર ફેરવીએ ત્યારે પ્રભાવિત થયા વગર ન રહેવાય. તેઓ સ્વાતંત્ર્યસેનાની ઉપરાંત લેખક અને તંત્રી પણ હતા. 'નવજીવન' સામયિકના સ્થાપક ગાંધીજી નહીં, પણ ઇન્દુલાલ યાજ્ઞિાક હતા. અરે, તેમણે 'પાવાગઢનું પતન' નામની ફિલ્મનું નિર્માણ પણ કર્યંુ હતું. એમની બીજી ફિલ્મ જોકે અધૂરી રહી ગઈ હતી. સેવાભાવ એમને વારસામાં મળ્યો હતો. એમના પિતા કનૈયાલાલ યાજ્ઞિાક નિષ્ઠાવાન ડોક્ટર હતા. ૧૯૦૩માં મુંબઈમાં પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો ત્યારે તેઓ ડર્યા વગર દર્દીઓની સેવા કરતા રહેલા. આખરે તેઓ ખુદ પ્લેગનો ભોગ બન્યા અને મૃત્યુ પામ્યા. 

આજે આપણે મહાગુજરાત આંદોલનનો ફ્લેશબેક જોવો છે. દેશ આઝાદ થયો એની પહેલાં આપણે ત્યાં ૫૬૫ રજવાડા અને ૧૭ પ્રોવિન્સ હતાં. અંગ્રેજોના સમયથી ગુજરાત-મહારાષ્ટ્ર સહિતનો પશ્ચિમ ભારતનો મોટો હિસ્સો બોમ્બે પ્રેસિડેન્સી હેઠળ સ્થાન પામતો હતો. આઝાદી મળી પછી દેશને ૧૪ એકભાષી રાજ્યો અને છ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી નાખવામાં આવ્યો. ગુજરાતી પ્રજાને પોતાનું આગવું રાજ્ય ન મળ્યું તેથી નિરાશા વ્યાપી જવી સ્વાભાવિક હતી.

૧૯૪૮માં ગુજરાતીભાષી જનતાની વિરાટ સભા મળી. તેને મહાગુજરાત સંમેલન એવું નામ આપવામાં આવ્યું. સ્વતંત્ર ગુજરાત રાજ્યની રચનાનાં મૂળિયાં આ મહાગુજરાત સંમેલનમાં જ નખાયાં હતાં. એક આડવાત. 'મહાગુજરાત' શબ્દનો સર્વપ્રથમ પ્રયોગ કનૈયાલાલ મુનશીએ કર્યો હતો. છેક ૧૯૩૭માં કરાંચીમાં યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદન અધિવેશનમાં એમણે પહેલી વાર 'મહાગુજરાત' શબ્દ રમતો મૂક્યો હતો. 

જે રીતે સ્વતંત્ર ભારતમાં રાજ્યોની રચના થઈ હતી તેનાથી માત્ર ગુજરાતીઓ જ નાખુશ હતા એવું નહોતું. મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષાની બહુમતી ધરાવતા વિસ્તારને અલગ તારવીને તેને આંધ્રપ્રદેશ નામનું અલગ રાજ્ય ઘોષિત કરવામાં આવે તેવી માંગ ઊભી થઈ ચૂકી હતી. પોટ્ટી શ્રીરામુલુ નામના એક ચળવળકાર રીતસર આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયા હતા: જ્યાં સુધી મદ્રાસ રાજ્યમાંથી આંધ્રપ્રદેશને અલગ કરવામાં નહીં આવે ત્યાં સુધી હું અન્નનો દાણો મોંમાં નહીં નાખું, પછી ભલે મારે પ્રાણ આપી દેવા પડે. એવું જ થયું. આમરણાંત ઉપવાસને કારણે પોટ્ટી શ્રીમુલુનું મૃત્યુ થઈ ગયું. પરિણામે આખરે ૧૯૫૩માં આંધ્રપ્રદેશની સ્થાપના કરવામાં આવી. આ બહુ મોટી ઘટના હતી. આખા દેશમાંથી સરકાર સામે માંગ ઉઠી: જો તમે તમિળભાષીઓ અને તેલુગુભાષીઓને અલગ-અલગ રાજ્ય આપી શકતા હો તો અમને કેમ નહીં? 

આ માગણી એટલી તીવ્ર બની કે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ ભાષા અનુસાર રાજ્યોની રચનાની વિચારણા માટે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન કમિશન (એસઆરસી)ની રચના કરી. ૧૯૫૬માં આ કમિશને અહેવાલ રજૂ કર્યો. એમાં ઘણી ભલામણો કરવામાં આવી હતી, જેમાંની એક ભલામણ એવી હતી કે ગુજરાતીઓ અને મરાઠીઓને અલગ અલગ રાજ્ય આપવાની જરૂર નથી. આ બન્ને પ્રજા ભલે બોમ્બે રાજ્યનો જ હિસ્સો રહે! બોમ્બેને દ્વિભાષી રાજ્ય જ રહેવા દો અને એમાં સૌરાષ્ટ્ર, કચ્છ, નાગપુર તેમજ મરાઠાવાડાને પણ ઉમેરી દો. અરે, દક્ષિણના મૈસૂરને પણ મુંબઈ રાજ્યમાં ભેળવી દેવાનું સૂચન થયું!  

૬ આગસ્ટ, ૧૯૫૬ના રોજ મુંબઈને દ્વિભાષી રાજ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યું. ગુજરાતીઓ નવેસરથી નારાજ થઈ ગયા. મરાઠીઓ પણ. બન્ને પ્રજાને બન્નેને પોતપોતાનું અલગ રાજ્ય જોઈતું હતું. 

વિદ્યાર્થીઓનું એક જૂથ મુંબઈ દ્વિભાષી રાજ્ય ઘોષિત થયું તેના બીજા જ દિવસે તત્કાલીન કોંગ્રેસી મંત્રી ઠાકોરભાઈ દેસાઈને મળ્યું હતું. મંત્રીસાહેબે સંતોષકારક જવાબ ન આપ્યો એટલે વિદ્યાર્થીઓએ હડતાળની ઘોષણા કરી દીધી. અમદાવાદના અલિસબ્રિજ વિસ્તારમાં સરઘસ નીકળ્યું. 'લે કે રહેંગે મહાગુજરાત' એવાં સૂત્રોચ્ચારો થયા. ગુજરાત રાજ્યની માંગણી ખાસ કરીને વિદ્યાથીઓ દ્વારા બળવત્તર બનતી જતી હતી. સરકારે તેમના વિરુદ્ધ આકરાં પગલાં લીધાં. ગોળીબાર સુધ્ધાં કર્યા,  જેમાં ચાર વિદ્યાર્થઓનું મૃત્યુ થઈ ગયું. કેવળ ઇન્દુલાલ યાજ્ઞિાક માટે જ નહીં, સમગ્ર ગુજરાતી પ્રજા માટે આ ઘટનાક્રમ આઘાતજનક હતો. 

૧૯૫૬માં ઇન્દુચાચાના વડપણ હેઠળ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરવામાં આવી. સરકારે તેના કાર્યકારો પર પણ દમનનો કોરડો વીંઝ્યો. તે વર્ષે ગાંધીજયંતી નિમિત્તે અમદાવાદમાં લાલ દરવાજા ખાતે નેહરૂજીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું. મહાગુજરાત જનતા પરિષદે એ જ દિવસે, લગભગ એ જ સમયે લૉ કોલેજમાં સમાંતરે બીજી સભા યોજી. મજા જુઓ. ઇન્દુલાલ યાજ્ઞિાકની સભામાં બે લાખથી વધુ લોકો ઉમટી પડયા, જ્યારે નેહરૂની સભામાં માંડ ૪૦ હજાર લોકો ઉપસ્થિત રહ્યા. ઇન્દુચાચાએ પોતાના વકતવ્યમાં આક્રમક સ્વરે કહ્યું, 'ગુજરાતની પ્રજા કંઈ માટીનો લોંદો નથી કે એના પર આવા દ્વિભાષી રાજ્યનો પ્રયોગ કરી શકાય...' 

ગુજરાતને અલગ સ્ટેટહૂડ અપાવવા માટે ૧૯૫૬થી ૧૯૬૦ દરમિયાન કંઈકેટલાય મહાગુજરાત આંદોલનો થયાં. સારી એવી હિંસા થઈ. ઘણા ગુજરાતીઓએ શહીદ થયા. એક મડાગાંઠ મુંબઈ શહેરને કારણે પણ સર્જાતી હતી. ભારતની આર્થિક રાજધાની મુંબઈ કોના ભાગે આવે - ગુજરાતીઓના કે મરાઠીઓના? ગુજરાતીઓ કહે, મુંબઈ અમને જોઈએ, જ્યારે મહારાષ્ટ્રિયનો કહે, ના, મુંબઈ તો અમારું જ!

જવાહરલાલે નેહરુએ નવો મમરો મૂક્યો: એમ કરો, બોમ્બે સ્ટેટના ત્રણ ટુકડા કરો - ગુજરાત, મહારાષ્ટ્ર અને મુંબઈ શહેર. મુંબઈ શહેર પર ન ગુજરાતીઓનો હક, ન મરાઠીઓનો અધિકાર, એને કેન્દ્રશાસિત કરી નાખોે! લોકોમાં નવેસરથી રોષ ફાટી નીકળ્યો.

આ વર્ષોમાં મહાગુજરાત જનતા પરિષદે પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારીને ચૂંટણીપ્રક્રિયામાં ઝંપલાવ્યું હતું. લોકસભાની પાંચ તેમજ વિધાનસભાની ૩૦ બેઠકો પર વિજય પણ મેળવ્યો. આખરે પ્રજાનો પ્રચંડ ઇચ્છાશક્તિની જીત થઈ. ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાતને અલગ રાજ્ય તરીકે માન્યતા આપવામાં આવી. મુંબઈ મહારાષ્ટ્રના ફાળે ગયું. ડાંગ ગુજરાતને મળ્યું. 

મહાગુજરાત આંદોલને લક્ષ્યસિદ્ધિ કરી લીધી તે સાથે જ ઇન્દુલાલ યાજ્ઞિાકે મહાગુજરાત જનતા પરિષદનું વિસર્જન કરી નાખ્યું. એમણે પોતાના સન્માન સમારંભમાં કહ્યું, 'હું તો ઝૂંપડાનો માણસ છું. પગથી માથા પર જીવતો  ત્રીજા વર્ગની જનતાનો માણસ છું. ગરીબો, કિસાનોની વચ્ચે બેસવું, એમની વિચારધારાને ઝીલવી એ જ મારું કામ.'

ઇન્દુલાલ યાજ્ઞિાકે મહાગુજરાત આંદોલનની ગાથા આલેખતી વિરાટ નવલકથા લખી છે, જેને શીર્ષક આપ્યું છે - 'માયા'. અમદાવાદ લોકસભાની બેઠક પરથી ઇન્દુચાચા ચાર વખત વિજેતા નીવડયા હતા. લોકોની સમસ્યા સાંભળવા માટે તેઓ સદા તત્પર રહેતા. એમને કશે શોધવા જવા ન પડે, તેઓ સામેથી હાજર થઈ જાય. સંપૂર્ણપણે સાદગીભર્યું જીવન. કોઈ ભપકો નહીં. લગભગ ફકીર જેવું જીવન. એમના ખિસ્સામાં સિંગદાણા પડયા હોય. તે ખાઈને કેટલીય વાર આખેઆખા દિવસ પસાર કરી દેતા. 

૨૫ એપ્રિલ ૧૯૭૨ના રોજ તેઓ પોતાના દૈનિક રૂટિન મુજબ ડાયરી લખવા બેઠા. પહેલું વાક્ય પૂરું થાય તે પહેલાં જ તેઓ ઢળી પડયા. પૂરા ૮૪ દિવસ તેઓ બેહોશ રહ્યા. ૮૫મા દિવસે એટલે કે ૧૭ જુલાઈ ૧૯૭૨ના રોજ તેમણે દેહ છોડી દીધો. એમની સ્મશાનયાત્રામાં અધધધ માણસો ઉમટી પડયા હતા. આટલી વિરાટ સ્મશાનયાત્રા ગુજરાતે બહુ ઓછી જોઈ છે.

Gujarat