For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એક રાજકીય આગાહી : આ ગરમીમાં વચનોનું બાષ્પીભવન થશે

Updated: Apr 27th, 2024

એક રાજકીય આગાહી : આ ગરમીમાં વચનોનું બાષ્પીભવન થશે

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- ભાષણોની લૂ લાગશે, હીટ સ્ટ્રોક કરતાં વધુ તો નેતાઓની સંપત્તિના સોગંદનામાં વાંચી લોકોને ચક્કર આવી જશે 

આ ઉનાળામાં બીજું બધું તો ઠીક આગાહીઓનું બજાર પણ ગરમાગરમ છે. કેટલાક લોકો ચૂંટણી પરિણામોની આગાહી કરી રહ્યા છે, તો કેટલાક લોકો કેટલી ગરમી પડશે અને પછી કેવાં વાવાઝોડાં આવશે તેની પણ આગાહી કરી રહ્યા છે. તો મહીં પડયા તે મહાસુખ માણે એ ન્યાયે લ્યો, અહીં કરી દઈએ  રાજકીય હવામાનની કેટલીક આગાહીઓ:

- આ ગરમીમાં લૂ નહીં પણ ભાષણો જ દઝાડશે. કેટલાંક ભાષણો સાંભળી ને રુવે રુવાં સળગી ઊઠશે અને મગજ એવું બહેર મારી જશે કે મતદાન મથકમાં ગમે તે નિર્ણય લેવાઈ જશે.

- આ ગરમીમાં હીટ સ્ટ્રોક નહીં, પણ નેતાઓની સંપત્તિના સોગંદનામાં વાંચીને વધુ લોકો ચક્કરો ખાઈને ઢળી પડે તેવા સંજોગો છે. આમણે અહીં જેટલી સંપત્તિ દેખાડી છે તેટલી તો ખરેખર એમના ડ્રાઇવરની છે એવી  આપણને ખબર છે એ વિચારે જ અમુક ને ચક્કર આવી જશે. એમાં પણ જો ખબર પડી કે આ નેતાના માથે થોડુંક દેવું પણ છે, તો તો બોસ ચક્કર નહીં, સીધી મૂર્છા જ વળી જશે. 

- આ સીઝનમાં ક્યાંય બહાર ખુલ્લામાં રોડ શો કે ફેરીમાં  નેતાઓ પબ્લિકને જોઈને સ્માઈલ ફરકાવશે અને કોઈ કોઈ તો પાછા હાથ જોડી અને નમી પણ પડશે તો એવું જોઈને પબ્લિકને પ્રખર સૂરજ જોવાઈ ગયો હોય એમ આંખે અંધારાં આવી જશે અંધારાં. 

- આ ગરમીમાં તીખા તમતમતા ફૂડથી પેટમાં અને સાથે સાથે સોશિયલ મીડિયા પર આવતા મસાલેદાર મેસેજીસથી મગજમાં પિત્તપ્રકોપ વકરશે.

- ગરમીમાં ઠેર ઠેર બરફ ગોળાના સ્ટોલ લાગે, પણ આ ફેરે આ સીઝનમાં ચારે બાજુ  ગપગોળાના મોટા મોટા મોલ જોવા મળશે. 

- સાંજ પડે ચૂંટણી કાર્યાલયો બાજુ આંટા મારનાર મતદારોની એવી આગતા સ્વાગતા થશે કે તે જોઈને મતદારોને આનું શું વળતર ચૂકવવું પડશે તે વાતે ગભરામણ થશે અને પરસેવો છૂટી જશે. 

- નવાઇની વાત એ છે કે આવી બળબળતી સીઝનમાં પણ સંખ્યાબંધ બે પગાં જીવોને લીલાછમ ચારાની જબરદસ્ત છત થઈ જશે, મહિનાઓ નહીં, વર્ષો ચાલે એટલો સ્ટોક એમની તિજોરીમાં ભરાઈ જશે. 

- ક્યાંક બહુ ધૂઆંધાર આક્ષેપબાજી થાય એને જ એકબીજાને હિટ કરવાનો વેવ ગણી લેવામાં આવશે.

- ગરમીમાં ઘણા સેવાભાવીઓ  ઠંડક માટે પાણી છાંટયા કરે તેમ જનતાના રોષની ગરમી ઠારવા નેતાઓ વચનોનો ધોધ વહાવી દેશે પણ તેનાથી કોઈને બહુ લાંબી ઠંડક નહીં મળે, કારણ કે આ રાજકીય ગરમીમાં એ વચનોનું પણ બાષ્પીભવન થઈ જશે એ નક્કી છે.

- અને હા સીઝન એવી ધગધગશે કે મોંઘવારી, બેકારી, પાણીની અછત, પ્રદૂષણ, ભ્રષ્ટાચાર વગેરે જેવા અસલી ગરમાગરમ મુદ્દા તો સોએ સો ટકા કોલ્ડ સ્ટોરેજમાં મુકાઈ જશે.

આદમનું અડપલું 

આ સીઝનમાં કોઈ નેતા જરાક ભાવુક થાય તો વહેલો વરસાદ થયો એમ માની હરખાવું નહીં, એને ભરઉનાળે થતું પણ સકળ સજીવ સૃષ્ટિ માટે નુકસાનકારક ગણાતું માવઠું માની લેવું.

Gujarat