For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીમાં મેયરની ચૂંટણીનો મુદ્દો લોકસભામાં ગાજ્યો

Updated: Apr 27th, 2024

દિલ્હીમાં મેયરની ચૂંટણીનો મુદ્દો લોકસભામાં ગાજ્યો

નવી દિલ્હી: મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હીના મેયરની ચૂંટણી થવાની હતી, જે ટળી જતાં ભાજપ-આપ સામ-સામે આરોપો લગાવે છે. આપના નગરસેવકોએ હોબાળો મચાવ્યો એટલે ચૂંટણી અટકી ગઈ એમ ભાજપના સ્થાનિકના નેતાઓ કહે છે. તો આપના નેતાઓ કહે છે કે ઉપરાજ્યપાલના ઈશારે આ બધું થઈ રહ્યું છે. કારણ કે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની પેરવી ચાલી રહી છે. આ ચૂંટણીનો મુદ્દો લોકસભામાં ગજવવાની બંને પાર્ટીઓની યોજના છે. દિલ્હી લોકસભાની ચૂંટણીમાં આપ એમ કહીને પ્રચાર કરશે કે ભાજપના ઈશારે લોકશાહીની પદ્ધતિ ફોલો થવા દેવાતી નથી. તો ભાજપ એવો પ્રચાર કરશે કે આપ બંધારણીય રીતે કામ કરવાને બદલે આરોપો લગાવીને રાજકારણ કરે છે.

યોગી-શિવપાલ વચ્ચે સત્યનારાયણના પ્રસાદનો વિવાદ

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શિવપાલ યાદવ અને અખિલેશના સંબંધો પર કટાક્ષ કરતા કહેલું કે મને એની દયા આવે છે કે યજમાન કથા સાંભળે છે. ને પછી કેટલાક કથા પૂરી થાય ત્યારે ચૂરણ વિતરણ કરી દે છે. એમના સમર્થકો માત્ર ચૂરણ ખાવા આવે છે. યોગીએ યજમાન એટલે અખિલેશ અને વિતરક એટલે કાકા શિવપાલ એવો કટાક્ષ કર્યો હતો. એ પછી શિવપાલે વળતો જવાબ આપતા સોશિયલ મીડિયામાં લખ્યુંઃ મુખ્યમંત્રી મહોદય, સત્યનારાયણની કથા પછી જે વિતરણ થાય તેને ચૂરણ ન કહેવાય, પ્રસાદ કહેવાય. પવિત્ર પ્રસાદને ચૂરણ કહેવું એ કરોડો આસ્થાળુઓની આસ્થાનું અપમાન છે.

કેસરગંજમાં બ્રજભૂષણે નવાજૂનીના એંધાણ આપ્યા

ઉત્તર પ્રદેશની કેસરગંજ બેઠક પર હજુ ભાજપે ટિકિટ આપી નથી. કુશ્તી મહાસંઘના વિવાદ બાદ બ્રજભૂષણને ટિકિટ આપવી કે નહીં તે બાબતે ભાજપ અવઢવમાં છે. જો બ્રજભૂષણને ટિકિટ આપવાથી જાટ સમાજ નારાજ થશે. જે પહેલવાનો બ્રજભૂષણ સામે આંદોલનમાં ઉતર્યા હતા તેમાંથી મોટાભાગના જાટ સમાજમાંથી આવે છે એટલે ભાજપ એ બાબતે ફૂંકી ફૂંકીને પગલાં ભરે છે. હવે ફોર્મ ભરવાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બ્રજભૂષણની ધીરજ ખૂટી ગઈ છે. તેનું એક નિવેદન ચર્ચાસ્પદ બન્યું છે કે મારી ન તો હારવાની આદત છે ન તો ધીરજ રાખવાની આદત છે. પાર્ટી મને નજર અંદાજ નહીં કરે. કારણ કે મેં પાર્ટીની વિરૂદ્ધ કંઈ કામ કર્યું નથી.

ટિકિટ કપાયા પછી વીકે સિંહ ભારે મૂંઝવણમાં

સેવાનિવૃત્ત લશ્કરી જનરલ વીકે સિંહ કેન્દ્રીય મંત્રી છે. ભાજપે ઘણાં કેન્દ્રીય મંત્રીઓને રાજ્યસભાને બદલે લોકસભામાંથી લડવા કહેલું, પરંતુ વીકે સિંહનું ક્યાંય નામ આવ્યું નહીં એટલે આ નિવૃત્ત લશ્કરી અધિકારી નારાજ જણાતા હતા. એક-બે નિવેદનોમાં પણ તેમણે આડકતરી નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે વોટિંગ કર્યું ત્યારે ભાજપને ૪૦૦ બેઠકો મળશે એવો આશાવાદ વ્યક્ત તો કર્યો હતો, પરંતુ જ્યારે તેમને ટિકિટ કેમ કપાઈ અને હવે પછી ભવિષ્યમાં શું કરશે? એવું પૂછાયું તો જવાબ આપ્યોઃ પાર્ટીને પૂછો. મને એ અંગે જાણકારી નથી. વીકે સિંહ મૂંઝવણમાં છે કે પાર્ટીલાઈનથી વિરૂદ્ધ નિવેદનો આપીને નારાજગી વ્યક્ત કરવી કે પછી ચૂંટણી બાદ કંઈક જવાબદારી મળશે એવી આશા રાખવી!

નોટા મુદ્દે સુપ્રીમ કોર્ટની ચૂંટણી પંચને નોટિસ

કોઈ ઉમેદવાર બિનહરીફ જાહેર કરી દેવો જોઈએ કે પછી નોટાનો મત આપવાની મતદારોને આઝાદી હોવી જોઈએ? આવો સવાલ સુપ્રીમ સુધી પહોંચ્યો છે. બિનહરીફ જાહેર થયેલા ઉમેદવારને જો નોટાથી ઓછા મત મળે તો ફરીથી ચૂંટણી થવી જોઈએ. અથવા તો કોઈ પણ ઉમેદવારને નોટાથી ઓછા મત મળે એ કિસ્સામાં ફરીથી ચૂંટણી થવી જોઈએ એવી માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. સીજેઆઈ ડી. વાઈ. ચંદ્રચુડની બેંચે આ મામલે સુનાવણી કરી હતી અને સુપ્રીમ કોર્ટને જવાબ આપવા નોટિસ પાઠવી છે. નોટાનો વિકલ્પ આપવાની શરૂઆત ૨૦૧૩થી થઈ હતી. એ બાબતે હજુ મતદારોમાં ખાસ જાગૃતિ જણાતી નથી.

જ્યોતિરાદિત્યને જીતાડવા પત્ની અને દીકરો મેદાનમાં

મધ્યપ્રદેશની ગુના-શિવપુરી બેઠક પરથી ભાજપે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને ટિકિટ આપી છે. જ્યોતિરાદિત્ય આ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચાર વખત સાંસદ બની ચૂક્યા છે. હવે ભાજપની ટિકિટ પરથી મેદાનમાં ઉતરેલા સિંધિયા માટે પત્ની પ્રિયદર્શિની રાજે અને દીકરો મહાન આર્યમન સિંધિયા લોકો વચ્ચે જઈને મત માગી રહ્યા છે. ગામડે ગામડે જઈને પ્રિયદર્શિની લોકોને મળ્યાં હતા. તેમણે ગામલોકોને પૂછ્યું હતું કે મહારાજા એટલે કે જ્યોતિરાદિત્ય સિંધિયા તમારું એટલું ધ્યાન રાખે છે, પણ શું તમે ક્યારેય પૂછ્યું કે રાજા કેમ છે? મહિલા મતદારોને રીઝવવા માટે સિંધિયાએ પત્ની પાસે ચૂંટણી પ્રચાર શરૂ કરાવ્યો છે.

***

રાહુલની મતની અપીલ સામે ભાજપનો વિરોધ

કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ મતદારોને કરેલી અપીલમાં ભાજપ વિરુદ્ધ છૂપા પ્રહારો કર્યા હતા. લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન શરૂ થતાં કેરળના વાયનાડથી ચૂંટણી લડી રહેલા ગાંધીએ લોકોને મોટી સંખ્યામાં મતદાનની અપીલ કરતા કહેલુંઃ આ ચૂંટણી કવાયત નક્કી કરશે કે આગામી સમયમાં થોડા અબજોપતિઓ માટેની સરકાર હશે કે સામાન્ય લોકોની સરકાર બનશે. ભાજપનું નામ લીધા વગર ખડગેએ મતદારોને અપીલ કરી હતી કે બટન દબાવતી વખતે ધ્યાન રાખજો કે વિભાજનવાદી દાવપેચમાં ન આવતા. ભારતના લોકો - બંધારણનો આ આત્મા છે, આ વાત મતદાન વખતે યાદ રાખજો. આ નિવેદનો સામે ભાજપના નેતાઓએ વિરોધ કર્યો હતો. તેમનું કહેવું કતું કે મતદાનના દિવસે રાહુલે આચારસંહિતાનો ભંગ કર્યો છે.

ખડગેએ મેનિફેસ્ટો મુદ્દે પીએમને લખેલા પત્રની ચર્ચા

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમની પાસે પાર્ટીના ન્યાય પત્રની સમજ આપવા માટે રૂબરૂ મળવાનો સમય માગ્યો હતો. તેમના બે પાનાના પત્રમાં કહેવાયું કે વડાપ્રધાને તાજેતરના ભાષણોમાં જે ભાષાનો પ્રયોગ કર્યો તેનાથી આઘાત લાગ્યો છે. મેનિફેસ્ટો અંગે વડાપ્રધાને જે કહ્યું એવું કશું એમાં નથી. એ બતાવવા માટે વડાપ્રધાન સમય આપે તો તેમને મળીને સમજાવવું છે. ખડગેએ પત્રમાં ઉમેર્યું હતું કે આપની પાસેથી આ પ્રકારની ભાષાની અપેક્ષા રાખી ન હતી. તમે અને તમારા પક્ષના નેતાઓ મેનિફેસ્ટોની વાતના અલગ તારણો રજૂ કરશે એવી કલ્પના ન હતી. ખડગેના પત્રની ચર્ચા જાગી હતી. જોકે, વડાપ્રધાને આ મુદ્દે કોઈ જવાબ આપ્યો ન હતો.

હરિયાણામાં સ્પીકરે ચૌટાલાનું રાજીનામું ન સ્વીકારતા અટકળો

હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે આ વર્ષે ૧૩ માર્ચે વિધાનસભામાં કરનાલના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યા પછી સ્પીકરને તેમનું રાજીનામું સ્વીકારવામાં થોડા કલાકો લાગ્યા હતા. ચૂંટણી પંચને એ બેઠક ખાલી જાહેર કરવામાં એક દિવસ અને પેટાચૂંટણીની જાહેરાત કરવામાં બીજા બે દિવસ લાગેલા. હરિયાણાના ઉર્જાપ્રધાન રણજિત સિંહ ચૌટાલાના રાજીનામામાં એનાથી ક્યાંય વધારે સમય લાગી રહ્યો છે. સ્પીકર ગ્યાનચંદ ગુપ્તાએ એક મહિનાથી રાજીનામું પેન્ડિંગ રાખ્યું છે. પરિણામે એ બેઠક ખાલી જાહેર થઈ નથી ને પેટાચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી નથી. મળવા બોલાવ્યા બાદ ચૌટાલાએ ચૂંટણી પ્રચારની વ્યવસ્તતાનું કારણ આપીને વધારે સમય માગ્યો છે. હવે ૩૦મી એપ્રિલે મુલાકાત થશે. અટકળો એવી છે કે ભાજપમાં જોડાશે તે પછી સિરસાની બેઠક પરથી તેમને જ ટિકિટ અપાશે.

બીજા તબક્કાની ૮૯ બેઠકો ભાજપ માટે કપરી

૨૦૨૪ની લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં ભાજપ સામે અલગ પડકાર છે. ૨૦૧૯માં, બીજેપી અને તેના સાથીઓએ બીજા તબક્કામાં ચૂંટણીમાં ગયેલી ૮૯માંથી ૬૨ બેઠકો મેળવી હતી. ઈન્ડિયા બ્લોકને માત્ર ૨૪ સીટો મળેલી. તેમ છતાં આ વખતે સત્તાધારી ગઠબંધન માટે આ વખતે કપરી સ્થિતિ છે. વિધાનસભાની ચૂંટણીઓમાં બીજા તબક્કાની બેઠકોમાં વિપક્ષે મેદાન માર્યું હતું. જો વિપક્ષી ગઠબંધન વિધાનસભાનો દેખાવ ૮૯ બેઠકોની લોકસભાની ચૂંટણીમાં જાળવી શકે તો ભાજપ માટે ૨૦૧૯ના પરિણામનું પુનરાવર્તન કરવું કપરું છે. વિધાનસભાની લીડના આધારે ગણતરી થાય તો ભાજપના નેતૃત્વમાં એનડીએને ૪૪ બેઠકો મળે તેમ છે. ઈન્ડિયા ગઠબંધનને ૪૩ બેઠકો મળી શકે છે. વિધાનસભા પ્રમાણે જો લોકસભામાં પરિણામ આવે તો એ વિપક્ષ માટે ઉત્સાહવર્ધન હોઈ શકે છે.

- ઈન્દર સાહની


Gujarat