For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : દિલ્હીમાં રાજકારણીઓ વચ્ચે હનુમાનજીના આશીર્વાદની હોડ

Updated: Apr 24th, 2024

દિલ્હીની વાત : દિલ્હીમાં રાજકારણીઓ વચ્ચે હનુમાનજીના આશીર્વાદની હોડ

નવી દિલ્હી : હનુમાન જયંતીએ દિલ્હીમાં રામભક્ત હનુમાનજીની ભક્તિની લહેર જોવા મળી હતી. ભાજપના કાર્યકરોએ ઘણાં સ્થળોએ હનુમાન ચાલીસાના પાઠ કરાવ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સુંદરકાંડના પાઠમાં ભાગ લીધો હતો. દિલ્હીમાં હનુમાન જયંતીએ આમેય જુદો માહોલ જોવા મળે છે. લાખો લોકો હનુમાન મંદિરોમાં ઉમટી પડે છે. એ દરમિયાન રાજકારણીઓએ પણ પ્રચારની તક ઝડપી લીધી હતી. સુનિતા કેજરીવાલે હનુમાન મંદિરે જઈને પૂજા કરી હતી. સૌરભ ભારદ્વાજના નેતૃત્વમાં આપના કાર્યકરોએ ગદા લઈને શોભાયાત્રા કાઢી હતી. કેજરીવાલને હનુમાન જયંતીએ ઈન્સ્યૂલિનનો ડોઝ મળ્યો તેને હનુમાનજીના આશીર્વાદ સાથે જોડીને આપે માહોલ બનાવ્યો હતો.

કનૈયાને દિલ્હીના કોંગ્રેસ કાર્યકરો પર ભરોસો નથી

કનૈયા કુમારને કોંગ્રેસે ઉત્તર-પૂર્વ દિલ્હીની લોકસભા બેઠક પરથી ટિકિટ આપી તો દીધી છે, પરંતુ હવે આંતરિક અસંતોષ સતત વધતો જાય છે. કોંગ્રેસના કાર્યકરોએ ફરીથી કનૈયા કુમાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. 'બાહરી ઉમેદવાર નહીં ચલેગા'ના નારા સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિની ઓફિસ બહાર કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડયા હતા. દિલ્હીના સ્થાનિક નેતાઓ ઈચ્છતા નથી કે કોંગ્રેસ કનૈયાને ટિકિટ આપે. કનૈયા કુમાર રાહુલ ગાંધીની ખૂબ નજીક ગણાય છે, પરંતુ કોંગ્રેસ કાર્યકરોના વિરોધ બાદ કનૈયાએ હવે પ્રચાર પોતાની રીતે શરૂ કર્યો છે. કોંગ્રેસના કાર્યકરો પર ખાસ ભરોસો નથી એટલે કનૈયાએ પોતાની રીતે જૂના વિદ્યાર્થી મિત્રોની ટીમ બનાવીને પ્રચાર શરૂ કર્યો છે.

મહારાષ્ટ્રમાં ભાજપ ઉદ્ધવ ઠાકરે પર આક્રમક

ભાજપ અને શિવસેના વચ્ચે વર્ષોથી ગઠબંધન હતું. ૨૦૧૯માં પણ બંને પાર્ટીઓએ ગઠબંધનથી ચૂંટણી લડી હતી. પરંતુ ઉદ્ધવ ઠાકરે એનસીપી-કોંગ્રેસના સમર્થનથી સીએમ બન્યા ત્યારથી સંબંધો બગડી ગયા. તેમ છતાં ભાજપે ઉદ્ધવ ઠાકરે અને બાલા સાહેબ ઠાકરેના મુદ્દે થોડું નરમ વલણ દાખવ્યું હતું અને ભવિષ્યમાં ગઠબંધનનો અવકાશ રાખ્યો હતો. પરંતુ શિવસેનાના બે ભાગ પડયા પછી સંબંધો વણસી ચૂક્યા છે. ઉદ્ધવ ઠાકરે ભાજપ સામે આક્રમક પ્રચાર કરી રહ્યા છે. તો સામે ભાજપે પણ ઉદ્ધવ સામે બિલકુલ નરમ વલણ ન દાખવવાની સ્થાનિક નેતાગીરીને તાકીદ કરી દીધી છે. ભાજપે પણ ઉદ્ધવના પુત્રપ્રેમને મુદ્દો બનાવ્યો છે.

અમેઠીની બેઠક પર જીજાજીની નજર : સ્મૃતિનો વ્યંગ

કોંગ્રેસ અમેઠીની બેઠક પરથી ભાજપનાં સાંસદ સ્મૃતિ ઈરાની સામે કોને મેદાનમાં ઉતારશે તેની અટકળો થઈ રહી છે. સ્થાનિક નેતાઓ અને કાર્યકરો રાહુલ ગાંધીને જ મેદાનમાં ઉતરવાની વિનંતી કરી છે. ઘણાં નેતાઓ કહે છે કે પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા અમેઠીમાંથી ચૂંટણી લડવા ઈચ્છે છે એટલે મામલો ગૂંચવાયો છે. કોંગ્રેસે તો અમેઠીની બેઠક પર એક આંતરિક સર્વેક્ષણ પણ કરાવ્યો છે. રાહુલને જ લડવા માટે ટોચની નેતાગીરી સૂચન કરે છે. આ બધા વચ્ચે સ્મૃતિ ઈરાનીએ વ્યંગ કર્યો હતો: જીજાજીની નજર હૈ સીટ પર, સાલે સાહબ ક્યા કરેગેં? ક્યા ઐસા કભી હુઆ હૈ? ચુનાવ કે ૨૭ દિન બાકી હૈ ઓર કોંગ્રેસને અભી તક તય નહીં કિયા કે કૌન ચુનાવ લડેગા!

આંધ્રપ્રદેશમાં પતિ-પત્ની સામ-સામે થાય તેવી અટકળો

આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પણ લોકસભાની સાથે થઈ રહી છે. એમાં એક ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. જગનમોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆર કોંગ્રેસે તેક્કાલી વિધાનસભાની બેઠક પરથી દુવ્વાડા શ્રીનિવાસને ઉમેદવાર બનાવ્યા છે. દુવ્વાડા શ્રીનિવાસ અને તેની પત્ની દુવ્વાડા વાણી જગનમોહન રેડ્ડીના વિશ્વાસુ ગણાય છે. જગનમોહને થોડા સમય પહેલાં તેક્કાલીમાંથી વાણીને પ્રભાવી બનાવ્યા હોવાથી એવી અટકળો હતી કે તેમને જ ઉમેદવાર બનાવાશે. પરંતુ પતિને ટિકિટ મળતા નારાજ પત્નીએ બર્થ ડે પાર્ટી યોજીને સમર્થકોમાં જાહેરાત કરી હતી કે જો પાર્ટી તેમનો નિર્ણય નહીં બદલે તો હું અપક્ષ ઉમેદવારી નોંધાવીશ. વાણીના પિતા કોંગ્રેસના નેતા હતા. વાણીને કોંગ્રેસ ટિકિટ આપી શકે છે.

અમરોહાની બેઠકમાં મોટા નેતાઓનો પૂરજોશમાં પ્રચાર

ભરી સંસદમાં ભાજપના સાંસદ રમેશ બિધૂડીએ બસપાના સાંસદ ડાનિશ અલીને અપશબ્દો કહ્યા હતા એ મુદ્દો દેશભરમાં ચર્ચાસ્પદ બન્યો હતો. એ ઘટનાના થોડાં મહિના પછી બસપાએ દાનિશ અલીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. એ પછી તેમણે કોંગ્રેસનો હાથ પકડયો હતો. દાનિશ અલી ૨૦૧૯માં અમરોહાની બેઠક પરથી ચૂંટાયા હતા. સપા-કોંગ્રેસના ગઠબંધનના ભાગરૂપે અમરોહાની બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે અને કોંગ્રેસે સ્વાભાવિક રીતે જ દાનિશ અલીને ટિકિટ આપી છે. એ બેઠક હવે યુપીની અન્ય બેઠકોની જેમ હાઈપ્રોફાઈલ બની ચૂકી છે. ભાજપ-કોંગ્રેસ-સપા-બસપાના ટોચના નેતાઓ એકાંતરા દિવસે અમરોહામાં સભા કરી રહ્યા છે.

***

કોંગ્રેસના મેનિફેસ્ટો અંગે સરમાની ટીપ્પણીથી વિવાદ

આસામના મુખ્યમંત્રી અને ભાજપના નેતા હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે કોંગ્રેસનો લોકસભા ચૂંટણી માટેનો ઢંઢેરો પાકિસ્તાનની ચૂંટણી ચાલતી હોય એવો છે. સરમાએ કેરળના એર્નાકુલમમાં કોંગ્રેસ પર આકરા પ્રકારો કરતાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનો ઢંઢેરો એ રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે પાર્ટી જો પાકિસ્તાન લડે તો જીતી જાય. મેનિફેસ્ટો પાકિસ્તાનના લોકો માટે વધુ અને ભારતના લોકો માટે ઓછો છે. આસામના મુખ્યમંત્રી સરમા કોંગ્રેસ અને રાહુલ ગાંધીના ટીકાકારોમાંના એક છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આ નેતા વારંવાર રાહુલ ગાંધી પર નિવેદનો આપવા માટે જાણીતા છે. કોંગ્રેસના મેનિફેસ્ટો પર સરમાની ટીપ્પણીથી વિવાદ થયો છે. સરમા લોકોને ગેરમાર્ગે દોરવા જૂઠાણું ચલાવતા હોવાનું કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું.

'ભાજપમાં જોડાયો, પણ રાહુલ સાથે દોસ્તી રહેશે'

ભાજપમાં ફરી જોડાવાના તેમના નિર્ણયનો બચાવ કરતા ભૂતપૂર્વ સાંસદ માનવેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં હતા ત્યારે તેમની ધીરજ ખૂટી ગઈ હતી અને ભાજપમાં સંજોગો બદલાતા તેઓ પાર્ટીમાં પાછા ફર્યા હતા.ભાજપના ભૂતપૂર્વ મંત્રી જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર ૨૦૧૮માં ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા. આ મહિનાની શરૂઆતમાં રાજસ્થાનના બાડમેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી પહેલાં તેમણે કેસરિયો ખેસ પહેર્યો હતો. માનવેન્દ્ર સિંહે ભાજપમાં જોડાવાના નિર્ણયને પારિવારિક નિર્ણય ગણાવ્યો હતો અને ભાજપમાં ૨૦૧૮માં જે અવરોધો હતા તે દૂર થઈ ગયા હોવાથી તે પાછા ફર્યા. રાહુલ ગાંધી સાથે દોસ્તી હોવાથી કોંગ્રેસમાં જોડાયા હતા. ભાજપમાં પાછા ફર્યા પછીય રાહુલ સાથે દોસ્તી રહેશે એવું તેમણે કહ્યું હતું.

યોગી આદિત્યનાથ ગુંડાઓના મુદ્દે વિપક્ષ પર આક્રમક

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુનેગારો અને ગુંડાઓના મૃત્યુ પછી એમને શ્રદ્ધાંજલિ આપતા નેતાઓ પર કટાક્ષ કર્યો હતો. વિપક્ષી નેતાઓને વધુ પાંચ વર્ષ આપવાથી એ ગુનેગારોને પનાહ આપશે એવું કહીને યોગીએ વિપક્ષના નેતાઓને આડેહાથ લીધા હતા. ખાસ તો યુપીના સપાના નેતાઓ તરફ ઈશારો કરીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે જો તમે તેમને પાંચ વર્ષ આપશો તો વધુ પાંચ વર્ષ તેઓ આવું જ કરશે. સપા, કોંગ્રેસ અને બસપાની નીતિઓથી નાગરિકોની સુરક્ષા જોખમમાં મુકાઈ હતી. જો તેમને મત આપશો તો ફરીથી એ તમારી સુરક્ષા જોખમમાં મુકશે.

કેજરીવાલને આખરે જેલમાં પ્રથમ વખત ઈન્સ્યુલિન અપાયું

આમ આદમી પાર્ટીએ એક્સ પ્લેટફોર્મમાં લખ્યું હતું: 'આખરે, જેલ પ્રશાસન હોશમાં આવ્યું અને જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલને ઇન્સ્યુલિન આપ્યું. સીએમ કેજરીવાલનું શુગર લેવલ ૩૨૦ પર પહોંચી ગયું હતું. આ ભગવાન હનુમાનજીના આશીર્વાદ અને દિલ્હીના લોકોના સંઘર્ષને કારણે જ શક્ય બન્યું છે. અમે અમારા મુખ્યમંત્રીને ઇન્સ્યુલિન પહોંચાડવામાં સફળ થયા છીએ.' તિહાર જેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલને લોહીમાં શર્કરાનું સ્તર વધ્યા બાદ ઇન્સ્યુલિનનો લો ડોઝ આપવામાં આવ્યો હતો. તેમના બ્લડ સુગર લેવલ ૨૧૭ જેટલું થયું હતું. એઈમ્સના ડોક્ટરોની ટીમે કેજરીવાલની તપાસ કર્યા બાદ સુગર લેવલ સ્ટેબલ રાખવા માટે ઈન્સ્યૂલિનનો ઓછો ડોઝ આપ્યો હતો. કેજરીવાલને ટાઈપ-૨ ડાયાબિટિસ છે.

-ઈન્દર સાહની

Gujarat