For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : દિલ્હીમાં કોંગ્રેસના ઉમેદવારો સામે આંતરિક વિરોધ

Updated: Apr 23rd, 2024

દિલ્હીની વાત : દિલ્હીમાં કોંગ્રેસના ઉમેદવારો સામે આંતરિક વિરોધ

નવી દિલ્હી : દિલ્હીમાં કોંગ્રેસ અને આપનું ગઠબંધન છે. સાત બેઠકોમાંથી ત્રણ બેઠકો કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે. એ ત્રણમાંથી બે બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો હજુ ભાજપને ટક્કર આપવા સજ્જ થાય તે પહેલાં તો આંતરિક સંઘર્ષમાં ઉતરવાની નોબત આવી છે. ઉત્તર-પૂર્વ દિલ્હીની બેઠક પરથી કોંગ્રેસે યુવા નેતા કનૈયા કુમારને ટિકિટ આપી તો સંદીપ દીક્ષિત નારાજ થયા અને પાર્ટીના કાર્યલયમાં જ બંને વચ્ચે ઘર્ષણ થયું. એ પછી હવે ઉત્તર-પશ્વિમ દિલ્હીના ઉમેદવાર ઉદિત રાજ સામેય આંતરિક વિરોધ ઉઠયો છે. ઉદિતે પાર્ટીના કાર્યલયમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. બરાબર તે વખતે જ કોંગ્રેસ સમર્થકોના એક જૂથે સૂત્રોચ્ચાર કર્યો હતો. એ વિરોધને ઠારવા માટે દિલ્હી કોંગ્રેસના સીનિયર નેતાઓ મથામણ કરી રહ્યા છે.

બંગાળનું શિક્ષક ભરતી કૌભાંડ ચૂંટણીમાં ગાજશે

લોકસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. બીજા તબક્કાના વોટિંગને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પશ્વિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ મુદ્દે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. કલકત્તા હાઈકોર્ટે બંગાળ સરકારે કરેલી શિક્ષકોની ભરતીને રદ્ કરી દીધી છે. એટલું જ નહીં, શિક્ષકોને આઠ વર્ષનો પગાર પણ જમા કરવાનો આદેશ આપ્યો છે. ૨૫,૭૫૩ શિક્ષકોની ભરતી થઈ હતી. આ બધાની નોકરી હાઈકોર્ટના ચુકાદાથી જશે. બંગાળની રાજ્ય સરકાર આ ચુકાદાને સુપ્રીમમાં પડકારશે. ચુકાદા પછી મમતા સરકારને મોટો ફટકો પડયો છે. બંગાળની સરકાર સામે હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપ આ મુદ્દો ઉઠાવશે અને શિક્ષકોની ભરતી કૌભાંડ બાબતે ટીએમસીને ઘેરશે.

પપ્પુ યાદવ સામે તેજસ્વી યાદવનો આક્રમક પ્રચાર

બિહારમાં પુર્ણિયાની બેઠકમાં ત્રિપાંખિયો જંગ છે. એનડીએ ગઠબંધનના ભાગરૂપે આ બેઠક જેડીયુને મળી છે. જેડીયુએ વર્તમાન સાંસદ સંતોષ કુશવાહાને રિપીટ કર્યા છે. તો ઈન્ડિયા ગઠબંધનમાંથી આરજેડીના મહિલા નેતા બીમા ભારતી મેદાનમાં ઉતર્યા છે. બીમા ભારતી આ બેઠક પરથી મજબૂત ઉમેદવાર ગણાય છે. પાંચ વખત ધારાસભ્ય બનેલી બીમા મહિલા મતદારો પર સારી પક્કડ ધરાવે છે. ૨૦૦૫થી બીમા એક વખત વિધાનસભાની ચૂંટણી હાર્યા નથી. પરંતુ ટિકિટ ન મળતા નારાજ કોંગ્રેસના પૂર્વ નેતા પપ્પુ યાદવે અપક્ષ ઉમેદવારી નોંધાવતા ત્રિપાંખિયો જંગ જામ્યો છે. તેજસ્વીને આ બેઠકની આશા હતી, પરંતુ પપ્પુ યાદવે પડકાર ખડો કરતા હવે તેજસ્વીએ બેઠક પર આક્રમક પ્રચાર શરૂ કર્યો છે.  તેજસ્વી દર સપ્તાહે પુર્ણિયામાં સભા કરી રહ્યા છે.

ચૂંટણી વચ્ચે ખેડૂત આંદોલનથી સુરક્ષાદળો સામે પડકાર

પંજાબના પટિયાલામાં ખેડૂત આંદોલન શરૂ થયું છે. ૨૭મીએ ખેડૂત મહાપંચાયતનું આહ્વાન થયું હોવાથી પોલીસને એલર્ટ રહેવાનો આદેશ અપાયો છે. ખેડૂતોના આક્રોશતી બચવા અમૃતસર જતી ૭૩ ટ્રેનો રદ્ કરવાની ફરજ પડી હતી. લાખો પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. રેલવેએ મુસાફરોને ૩૦થી ૩૫ લાખ રૂપિયાનું રિફંડ આપ્યું હોવાનાય અહેવાલો છે. પાંચ દિવસથી આ આંદોલન ચાલી રહ્યું છે. દિલ્હી-પટિયાલા હાઈવે જામ થઈ જતાં એક કલાક સુધી રસ્તો બંધ થઈ ગયો હતો. એક તરફ સુરક્ષાદળો સામે ચૂંટણીની વ્યવસ્થા જાળવવાનો પડકાર છે. તો બીજી તરફ ખેડૂત આંદોલન શરૂ થતાં બેવડો પડકાર ખડો થયો છે. અધિકારીઓને ગમે તેમ કરીને તુરંત ખેડૂતોને મનાવી લેવાનો ઉચ્ચ સ્તરીય આદેશ મળ્યો છે.

ગૌતમબુદ્ધનગરના બસપાના ક્ષત્રિય ઉમેદવારથી રસપ્રદ જંગ

ગૌતમબુદ્ધનગરની બેઠક પરથી રાજેન્દ્ર સિંહ સોલંકીને ઉતારીને માયાવતીએ જંગને રસપ્રદ બનાવી દીધો છે. ૨૦૧૪થી આ બેઠક ભાજપના કબજામાં છે. ભાજપના મહેશ શર્મા આ બેઠક પરથી સાંસદ છે. તે પહેલાં ૨૦૦૯માં બસપાને બેઠક પર વિજય મળ્યો હતો. સમાજવાદી પાર્ટીએ મહેન્દ્ર સિંહ નાગરને ટિકિટ આપી છે. ભાજપે બ્રાહ્મણ ઉમેદવારને રિપીટ કર્યા છે, તો સપાએ ગુર્જર સમાજના ઉમેદવાર પર પસંદગી ઉતારી છે. માયાવતીએ ક્ષત્રિય ઉમેદવાર રાજેન્દ્ર સિંહને ઉતારીને ક્ષત્રિય સમાજને પોતાની તરફ વાળવાની કોશિશ કરી છે. ક્ષત્રિય સમાજ અત્યારે ભાજપથી નારાજ છે ત્યારે માયાવતીને આ બેઠક પરથી ઉજળી આશા બંધાઈ છે.

સિંધિયાએ ઉમા ભારતીના નામે મત ઉઘરાવ્યા

ગુના-શિવપુરીની બેઠક પરથી ભાજપના ઉમેદવાર બનેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ થોડા દિવસ પહેલાં એક સભામાં ઉમા ભારતીને તેમની ફઈ ગણાવ્યા હતા અને તેમની સાથે ખાસ સંબંધ હોવાનું કહ્યું હતું. સિંધિયાએ દાદી વિજયારાજે સિંધિયા કેવી રીતે ઉમા ભારતીને દીકરી ગણતા એનો ઉલ્લેખ કર્યો હતો. એ પછી ઉમા ભારતીએ પણ ટ્વિટરમાં જ્યોતિરાદિત્યનો ઉલ્લેખ કર્યો હતો. એ પછી ડોર ટુ ડોર પ્રચારમાં અને બેઠકોમાં પણ સિંધિયાએ ઉમા ભારતીનો ઉલ્લેખ શરૂ રાખ્યો છે. અચાનક સિંધિયાને ઉમા ભારતી કેમ યાદ આવ્યા એ મુદ્દે ઘણાંને સવાલો થઈ રહ્યા છે. સિંધિયાએ લાંબી ગણતરી માંડીને પૂર્વ મુખ્યમંત્રીને યાદ કર્યા છે. સિંધિયાએ બે લાખ લોધી સમાજના મતદારોને ધ્યાનમાં રાખીને આ પ્રચાર શરૂ કર્યો છે. ઉમા ભારતીનો જન્મ એ વિસ્તારના લોધી સમાજમાં થયો હતો અને પછીથી તેઓ સાધ્વી બન્યા હતાં.

******

મોદી નેહરુના રેકોર્ડની બરાબરી કરશે તેવી ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપ અને પ્રાદેશિક સાથી પક્ષોને કોંગ્રેસના નેતૃત્વમાં ઈન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલા બે ડઝન પક્ષો ટક્કર આપે છે. મતનું વિભાજન અટકાવીને એનડીએ ગઠબંધનને હરાવી શકાશે એવી આશા વિપક્ષોને છે. જોકે, વિપક્ષોમાં પણ એકતાનો અભાવ વારંવાર સામે આવે છે. બીજી તરફ ભાજપે માઈક્રોપ્લાનિંગ કરીને સેંકડો કાર્યકરોને કેન્દ્રની યોજનાનો પ્રચાર કરવાનું કામ સોંપ્યું છે તેથી રાજકીય વિશ્લેષકો ભાજપની જીત પર આશાઓ બાંધી રહ્યા છે. અમુક લોકો એવું કહેતા સાંભળાય છે કે જો નરેન્દ્ર મોદી જીતી જશે છે, તો તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પછી સતત ત્રીજી ટર્મ જીતનારા બીજા વડાપ્રધાન બનશે.

સૌથી શિક્ષિત રાજ્યમાં 25 મહિલા ઉમેદવારો

કેરળ ભારતનું સૌથી સાક્ષર રાજ્ય છે. સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓ માટે ૫૦ ટકા અનામત લાગુ કરનારું પ્રથમ રાજ્ય છે. તેમ છતાં લોકસભામાં મહિલા ઉમેદવારોનું પ્રતિનિધિત્વ નિરાશાજનક છે. ચૂંટણી પંચની માહિતી પ્રમાણે ૧૯૯૧ અને ૨૦૧૯ની વચ્ચેના ૨૮ વર્ષમાં કેરળમાં ૧,૪૭૩ પુરૂષોની સરખામણીએ વિવિધ પક્ષો દ્વારા માત્ર ૧૨૪ મહિલાઓને નોમિનેટ કરવામાં આવી હતી. ૨૦૨૪ લોકસભા ચૂંટણીની ૨૦ બેઠકો માટે ૧૯૪ ઉમેદવારોમાંથી ૧૬૯ પુરુષો અને માત્ર ૨૫ મહિલાઓ છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં પણ મહિલા ઉમેદવારોની સંખ્યા માત્ર આઠ ટકા જેટલી હતી. બીજા રાજ્યોમાંય આગામી તબક્કાના મતદાનમાં આવી જ સ્થિતિ રહેશે.

રાજનાથ સિંહ આવતા સપ્તાહે ફોર્મ ભરશે

લખનઉ બીજેપી પ્રમુખ આનંદ દ્વિવેદીએ કહ્યું હતું કે રાજનાથ સિંહ રાજ્યમાં મુખ્ય ભાજપ કાર્યાલયમાંથી ઉમેદવારી પત્ર ભરવા માટે જશે. મંત્રીઓ, મેયર, પક્ષના વરિષ્ઠ કાર્યકર્તાઓને સાથે લઈને સંરક્ષણ મંત્રી તેમનું ફોર્મ ભરશે. તેમના માટે એક મોટર રથ તૈયાર કરવામાં આવ્યો છે. મોટર રથમાં સવાર થઈને ભાજપના કાર્યલયથી રેલી યોજીને તેઓ કલેક્ટર કચેરીએ જશે. આવતા સપ્તાહે રાજનાથ સિંહ ફોર્મ ભરશે અને તે પછી લખનઉમાં પ્રચાર શરૂ કરશે. રાજનાથ સિંહ લખનઉથી લોકસભાના સાંસદ તરીકે સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. રાજનાથે ૨૦૦૯માં ગાઝિયાબાદથી લોકસભાની ચૂંટણી જીતી હતી. ૨૦૧૪થી તેઓ લખનઉની બેઠક પરથી જીતતા આવે છે.

કપિલ સિબ્બલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે ચૂંટણી પંચને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરી છે. કોંગ્રેસ લોકોની સંપત્તિ મુસ્લિમોમાં ફરીથી વહેંચશે એવા નિવેદન સામે વાંધો ઉઠાવતા સિબ્બલે કહ્યું કે ચૂંટણી પંચે પીએમ મોદીની ટિપ્પણીની નોંધ લઈને તેમને નોટિસ જારી કરવી જોઈએ. કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે વડાપ્રધાનની વાત ગેરમાર્ગે દોરનારી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને એક ચૂંટણી સભા દરમિયાન કહ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર આવશે તો એ ઘૂસણખોરોના પરિવારો માટે યોજનાઓ લાવશે અને એમાં દેશના કરોડો લોકોની સંપત્તિ વપરાશે. એ મુદ્દે ભાજપ અને વિપક્ષી નેતાઓ વચ્ચે સામ-સામા નિવેદનો ચાલી રહ્યા છે.

- ઈન્દર સાહની

Gujarat