For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : કોંગ્રેસ કાર્યાલયમાં કનૈયા અને સંદીપ દીક્ષિત બાખડયા

Updated: Apr 21st, 2024

દિલ્હીની વાત : કોંગ્રેસ કાર્યાલયમાં કનૈયા અને સંદીપ દીક્ષિત બાખડયા

નવી દિલ્હી : ઉત્તર-પૂર્વ દિલ્હીની બેઠક પરથી કોંગ્રેસે યુવા નેતા કનૈયા કુમારને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપના મનોજ તિવારી આ બેઠક પરથી સાંસદ છે અને તેમને ફરીથી ટિકિટ આપી છે. દિલ્હીના જે નેતાઓ આ બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છતા હતા એમાં એક પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના દીકરા સંદીપ દીક્ષિતનો પણ સમાવેશ થાય છે. ટિકિટ ન મળતા સંદીપ નારાજ છે. દિલ્હી કોંગ્રેસના પ્રમુખ અરવિંદર સિંહ લવલીએ પરિચય બેઠકનું આયોજન કોંગ્રેસ કાર્યાલયમાં થયું હતું. એમાં આવેલા સંદીપ દીક્ષિતે કંઈક કટાક્ષ કર્યો એમાંથી કનૈયા અને સંદીપ વચ્ચે બોલાચાલી થઈ હતી. મોટા નેતાઓએ વચ્ચે પડીને બંનેને સમજાવ્યા હતા. આ ઘટનાથી કોંગ્રેસનો આંતરિક અસંતોષ બહાર આવી ગયો હતો.

અમેઠીમાં રાહુલના વિશ્વાસુ સ્મૃતિને કેમ મળ્યા

અમેઠીમાં રાહુલ ગાંધીના વિશ્વાસુ અને યુપી પ્રદેશ સહસમન્વયક વિકાસ અગ્રહરિ ભાજપમાં જોડાઈ ગયાની અફવા ચાલી રહી છે. થોડા દિવસ પહેલાં વિકાસ અગ્રહરિનો એક ફોટો પણ સામે આવ્યો. એમાં એ સ્મૃતિ ઈરાની સાથે દેખાય છે અને ભાજપના અન્ય એક નેતા વિકાસને ભગવો ગમછો ઓઢાડે છે. એ પછી 'કોંગ્રેસને મોટો ફટકો' એવા મથાળા સાથે અહેવાલો આવ્યા કે વિકાસ ભાજપમાં જોડાઈ ગયા છે. અફવાને ભારે હવા મળી એ પછી ખુદ વિકાસે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી કે એ કોંગ્રેસમાં જ છે. ભાજપમાં જોડાયા નથી. સ્મૃતિ ઈરાનીને એક અંગત કામથી મળવા ગયા હતા ત્યારે ગમછો ભેંટમાં આપ્યો હતો. સવાલ એ થઈ રહ્યો છે કે રાહુલ ગાંધીના ખાસ નેતાને સ્મૃતિ ઈરાનીનું શું કામ પડયું હશે?

ચિરાગ પાસવાને તેજસ્વીની ઝાટકણી કાઢી

બિહારમાં એક વીડિયો વાયરલ થયો. જમુઈમાં રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર માટે પ્રચાર કરવા તેજસ્વી અને મીસા ભારતી સહિતના રાજદના નેતાઓ મંચ પર હાજર હતા તે વખતે જ એક નેતાએ ચિરાગ પાસવાનની માતા માટે અપશબ્દો કહ્યા. એ ઘટના પછી ચિરાગે તેજસ્વીને પત્ર લખીને કહ્યું: 'તમે મારા નાના ભાઈ મિસાને મોટી બહેન છે. પરંતુ તમારી હાજરીમાં મારી માતા વિશે અપશબ્દો બોલાયા છતાં તમે કશું જ ન કર્યું. મંચ પર એટલો ઘોંઘાટ પણ ન હતો કે તમને આ અપશબ્દો સંભળાયા ન હોય. મેં મારા પરિવારમાં અને તમારામાં ક્યારેય કોઈ ફરક ગણ્યો નથી.' તેજસ્વીએ પત્રનો જવાબ ન આપ્યો એટલે ચિરાગે હવે પ્રેસ કોન્ફરન્સ કરીને તેજસ્વીની ઝાટકણી કાઢી હતી અને રાજદને એસસી-એસટી વિરોધી પાર્ટી ગણાવી હતી.

કમલનાથે રેલીમાં જય શ્રીરામના નારા લગાવ્યા

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે બૈતુલની રેલી સંબોધી હતી. એ વખતે જય શ્રીરામના નારા લગાવ્યા હતા અને કહ્યું હતું કે રામ મંદિર કોઈ એક પાર્ટીએ નથી બનાવ્યું. આપણા સૌનું એમાં યોગદાન છે. રામ આપણા સૌના છે. ધર્મ એ આસ્થાનો વિષય છે. રાજકારણનો વિષય ન હોવો જોઈએ. મેં છીંદવાડામાં સૌથી મોટું હનુમાન મંદિર બનાવ્યું છે અને તેનો ક્યારેય પ્રચાર કર્યો નથી. કોંગ્રેસના આ સીનિયર નેતાએ તો ત્યાં સુધી કહ્યું કે હું હિન્દુ છું અને મને તેનું ગૌરવ છે. કમલનાથના આ ભાષણની ચર્ચા છે. એમપીમાં કોંગ્રેસના ઘણાં સ્થાનિક નેતાઓ સોફ્ટ હિન્દુત્વનો વ્યૂહ અપનાવે છે, પરંતુ રાષ્ટ્રીય કક્ષાના નેતાએ જય શ્રીરામનો નારો લગાવ્યો હોય એવું ચૂંટણી પ્રચારમાં પહેલી વખત જોવા મળ્યું હતું.

મંડીમાં કંગના સામે વિક્રમાદિત્યનું 'સનાતન કાર્ડ'

હિમાચલ પ્રદેશમાં પણ કોંગ્રેસે સોફ્ટ હિન્દુત્વનો સહારો લીધો છે. મંડીમાં ભાજપે અભિનેત્રી કંગના રનૌતને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે હિમાચલના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પ્રતિભા સિંહના દીકરા વિક્રમાદિત્યને ટિકિટ આપી છે. વીરભદ્ર સિંહનું થોડા સમય પહેલાં નિધન થયું હતું. તેઓ આ બેઠક પરથી ત્રણ વખત સાંસદ બન્યા હતા. પ્રતિભા પણ અહીંથી ત્રણ વખત ચૂંટાયા છે. વિક્રમાદિત્ય કંગનાને બરાબર ટક્કર આપી રહ્યા છે. કંગના ભાષણોમાં વારંવાર હિમાચલ પ્રદેશની સંસ્કૃતિ અને ધર્મના રક્ષણ માટે ભાજપ સરકારને મત આપવાની અપીલ કરે છે. તેની સામે વિક્રમાદિત્યએ પણ સનાતન કાર્ડ ઉતાર્યું છે. કોંગ્રેસના આ યુવા નેતાએ કહ્યું: 'મારા પિતાએ રાજ્યમાં ધર્માંતરણ વિરોધી કાયદો બનાવ્યો હતો. રાજ્યમાં ધર્મ અને સંસ્કૃતિ સામે કોઈ જ ખતરો નથી.'

શરદ પવારે ભાજપ સાથે તડજોડ કર્યાની અટકળો

'પવાર સાહેબે ભાજપ સાથે વાત કરવાનું મને કહ્યું હતું. હું તેનો લેટર બતાવવા તૈયાર છું. મારા સિવાય પ્રફુલ્લ પટેલ અને જયંત પાટિલને ભાજપ સાથે વાતચીત કરવાનો નિર્દેશ કર્યો હતો.' શરદ પવારના ભત્રીજા અજીત પવારે એક સભાને સંબોધતી વખતે આવું નિવેદન કરીને ચર્ચા જગાવી છે. અજીતે આ ક્યા સમયની વાત છે તે સ્પષ્ટ કર્યું નથી, પરંતુ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પછી અજીત પવારના સમર્થનથી દેવેન્દ્ર ફડનવિસ રાતોરાત મુખ્યમંત્રી બની ગયા એ સમયની વાત હોવાની શક્યતા છે. ત્યારે એવી અટકળો ચાલતી હતી કે  શિવસેના-ભાજપનું ગઠબંધન તૂટી ગયું એટલે શરદ પવારની એનસીપી સાથે ગઠબંધન કરવા ભાજપ કોશિશમાં છે, પરંતુ વાત બની નહોતી. અજીતના આ દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ અને શિવસેનાના નેતાઓમાં આ મુદ્દે ગુપસુપ ચાલી હતી.

******

રાજસ્થાનમાં જાટ સમાજના વિરોધને ઠારવા પ્રયાસો

રાજસ્થાનમાં ભાજપ સામે જાટસમાજની નારાજગીનો મોટો મુદ્દો બન્યો છે. ખાસ કરીને શેખાવતી પ્રદેશ, જેમાં ઝુંઝુનુ, ચુરુ, સીકર અને નાગૌરની સંસદીય બેઠકોનો સમાવેશ થાય છે, ત્યાં પાર્ટીને ફટકો પડી શકે છે. ઝુનઝુનુ અને ચુરુ સંસદીય મતવિસ્તારના જાટ નેતાઓ ખુલીને વિરોધમાં સામે આવ્યા છે. ખેડૂતોની માગણી અને કુસ્તીબાજોના મુદ્દે વિરોધ પ્રદર્શનો ઉપરાંત અગ્નિપથ સૈન્ય ભરતી યોજના બાબતે સમાજમાં રોષ છે. નિરીક્ષકો કહે છે કે ભાજપે ૩૭૦ અને એનડીએની ૪૦૦ પ્લસ બેઠકોનો આંકડો નિર્ધારિત કર્યો છે ત્યારે આવા વિરોધથી અવરોધ ખડો થઈ શકે છે. ભાજપે આ રોષ ઠારવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. એ વિસ્તારના નેતાઓને સુલેહ કરવાની તાકીદ કરી છે.

મારા કામને ધ્યાનમાં રાખીને મત આપજો : મેનકા ગાંધી

મેનકા ગાંધી ઉત્તર પ્રદેશના સુલતાનપુરના સાંસદ છે. ભાજપે તેમને ફરીથી રિપીટ કર્યા છે. ચૂંટણી છે એટલે નેતાઓ તેમના મત વિસ્તારમાં જતાં હોય છે, પરંતુ મેનકા ગાંધીની વાત જુદી છે. સુલતાનપુરમાં મેનકા ગાંધી નિયમિત રીતે લોક દરબાર યોજે છે અને એમાં લોકો લાંબી લાઈનો લગાવે છે. વિવિધ રજૂઆતો કરે છે. તાજેતરમાં ભરાયેલા લોક દરબારમાં એવો જ માણસ રજૂઆત કરવા આવ્યો હતો. એ વ્યક્તિના ઘરમાંથી ચોરી થઈ ગઈ હતી. મેનકાએ અધિકારીઓ સાથે તેમની હાજરીમાં જ વાત કરીને તપાસની અપડેટ્સ મેળવી હતી. એ વખતે ચૂંટણીનો પ્રચાર કરતાં મેનકાએ કહ્યું હતું કે હું હિન્દુત્ત્વ કે મંદિરના નામે તમને મત આપવાનું નહીં કહું. મારા કામને ધ્યાનમાં રાખીને મને મત આપજો.

બંધારણ બદલવાની વાત માત્ર તુક્કો : શેખાવત

ભ્રષ્ટાચારી નેતાઓ ભાજપમાં આવી જાય છે એટલે તેના પર કોઈ કાર્યવાહી નથી એવો આરોપ વિપક્ષો વારંવાર લગાવે છે. તે સંદર્ભમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને પૂછવામાં આવ્યું હતું કે લોકસભાની ચૂંટણી પહેલાં એવા કેટલાય નેતાઓને ભાજપમાં લેવાયા તો એ બાબતે શું કહેશો? જવાબમાં શેખાવતે ભાજપની સરખામણી ગંગા નદી સાથે કરીને કહ્યું કે ભાજપમાં એવો કોઈ ભ્રષ્ટાચાર થતો નથી. વિપક્ષો માત્ર આરોપો લગાવે છે. બંધારણ બદલવાની વાતનો પણ રદિયો આપતા તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર બંધારણ બદલવા જઈ રહી છે તે વાત સદંતર પાયાવિહોણી છે. દેશમાં જેટલા નિર્ણયો લેવાયા છે તે દેશના અને લોકોના હિતમાં નિર્ણયો લેવાયા છે. આગળ પણ એવા જ નિર્ણયો લેવાશે.

દિલ્હી ભાજપ હનુમાન ચાલીસાનું આયોજન કરશે

દિલ્હી ભાજપની ઝુંબેશના ભાગરૂપે પાટનગરના વિવિધ મંદિરોના ૨૦,૦૦૦થી વધુ પૂજારીઓ અને ૫,૧૦૦થી વધુ ધામક નેતાઓની હાજરીમાં હનુમાન ચાલીસાના પાઠનું આયોજન થઈ રહ્યું છે. ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં આ હનુમાન ચાલીસાના પાઠ થશે. ભાજપે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના તેના મુખ્ય વચનને પૂર્ણ કર્યું તેની ઉજવણીના ભાગરૂપે આ આયોજન થઈ રહ્યું છે. દિલ્હીની ચૂંટણીમાં માહોલ બને તે માટે દિલ્હી ભાજપ એકમે હનુમાન ચાલીસાના પાઠ કરવાનો નિર્ધાર કર્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ સહિત અન્ય નેતાઓ કાર્યક્રમમાં હાજરી આપશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી પણ હનુમાન ચાલીસાના પાઠ હનુમાન જયંતીએ કરાવે છે. ભાજપે એ પહેલાં આયોજન કરી દીધું છે.

- ઇન્દર સાહની

Gujarat