For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : પાટનગરનું વાતાવરણ ઠંડું થયું, રાજકીય ગરમી યથાવત્

Updated: Apr 17th, 2024

દિલ્હીની વાત : પાટનગરનું વાતાવરણ ઠંડું થયું, રાજકીય ગરમી યથાવત્

નવી દિલ્હી : દિલ્હી-નોઈડામાં વાતાવરણ પલટાયું હતું. ઘણાં વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો એટલે ઠંડકનું મોજું ફરી વળ્યું હતું. તીવ્ર હવા ફૂંકાઈ હતી એટલે દિલ્હીવાસીઓને ગરમીથી રાહત મળી હતી. હવામાન વિભાગે કહ્યું હતું કે આખું સપ્તાહ પાટનગરમાં ખુશનુમા-ઠંડકભર્યું વાતાવરણ રહેશે. હવામાનની ઠંડક વચ્ચે ચૂંટણીના કારણે રાજકીય ગરમીનો માહોલ યથાવત્ જોવા મળ્યો હતો. પાટનગરમાંથી નેતાઓની આવન-જાવન આ વરસાદી ઝાપટાં વચ્ચે પણ ચાલુ રહી હતી. દિલ્હીના નેતાઓ પણ વરસાદ, ગરમી અને તેજ હવાની પરવા કર્યા વગર જનસંપર્ક કરવામાં વ્યસ્ત દેખાયા હતા. સામાન્ય લોકોએ વરસાદ અને તેજ હવાના કારણે બહાર નીકળવાનું ટાળ્યું હતું, પરંતુ બધા પક્ષોએ કાર્યકરોને ચૂંટણી પ્રચાર ચાલુ રાખવાની તાકીદ કરી હતી.

દિલ્હીના ભાજપના ઉમેદવારો મોદી મેજિકના ભરોસે

અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ તે પછી દિલ્હીમાં સમીકરણો બદલાઈ ગયા છે. સહાનુભૂતિના સહારે આપની નૈયા પાર કરવા મથામણ ચાલી રહી છે. કોંગ્રેસ-આપ વચ્ચે દિલ્હીમાં ગઠબંધન થયું હોવાથી પણ ભાજપ સામે સીધો પડકાર સર્જાયો છે. એવી ધારણા છે કે અગાઉ જે મતોનું વિભાજન થતું હતું એ અટકી જશે, તેથી ભાજપના ઉમેદવારોને બરાબરની ટક્કર મળશે. આવા માહોલમાં ભાજપના ઉમેદવારો પોતાની ઈમેજ પર જીતી શકે તેમ નથી. પરિણામે હવે ભાષણોમાં કહેવા લાગ્યા છે : 'હું તો નરેન્દ્ર મોદીના નામે ચૂંટણી લડી રહ્યો છું એટલે સ્થાનિક મુદ્દા મહત્ત્વના નથી.' ઉત્તર-પશ્વિમ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર યોગેશ ચંદોલિયાનો વીડિયો વાયરલ થયો છે. એમાં એ કહે છે, 'મને મત આપો કે ન આપો, મોદીજીના કામને મત આપજો!'

ચૂંટણી પંચેનો ભાજપને પ્રચારકોની યાદી બદલવા નિર્દેશ

ભાજપે મહારાષ્ટ્રમાં સ્ટાર પ્રચારકોની યાદીમાં મુખ્યમંત્રી શિંદે અને અજીત પવારની બાદબાકી કરી નાખી. પહેલાં બંનેને ભાજપે સ્ટાર પ્રચારકોમાં સમાવ્યા હતા, પરંતુ શરદ પવારની એનસીપીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે ભાજપ તેમના સ્ટાર પ્રચારકોની યાદીમાં અન્ય પાર્ટીના નેતાઓને સમાવી શકે નહીં. નિયમ પ્રમાણે સ્ટાર પ્રચારક તેને જ બનાવી શકાય કે જે પાર્ટીમાં સભ્ય હોય. ગઠબંધનના નેતાઓને કોઈ પાર્ટી પોતાના સ્ટાર પ્રચારક ગણાવી શકે નહીં. એ પછી ચૂંટણી પંચે મહારાષ્ટ્ર ભાજપને યાદી એડિટિંગ કરવાની સૂચના આપી હતી. નિયમોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર ભાજપે ચૂંટણી પંચને શિંદે-અજીતના નામ વગરની નવી યાદી જાહેર મોકલી હતી.

બ્રજભૂષણને ટિકિટ આપવા મુદ્દે ભાજપ અવઢવમાં

ભાજપે લોકસભાના ઉમેદવારોની ૧૨મી યાદી જાહેર કરી તેમાંય યુપીની કેસરગંજ બેઠક પરથી બ્રજભૂષણનું નામ નથી. અટકળો ચાલી રહી છે કે ભાજપ બ્રજભૂષણને કાપીને અન્ય નેતાને ટિકિટ આપવાની તૈયારીમાં છે, પરંતુ બ્રજભૂષણ નારાજ થાય તો કેટલું નુકસાન થઈ શકે તે મુદ્દે આંતરિક સમીક્ષા થઈ રહી છે. ભાજપે એક સર્વેક્ષણ કરાવીને તપાસી જોયું તો ૫૨ ટકા લોકોએ બ્રજભૂષણ પર પસંદગી ઉતારી હતી. તેમ છતાં કુશ્તી મહાસંઘના વિવાદ પછી ભાજપે બ્રજભૂષણથી સલામત અંતર રાખ્યું છે. બ્રજભૂષણ કેસરગંજની બેઠક પરથી ૨૦૦૯થી ચૂંટાય છે. આ ચૂંટણીમાં સપા-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન હોવાથી બ્રજભૂષણને બરાબર ટક્કર મળી શકે તેમ છે. કોંગ્રેસ-સપાના ગઠબંધન હેઠળ સપા પાસે આ બેઠક આવી છે. ભાજપ નામની જાહેરાત કરશે પછી જ સપા પોતાના પાના ઉતારશે.

નકુલની બેઠક પર કમલનાથનો ધુંવાધાર પ્રચાર

છીંદવાડાની બેઠક પરથી કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલનાથને રીપિટ કર્યા છે. નકુલનાથ ૨૦૧૯માં ચૂંટાયા હતા. એ પહેલાં આ બેઠક પર છેક ૧૯૯૮થી ૨૦૧૪ સુધી સતત પાંચ ટર્મ સુધી કમલનાથ ચૂંટાતા આવ્યા હતા. ૨૦૧૯માં કમલનાથે કોંગ્રેસ હાઈકમાન્ડને રજૂઆત કરીને પુત્રને ટિકિટ અપાવી હતી. નકુલનાથ માત્ર ૩૭ હજારના માર્જિનથી જીત્યા હતા. આ વખતે રાહુલ ગાંધીએ કમલનાથને મેદાનમાં ઉતરવાનું કહ્યું હતું, પરંતુ કમલનાથે નકુલનાથને ટિકિટ આપવાની જીત પકડી હતી એટલે કોંગ્રેસે ટિકિટ ફાળવી દીધી હતી. ભાજપે આ બેઠક પર જ્ઞાાતિના સમીકરણો એવી રીતે સેટ કર્યા છે કે કમલનાથનો ગઢ જોખમમાં મૂકાયો છે. ગઢ બચાવવા કમલનાથ દિવસ-રાત એક કરી રહ્યા છે.

બિહાર બીજેપી અધ્યક્ષ સામે લાલુ સમર્થકોનો રોષ

બિહાર ભાજપના પ્રદેશ પ્રમુખ સમ્રાટ ચૌધરીએ લાલુ પ્રસાદ યાદવના પરિવારવાદ પર કટાક્ષ કરીને તેમની રાજકારણમાં ન પ્રવેશેલી દીકરીઓને પણ મેદાનમાં ઉતારવાનો ઉલ્લેખ કર્યો તેનાથી નિવેદનબાજી શરૂ થઈ છે. સમ્રાટ ચૌધરીએ સભામાં કહ્યું હતું કે લાલુએ અનામતનો લાભ માત્ર દીકરા-દીકરીઓને જ આપ્યો છે ને હજુ બાકી વધેલી પાંચ દીકરીઓને પણ વહેલી તકે એનો લાભ મળી જાય એવું કરવું જોઈએ. આ નિવેદનથી લાલુના સમર્થક નેતાઓએ ચૌધરીની ઝાટકણી કાઢી હતી. તેમણે દલીલ કરી હતી કે ભાજપ દ્વૈષી અને વ્યક્તિગત રાજકારણ કરે છે તેનો આ પુરાવો છે. જે દીકરીઓ રાજકારણમાં સક્રિય નથી તેમના પર જેમ તેમ બોલવું યોગ્ય નથી. રાજદે તેને મહિલા સન્માન સાથે જોડીને પ્રચાર શરૂ કર્યો છે.

બંગાળમાં બંગાળી અસ્મિતા વિરૂદ્ધ રાષ્ટ્રવાદનો જંગ

મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને બંગાળી અસ્મિતા સાથે જોડી દીધી છે. દુર્ગા પૂજાના દિવસે મા-માટી-માનુષ અને મછલીનો વ્યૂહ અજમાવ્યો છે. બંગાળમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્ત્વ છે. મમતાદીદીએ શક્તિપૂજાને બંગાળી અસ્મિતા સાથે જોડી દીધી છે. માટી એટલે બંગાળની સંસ્કૃતિ. માનુષ એટલે બંગાળી નાગરિકોનું હિત. હવે એમાં માછલીને ઉમેરી દઈને પ્રચાર એ દિશામાં શરૂ કર્યો છે. ભાત-માછલી બંગાળનો પરંપરાગત ખોરાક હોવાથી દુર્ગા પૂજાના દિવસે મમતા બેનર્જીએ શાકાહારના નામે એનો વિરોધ કરતી ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. બંગાળમાં ભાજપે રાષ્ટ્રવાદના મુદ્દે પ્રચાર શરૂ કર્યો છે. મમતાદીદીએ પ્રચારની દિશા બંગાળી અસ્મિતા તરફ ફંટાવી દીધી છે.

Gujarat