For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિપક્ષી ગઠબંધનનું નામ 'ઈન્ડી' બોલવાની તાકીદ

Updated: Apr 13th, 2024

વિપક્ષી ગઠબંધનનું નામ 'ઈન્ડી' બોલવાની તાકીદ

નવી દિલ્હી: કોંગ્રેસના નેતૃત્વમાં બનેલા વિપક્ષી ગઠબંધને 'ઈન્ડિયા' નામ રાખ્યું છે. ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુસિવ એલાયન્સનું ટૂંકું નામ ઈન્ડિયા થાય છે. ઈન્ડિયા નામથી રાષ્ટ્રવાદી વલણ દેખાતું હોવાથી આવું નામ રખાયું હતું. ઈન્ડિયા નામ રાખીને વિપક્ષો ગેરમાર્ગે દોરતા હોવાનું ભાજપ શરૂઆતથી જ કહે છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડિયા ગઠબંધનને વારંવાર 'ઈન્ડી' કહીને બોલાવે છે. ગઠબંધનને ઈન્ડિયા બોલાવવું ન પડે એ માટે તેમણે 'ઈન્ડી ગઠબંધન' કહેવાનું શરૂ કર્યું છે. ટેકનિકલી એ સાચું પણ છે. જો પાછળ ગઠબંધન બોલીએ તો ઈન્ડિયા બોલવાની જરૂર રહેતી. ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુસિવ ગઠબંધન બોલવાથી કામ સરી જાય. વડાપ્રધાને તમામ નેતાઓ અને પ્રચારકોને પણ 'ઈન્ડી' બોલવાની તાકીદ કરી છે.

ઉત્તર મુંબઈની બેઠક માટે કોંગ્રેસ પાસે ઉમેદવાર નથી

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની વહેંચણીનો અટવાયેલો મુદ્દો તો ઉકેલાઈ ગયો, પરંતુ કોંગ્રેસની મુશ્કેલીનો હજુ અંત આવ્યો નથી. કોંગ્રેસ મહારાષ્ટ્રમાં ૧૭ બેઠકો પરથી લડશે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને ૨૧ અને શરદ પવારને ૧૦ બેઠકો મળી છે. કોંગ્રેસને ઉત્તર મુંબઈ બેઠક લેવામાં રસ ન હતો. કારણ કે ત્યાં કોંગ્રેસ પાસે કોઈ સ્થાનિક મજબૂત નેતા નથી. અભિનેતા ગોવિંદાને એ બેઠક પરથી ઉતારવા કહેવાયું હતું, પરંતુ ગોવિંદાએ ના પાડી એટલે હવે ઉર્મિલા માંતોડકરને મનાવાઈ રહી છે. કોંગ્રેસને દક્ષિણ મધ્ય મુંબઈની બેઠક જોઈતી હતી. એ શિવસેનાના ભાગમાં આવી છે. કોંગ્રેસના નેતાઓ હજુ એ બેઠકની અદલાબદલી કરવા ઉદ્ધવને મનાવી રહ્યા છે.

સારા ઉમેદવારો તો ભાજપને પણ નથી મળતા

ભાજપ પાસે લોકસભામાં તો પૂરતા ઉમેદવારો છે, પરંતુ ઓડિશા વિધાનસભા માટે ઉમેદવારો શોધવામાં ઓડિશા ભાજપને મુશ્કેલી પડી રહી છે. લોકસભાની સાથે ઓડિશા વિધાનસભાની પણ ચૂંટણી યોજાઈ રહી છે. ઓડિશામાં નવીન પટનાયકને વધુ એક વખત જીતી જવાની આશા તો છે, પરંતુ ભાજપે આ વખતે ગ્રાઉન્ડ પર પડકાર ચોક્કસ ખડો કર્યો છે. જોકે, રાજ્યની ૧૪૭ બેઠકોમાંથી ૨૦-૩૦ બેઠકો એવી છે જ્યાં ભાજપને સ્થાનિક લોકોમાં પક્કડ ધરાવતા ઉમેદવારો મળતા નથી. ભાજપે ૧૧૨ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. એમાંથી ઘણાં તો હજુ છ મહિના પહેલાં બીજેડીમાં હતા. સ્થાનિક નેતાગીરી ન હોવાથી બીજેડીના આયાતી ઉમેદવારો પર ભાજપનો બધો આધાર છે.

પ્રથમ તબક્કામાં માત્ર આઠ ટકા મહિલા ઉમેદવારો

લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું વોટિંગ આવતા સપ્તાહે ૧૯મીએ થશે. ૨૧ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૧૦૨ બેઠકોનું મતદાન થશે. પ્રથમ તબક્કામાં માત્ર આઠ ટકા મહિલા મતદારો છે. પહેલા તબક્કામાં યોજાઈ રહેલી ચૂંટણીમાં છ રાજ્યોમાં એક પણ મહિલા ઉમેદવાર નથી. ૧૯મીએ ચૂંટણી થશે એમાં કુલ ૧૬૨૫ ઉમેદવારો મેદાનમાં છે. તેમાંથી મહિલા ઉમેદવારોની સંખ્યા ૧૩૪ છે. નિષ્ણાતોના મતે ૨૦૨૯થી રાજકારણમાં ૩૩ ટકા મહિલા અનામત લાગુ પાડવાની વાત છે. ત્યારે આ ચૂંટણી તમામ રાજકીય પાર્ટીઓ માટે મહિલાઓને પ્રતિનિધિત્વ આપવાની ઉત્તમ તક હતી, પણ રાજકીય પક્ષો એ તક ઝડપવા ઉત્સુક જણાતા નથી. ૨૦૧૯માં કુલ ઉમેદવારોમાંથી માત્ર ૯ ટકા મહિલા ઉમેદવારો હતી.

પંજાબમાં કોંગ્રેસની બેઠકો ઘટશે, આપની વધશે

પંજાબમાં લોકસભાની ૧૩ બેઠકો છે. ૨૦૧૯માં આઠ બેઠકો કોંગ્રેસે મેળવી હતી. અકાલી દળ અને ભાજપને ફાળે બબ્બે બેઠકો આવી હતી. આપને એક બેઠક મળી હતી. આ વખતે સમીકરણો બદલાઈ ગયા છે. ભાજપ-અકાલી દળનું ગઠબંધન નથી એટલે ભાજપ તમામ બેઠકો પર ચૂંટણી લડશે. કોંગ્રેસ-આપનું પણ પંજાબમાં ગઠબંધન નથી. તેથી વૉટિંગ પેટર્ન જુદી જોવા મળશે. તેનો ફાયદો કોને થશે એ કળવું બેહદ મુશ્કેલ બન્યું છે, પરંતુ સર્વેક્ષણો કહે છે કે કોંગ્રેસને પાંચ બેઠકો મળી શકે. ત્રણ બેઠકોનું નુકસાન થશે ને એ ફાયદો આમ આદમી પાર્ટીને મળશે. આપને પાંચ બેઠકો મળી શકે છે. ભાજપ બે જાળવી રાખશે. અકાલી દળનું ધોવાણ થશે.

રાજસ્થાનનો ગઢ જાળવી રાખવાનો ભાજપ સામે પડકાર

સટ્ટાબજારમાં સટ્ટોડિયા રાજસ્થાનની અમુક બેઠકોને લઈને ભાજપના ઉમેદવારો પર દાવ લગાવવા તૈયાર નથી. સટ્ટાબજારનું આકલન છે કે રાજસ્થાનમાં ભલે ભાજપે હજુ તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણી જીતી લીધી હોય, પરંતુ લોકસભામાં તમામ ૨૫ બેઠકો જીતી લેવાનું કામ આ વખતે આસાન નથી. છેલ્લી બે ચૂંટણીથી રાજસ્થાનમાં ભાજપને ૨૫માંથી ૨૫ બેઠકો મળે છે. ૨૦૧૯ની ચૂંટણીમાં તો રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી એટલે સ્થાનિક યોજનાઓના કારણે કોંગ્રેસને ફાયદો થવાની ધારણા હતી, તેમ છતાંય ભાજપે તમામ બેઠકો કબજે કરી હતી. પણ આ વખતે સટ્ટાબજાર કહે છે કે જ્ઞાાતિના સમીકરણો વગેરેના કારણે ભાજપ ૧૭થી ૧૯ બેઠકો જ જીતી શકશે. તમામ બેઠકો જીતવાની હેટ્રિક ચૂકી જશે.

તમિલનાડુમાં ભાજપ-ડીએમકે વચ્ચે પોસ્ટર વોર

તમિલનાડુમાં ડીએમકે ભાજપ સાથે સીધી ફાઈટ કરે છે. મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન તમિલ અસ્મિતાના નામે ભાજપ પર વારંવાર પ્રહારો કરે છે. પ્રથમ તબક્કામાં જ તમિલનાડુમાં તમામ ૩૯ બેઠકોમાં મતદાન થવાનું છે. તે પહેલાં ભાજપ-ડીએમકે વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ છે. ડીએમકેના કાર્યકરોએ વડાપ્રધાન મોદીના ફોટાનું એક સ્કેનર ઠેર-ઠેર લગાવ્યું છે. એમાં ઉપર મોટા અક્ષરે જી-પે લખ્યું છે. નીચે નોંધ મૂકી છેઃ સ્કેન કરો કૌભાંડોને જાણો. આ પોસ્ટર્સ પછી ભાજપે પણ સ્ટાલિનના ફોટો સાથે ક્યૂઆર કોડ લગાવીને લખ્યું છેઃ સ્કેન કરીને સ્ટાલિન અને ઉદયનિધિ સનાતન ધર્મના વિરોધી છે એ જાણી લો. બંને પાર્ટીના પોસ્ટર સ્કેન કરવાથી વિડીયો પ્લે થાય છે.

* * *


Gujarat