For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિપરીત પરિણામની હવા વચ્ચે બજારમાં 1062 પોઈન્ટનો કડાકો

Updated: May 10th, 2024

વિપરીત પરિણામની હવા વચ્ચે બજારમાં 1062 પોઈન્ટનો કડાકો

- ચૂંટણીમાં ઓછા મતદાનથી શેરબજારમાં વેચવાલી : પાંચ સત્રમાં રૂ.15.15 લાખ કરોડનું ધોવાણ

- મતદાન નબળું રહેતા દરેક તબક્કા પછી શેરબજાર ઘટયું છે : રોકાણકારોની નફો બાંધવાની વૃત્તિ, એપ્રિલમાં મ્યુચ્યુઅલ ફંડમાં નવો પ્રવાહ પણ ઘટયો

- પાંચ સત્રમાં સેન્સેક્સ 2207 અને નિફ્ટી 691 પોઈન્ટ તૂટયા

અમદાવાદ : લોકસભાની ચૂંટણીના પરિણામ અંગેની ચિંતાઓ વચ્ચે ગુરુવારે ભારતીય શેરબજાર છેલ્લા ચાર મહિનામાં સૌથી મોટા ઘટાડા સાથે બંધ આવ્યું હતું. આ સાથે સતત પાંચ ટ્રેડીંગ સત્રથી બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારે રોકાણકારોની સંપત્તિમાં રૂ.૭.૩૫ લાખ કરોડનું ધોવાણ જોવા મળ્યું છે. ભારતીય શેરબજાર છેલ્લા એક વર્ષ જેટલા સમયથી સ્થાનિક રોકાણકારો - રિટેલ, મ્યુચ્યુઅલ ફંડ્સ, હાઈ નેટવર્થ ઈન્ડીવિડયુઅલ -ની સતત ખરીદી અને નવા નાણા પ્રવાહના કારણે વધી રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણીના પ્રથમ ત્રણ તબક્કામાં અગાઉ કરતા ઓછું મતદાન થયું હોવાથી સત્તા પક્ષની પક્કડ ઢીલી થઇ રહી હોવાના આંકલન સાથે બજારમાં જોખમ નિવારી હાથ ઉપર નફો બાંધી લેવાની વૃત્તિ જોવા મળી રહી છે. 

છેલ્લા પાંચ સત્રમાં નિફ્ટી ઇન્ડેક્સ ૨૨૬૪૮ પોઈન્ટની સપાટીથી ૬૯૧ પોઈન્ટ ગબડયો છે. બીએસઈ સેન્સેક્સ આ સમયગાળામાં ૭૪,૬૧૧ની સપાટીથી ગબડી ૭૨,૪૦૪ બંધ આવ્યો છે જે ૨,૨૦૭ પોઈન્ટનો કડાકો સૂચવે છે. પાંચ દિવસની સતત વેચવાલીએ રોકાણકારોની સંપત્તિમાં કુલ રૂ.૧૫.૧૫ લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો છે. 

ભારતીય શેરબજારમાં ફ્યુચર એન્ડ ઓપ્શન્સ માર્કેટ રોકડમાં શેરની ખરીદી કરતા લગભગ ૧૦ ગણું મોટું છે. ગુરુવારે એનએસઈ ઉપર સાપ્તાહિક ફ્યુચર એન્ડ ઓપ્શન્સ વાયદાની પતાવટનો દિવસ હતો. ધારણા કરતા રોકડ માર્કેટમાં ભારે વેચવાલીના કારણે ઓળિયું સીધું કરવા માટે વાયદામાં પણ વેચવાલીની અસર જોવા મળી હોવાથી પણ ગુરુવારે બજાર ઘટયું હોવાનું કેટલાક નિષ્ણાત માની રહ્યા છે. 

ગુરુવારે સેન્સેક્સ ૧૦૬૨ પોઈન્ટ ઘટી ૭૨,૪૦૪ અને નિફ્ટી ૩૪૫ પોઈન્ટ તૂટી ૨૧,૯૫૭ની સપાટીએ બંધ આવ્યો હતો. શેરબજારમાં ૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષમાં સૌથી વધુ વળતર આપનાર સ્મોલ કેપ શેરોમાં પણ આજે તીવ્ર વેચવાલી હતી. બીએસઈ ઉપર સ્મોલ કેપ ઇન્ડેક્સ ૧૧૧૧ અને મિડ કેપ ઇન્ડેક્સ ૮૩૫ પોઈન્ટના કડાકા સાથે બંધ આવ્યા હતા. બીએસઈ ઉપર રોકાણ પ્રવાહના પ્રાથમિક આંકડાઓ અનુસાર વિદેશી સંસ્થાઓએ રૂ. ૬૯૯૫ કરોડના શેર એક જ સત્રમાં વેચ્યા હતા. 

શેરબજારમાં છેલ્લા ત્રણ વર્ષથી સ્થાનિક સંસ્થાઓની સતત ખરીદીના કારણે તેજી જોવા મળી રહી છે. રિટેલ ગ્ર્રાહકો મ્યુચ્યુઅલ ફંડ્સમાં સતત રોકાણ કરી રહ્યા છે સીધા શેરબજારમાં પોતે પણ રોકાણ કરી રહ્યા છે. આ સામે વિદેશી સંસ્થાઓની સતત વેચવાલી આ ત્રણ વર્ષમાં જોવા મળી છે. માર્ચ ૨૦૨૪ના અંતે એનએસઈ લીસ્ટેડ કંપનીઓમાં વિદેશી સંસ્થાઓનું ભારતીય કંપનીઓમાં શેરહોલ્ડીંગ ૧૧ વર્ષની સૌથી નીચી સપાટીએ છે જયારે સ્થાનિક સંસ્થાઓનું હોલ્ડીંગ સાત વર્ષમાં સૌથી ઉંચી સપાટીએ છે. જોકે, એપ્રિલ મહિનામાં ઇક્વિટી સ્કીમમાં મ્યુચયુઅલ ફંડ રોકાણ, માર્ચ કરતા રૂ.૩૭૧૬ કરોડ ઘટી રૂ.૧૮,૯૧૭ કરોડ જોવા મળ્યું છે. ફંડમાં નવો પ્રવાહ ઘટે તો તેની અસર ફંડની બજારમાં ખરીદી ઉપર પણ પડી શકે એવી ચિંતા છે.

ભાજપને ધારણા કરતા ઓછી બેઠક આવશે એવા ફિલિપ કેપિટલના એક રિપોર્ટ બાદ અને છેલ્લા ત્રણ તબક્કાના મતદાન બાદ સ્થાનિક રોકાણકારો અને એચએનઆઈમાં ગભરાટ જોવા મળી રહ્યો છે, બજારને ઘટવા માટે વૈશ્વિક કોઈ કારણ નથી. માત્ર પ્રોફિટ બુકિંગ અને નવું રોકાણ ચૂંટણી પરિણામ સુધી મુલતવી રાખવાના માનસથી બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અદાણી - અંબાણી અંગેના નિવેદનની અસર 

લોકસભાની ચૂંટણીના પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેરસભામાં અદાણી અને અંબાણી પાસેથી શું કોંગ્રેસે વિપુલ માત્રામાં રોકડ મેળવી છે એવો સવાલ ઉઠાવ્યો હતો. દેશના સૌથી મોટા બે ધનિક અને સૌથી મોટા બે ઉદ્યોગગૃહોનું નામ પ્રચારમાં ઉછળતા રોકાણ માનસ ઉપર તેની અસર પડી શકે એવું માનનારો પણ એક વર્ગ છે અને એટલે બજારમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. 

આજે અદાણી જૂથની લીસ્ટેડ નવ કંપનીઓમાંથી આઠના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. રિલાયન્સ જૂથની બધી જ છ લીસ્ટેડ કંપનીઓ ઘટીને બંધ આવી હતી. 

દલાલ સ્ટ્રીટ ઉપર ચૂંટણીના પરિણામોની ચિંતાના વાદળો ઘેરાયા 

પ્રથમ ત્રણ તબક્કાના મતદાનમાં ૨૦૧૯ કરતા મતદાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મતદારોમાં જોવા મળી રહેલા નિરુત્સાહના કારણે સત્તાધારી એનડીએ ૪૦૦ બેઠકોના લક્ષ્યાંક કરતા ઓછી બેઠક મેળવશે એવી ચિંતા અને અફવાઓ ફેલાઈ રહી છે.

 કેન્દ્રમાં મોદી સરકાર પરત આવે પણ ધારણા કરતા બેઠકો ઓછી આવે તો તેની અસર આર્થિક નીતિઓ ઉપર પડી શકે એવી ગણતરીએ બજારમાં ખરીદી અટકી છે અને નફો બાંધવાની વૃત્તિ જોવા મળી રહી છે. ચૂંટણીના હજી ચાર તબક્કા બાકી છે અને પરિણામ તા. ૪ જૂનના આવશે પણ ભાજપ અને તેના સાથીઓને સંભવિત બેઠકો ઉપર સટ્ટો ખેલતા ખેલાડીઓ બેઠક ઘટશે એવી ગણતરી મૂકી રહ્યા છે. આવા અહેવાલોથી શેરબજારમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. 

અનિશ્ચિત વાતાવરણમાં જોખમ નિવારતા રોકાણકારો

અત્યારે વૈશ્વિક અને સ્થાનિક રીતે અનિશ્ચિતતાનું વાતાવરણ છે. ભૌગોલિક રીતે યુદ્ધ અટક્યા નથી. અમેરિકામાં પણ નવેમ્બર મહિનામાં ચૂંટણી છે. વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં મોંઘવારી અને ફુગાવાના કારણે વ્યાજ દર ઘટશેના બદલે હવે ઘટતા વાર લાગશે, રાહ જોવી પડશે એવી સ્થિતિ છે. વિશ્વના બીજા સૌથી મોટા અર્થતંત્ર ચીનમાં વિકાસ ધીમો છે અને સેન્ટ્રલ બેંક નાણા પ્રવાહિતા વધારી રહી છે. આ સ્થિતિમાં વૈશ્વિક પરિબળો બજાર માટે પડકારરૂપ છે. બીજી તરફ, જાન્યુઆરી થી માર્ચ ક્વાર્ટરના પરિણામો અપેક્ષિત રહ્યા છે અથવા તો નબળા રહ્યા છે. મોટાભાગની કંપનીઓ ધારણા અનુસાર જ નફો કે વેચાણ દર્શાવી રહી છે તેથી નવી ખરીદીમાં શેરનું મૂલ્ય મોંઘુ લાગી રહ્યું હોવાથી પણ બજારમાં રોકાણકાર માત્ર પસંદગીની ખરીદી કરી રહ્યો છે. આ સ્થિતિમાં લોકસભાની ચૂંટણીના પરિણામો ધારણા કરતા વિપરીત આવે તેવી ચિંતાએ ઉમેરો કર્યો છે એટલે રોકાણકારો નવું જોખમ ઉમેરવા ખરીદીના બદલે વેચવાલી કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે. 

તબક્કો

નિફ્ટીમાં ઘટાડો

1

265

2

210

3

175

Gujarat