For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આંકલાવના કાંઠાગાળામાં ક્ષત્રિય સમાજનો દબદબો, ક્ષત્રિય મતો નિર્ણાયક રહેશે

Updated: May 9th, 2024

આંકલાવના કાંઠાગાળામાં ક્ષત્રિય સમાજનો દબદબો, ક્ષત્રિય મતો નિર્ણાયક રહેશે

- આંકલાકમાં સૌથી વધુ મતદાન કોને ફળશે

- બોરસદના 65 ગામોમાં ક્ષત્રિયોની બહુમતી, 4 જૂનના પરિણામ પર સૌની નજર મંડાઇ

આણંદ : આણંદ લોકસભાની બેઠક માટે ગત રોજ યોજાયેલ મતદાન પ્રક્રિયામાં ૬૫.૦૪ ટકા મતદાન નોંધાયું હતું. જેમાં કોંગ્રેસનો ગઢ ગણાતી આંકલાવ વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધુ ૭૦.૭૨ ટકા મતદાન નોંધાયું છે. સાથે સાથે બોરસદ વિધાનસભામાં ૬૪.૪૨, પેટલાદ વિધાનસભામાં ૬૭.૧૬ અને સોજિત્રા વિધાનસભામાં ૬૫.૧૪ ટકા મતદાન નોંધાયું છે.

કોંગ્રેસનો ગઢ ગણાતી આણંદ બેઠક ઉપર વર્ષ ૨૦૧૪થી ભાજપનું પલ્લું ભારે રહ્યું છે. વર્ષ ૨૦૧૪માં કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી સામે ભાજપના ઉમેદવાર દિલીપભાઈ મણીભાઈ પટેલ ૬૩,૪૨૬ મતોની સરસાઈથી વિજેતા થયા હતા .અને મોદી લહેર દિલીપભાઈને ફળી હતી. 

તેવી જ રીતે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે મિતેષભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. તેઓની સામે કોંગ્રેસમાંથી પુનઃ એકવાર ભરતભાઈ સોલંકીએ ઝંપલાવ્યું હતું જો કે આશ્ચર્ય વચ્ચે મિતેષભાઈ પટેલને પણ મોદી લહેર ફળતા ૧.૯૭ લાખના મતોની જંગી સરસાઈથી તેઓ આણંદના સાંસદ પદે ચૂંટાયા હતા. 

ચાલુ વર્ષે ૨૦૨૪માં ભાજપે પુનઃ એકવાર સિટીંગ સાંસદ મિતેષ પટેલ ઉપર પસંદગી ઉતારી હતી તેઓની સામે કોંગ્રેસમાંથી અમિત ચાવડાને ટિકીટ ફાળવવામાં આવી હતી. જો કે પુરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિષે વિવાદાસ્પદ નિવેદન બાદ આણંદ જિલ્લામાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેનો સીધો ફાયદો કોંગ્રેસના ક્ષત્રિય ઉમેદવારને થવાની શક્યતા જોવાઈ રહી છે.

આણંદ જિલ્લામાં કુલ-૩૫૯ ગામડાઓ આવેલ છે. જિલ્લાના ૮ તાલુકા પૈકી બોરસદ તાલુકાના ૬૫ ગામોમાં ક્ષત્રિય સમાજનો ભારે દબદબો છે. 

સાથે સાથે આંકલાવના કાંઠાગાળા વિસ્તારમાં પણ ક્ષત્રિય સમાજના મતદારો વધુ છે. પેટલાદ, બોરસદ, આંકલાવ અને સોજિત્રાના કાંઠા ગાળામાં કોંગ્રેસનું ભારે પ્રભુત્વ રહ્યું છે ત્યારે ચાલુ વર્ષે ગ્રામ્ય વિસ્તારમાં ક્ષત્રિય સમાજનો કોંગ્રેસ તરફ વધુ ઝોક રહ્યો હોવાનું રાજકીય તજજ્ઞાઓ જણાવી રહ્યાં છે. 

બીજી તરફ આણંદ, ખંભાત તથા ઉમરેઠના શહેરી વિસ્તારોમાં પાટીદાર સહિતની ઉચ્ચ જ્ઞાતિના મતદારોમાં ભાજપ હોટ ફેવરિટ હોવાનું જોવા મળ્યું હતું.

ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ મહિલાઓનું ભારે મતદાન

શહેરી વિસ્તારની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ મતદાન મથકો ખાતે મતદારોની ચહલપહલ જોવા મળી હતી. આણંદ શહેરના કેટલાક મતદાન મથકો ખાતે બપોરના સુમારે એકલદોકલ મતદારો જોવા મળ્યા હતા. તો કેટલાક મતદાન મથકો સાવ સૂમસામ હતા. જો કે તેની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારમાં બપોરના સુમારે મહિલાઓએ ઉત્સાહભેર મતદાન કરતા ગ્રામ્ય વિસ્તારમાં શહેરી વિસ્તારની સરખામણીએ ઉંચું મતદાન નોંધાયું હોવાનું રાજકીય તજજ્ઞાઓ જણાવી રહ્યાં છે.

આણંદમાં 8.66 લાખ ક્ષત્રિય મતદારો

આણંદ જિલ્લામાં કુલ-૧૭,૮૦,૧૮૨ મતદારો નોંધાયા હતા. જે પૈકી ૧૧,૫૭,૭૬૩ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જ્ઞાતિ આધારિત સમીકરણ જોઈએ તો આણંદ જિલ્લામાં લગભગ ૮.૬૬ લાખ ક્ષત્રિય મતદારો છે જ્યારે ૪.૨૪ લાખ જેટલા પાટીદાર અને ૩.૫૦ લાખ જેટલા મુસ્લિમ મતદારો છે જ્યારે ૧.૧૫ લાખ અન્ય જ્ઞાાતિના મતદારો છે. આમ કુલ મતદારોમાં લગભગ ૪૧ ટકા હિસ્સો ક્ષત્રિય મતદારોનો છે. 

શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન થયું 

જિલ્લાના આઠ તાલુકા પૈકી આણંદ તાલુકામાં ૪૪, પેટલાદ તાલુકામાં ૫૬, બોરસદ તાલુકામાં ૬૫, આંકલાવ તાલુકામાં ૩૨, ખંભાત તાલુકામાં ૬૧, ઉમરેઠ તાલુકામાં ૩૭, સોજિત્રા તાલુકામાં ૨૨ અને તારાપુર તાલુકામાં ૪૨ ગામોનો સમાવેશ થાય છે. મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારોમાં શહેરી વિસ્તારની સરખામણીએ ક્ષત્રિય સમાજના મતદારોનો દબદબો જોવા મળે છે. રૂપાલા દ્વારા વિવાદીત ટીપ્પણી બાદ ક્ષત્રિય સમાજનો ઝોક કોંગ્રેસ તરફ વધુ જોવા મળ્યો હતો. આણંદ શહેર સહિત વિવિધ તાલુકા મથકોના શહેરી વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોની સરખામણીએ ઓછું મતદાન થયું હોવાનો મત રાજકીય તજજ્ઞાોએ વ્યક્ત કરતા રાજકીય પક્ષોમાં ચિંતા વ્યાપી છે.

Gujarat