Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વર્લ્ડ કપ જીતવા માટે જોશ, ઝૂનૂન અને જઝ્બાનો જંગ

- મોસ્કોમાં રાત્રે ૮.૦૦થી ઉદ્ઘાટન કાર્યક્રમ અને ૮.૩૦થી રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે મુકાબલો

રશિયા  : ફિફા વર્લ્ડ કપ જીતવા માટે જોશ, જૂનૂન અને જઝ્બાના જીવંત મુકાબલાનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. દુનિયાની ટોચની ૩૨ ટીમો વચ્ચે જ્યારે ફિફા વર્લ્ડ કપ જીતવા માટેના ખરાખરીના મુકાબલાના પ્રારંભની સાથે આખી દુનિયાની નજર રશિયા પર મંડાશે.  ફૂટબોલના અદના ચાહકોથી માંડીને સેલિબ્રિટીઝ તેમજ વિશ્વના રાજનેતાઓ પર પણ ફૂટબોલના ફિવર જોવા મળશે. આવતીકાલે ફિફા ફૂટબોલ વર્લ્ડ કપનો સૌપ્રથમ મુકાબલો યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે મોસ્કોમાં ખેલાશે. જે અગાઉ રાત્રે ૮.૦૦ વાગ્યાથી ફિફા વર્લ્ડ કપ ફૂટબોલનો ઉદ્ઘાટન સમારંભ યોજાશે. જેમાં આ વખતે સંગીત પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. માત્ર અડધા કલાકના સમારંભ બાદ રાત્રે ૮.૩૦ વાગ્યાથી રશિયા અને સાઉદી અરેબિયાની ફૂટબોલ મેચ શરૃ થઈ જશે.

વર્લ્ડ કપની સંગીતમય શરૃઆત થશે

મોસ્કો,તા.13 જૂન 2018, બુધવાર

રશિયામાં આવતીકાલે ફિફા ફૂટબોલ વર્લ્ડ કપનો સંગીતમય પ્રારંભ થશે. મોસ્કોના લુઝનીકી સ્ટેડિયમમાં પ્રથમ મુકાબલા અગાઉ બ્રિટીશ ગાયક રોબ્બી વિલિયમ્સ અને રશિયાની જાણીતી પર્ફોર્મર એઈડા ગારિફ્યુલિનાની જાદુઈ કલાકારી જોવા મળશે. ફિફા વર્લ્ડ કપના ઉદ્ઘાટન સમારંભમાં ૮૦,૦૦૦ પ્રેક્ષકો હાજરી આપશે, જેમાં દેશ-વિદેશના ચાહકોની સાથે સુપર સેલિબ્રિટીઝ તેમજ ફૂટબોલ જગતની જાણીતી હસ્તીઓનો સમાવેશ થાય છે.બ્રાઝિલનો લેજન્ડરી ફૂટબોલર રોનાલ્ડો વર્લ્ડ કપ ટ્રોફી સાથે સ્ટેડિયમમાં પ્રવેશશે.

મોસ્કોના મુખ્ય સ્ટેડિયમની સાથે સાથે શહેરના જાણીતા રેડ સ્ક્વેર ખાતેપણ ઉજવણીનો માહોલ જોવા મળશે. દુનિયાભરની ટીમો અને તેના ચાહકો રશિયા પહોંચી ચૂક્યા છે અને હવે તેઓ આવતીકાલના ઉદ્ઘાટનનો ઈંતેજાર કરી રહ્યા છે. ભારતીય સમય પ્રમાણે રાત્રે ૮.૦૦ વાગ્યાથી ઉદ્ઘાટન શરૃ થશે.

ઉદ્ઘાટનમાં રોબ્બી વિલિયમ્સ અને રશિયાની એઈડા ગારિફ્યુલિના પર્ફોમન્સ આપશે
૮૦ હજાર પ્રેક્ષકો મોસ્કોના સ્ટેડિયમમાં ઉદ્ઘાટન સમાંરભમાં હાજરી આપશે,  બ્રાઝિલનો લેજન્ડ રોનાલ્ડો પણ જોવા મળશે

સાઉદી અરેબિયાને જીત સાથે શરૃઆતની આશા
સાઉદી અરેબિયાની વર્લ્ડ કપની તૈયારીઓ ઉત્સાહજનક રહી નથી. તેઓ વર્લ્ડ કપ અગાઉની ત્રણેય પ્રેક્ટિસ મેચ હારી ગયા હતા. સાઉદી અરેબિયાને ૧૯૯૪ બાદ ફિફા વર્લ્ડ કપ ફૂટબોલમાં પ્રથમ જીતની તલાશ છે. સાઉદી અરેબિયાનો આધાર તૈસીર અલ જાસીમ, ફહાદ અલ મુવાલ્લાદ તેમજ ફોરવર્ડ ખેલાડી મોહમ્મદ અલ શાહવાલી પર રહેશે.

કોચ : જુઆન એન્ટોનીયો પિઝી (સ્પેન) સંભવિત ટીમ : અલ-માયોફ, ઉસ્માહ હુસાવી, ઓમર હોસાવી, અલ-શાહરીન, અલ-બારીક, ઓટીફ, અલ-ફરાજ, અલ- શીહરી, અલ-જાસીમ, અલ-શાહલાવી અને અલ-મોલાદ.

૫૦૦ ડાન્સરો અને જિમ્નાસ્ટ પણ પર્ફોમ કરશે
ફિફા વર્લડ કપના ઉદ્ઘાટન સમારંભમાં રોબ્બી વિલિયમ્સના પર્ફોમન્સની સાથે અન્યોના સંગીતનો જાદુ પણ જોવા મળશે. ઉદ્ઘાટનમાં આશરે ૫૦૦ જેટલા ડાન્સરો અને જિમ્નાસ્ટ તેમજ ટ્રમ્પોલીનના એક્સપર્ટ પોતાની પ્રતિભા દેખાડશે. રોબ્બીની સાથે સાથે રશિયન પર્ફોમર એઈડા ગારીફ્યુલિના પણ આકર્ષણ જમાવશે. ફિફાએ જાહેરાત કરી હતી કે, આ વખતનો ઉદ્ઘાટન સમારંભ અગાઉના સમારંભો કરતાં અલગ હશે અને તેમાં ગીત-સંગીત પર વધુ ભાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓપેરા સિંગર પ્લાસીડો ડોમીન્ગો, લ્યુસીઆનો પવરોટ્ટી,  તેમજ જોસ કારેરાસ અને પેરૃનો જુઆન ડિએગો ફ્લોરેઝ પણ તેમનો જાદુ ચલાવશે.

૫૩ ગોલ સ્કોરર્સ  
વર્લ્ડ કપ ફૂટબોલમાં ભાગ લેવા રશિયા પહોંચેલા ૭૩૬ ખેલાડીઓમાંથી માત્ર ૫૬ જ એવા છે કે, જેઓ અગાઉ વર્લ્ડ કપમાં ગોલ ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. આ યાદીમાં સૌથી આગળ જર્મનીનો થોમસ મુલર છે,જેણે અત્યાર સુધી વર્લ્ડ કપમાં ૧૦ ગોલ ફટકાર્યા છે. જ્યારે કોલંબિયાના જેમ્સ રોડ્રીગ્યુઝના નામે ૬ વર્લ્ડ કપ ગોલ નોંધાયેલા છે. ઓસ્ટ્રેલિયાનો ટીમ ચેહિલ,  આર્જેન્ટીનાનો ગોન્ઝાલેઝ હિગ્યુઈન, આર્જેન્ટીનાનો લાયોનેલ મેસી અને ઉરૃગ્વેનો લુઈસ સુઆરેઝ ૫-૫ વર્લ્ડ કપ ગોલ નોંધાવી ચૂક્યા છે.

ઈંગ્લેન્ડની ટીમ ૧૦૦% 'હોમ મેઈડ'
ફૂટબોલ વર્લ્ડ કપમાં પોતપોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવા આવેલા ખેલાડીઓ કલબ લેવલે જુદા-જુદા દેશોમાં રમતાં જોવા મળે છે. જેમ કે આર્જેન્ટીનાનો લાયોનેલ મેસી સ્પેનની બાર્સેલોના કલબ તરફથી રમે છે. જોકે આ વર્લ્ડ કપમાં ૩૨માંથી એકમાત્ર ઈંગ્લેન્ડની ટીમ જ એવી છે કે, જેના તમામ ખેલાડીઓ તેમના ઘરઆંગણાની કલબોમાં જ રમે છે. જ્યારે બાકીની ટીમોમાં ઓછામાં ઓછા એકાદ-બે ખેલાડીઓ એવા છે કે જેઓ વિદેશમાં કલબ ફૂટબોલ રમતાં હોય. આ રીતે જોઈએ તો હોમ મેઈડ ટીમોમાં બીજો ક્રમ રશિયાનો આવે, જેના ૨૩માંથી ૨૧ ખેલાડીઓ રશિયામાં જ કલબ ફૂટબોલ રમે છે. જ્યારે ત્રીજા ક્રમે સાઉદી અરેબિયા આવે કે જેના ૨૩માંથી ૨૦ ખેલાડીઓ ઘરઆંગણાની કલબોમાં રમે છે.

રશિયાનો મદાર સ્મોલોવ અને ઝ્યુબા પર રહેશે
રશિયાનો મદાર તેમના સ્ટાર સ્ટ્રાઈકર ફ્યોડોર સ્મોલોવ તેમજ ઝ્યુબા જેવા ખેલાડીઓ પર રહેશે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં રશિયાનો પ્રભાવ ખાસ જોવા મળ્યો નથી. તેઓ ઓક્ટોબરમાં સાઉથ કોરિયા સામે જીત્યા તે પહેલા સાત મેચોમાં જીતથી વંચિત રહ્યા હતા. રશિયા ૨૦૦૨થી અત્યાર સુધી રશિયા વર્લ્ડ કપમાં રશિયા એક પણ મેચ જીતી શક્યું નથી. કોચ : સ્ટાનીસ્લાવ ચેર્ચેન્કો (રશિયા)  સંભવિત ટીમ : ઈગોન એકિન્ફિવ, મારિયો ફર્નાન્ડેઝ, ફેડોર કુડ્રીયાશોવ, સર્ગેય ઈગ્નાશેવિચ, યુરી ઝ્હીરકોવ, રોમાન ઝોબ્નીન, ડાલેર કુઝીએવ, એલાન ઝાગોવ, એલેક્ઝાન્ડર સામેડોવ, એલેક્ઝાન્ડર ગોલોવિન, ફેડોર સ્મોલોવ.

યજમાન ક્યારેય પ્રથમ મેચ હાર્યું નથી!
ફિફા વર્લ્ડ કપ ફૂટબોલના ઈતિહાસમાં ક્યારેય યજમાન ટીમ સૌપ્રથમ મેચમાં હારી નથી. અત્યાર સુધી વર્લ્ડ કપની પ્રથમ મેચમાં યજમાનો રમ્યા હોય તેવી ઘટના ૯ મેચમાં બની છે, જેમાંથી છમાં તેઓ વિજેતા બન્યા છે. જ્યારે ત્રણ મેચ ડ્રો રહી છે.

આર્ચીલેસની આગાહી : સાઉદી અરેબિયા સામે રશિયા જીતશે
વર્ષ ૨૦૧૦ના વર્લ્ડ કપમાં જર્મનીનો ઓક્ટોપસ પોલે ભારે આકર્ષણ જમાવ્યું હતુ અને તે વર્લ્ડ કપની મેચોની સચોટ આગાહી તેણે કરી હતી. આ વખતે રશિયામાં યોજાનારા વર્લ્ડ કપની મેચોની આગાહી આર્ચીલેસ નામની બિલાડી કરવા જઈ રહી છે.  આ બિલાડી સાંભળી શકતી નથી. રશિયાએ ભવિષ્યવાણી માટેની તેને સત્તાવાર રીતે પસંદ કરી છે. આર્ચીલેસની સામે બે રાષ્ટ્રધ્વજોની સાથે ભોજન મુકવામાં આવે છે, તે જે દેશના રાષ્ટ્રધ્વજ તરફ ભોજન કરે એટલે તે વિજેતા બનશે તેવું માનવામાં આવે છે. આવતીકાલની રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચેની મેચ પૂર્વ આર્ચીલેસે ભવિષ્યવાણી કરી છે કે, આવતીકાલની મેચમાં રશિયા વિજેતા બનશે.

૨૦૨૬નો વર્લ્ડ કપ અમેરિકા-મેક્સિકો અને કેનેડામાં રમાશે
ફિફાના ૮૮ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત ત્રણ દેશો ભેગા મળીને ફિફા વર્લ્ડ કપનું આયોજન કરવા જઈ રહ્યા છે. વર્ષ ૨૦૨૬નો વર્લ્ડ કપ અમેરિકા, મેક્સિકો અને કેનેડામાં સંયુક્તપણે રમાશે. રશિયામાં મળેલી ફિફા કોંગ્રેસની મિટિંગમાં ૨૦૨૬ના ફૂટબોલ વર્લ્ડ કપના યજમાનનો નિર્ણય લેવાયો હતો, જેમાં આ ત્રણ દેશોએ ભેગા મળીને મોરક્કોને ૬૯ વોટથી હરાવ્યું હતુ. નોંધપાત્ર છે કે, ૨૦૨૬ના વર્લ્ડ કપમાં ૪૮ ટીમો ભાગ લેવાની છે.

Post Comments