Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવિધા - ભવેન કચ્છી

આપણે જાણે હૃદયથી ધબકતા રોબોટ

લો હવે આપણે બોલવાની પણ જરૃર નહીં પડે ! ગેજેટ્સ ઇશારા અને વિચારો જાણીને આપણા વતી સંવાદ કરશે

તન અને મનના બગાડને કાઢવા જેમ નૈસર્ગિક અને ધ્યાન કેન્દ્રો વધતા જાય છે તેમ હવે  આપણે 'Digital Detox’ થવાના સેન્ટરોમાં પણ જતા થઈશું

વ્યક્તિ પોતાની સાથેની પળ, પ્રકૃતિ કે જે પણ સામેની વ્યક્તિ છે તેને પણ માણી નથી શકતો. કઈ રીતે પળની પ્રતિક્રિયા આપુ અને છવાઈ જઉં તે જ તેનું લક્ષ્ય બની રહે છે.

હૃદય રોગ, પેટ કે જ્ઞાનતંતુની બીમારી કે પછી કેન્સરની સારવાર માટે નૈસર્ગિક ઉપચાર માટેના કેન્દ્રો પ્રકૃતિની ગોદમાં પાંગરતા જાય છે. દર્દીએ આવા કેન્દ્રોમાં અમુક અઠવાડિયા રહેવાનું ત્યાં તેને આહાર-વિહાર અને આયુર્વેદિક પધ્ધતિ કે વૈકલ્પિક થેરેપીનો ચુસ્ત અમલ કરવાનો રહે છે.

હવે તો જેમ આપણે અમુક નિશ્ચિત સમયગાળા પછી ટુ વ્હીલર કે કારને સર્વિસમાં આપીએ છીએ તેમ તંદુરસ્ત વ્યક્તિ પણ તેના દેહની સ્થૂળ અને આંતરિક સિસ્ટમમાં રહેલા ઝેરી કે હાનિકારક તત્વોનો નિકાલ કરવાના કેમ્પમાં ભાગ લઇ આવે છે.

આપણે મૌન, ધ્યાન કે તનાવ મુક્તિની જુદી જુદી પધ્ધતિઓના અનુયાયી બનીએ છીએ તે પાછળનો આશય તન-મનની કચરાની સફાઇ જ હોય છે. આ પ્રક્રિયાને અંગ્રેજીમાં 'Detox' કહેવાય છે. આજકાલ શહેરી કલ્ચરમાં વાતચીત દરમ્યાન એવું કહેવાની ફેશન કે સ્ટેટસ મનાય છે કે ''હું તો બોડી (કે માઇન્ડ) ''ડીટોક્સ'' સેન્ટરમાં જઉં છું.'' બોડી-માઇન્ડ ''ડીટોક્સ'' સેન્ટરો એલોપેથી કોર્પોરેટ હોસ્પિટલોને કમાણીની  રીતે હંફાવે તેવા ધંધાનું પણ સ્વરૃપ પકડી રહ્યા છે.

જો કે આ તો આપણે ''ડીટોક્સ'' શબ્દની ભૂમિકા બાંધી. કેમ કે જે રીતે વાહનની સર્વિસ, દવા લેવાની કે જુદા જુદા બિલો ભરવાનો રીમાઇન્ડર ટોન આપણા સ્માર્ટ ફોનમાં યાદ અપાવે તે રીતે સેટ કરી દીધો છે તેમ એક રીમાઇન્ડર યાદી નજીકના ભવિષ્યમાં ઉમરવી પડશે કે ''નાઉ ઇઝ ધ ટાઇમ ફોર ડિજીટલી ડીટોક્સ !''

વિશ્વનો સૌથી મોટો પડકાર નબળું અર્થતંત્ર, બેરોજગારી કે આતંકવાદ નહીં પણ માનવી વર્તમાનની પળોમાં હોવા છતાં તે પળો જોડે નથી રહેતો તે છે. હજુ તો એવું ટેકનોજગત આકાર પામી રહ્યું છે કે તમે અત્યાર સુધી એકતરફી જીવંત કમ્યુનિકેશન - સંવાદ અને સંવેદના વ્યક્ત તો વ્યક્ત કરો છો પણ હવે તે પણ તમારા તરફથી ટેકનોલોજી કરી આપશે.

ગુગલના સીઈઓ સુદંર પિચાઇએ હજુ બે અઠવાડિયા અગાઉ જ એવી સર્વિસનું નિદર્શન કર્યું કે તમારો વર્ચ્યુલ સેક્રેટરી તમારી તરફથી માણસ જેવો જ અવાજ કાઢી તમામ વ્યવસ્થા તે પોતે સંવાદ કરીને ગોઠવી આપે. ટિકિટ, રેસ્ટોરા, સલુન કે કોઇપણ પ્રકારની એપોઇન્ટમન્ટ અને બુકિંગ કરી આપે. તમારે તમારા આ વર્ચ્યુલ સેક્રેટરીને વિકલ્પો આપી દેવાના અથવા તો તે સામા છેડાની જીવંત કે વર્ચ્યુલ વ્યક્તિને એમ પણ કહી દે કે ''જરા સમય આપો હું મારા બોસને પૂછીને કહું.''

'ગુગલ'ના આપણા હૂકમ પ્રમાણે ટીવી, એસી કે ગેજેટ્સ ચાલુ કરી આપતા કે મનગમતા ગીત અને સર્ચ કરી આપતા એપલના હોમપેજ, ગુગલ હોમ અને એમેઝોનના 'ઈકો' સ્માર્ટ સ્પીકરે ભારતમાં પણ ડગ માંડી દીધા છે. માઇક્રોસોફ્ટ ''કોર્ટાના''  બ્રાન્ડ સાથે આ ક્ષેત્રમાં આવી રહ્યું છે.

હવે આ ''વોઇસ સર્વિસ'' આઇ ફોન ને તેના જેવા નેકસ્ટ જનરેશન સ્માર્ટ ફોન જોડે પણ સામેલ હોઇ આપણા વતી તેઓ જ વાતચીત કરી શકશે. તમે જાણીને હેરત પામશો કે વ્હીલચેર પર જ્ઞાાનતંતુની બીમારી સાથે ૫૦ વર્ષથી વધુ સમય જેમણે વીતાવેલા તેવા જીનિસ વિજ્ઞાાની સ્વ. સ્ટીફન હોકિંગ પોતે સ્વર પેટીની ખામી ધરાવતા હોઇ બોલી નહતા શકતા પણ તેઓ જે વ્યક્ત કરવા માંગતા હોય તેના શબ્દો ઝીલીને મશીન તેના પોતાના અવાજમાં તેને રજૂ કરતું હતું.

હવે આવી જ ટેકનોલોજી આપણા જેવા તંદુરસ્ત માનવ જગત માટે આવી રહી છે. ફોનના બોલવાના ભાગ પર હોઠ લાવવાના એટલે તમે જે કહેવા માંગતા હો તે સામી વ્યક્તિ તેના ફોન પર માનવી જેવા જ ઈલેક્ટ્રોનિક્સ અવાજમાં જે ભાષા સેટ કરી હોય તેમાં સાંભળે. શક્ય છે કે સામી વ્યક્તિ પણ આવી જ એપ્લિકેશન કે ઉપકરણથી સંવાદ કરતી હોય ! વિચારનું વાણીમાં પરિવર્તન કરતી ટેક્નોલોજી.

ગુગલ એવું ઉપકરણ લોંચ કરવાની તૈયારીમાં છે જે તમને કમ્પ્યુટર કે સ્માર્ટ ફોનમાં કી બોર્ડ વગર ટેક્ષ્ટ કે સર્ચની દુનિયામાં લાવી દેશે. કપાળ ફરતે પહેરેલા આ હેડફોન જેવા સેન્સર ઝીલશે કે તમે યુ ટયુબ, ગુગલ કે મેપમાં શું સર્ચ કરવા ઈચ્છો છો અને તે પ્રમાણે સ્ક્રીન પર આપોઆપ તે પેજ ખૂલશે. આંખો અને મગજમાં ચાલતા વિચારો અને કમાન્ડથી ટેકનો ગેજેટ્સ ચાલશે. હેન્ડસ ફ્રી અને સ્પીચ ફ્રી દુનિયામાં સંવેદના અને સંવાદનો છેલ્લો છેડો પણ કપાઇ જશે. તમે જેના પર દ્રષ્ટિ માંડી ફોટો ઝીલવા માંગતા હશો તે તમારા સ્માર્ટ ફોન અને સ્માર્ટ વોચમાં ક્લીક થઇ ગેલેરીમાં સ્થાન મેળવી લેશે.

'એપલ'એ પાંચેક દિવસ પહેલા જ ભારતના બજાર માટે સ્માર્ટ ફોનના વિકલ્પમાં લઇ શકાય તેવી સ્માર્ટ વોચ લોંચ કરતી પૂરા પાનાની જાહેરાત અંગ્રેજી અખબારોમાં પ્રકાશિત કરી હતી. તેવી જ રીતે તમારા કપડા જોડે જ ટેકનોલોજી જોડાયેલી રહેશે.

ગેજેટ્સ અને માનવ જગત પરની અસરના તત્વજ્ઞાાની ઓડ્રે રેગને તેના એક વક્તત્વમાં વેધક વિધાન કર્યું હતું કે ‘‘You can take all the pictures you want, but you can never relive the moment the same way''

એવું લાગે છે કે ટેકનોલોજીની ટેન્થ જનરેશનમાં પહોંચ્યા પછી ફરી માનવજગતને ટેકનોક્રેટ્સ એવો મેસેજ આપશે કે અત્યાર સુધીનો મુકામ હવે ઈતિહાસમાં કેદ જેવો ગણાશે હવે ફરીથી હાઈટેક ક્રાંતિના બીજ (ખરેખર ૧૧મી જનરેશન) ચરણની ફર્સ્ટ જનરેશન આપણે શરૃ કરીશું.

વર્ચ્યુલ, રોબોટ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના યુગનો તો હજુ પગરવ સંભળાયો છે ત્યારે આગળ જતાં વર્તમાન સ્માર્ટ ફોન અને ચીપ ટેકનોલોજી ઓપરેટરથી ચાલતા એક જમાનાના ચકરડા ટેલિફોન જેવા લાગશે.

હૃદયને કેન્દ્રીત કરીને ધ્યાન કરવાની વિજ્ઞાાનિક રીતે પૂરવાર થયેલી અને હજારો વિદેશી અનુયાયીઓ ધરાવતા 'હાર્ટફુલનેસ' (સહજ માર્ગ) સેન્ટરના વડા કમલેશભાઈ પટેલ કે જેઓ 'દાજી'ના નામથી વિશ્વમાં આદર પામે છે તેમની ઈન્ટરનેશનલ મેગેઝિનની આવૃત્તિમાં ડીજીટલ ડીટોક્સ પરની કવર સ્ટોરી છે. સરહાનપુર અને હૈદ્રાબાદ (કાન્હા)માં ડીજીટલ ડીટોક્સ માટે દેશ-વિદેશના આર્ટિસ્ટો, સીઈઓ, તબીબો અને હવે તો ટેકનોક્રેટસ પણ મોટી સંખ્યામાં આવીને રહે છે. કોઈપણ જાતના ઉપકરણ વગર રહેવાનું અને 'હાર્ટફુલનેસ' મેડિટેશન વીક સેશનમાં ભાગ લેવાનો.

હવે તો વિદેશમાં પણ કંપનીઓ તેમના સતત ટેકનોલોજીમાં ખૂંપ્યા રહેતા સ્ટાફને ગેજેટ્સથી અમુક દિવસો અડકવાનું જ નહીં તે પ્રકારના પ્રવાસમાં વેકેશન વીતાવવા મોકલે છે. લેખના પ્રારંભે જણાવ્યું તેમ તન-મનના વિકાર કે મલિનતાની સફાઈ કરવા બોડી એન્ડ માઈન્ડ 'ડીટોક્સ' સેન્ટર ધમધમવા માંડયા છે. તેમ સ્માર્ટ ફોન, સોશ્યિલ મીડિયા, એપ્સના આપણે સૌ ડ્રગ જેવા બંધાણી બની ચૂક્યા છીએ. આવા ડિજીટલ વ્યસનને લીધે આપણે કૃત્રિમ, દંભી, પ્રશંસાની અને કદરની સતત અપેક્ષા ધરાવતા થઈ ગયા છીએ.

આપણામાં એક પ્રકારની આત્મશ્લાઘા, ઘમંડ અને પોતે પણ કંઈ કમ નથી તેવી માનસિકતા ધારણ થતી જાય છે. પ્રત્યેક પ્રશ્ન, પરિસ્થિતિ અને વિષયમાં અને જેની કોઈ પેદાશ ના હોય તેવા ઈસ્યુમાં ડહાપણ ડહોળાવી તનાવ વહોરી લઈએ છીએ. જ્ઞાાતિ, સમાજ, સંપ્રદાયના વાડા માનવી જેમ આધુનિક જગતમાં પ્રવેશ્યો તેમ વિસંગતતા સર્જતા વધતા જાય છે. 'જે આપણે નથી તે બતાવીએ' એટલે મન એક પ્રકારના દંભી આવરણ સાથે દોષની લાગણી તો અનુભવે જ. જે સુક્ષ્મ બાબત છે.

પરિવાર, પાડોશ, સમાજ સાથેના હૃદયિક સેતુનું સ્થાન કૃત્રિમતાએ લેવા માંડયું છે.

વ્યક્તિ પોતાની સાથેની પળ, પ્રકૃતિ કે જે પણ સામેની વ્યક્તિ છે તેને પણ માણી નથી શકતો. કઈ રીતે પળની પ્રતિક્રિયા આપુ અને છવાઈ જઉં તે જ તેનું લક્ષ્ય બની રહે છે. વ્યક્તિ પોતે ખરેખર જ્યાં હોય છે ત્યાં હોતી જ નથી. હવે આવા કૃત્રિમ છતાં જીવંત સંવાદનું સ્થાન પણ ગેજેટ્સ છીનવી લેશે. રાત્રિના ૧૨ થી ૬ દરમ્યાન વ્યક્તિ ઊંઘતી નથી. રાત્રિ દરમિયાન તેણે કરેલી પાંચેક  પોસ્ટ આપણે જોઈ શકીએ જેમાં મોદીથી માંડી માર્કસ (કાર્લ) સુધીનું ડહાપણ ડહોળ્યું હશે. સવાર પડતાં જ ગમખ્વાર અકસ્માતના ફોટા પોસ્ટ થશે અને તે સાથે જ યંત્રવત્ રીતે શુભ સવારનો ગુલદસ્તો ધરાવતો ફોટો પણ પોસ્ટ થયેલ હશે. દેશભરના મનોચિકિત્સકો પણ ગેજેટ્સના અતિરેક ઉપયોગની અને ઘરના ડ્રોઈંગ રૃમ - બેડરૃમની અંગત દુનિયાને જાહેરમાં મુક્તા થઈ ગયા છે.

માનવ જગતના આવા મુકામો એક નવી જ દુનિયા, નવો જ ધંધો અને નવા જ મનોઉપચારને જન્મ આપ્યો છે જેને 'ડીજીટલ ડીટોક્સ' કહેવાય છે.

તેવી જ રીતે જેઓને આ 'ડિજીટલ ડીટોક્સ'ની સારવાર કરવી છે તેના માટે ડિજીટલ ડીટોક્સ ટુરિઝમ પણ ફૂલ્યું ફાલ્યું છે તેની વાત ફરી કોઈ વખત.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments