Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શબ્દસંહિતા - પરેશ વ્યાસ

લવ ઇઝ બ્લાઈન્ડ : રાજાને ગમી તે રાણી

એક વાર તમે કોઈ વ્યકિતને પ્રેમ કરવા માંડો એટલે એ વ્યકિતનું વ્યકિતત્વ અને ચારિત્ર્ય મૂલવવાની તમારી આવડત જ જતી રહે.

આ પ્રેમ,
કેમ આવે છે એ ?
નથી એને પાંખો,
નથી આંખો,
નથી પગ, નથી હાથ
તોયે કેવું પકડે છે એ ?
કેવો પકડે છે એ ?
કેવો ઉપાડે છે એ ?
આંખો મીંચોને કહો જા
તો પાંપણની પૂંઠળ પહોંચી જાય છે.
તમે કહો ગા,
તો વગર કંઠે ગાય છે.
સવારની એ સાંજ બનાવી દે છે,
અને સાંજને સમે
ઉષાએ ઉગાડી દે છે.
એને આંધળો કોણે કહ્યો ?
આંખ તો એની જ છે
કોઈએ તમારી આંખમાં
શું આંખ માંડી નથી ?
- સુન્દરમ્

આજે પ્રેમ દિવસ છે. આમ તો પ્રેમ કરવા માટે કોઈ પણ દિવસ ઉજવી શકાય. તારીખ જોઈને પ્રેમ થોડો થાય ? વેલેન્ટાઈન્સ ડે અલબત્ત ચોકલેટ, કેક, ગુલાબ, ઘરેણાં કે અન્ય પ્રેમ પ્રતીકોનાં વેચાણ માટેનો વાણિજિયક પેંતરો છે. આ માર્કેટિંગ ટેકનિક છે.

માલ વેચાવો તો જોઈએ ને ? એટલે લોકોનાં મનમાં આવા જાત જાતનાં ઉત્સવ દિવસો રોપી દેવામાં આવે છે. લોકો બિચારા ઉજવણી કર્યે રાખે. પૈસા ખર્ચે રાખે. જો કે પૈસા ખર્ચીને દેખાડો કરવાથી ય જો પ્રેમ થતો હોય તો ભલે ઉજવણી થયે રાખે. હેં ને ? કારણ કે પ્રેમ દુર્લભ છે.

ત્રીજી સદીમાં રોમન રાજા કલોડિયસ- બીજાએ પોતાનાં સૈનિકોને પરણવાની મનાઈ ફરમાવી હતી. પ્રેમમાં પડે એનું પૌરુષ હણાઈ જાય એવું એ માનતો. તે સમયે સેન્ટ વેલેન્ટાઈન્સ નામનાં એક પાદરી ચોરીછૂપીથી આવા પ્રેમી પંખીડાઓને પરણાવી આપતા. એટલે રાજાએ એને જેલમાં પૂર્યા. એને દેહાંતદંડની સજા થઈ.

પણ એક લોકકથા અનુસાર, જેલમાં વેલેન્ટાઈનને જેલરની અંધ દિકરી જુલિયા સાથે પ્રેમ થયો. લવ ઇઝ બ્લાઇન્ડ (love is blind.) યૂ.સી ! પણ ચમત્કાર જુઓ. એક તરફ ૧૪મી ફેબુ્રઆરી, ઇ.સ.૨૬૯નાં દિવસે વેલેન્ટાઈનને ફાંસી દીધી અને એજ દિવસે અંધ જુલિયા દેખાતી થઇ ગઈ. લવ ઇઝ આફ્ટર ઓલ નોટ બ્લાઇન્ડ!

લવ ઇઝ બ્લાઇન્ડ મુહાવરો જો કે આધુનિક ઇંગ્લિશ ભાષાનાં આદિ રચયિતા હેન્રી ચૌસરે પંદરમી સદીમાં પહેલીવાર 'મર્ચન્ટ ટેલ'માં પ્રયોજ્યો હતો. પ્રેમ અંધ છે અને એટલે કદાચ એને દેખાતું નથી, એવો એનો અર્થ થતો હતો.

પણ તે વખતે એની કોઈએ ખાસ નોંધ લીધી નહોતી. પછી સોળમી સદીમાં મહાન નાટયકાર વિલિયમ શેક્સપિયરે એને 'ટૂ જેન્ટલમેન ઓફ વેરોના' 'હેન્રી ફાઈવ'અને 'મર્ચન્ટ ઓફ વેનિસ' નાટકોમાં પ્રયોજ્યો અને એ શબ્દો સાચા અર્થમાં લોકજીભે ચઢીને મુહાવરો બની ગયા. મર્ચન્ટ ઓફ વેનિસની વાર્તામાં જેસિકા આમાં તો ગૌણ પાત્ર છે.

યહૂદી શાહુકાર શાયલોકની દિકરી જેસિકા બાપનાં પૈસા લઈને એક રાત્રે છોકરાનો વેશ ધરીને એક ફક્કડ ગિરધારી લોરેન્ઝો સાથે ભાગી જાય છે તે રાત્રે એ એનાં પ્રેમને કહે છે કે 'મારા છોકરાં જેવા વેશને જોઈશ નહીં. મને શરમ આવે છે. પણ પ્રેમ અંધ છે અને પ્રેમીઓ જોઈ શકતા નથી. તેઓ નાની નાની ઘણી મૂર્ખામી કરે છે. તેઓ જોઈ શક્તા હોત તો એવી મૂર્ખામીઓ જોઈને ખુદ ક્યુપિડ પણ શરમાઈ જાત.'

ક્યુપિડ રોમન પ્રેમનાં દેવ છે, જે હૃદયપુષ્ટ બાળક સ્વરૃપે પ્રેમના તીર ચલાવતાં બતાવાયા છે. એની આંખે પાટા બંધાયા હોય છે કારણકે પ્રેમ તો અંધ છે ! લવ ઇઝ બ્લાઇન્ડ એટલે જ્યારે છોકરો કે છોકરી પ્રેમમાં પડે ત્યારે પોતાની પ્રેમિકા કે પ્રેમીમાં એને કોઈ ખામી, કોઈ ઉણપ દેખાતી જ નથી. દુનિયાદારીનું પ્રેમીઓને ક્યાં પછી ભાન જ રહે છે.

પ્રેમીઓ વ્યાજબી વિચારતા નથી. આમ અમથી ચાંદ તારા તોડવાની વાતો કરતા હશે ? પ્રેમ આંધળો છે એવું તો હવે વૈજ્ઞાાનિક રીતે પણ પૂરવાર થયું છે. યુનિવર્સીટી ઓફ લંડનની એક રીસર્ચ અનુસાર એક વાર તમે કોઈ વ્યકિતને પ્રેમ કરવા માંડો એટલે એ વ્યકિતનું વ્યકિતત્વ અને ચારિત્ર્ય મૂલવવાની તમારી આવડત જ જતી રહે. સામાન્ય રીતે આપણે કોઈને મળીએ એટલે આપણું મગજ એનાં ગુણદોષ પળમાં પારખી લેય.

પણ પ્રેમ એવી લાગણી છે જે મગજને એવી રીતે કાબૂમાં કરી લેય કે પછી એને કાંઈ દેખાતું જ નથી. નીર ક્ષીર વિવેક તો જ જતો રહે. એની વિવેચન શક્તિ ક્ષીણ થઈ જાય. વિચક્ષણ વિવેચક પણ પછી બબૂચક થઈ જાય. કારણકે પ્રેમ તો... આંધળો છે.

પ્રેમ આંધળો છે કારણકે એને મગજ સાથે કાંઈ લેવાદેવા નથી. એનો સરોકાર દિલ સાથે છે. મગજ અમથું ય બહુ વિચારે છે. એને તો વિરામ દેવો જ રહ્યો. પ્રેમની અલબત્ત કોઈ વિધિ, કોઈ પધ્ધતિ નથી. પ્રેમ તો બસ થઈ જાય. એની કોઈ ઉંમર નથી. એનો કોઈ સમય નથી. ટાણે થાય અને કટાણે ય થાય. પ્રેમ દિવ્ય લાગણી છે. પ્રેમ એક બીજાને જોડે છે.

પ્રેમમાં કશી અપેક્ષા નથી. બસ પછી તો જે જેવા છે એવા જ રાખીને એનો સ્વીકાર કરવું સરળ થઈ જાય. એમની ખામીઓ એમની ઉણપોને નજરઅંદાજ કરી શકાય. પ્રેમમાં હિસાબો ના હોય. પ્રેમમાં નફોનુકસાન ના હોય. પ્રેમ આલોક માર્ગ છે. આલોક માર્ગ એટલે જ્યાંથી બધું જ જોઈ શકાય એવો રસ્તો, કહો તમે જ કહો, એ અંધ કઈ રીતે હોઈ શકે ?

શબ્દ શેષ :

પ્રેમ આંધળો છે પણ લગ્ન આંખો ખોલી નાંખે છે- પૌલિન થોમ્પસન
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments