Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડિસ્કવરી-ડો. વિહારી છાયા

અનેક ગુણો ધરાવતું નાગરવેલના પાનનું પ્રાચીનકાળથી મહત્ત્વ રહ્યું છે એશિયાનું લીલું સોનું

૪૬૦૦ વર્ષો પહેલાં હરપ્પાના લોકો પાન ખાતા હતા. રોજના ૬૦ કરોડ લોકો પાન ખાય છે. એશિયા અને દક્ષિણ એશિયાના અનેક લોકો પાન ખાય છે. પાન આપણી સંસ્કૃતિ, પરંપરા, ધાર્મિકવિધિ તેમજ ઔષધ સાથે વણાઈ ગયેલ છે

નાગર વેલ પાનમાં નંખાતા અનેક રસાયણો છે જે કેન્સરકારક છે પણ પાન કેન્સર વિરોધી છે. પાન આરોગ્યવર્ધક છે. તેમજ અનેક ઉપચારોમાં તે વપરાય છે. પાનના અનેક નામો છે. સોપારી અને તમાકુવાળું પાનનું બીડું હાનિકારક છે

આ દેશના લોકોને અને એમાં પણ ગુજરાતીઓને 'પાન'ની ઓળખ આપવાની ભાગ્યે જ જરૃર છે, દર ચાર-છ દુકાને એક પાનની દુકાન આપણાં શહેરોમાં જોવા મળે છે. આપણી ઘણી સુંદર ઇમારતો કે જાહેરસ્થળોની દિવાલ કે ખૂણાઓ પર પાનની પીચકારીથી કદરૃપી થયેલ આપણે જોઈએ છીએ. વળી પાનની દુકાનો કે લારીઓ કેટલાંક યુવાનોના અડ્ડા થઈ ગયેલ છે.

તેથી આપણને આશ્ચર્ય ન થવું જોઈએ કે દુબઈની સરકારે એકાદ વર્ષ પહેલાં પાનની આયાત પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પાનનું પુરૃં નામ નાગરવેલનું પાન છે. તેને અંગ્રેજીમાં 'બીટલ લીફ' કહે છે. આમ તો પાન માત્ર આપણો મુખવાસ છે તેવું નથી. તે ઘણી બધી રીતે આપણી સંસ્કૃતિ સાથે વણાઈ ગયેલ છે.

તેમ છતાં તેની કદરૃપી બાજુને આપણે નજર અંદાજ ન કરી શકીએ. દુબઈથી સરકારે તેની આયાત પર પ્રતિબંધ ફરમાવ્યો છે તેની પાછળ આવું જ કારણ છે. પાનમાં ચુનો અને કાથો લગાવી તેમાં સોપારીના નાના કટકા કે ભૂક્કો તેમજ તમાકુ નાખી તેના બીડા બનાવવામાં આવે છે. તેના શોખીનો આવા બીડા મોઢામાં મૂકી આખો દિવસ ચાવ્યા કરતાં અને જ્યાં ત્યાં પિચકારી મારતા જોવા મળે છે.

આવી રીતે એવી જુગુપ્સા પ્રેરક છે કે દુબઈની સરકારે તેના પર પ્રતિબંધ લાદ્યો છે. પાનના બંધાણીઓની તો પાનમાં ચૂનો તથા કાથો લગાવવા ઉપરાંત શું શું ઉમેરવું તેની ફોર્મ્યુલા હોય છે. પોતાની ફોર્મ્યુલા વાળું પાન ખાય તોજ તેને કાંટો જામે છે અને પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. પહેલાં પાંચ પૈસામાં મળતા પાનના બીડાંના ભાવ આજે તો આસમાને પહોંચ્યા છે. આજે તો ચાર-પાંચ રૃપિયાથી ઓછું પાન મળતું નથી. પાંચ રૃપિયાથી માંડી પંદરસો રૃપિયા સુધીના પાન મળે છે.

તેમાં પણ મધુરજની સ્પેશ્યલ પાન મળતા હોય છે. આપણાં ગુજરાતમાં તો નાગરજ્ઞાાતિ જેવી જ્ઞાાતિના ગૃહસ્થો ઘરમાં જ પાનની પેટી રાખતા હોય છે. પાનનું બીડું બનાવી મોઢામાં મૂકી હીંચકે ઝૂલતા ઝૂલતા ગપાટા મારતા હોય છે. અન્ય જ્ઞાાતિઓ અને અન્ય લોકોમાં પણ પાન પેટી ઘરમાં રાખવાનો કે સાથે ફેરવવાનો રીવાજ હોય છે.

અલબત્ત પાન અને સોપારી આપણી ધાર્મિક વિધિઓના પણ અંગ છે. મહેમાનોના સ્વાગત માટે કે ભોજન સમારંભના અંતે પાનના બીડાં પીરસવાનો રીવાજ છે. પાનની આ કુદરતી બાજુ ઉપરાંત તે આરોગ્ય માટે હાનિકારક પણ છે અને ગુણકારી પણ છે. તેની હાનિકારકતા અને તેની ગુણકારીતા આપણે અત્રે જોવી છે.

ઘડીભર આપણે સોપારી, કાથો, ચૂનો તમાકુની બાદબાકી કરી માત્ર પાનનો વિચાર કરીને પાનને સંસ્કૃતમાં તંબુલા અથવા નાગરવલ્લિ કહે છે. હિંદીમાં તો પાન જ કહે છે. તામિલમાં વેત્રિલાઈ અથવા તમાલાપાકુ કહે છે. તે દક્ષિણ અને દક્ષિણ એશિયાના દેશો જેવાં કે ભારત, પાકિસ્તાન, બંગ્લાદેશ, તાઈવાન, મ્યાનમાર, કંમ્બોડિયા, થાઈલેન્ડ, લાઓસ, વિએટનામ, શ્રીલંકા, નેપાલમાં ઘણું ઉચું સ્થાન ધરાવે છે. હિંદુઓના ઉત્સવોમાં તો તેનો શકુન વિનિમય માટે ઉપયોગ થાય છે.

પરંતુ સોદાઓ, વેપારી લેવડદેવડ અને સગાઈ-સગપણથી પણ તાંબુલમ વિનિમય (પાનની લેવડ દેવડ) દ્વારા થાય છે. વિયેટ નામના લોકો તો 'ચુયેન ટ્રાઉ કાઉ' કહે છે તેનો અર્થ થાય છે કે હવે તો પાન અને સોપારીની જ વાત છે. તેનો અર્થ એ થાય કે પાન-સોપારી આપ લે કરવા જેટલી જ વિનિમિયન પ્રક્રિયા બાકી છે.

૧૧૦૦૦ કિલોમીટર ગુણ્યા ૬૦૦૦ કિલોમીટરના ભૌગોલિક વિસ્તારમાં સાઠ કરોડો લોકો રોજ પાન ખાય છે. આમ પાન માત્ર વનસ્પતિ વિજ્ઞાાનનો ભાગ નથી પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને પવિત્રતાનું પણ ચિહ્ન ગણાય છે.

પાનનું ઉદ્ભવ સ્થાન મલેશિયા કે ભારત હોવાનું મનાય છે. જોકે પાનની ઉત્પત્તિ સૌપ્રથમ ક્યાં થઈ તે ચોક્કસ સ્થળ હજુ જાણી શકાયેલ નથી. પરંતુ ૪૬૦૦ વર્ષો પૂર્વે હરપ્પાની સંસ્કૃતિના લોકો તેને ઉગાડતા અને તેનો ઉપયોગ કરતા હતા.

વેદોના જમાનાના લોકો પણ તેનાથી પરિચિત હતા. ભારતના મહાન વૈદ્યરાજો ચરક અને સુશ્રતે પાનના ગુણો વિશે લખેલ છે.

ઇન્ટરનેટ પર પાન ઉપર બે સુંદર લેખો છે. તેમાં એક ખડગપુરની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના ડૉ. ગુપ્તાનો અને બીજો લખનૌના નિખીલકુમાર અને અન્યોનો છે. તેમાં પાન એશિયાનું 'લીલું સોનું' (ગ્રીન ગોલ્ડ) કહેલ છે. તે લેખોમાં પાનની ખેતી વિશે, પાનના રાસાયણિક ગુણધર્મો વિશે અને ઔષધકીય ગુણધર્મો વિશે લખેલ છે.

પાનની જાતમાં પણ ઘણું વૈવિધ્ય છે. પીળાશ પડતું બનારસી, લીલું મગાડી, કેરલનું તિરૃર, 'કુંલીકોનમ લાઈટ' તમતમાટ કરે તેવું માયસોર, ઓરિસ્સાનું હિન્જિબિ, ઢાકાનું ખાસ પાન કલકત્તી વગેરે નામોથી જાણીતી જાતો છે. લખનૌના નવાબોમાં પાન પ્રથાએ ઉંચાઈ પ્રાપ્ત કરી હતી.

અહીં આપણને પ્રશ્ન થાય કે તો પછી પાનની વગોવણી શાને કારણે થઈ ? જ્યાં ત્યાં પાનની પિચકારી મારવાની જુગુપ્સાપ્રેરક ટેવ ઉપરાંત અગાઉના પશ્ચિમના સાહિત્યથી ૧૯૮૦ના મધ્ય ભાગ સુધીનું સાહિત્યમાં સૂચવવામાં આવતું હતું. પાનના બીડાથી મોઢાનું કેન્સર થાય છે.

નેશનલ બોટેનીકલ રીસર્ચ ઇન્સ્ટિટયૂટ, લખનૌ અને સેન્ટ્રલ ડ્રગ રીસર્ચ ઇન્સ્ટિટયૂટના વૈજ્ઞાાનિકો નિખિલકુમાર અને અન્યોએ પાનના અનેક ફાયદાકારક ગુણોની યાદી આપી છે.

જેમ પાનને ચાવવાની શરૃઆત કરો એટલે તેની અસર મુખની બખોલમાંથી જ શરૃ થાય છે. તેનાથી તમારો શ્વાસ સ્વચ્છ થાય છે. અને તમારૃં મૂખ ચોખ્ખું થાય છે તેનું કારણ પાનમાં રહેલ મંદ ચેપવિરોધી ઘટક છે. વળી પાનમાંના રસાયણો લોહીમાં સીધે સીધા મુખ શ્લેષ્મિકા મારફતે ભળે છે. આ સીધે સીધા લોહીમાં ભળવાનો રસ્તો પાચનતંત્રના રસ્તે લોહીમાં ભળવાના રસ્તા કરતાં વધુ સારો છે. કારણ કે પાન દ્વારા દવાને પ્હોંચાડવાનું સરળ પડે છે.

પાનને ચાવવાથી સૌપ્રથમ કામ તે એ કરે છે તેનાથી લાળ ઉત્પન્ન થવા લાગે છે. લાળમાં એવા પ્રોટીન હોય છે જે મુખમાં બેક્ટેરિયાની વૃદ્ધિનો સામનો કરે છે. તેના કારણે દાંત પર જે છારી બાજવી ક્રિયાને ઘટાડે છે.

આ ઉપરાંત પાનમાં એવા રસાયણો હોય છે જે તે હૃદયના ધબાકારાનું નિયમન કરે છે અને રક્ત વાહિનીઓને વિરામ આપે છે. પાનમાં જે પોલીફીનોલ રસાયણો હોય છે તે માત્ર સુક્ષ્મજીવો સામે લડત આપીને રોગો સામે રક્ષણ આપવાનું કામ કરવા ઉપરાંત પીડાશામક અને શોથવિરોધીઘટક તરીકે પણ કામ આપે છે.

ભારતના લોકોને તો પાનનો અલ્સર (ચાંદુ) વિરોધી ગુણ અને ઘાની રૃઝ લાવવાનો ગુણ આયુર્વેદના દિવસોથી માલૂમ છે કેટલાક પ્રાણીઓ પર પ્રયોગો કરીને પાનના અર્કનો આ ગુણ સાબિત કરી શકાયો છે.
પાન ખાવાથી કેન્સર થવાનું જોખમ છે તેમાં તથ્ય નથી તેવું મુંબઇના કેન્સર ઇન્સ્ટિટયૂટના ડૉ. ભીડેના સંશોધનથી સાબિત થયેલ છે.

જે કેન્સર થવાની વાત છે તે પાનથી નહીં પણ પાનના બીડામાં રહેલી સોપારીના અમુક ઘટકો અને તમાકુ કેન્સરકારક છે, પાન નહીં, આમ એક વખત જે પાનને કેન્સરકારક ગણવામાં આવતું હતું તે પાનમાં એવા ઘટકો છે જે કેન્સર વિરોધી પ્રક્રિયા કરે છે. આ ઘટકોમાં યુજીનોલ અને હાઈડ્રોક્સીચાવી કોલ મુખ્ય છે.

પાન તો અનેક રસાયણોના ભંડાર છે. તેમાના ઘણાનું ઓષધકીય મૂલ્ય છે. વૈજ્ઞાાનિકો આ દરેક રસાયણના અણુને અલગ પાડવા પ્રયત્નશીલ છે અને તેને ઓળખવા પ્રયત્ન કરે છે દરેક અણુની અને તેના મિશ્રણની અસરોનો અભ્યાસ કરે છે. આપણા પ્રાચીન કાળથી ચાલતું આવતું આ લીલું સોનું સંભવત: આપણને હજુ તેની વધારે ગુણકારી અસરોથી આશ્ચર્યમાં મૂકી દે.

આમ પાનને ખાઓ પણ તેની સાથે સ્હેજ ચુનો લગાવો પણ સોપારી અને તમાકુને દુર રાખો.અલબત્ત તે લવીંગ, તજ, ગુલાબની પાંદડી, ગુલકંદ ઉમેરવામાં વાંધો નથી. પરંતુ સોપારી અને તમાકુને દૂર રાખો. તેમાં પણ તમાકુને દૂર રાખો. તેમાં પણ તમાકુ કે બિલકુલ વર્જ્ય ગણો.

તમાકુ અને સોપારીવાળા પાનના બીડાં જે લોકો લગભગ આખો દિવસ ચાવ્યા કરતાં હોય તેને મોઢાંના, અન્નનળી અને હોજરીના કેન્સરનું જોખમ છે. જે વિસ્તારોમાં પાન ચાવ્યા કરવાની ટેવ વાળા લોકો વસતા હોય ત્યાં આવા કેન્સરના દર્દીઓના કિસ્સા વધુ જોવા મળે છે.

પરંતુ એકલું પાન ઘણી રીતે ગુણકારી છે. આ પાનનો વેલાને બીટલ કહે છે. ગુજરાતમાં તેનું પ્રચલિત નામ નાગરવેલ છે. સૌરાષ્ટ્રમાં ચોરવાડ ખાતે તેનું ઘણું ઉત્પાદન થાય છે. બીટલને પાઈપરલીટલ કહે છે. તેનું વનસ્પતિ વિજ્ઞાાનમાં કુળ 'પાઈપરાકેઇઆઈ' છે. તે પાનને પોતાની ખુશ્બુ હોય છે અને મુખને સ્વચ્છ કરે છે તે પીડાશામક છે અને તે ઠંડક કરે છે. માથાનો તીવ્ર દુ:ખાવો હોય ત્યારે તેને કપાળ પર લગાવવામાં આવે છે.

તે ગૂમડાંની સારવારમાં વપરાય છે : તેના પાનને થોડું ગરમ કરવામાં આવે છે. તેના પર એરંડિયાનું તેલ લગાડવામાં આવે છે અને તે પછી તેના ગૂંમડાની અસર થઇ હોય તે ભાગ પર મૂકવામાં આવે છે. થોડા થોડા કલાકોના આંતરે તેને મૂકવામાં આવે છે. આમ કરતાં ગુમડુ ફુટી જાય છે.

તેનો ઉપયોગ સંધિસોથ (આર્થાઇટિસ) અને સાંધાનીપીડાના સોથના ઉપચાર માટે વપરાય છે. તેના પાન સ્હેજ ગરમ કરી દુ:ખતા વિસ્તાર પર મૂકવામાં આવે છે.

તેનો ઉપયોગ ગળામાં સોજો આવ્યો હોય ત્યારે, ગળાનો દુ:ખાવો થયો હોય ત્યારે અને કફ હોય ત્યારે રાહત મળે તે માટે ઉપયોગ થાય છે. નાગરવેલના ફળને કચરી અને મધ સાથે મિશ્રિત કરી મુખવાટે લેવાય છે.

છાતીમાં કફ થયો હોય ત્યારે તેમાં રાહત મેળવવા તેના પાન પર રાઈના તેલનું પાતળું સ્તર લગાવવામાં આવે છે. તે પછી તેને થોડું ગરમ કરાય છે અને પછી તેને છાતી પર મૂકવામાં આવે છે.

તે ચેપ વિરોધી છે, તેના પાનને છુંદી નાખવામાં આવે છે અને તેનું મીઠામાં મિશ્રણ કરવામાં આવે છે, તે પછી તેને દાંતમાં પીડા થતી હોય ત્યાં લગાવવામાં આવે છે.

તે મૂત્રલ છે એટલે કે તેનાથી પેશાબ ઘણો ઉતરે છે. બીટલના જ્યૂસનું દૂધ સાથે મિશ્રણ કરવામાં આવે છે અને પીવામાં આવે છે તેનાથી વ્હેલાસર મૂત્ર ઉતરે છે.

તે સ્તંભક છે એટલે કે લોહીને વ્હેતું રોકનાર છે. શરીર પર કોઈ જગ્યાએ કાપો થાય ત્યારે ત્યાં લોહીને વહેતું રોકી દે છે.

તે સ્ફૂર્તિદાયક છે. પાનનો તાજો રસ એક ચમચી મધમાં રાખીને લેવાથી તાજગી આવી જાય છે.

નાગરવેલના પાન પર તેલ ચોપડીને તેને માતાના સ્તન પર મૂકતાં તેમાંથી દૂધ વધારે આવે છે.

આમ નાગરવેલ અને તેના પાન પરાપૂર્વથી આરોગ્ય માટે ગુણકારી રહ્યા છે. તેથી તેને વગોવવા ન જોઇએ. અલબત્ત પાનના બીડાં ખાવાની ટેવવાળાની પિચકારી માર્યા કરવાની ટેવ બંધ થવી જોઇએ. વળી તેમાં તમાકુ ઉમેરવાનું ઘણું જોખમી છે તે સમજી લેવાની જરૃર છે.
 

Post Comments