Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડિસ્કવરી - ડો. વિહારી છાયા

સ્નિફર માઈસ : સૂંઘીને બોમ્બ તથા વિસ્ફોટક શોધતા ઉંદરો

વિસ્ફોટકો સંતાડી આવતાં આતંકવાદીઓને પકડવા હવે ઉંદરો મેદાનેકૂતરાઓ કરતા પણ તીવ્ર ઘ્રાણેન્દ્રિય ધરાવતાં ઉંદરો : ઇઝરાયેલની કંપનીની શોધ

ઇઝરાયેલની એક કંપનીએ એક પ્રયુક્તિ બનાવી છે. એરપોર્ટ, મોલ વગેરેમાં સીક્યોરિટી ચેક-અપ માટે જે ક્રમાંકમાંથી પસાર થવાનું છે તેની એકબાજુ તે રાખવામાં આવે છે. તેમાં તાલીમ પામેલા ઉંદરો હોય છે. કોઈ વિસ્ફોટક સાથે કમાનમાંથી પસાર થાય તો પ્રયુક્તિમાંના ઉંદરો નાસીભાગ કરે છે અને ભયની ઘંટડી વાગે છે

ગૂનેગારોને શોધી કાઢવા, ભૂકંપમાં પડી ગયેલા બહુમાળી મકાનોના કાટમાળમાંથી જીવિત વ્યક્તિને શોધી કાઢવા તાલીમ પામેલા કૂતરાનો ઉપયોગ થાય છે. પરંતુ આપણને એ જાણીને આશ્ચર્ય થશે કે હવા એરપોર્ટ પર સરસામાનમાં છુપાયેલા બોમ્બને પકડી પાડવા ઉંદરોનો ઉપયોગ થવાનો છે.

એરપોર્ટ પર તમારી આસપાસ કોઈ ઉંદર આંટા મારતો હોય તો તેવું સમજવું નહીં કે તમારા સર સામાન કે તમારી પાસે બ્રેડ અને અન્ય ખાદ્ય પદાર્થની સુગંધથી આકર્ષાય છે. કૂતરા હોય કે ઉંદર હોય તે પોતાની ઘ્રાણેન્દ્રિયનો ઉપયોગ કરી સંતાડેલા બોમ્બ કે દારૃગોળાને શોધી શકે છે.

અલબત્ત ઉંદરો પ્રયુક્તિમાં હોય છે રખડતા નથી હોતા. આપણે પણ ઘણી વસ્તુને તેની ગંધથી પારખી શકીએ છે. ઘ્રાણેન્દ્રિયનું અંગ નાક છે. નાકનું ઘણું મહત્ત્વ છે. વર્ષો પહેલાં સૌરાષ્ટ્રમાં વિસો માંજરિયો નામનો બહારવટિયો થઈ ગયો. પોતાને થયેલા કહેવાતા અન્યાયનું વેર વાળવા કેટલાય એકલદોકલ લોકોના ખરેખર નાક કાપી લેતો. આપણાં ચહેરા પર પ્રમાણસરનું નાક ચહેરાની સુંદરતામાં અભિવૃદ્ધિ કરે છે.

જ્યારે સામાજીક રીતે 'નાક હોવું નાક ગયું, નાક કપાયું તેવા રૃઢિપ્રયોગો છે. આપણા સમાજે નાકને આબરૃ સાથે જોડી દીધેલ છે. પરંતુ કુદરતે આપણને જે નાક આપ્યું છે તે સુંદરતા વધારવા માટે નથી તેમજ નાકને અને આબરૃને કોઈ નિસ્બત નથી. નાકનું કામ ગંધ પારખવાનું છે. આપણા નાકને બે નસકોરાં હોય છે.

તે દરેક નસકોરાના પાછળના ભાગમાં ગંધ પારખવાનું અવયવ નાનાકડા વિસ્તારમાં હોય છે. જે નાક સૂક્ષ્મ ગંધ પારખી શકે અથવા તો અનેકવિધ ગંધ પારખી શકે તે ઉત્તમ ગણાય. આપણાં નાક કરતાં કૂતરાં અને બિલાડાના નાક વધારે સારા ગણાય છે તેથી જ ગૂનેગારો પકડવા પોલીસો કૂતરાનો ઉપયોગ કરે છે. આવા તાલીમબદ્ધ કૂતરાને 'સ્નિફર ડૉગ કહે છે. તેનો અર્થ સૂંઘીને ગુનાશોધક કૂતરાઓ એમ કરી શકાય. હવે 'સ્નિફર માઈસ' આવી રહ્યાં છે. આ એવા ઉંદરો છે જે સૂંઘીને ગુનાશોધન કરે છે.

એક દિવસ એવો આવશે જ્યારે એરપોર્ટ પર ક્ષ-કિરણો યંત્રો અને આખા શરીરનું ક્રમવીક્ષક એટલે કે ફૂલ બોડી સ્કેનર ઉપરાંત કંઇક બીજું તમારી રાહ જોતું હશે. જેના નસકોરાથી સૂંઘવાનો અવાજ તમે સાંભળી શકો એવા સ્નિફર ઉંદર તમે તપાસમાંથી પસાર થતા હશો ત્યાં હશે.

તેને નાકથી સૂંઘવા માટે હવા ખેંચવાનો ધ્વનિ કાંઇ બ્રેડના ટુકડા કે ખાવાની કોઈ વસ્તુ માટે નહીં હોય. તેઓ બોમ્બ શોધન માટે તૈયાર કરેલ એકમના સભ્યો હશે. ઇઝરાયેલમાં હેર્ઝેલિયા ખાતે આવેલ 'બાયોએક્સપોરર્સ' નામની કંપનીએ આ એકમ તૈયાર કરેલ છે. તેના દાવા પ્રમાણે તાલીમ પામેલા ઉંદરો 'ફૂલ બોડી સ્કેનર' કરતાં વધારે સારૃં કામ આપે છે. વળી ફૂલ બોડી સ્કેનરથી પ્રામાણિક ઉતારૃઓને નગ્ન થવાથી જે ક્ષોભ અનુભવવો પડે છે તેનાથી બચાવે છે.

પરંતુ સાથે સાથે પોતાના શરીર પર વિસ્ફોટક લઇ જતાં આતંકવાદી ઉતારૃઓ પકડી પાડે છે. આમ ગણપતિના વાહન ગણાતા આ ઉંદરો અનેક લોકોની જાન બચાવવાનું નિમિત્ત બને તેનાથી અનાજના ગોદામોમાં હજારો ટન અનાજ આરોગી જનારા અને પ્લેગ જેવા ભયાનક રોગનાં વાહક એવા ઉંદરોજગતને ત્રાહિમામ કરતાં વિસ્ફોટક સંતાડીને લઇ જતાં આતંકવાદને પકડવામાં મદદરૃપ થશે તેમ કલ્પવું નવી વાત છે.

સંકલ્પના ઇઝરાયેલની નૌસેનામાં મેજર તરીકે કામ કરતા માઉસ બેઝડ એકસ્ટ્રોલીઝમ ડીરેક્ટર (ઉંદર આધારિત વિસ્ફોટક શોધક)ની કરી હતી. તેનું નામ એરાન લુમ્બ્રોસો છે. તેણે તેમાં એલોન સાથે એક કંપની સ્થાપી અને એક પ્રયુક્તિ તૈયાર કરી. આ પ્રયુક્તિ એરપોર્ટ પરના મેટલ ડીટેક્ટર કે ફૂલ બોડી સ્કેનર જેવી દેખાય છે.

જે કમાનમાંથી ઉતારૃએ પસાર થવાનું હોય છે. તેની એક બાજું વિસ્ફોટક શોધક એકમ હોય છે. તેમાં ત્રણ સંપુટો છુપાયેલા હોય છે. તે દરેકમાં આઠ આઠ ઉંદરો હોય છે. વિસ્ફોટક શોધક એકમમાં તેમની ચાર કલાકની પાળી હોય છે. કમાનમાંથી પસાર થતી વ્યક્તિ સ્હેજ અટકે ત્યારે તેના પરથી જે હવા આવે છે તે સંપુટમાં દાખલ થાય છે. દરેક સંપુટમાં ઉંદરો જે સામાન્ય વિસ્તાર હોય છે.

તેમાં વર્તુળમાં ગોળ ગોળ ફરતાં હોય છે. જે હવા સંપુટમાંથી પસાર થાય છે તે હવામાં ચાવીરૃપ આઠ વિસ્ફોટકો પૈકી કોઈ એકની સૂક્ષ્મમાત્રા ઉંદરોના સુંઘવામાં આવે છે. ત્યારે તેમને અપાયેલી તાલીમ પ્રમાણે તેની ગંધથી દૂર ભાગે છે. પોતાને ગંધ ન આવે ત્યારે તે આપણી જેમ નાક આડે રૃમાલ તો રાખી ન શકે પણ ત્યાંથી ભાગીને બાજુમાં આવેલી ચેમ્બરમાં ઘૂસી જાય છે. તે જેવા બાજુની ચેમ્બરમાં જાય કે તુરંત ભયની ઘંટડી કે સાયરન કે અન્ય કોઈ સંકેત વાગવા માંડે છે.

આવો કોઈ ખોટો સંકેત એટલે કે ભ્રામક સંકેત ન બજવા ન માંડે તેટલા માટે ચેમ્બરમાં એક જ વખતે એક કરતા વધારે ઉંદર દાખલ થવા જોઈએ. આમ નવાણિયો ન કૂટાઇ જાય તેની તકેદારી આ પ્રયુક્તિમાં જ રાખવામાં આવેલ છે. આ પદ્ધતિ સફળ થાય તો એરપોર્ટ પર 'ફૂલ બોડી સ્કેનર' દ્વારા નિર્વસ્ત્ર અવસ્થામાં જોવાતાં જે અત્યંત ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડે છે તેમાંથી તે બચી જાય.

ઘણીવાર તો વિદેશી મહાનુભાવોને આવા કડવા અનુભવો થાય છે તેના કારણે સરકારો વચ્ચે કડવાશ ઉભી થાય છે. કેટલાક મહાનુભાવોના આવી ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકાવાના બદલે વિદેશ જવાનું ટાળે છે. થોડા વર્ષો પહેલાં તે વખતના ભારતના લોકસભાના અધ્યક્ષ શ્રી સોમનાથ ચેટરજીએ ઓસ્ટ્રેલિયા એક પરિષદમાં હાજરી આપવા જવાનો કાર્યક્રમ રદ કર્યો હતો.

વિસ્ફોટક છુપાયેલા ઉતારૃ પરથી આવતી હવામાં સૂક્ષ્મ માત્રામાં પણ વિસ્ફોટકના કણો હોય તો પણ તેને ઉંદર પારખી લે છે અને ભાગે છે. પરંતુ એકાદ ઉંદર ભાગે તો ન ચાલે. પરંતુ એક કરતા વધારે ઉંદરો જાણે કે બિલાડીની ગંધ આવી હોય તેમ ભાગવા જોઈએ. આ પ્રયુક્તિ ઉંદરોની નાસ-ભાગને પરખે છે. આપણે જાણીએ છીએ કે કૂતરાઓનો પણ વિસ્ફોટક અને નશીલી દવાને કોઈ વ્યક્તિ લઈ જતી હોય તો તેને પકડવા કે તેનો જથ્થો ક્યાંય પડયો હોય તો તેને પકડી પાડવા ઉપયોગ થાય છે.

પરંતુ તેમાં તેમને તાલીમ આપનાર સતત તેની સાથે રહી તેને દોરતો હોય છે અથવા તો તેનો હેતુ ન ચૂકે તે રીતે તેનું માર્ગદર્શન કરતો હોય છે. પરંતુ ઉંદરોને તાલીમ આપનારની હાજરીની જરૃર રહેતી નથી. તેથી તે પાંજરામાં રહી શકે છે. ત્યાં તેમને જેટલો જોઈએ તેટલો ખોરાક અને પાણી ઉપલબ્ધ હોય છે.

દરેક ઉંદર 'શિફટ'માં કામ કરે છે. તે દરેકની ચાર કલાકની શિફટ હોય છે. વળી તે ૧૮ મહિના સુધી જ કામ કેર છે. તેનો અર્થ એ થાય કે ૧૮ મહિના પોતાનું જીવનકાર્ય કર્યા પછી તે નિવૃત્ત થાય છે.

વળી વધારામાં ઉંદરો કૂતરાઓને તેમની સૂંઘવાની ક્ષમતામાં પાછળ પાડી દે છે. ઉંદરોની ધ્રાણેન્દ્રિય ઘણી વધારે તીવ્ર હોય છે. તેમની ગંધની ગ્રહણ ક્ષમતા ઘણી વધારે હોય છે. આપણે જાણીએ છીએ કે કૂતરા હોય કે ઉંદર હોય કે અન્ય કોઈ પ્રાણી હોય તેની સૂંઘવાની ક્ષમતા, તેની દ્રષ્ટિ ક્ષમતા, તેની શ્રવણ ક્ષમતા વગેરે તેના આનુવાંશિક લક્ષણો પર આધારીત હોય છે.

આનુવાંશિક લક્ષણોને 'જનીનો' કહે છે. નાક ઉપરાંત કૂતરામાં ઘ્રાણ ગ્રાહી જનીનોની સંખ્યા ૭૫૬ હોય છે. જે ઉંદરોમાં ૧૧૨૦ હોય છે. ઘ્રાણ ગ્રાહી જનીન એટલે એવા આનુવાંશિક લક્ષણો જે ગંધને ગ્રહણ કરે છે. ગ્રાહીને અંગ્રેજીમાં 'રીસેપ્ટર' કહે છે. આ કારણોસર ઉંદરમાં સૂંઘવાની ઇન્દ્રિય ઘણી તીવ્ર હોય છે.

રશિયામાં મોસ્કોના ડોમોડેડોવા એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટો થયા હતા. આવી ઘટનાઓથી મુસાફરોને રક્ષણ આપવા આવી સ્નિફર ઉંદરો ઉપયોગી જેવી અવનવી રીતો શોધવા માટે રસ ઘણો વધ્યો છે. તેના માટે નાણાં પણ ઘણાં ફાળવવામાં આવી રહ્યાં છે. નિમ્નકક્ષાની ટેકનોલોજીના વિકલ્પ લોકો વધુ પસંદ કરે છે.

નવા પ્રકારના 'ફૂલ બોડી સ્કેનર'નો લોકોમાં ડર છે કે તે હાનિકારક વિકિરણથી લોકોને પ્રભાવી કરે છે અને તેમની નિજી ગુપ્તતા પર આક્રમણ કરે છે. દેખીતું જ છે કે હાનિકારક વિકિરણની અસર લોકોમાં ડર પેદા કરે. વળી શરીરના ગુપ્તભાગો તપાસ કરનારને જોવા મળે એ પણ લોકો તિરસ્કારે તે સ્વાભાવિક છે. આ સંજોગોમાં ઉંદર જેવા પ્રાણીઓ વિસ્ફોટકોની ભાળ મેળવવા માટે સારૃં સાધન છે. વળી ઉંદરો તમને નગ્રાવસ્થામાં જોતા નથી.

પરંતુ એક સીક્યોરિટી એકસપર્ટના મતે ઉપરોક્ત ઉંદરિયા તપાસ પદ્ધતિમાં કેટલીક ખામીઓ છે. તેનાથી તેનો વ્યાપક ઉપયોગ થવા સામે અડચણો છે. દાખલા તરીકે ઉંદરોના પાંજરાની નિયમિત સફાઈ થવી જોઈએ. નવા ઉંદરોને આખો સમય તાલિમ આપ્યા કરવી જોઈએ કારણ કે તેમના કાર્યનો જીવનકાળ ટૂંકો હોય છે. વળી તે વિસ્ફોટકોને શોધવા માટે ઉપયોગી છે. પરંતુ સામાનની તપાસ માટે વપરાતાં સ્કેનર અને મેટલ ડીરેક્ટરોનું સ્થાન લઈ શકે નહીં.

તેમ છતાં તેને બનાવનાર કંપનીએ ડીસેમ્બર ૨૦૧૦માં ઇઝરાયેલના વિશાળ શોપીંગ મોલ એઝરીએલિ સેન્ટર ખાતે તેની કસોટી કરી હતી. ૧૦૦૦ કરતાં વધારે લોકો તેના ડીટેક્ટર મારફતે પસાર થયા હતા. તે પૈકી ૨૨ લોકોને તેમનાં પોકેટ, પોર્ટફોલિયો, પર્સમાં કે તેમના શર્ટની નીચે નકલી વિસ્ફોટકોને સંતાડવા કહ્યું હતું. બધાં જ બાવીસ પેકેજીસને પારખી શકાયા હતા. ખોટી અથવા ભ્રામક ભયની ઘંટડીનો દર માત્ર ૦.૧ ટકો હતો.

આમ ઉંદરોની આ પ્રયુક્તિ વિસ્ફોટકો ધરાવતી વ્યક્તિને પકડી પાડવા કારગત નીવડી હોય તેમ લાગે છે. તેનો ઉપયોગ એરપોર્ટ પર, મોટા મોલમાં, રેલવે સ્ટેશન પર, હોસ્પિટલોમાં કે અન્ય મહત્ત્વના સ્થળોએ કરી શકાય તેમ લાગે છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments