Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્રાઈમવૉચ - જયદેવ પટેલ

એકાન્તના મિલનમાં અબઘડી લગ્ન કરી લેવાની જીદે ચડેલી પ્રેમિકાને નારાજ પ્રેમીએ જીવતી જલાવી દીધી...!

રાજકોટ નજીકના નવાગામની હૈયું હચમચાવતી કરૃણાંતિકા

અંજલીએ હોસ્પિટલની પથારી ઉપર પારાવાર વેદના સહન કરતાં - કરતાં ત્રુટક - ત્રુટક શબ્દોમાં પોતાની દર્દનાક અવદશાની કથા રજુ કરી હતી.

પ્રેમિકા સગીર વયની હોવાથી હજુ રાહ જોવા માટે સમજાવવાના પ્રેમીએ લાખ પ્રયાસો કર્યા હતા પોતાના અપરાધ બદલ હાલ જેલના સળિયા પાછળ રહેલ પ્રેમી ચુકાદાની રાહ જોઇ રહ્યો છે

પ્રેમિકાને જીવતી જલાવી મૂકવાના અમાનવીય અપરાધમાં કાચા કામના કેદી તરીકે જેલના સળીયા પાછળ હડસેલાઇ ગયેલો યુવક ક્યારેક નિરવ અને નિસ્તબ્ધ વાતાવરણમાં મધરાતે અચાનક ઊંઘમાંથી સફાળા જાગીને જેલની બેરેકની છતને અનિમેષ આંખોથી જોતાં-જોતાં ક્ષણિક આવેશના કરૃણ અંજામને યાદ કરીને ભીતરમાં વલોવાઇ જતો હશે ત્યારે તેની આંખોમાં આંસુના બુંદ ચમકી ઊઠતા હશે.

હવે અદાલત તેના અપરાધનો કેવો ચૂકાદો આપશે તેનો ઈન્તેજાર કરતાં દૂર-દૂર ચાલી નીકળેલી પ્રેમિકાને કદાચ યાદ કરીને મનોમન રડી પણ ઊઠતો હશે...!!

આ કરૃણ ઘટનાની રાત્રે ફટાફટ-ઝટપટ લગ્ન કરી લેવા ઉતાવળી અને બહાવરી બની ગયેલી પ્રેમિકાએ જીદ પકડી હતી. જો કે યુવકે હાલને હાલ લગ્ન કરી લેવાની માંગણીનો સ્વીકાર કરવા આનાકાની કરી હતી. જેના પગલે બન્ને વચ્ચે તકરાર થઇ હતી. પછી તો ધુંવાપુંવા થઇ ગયેલા પ્રેમીએ કેરોસીનનું ડબલું પ્રેમિકા ઉપર ઠાલવી દઇને દિવાસળી ચાંપી દીધી હતી. જેના પરિણામે આગની જ્વાળાઓ વચ્ચે સપડાઇને કારમી ચીસો પાડી રહેલી પ્રેમિકાના આખરે છેલ્લાં શ્વાસ છૂટી ગયા હતા.

હોસ્પિટલની પથારી ઉપર પારાવાર વેદનાથી કણસી રહેલી પ્રેમિકાએ એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ તેનું ડાઇંગ ડેકલેરેશન (મૃત્યુ પૂર્વનું નિવેદન) આપ્યું હતું. જેમાં તેના પ્રેમીએ જ તેની આવી દર્દનાક અવદશા કર્યાની રજુઆત કરી હતી. આથી પોલીસે યુવકની ધરપકડ કરીને તેને જેલ હવાલે કર્યો હતો.

રાજકોટ શહેર પોલીસ તંત્રના કુવાડવા પોલીસ મથકની હદના નવા ગામે પ્રેમિકાને જીવતી જલાવી મૂકવાની ગત વર્ષના આખરી નવેમ્બર મહિનામાં બની ગયેલી આ કરૃણ ઘટનાએ ત્યારે સ્થાનિક રહીશોમાં ભારે ચકચાર મચાવી મૂકી હતી.

આ કરૃણ કથાના બે પાત્રોમાં પ્રેમિકાનું નામ અંજલી (ઉ.વ. ૧૭) હતું. અંજલીનો પ્રેમી શૈલેષ, હતો. આ ઘટનાના બે વર્ષ પૂર્વે બન્નેની આંખો મળી જતાં તેમની વચ્ચે પ્રણય સંબંધોનો પ્રારંભ થયો હતો. વળી બન્ને એક જ જ્ઞાાતિના હોવાથી ભવિષ્યમાં લગ્ન બંધનમાં બંધાઇ જવામાં તેમના માટે કોઇ અવરોધ કે પછી સામાજીક સમસ્યા નથી તેવું બન્ને સમજતા હતા.

તા. ૨૯-૩૦મી નવેમ્બરની તે કાજળઘેરી કાળરાત્રી હતી. શૈલેષ તેની પ્રેમિકા અંજલીને મળવા દોડી આવ્યો હતો. ઘડીયાળના કાંટા ઝડપથી આગળ વધી રહ્યા હતા. મકાનની અગાશીના એક ખૂણામાં બેસીને બન્ને એકાન્તના મિલનની ગુફતગુમાં ખોવાઇ ગયા હતા.

કોણ જાણે કેમ કહો કે પછી નિયતિનો ના સમજી શકાય તેવો અગમ્ય ખેલ કહો...!! આ વેળાએ જીંદગીભરના સાથી બની જવા કાંઇક અંશે રઘવાઇ અને ઉતાવળી બની ગયેલી અંજલીએ શૈલેષને કહ્યું હતું કે- ''શૈલેષ મેં તને અપાર પ્રેમ કર્યો છે... મેં તને મારા મનનો માણીગર, જીંદગીભરનો સાથી માની લીધો છે... ચાલ આપણે બન્ને ફટાફટ પ્રેમલગ્ન બંધનમાં બંધાઇ જઇએ...!!!''

અંજલીની ઉતાવળે લગ્ન કરી લેવાની વાત સાંભળીને શૈલેષ ઘડીભર ચોંકી ઊઠયો હતો. તેના ચહેરાનો ભાવ પારખી જઇને અંજલીએ કહ્યું હતું કે - ''તારા કાકા હકાભાઇની દિકરીના પણ લગ્ન લેવાયા છે તો પછી આપણે શા માટે વધુ રાહ જોવી.''

પ્રેમિકાની આવી વાત સાંભળી કહે છે કે પ્રેમી અકળાઇ ગયો હતો અને ફટાફટ લગ્ન કરી લેવા તેણે નારાજગી વ્યક્ત કરી હતી. જેના પરિણામે બન્ને વચ્ચે જીભાજોડી શરૃ થઇ હતી અને તે ચરમ સીમાએ પહોંચી ત્યારે કહે છે કે શૈલેષે અંજલીને સાફસાફ સંભળાવી દીધું હતું કે - ''મારે તારી સાથે લગ્ન કરવા નથી...!

આજે પણ નહીં અને કાલે પણ નહીં...!!'' બસ પછી તો અંજલીની આંખોમાં આંસૂના રેલા વહેવા લાગ્યા હતા. પોતાના પ્રેમીની બેવફાઇથી તેનું હૈયું ખળભળી ઊઠયું હતું. અંજલીએ અગાશીના સૂમસામ એકાન્તની તે કાળરાત્રીએ શૈલેષને કહ્યું હતું કે - ''શૈલેષ, એક મારી પણ વાત સાંભળી લે... મેં તને પ્રેમ કર્યો છે... મેં તને મારો પતિ માની લીધો છે... હવે હું બીજું કાંઇ જ સાંભળવા માંગતી નથી... તારે મારી સાથે લગ્ન કરવા જ પડશે. આ મારો આખરી મક્કમ ફેંસલો છે...!!!''

અંજલીની લગ્ન કરી લેવાની જક્કી જીદથી શૈલેષ અકળાઇ ગયો હતો. આ પછી રૃદન કરી રહેલી અંજલીને અગાશીમાં એકલી મૂકીને તે ઝડપથી પગલા ઉપાડીને નીચે પહોંચી ગયો હતો. જ્યાંથી કેરોસીનનું ડબલું લઇને તે ફરીથી અગાશીમાં દોડી આવ્યો હતો. હૈયાફાટ રૃદન કરી રહેલી પ્રેમિકા અંજલી ઉપર તેણે કેરોસીનનું ડબલું ઠાલવી દઇને દિવાસળી ચાંપી દીધી હતી. બીજી જ પળે આગની જ્વાળાઓ વચ્ચે અંજલી લપેટાઇ ગઇ હતી. બીજી બાજુ પ્રેમિકાને આગની જ્વાળાઓને હવાલે કરીને શૈલેષ ત્યાંથી નાસી છૂટયો હતો.

આગની જ્વાળાઓમાં ભડભડ સળગી રહેલી અંજલીની બચાવો...બચાવો...ની કારમી ચીસો સાંભળતાં જ અંજલીના ફોઇબા કાન્તીબેન તેમની પુત્રી રેખાની સાથે અગાશીમાં દોડી આવ્યા હતા. આ સાથે પાડોશીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા.

સહુએ ભેગા મળીને અંજલી ઉપર ગોદડું ઢાંકી દઇને આગ બુઝાવી દીધી હતી. આખા શરીરે ૯૦ ટકા સુધી દાઝી ગયેલી અંજલીને સારવાર માટે સહુએ ૧૦૮ની ઈમરજન્સી એમ્બ્યુલન્સ વાનને બોલાવી લીધી હતી. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ કરૃણ ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર એ.આર. મોડીયા તેમના સહાયક રાઇટર હીરાભાઇ રબારીને સાથે લઇને હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. જ્યાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહેલી અંજલીની દશા નિહાળીને પોલીસે તુરત જ તેનું ડાઇંગ ડેકલેરેશન નોંધવાનું નક્કી કરીને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટને પણ હોસ્પિટલમાં બોલાવી લીધા હતા. અંજલીએ હોસ્પિટલની પથારી ઉપર પારાવાર વેદના સહન કરતાં - કરતાં ત્રુટક - ત્રુટક શબ્દોમાં પોતાની દર્દનાક અવદશાની કથા રજુ કરી હતી.

જેના આધારે પોલીસ ઈન્સ્પેકટર એ.આર. મોડીયાએ ઈ.પી.કો. કલમ ૩૦૭ હેઠળ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો. બીજી તરફ હજુએ બેવફા પ્રેમી કદાચ તેની ખબર કાઢવા આવી પહોંચશે તેવા ખ્યાલથી તરફડીયા મારી રહેલી અંજલીની બીજા દિવસની વહેલી પરોઢના હંમેશના માટે આંખો મીંચાઇ ગઇ હતી.  પોલીસે ખૂનના ગુનાની ઈ.પી.કો. કલમ ૩૦૨નો ઉમેરો કર્યો હતો.

બીજી બાજુ રાઇટર હીરાભાઇ રબારીએ તેમના સાથી કર્મચારીની સાથે ઝડપભેર તપાસ શરૃ કરીને શૈલેષને ઝડપી લઇને  પ્રેમિકાની હત્યાના ગુનાના આરોપ હેઠળ ધરપકડ કરી હતી.

પોલીસ ઈન્સ્પેકટર એ.આર. મોડીયાએ શૈલેષની પ્રાથમિક પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે- તેની પ્રેમિકા લગ્ન કરી લેવા માટે ઉતાવળ કરતી હતી. પરંતુ હજુ તે માત્ર ૧૭ વર્ષની સગીરા હોવાથી તેણે તેને રાહ જોવા સમજાવવા પ્રયાસો કર્યા હતા. પરંતુ અંજલી તેની સમજાવટનો સ્વીકાર કરવા તૈયાર ન હતી. બસ અબઘડી લગ્ન કરી લેવાની જીદ પકડી હતી.

જેના પરિણામે બન્ને વચ્ચે ઉગ્ર તકરાર થઇ હતી. આખરે ક્યારેય કલ્પના સરખીયે કરી ન હતી તેવી વરવી વાસ્તવિકતાનો એહસાસ કરાવતા આ પ્રેમ પ્રકરણનો આવો કરૃણ અંજામ આવ્યો હતો. શૈલેષ હાલ ખૂનના ગૂના હેઠળ જેલમાં કાચા કામના કેદી તરીકે કારાવાસ ભોગવી રહ્યો છે. આવતીકાલે અદાલત તેના ભાગ્યનો કેવો ચૂકાદો આપશે તેની હાલ રાહ જોઇ રહ્યો છે...!!!
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments