Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બુધવારની બ૫ોરે - અશોક દવે

નૈયા પાર કરા દે, ભૈયા...

ઘણા યુવાન-યુવતીઓને વૃધ્ધોને રસ્તો ક્રૉસ કરાવવાનો બહુ ડોડળીયો (શોખ) હોય છે. રસ્તા ઉપર કોઇ વડીલને જોયા નથી ને એમનો ઉમંગ ફાટફાટ થતો નથી. ઘણીવાર તો કાકાની ઇચ્છા હોય કે ન હોય, એમને સામે પાર જવું હોય કે ન જવું હોય, એ જાતે જઇ શકે એમ હોય કે ન હોય... આ લોકોનો ઉત્સાહ  છલકાઇ જાય છે ને, 'આવો વડીલ... હું તમને સામે પાર પહોંચાડું.' તરવરાટ એવો હોય જાણે ડોહાને રસ્તો નહિ, દુનિયા પાર કરાવવાની હોય !

પણ કહે છે ને કે, ચોક્કસ હેતુ કે ઇરાદા વગરની તમામ સેવાઓ રદબાતલ થવાને પાત્ર હોય છે. કોઇ વૃધ્ધ-વડીલને રસ્તો ક્રૉસ કરાવવો, એમાં પૂણ્ય તો ત્યારે મળે જો આપણું ઓળખીતું કોઇ જોનારૃં હોય. એમને એમ કોઇ વડીલને રોડ ઉપર વેડફી નાંખવાના ન હોય. રસ્તો ક્રૉસ કરાવી લીધા પછી ખ્યાલ આવે કે, કોઇએ તમને આ સેવાકાર્ય કરતા જોયા જ નથી, તો કાકાને ફરી મૂળ સ્થાને લાવીને ફરી રસ્તો ક્રૉસ કરાવવો જોઈએ. આવી સેવા કરતા તમને તમારા કોક ઓળખીતાએ જોયા હોવાનું નિહાયત જરૃરી છે. જોનારા ઉપર છાપ પડવી જોઇએ કે, વૃધ્ધો માટે તમને કેવી કાળજી છે !

બની શકે તો એ ખ્યાલ પણ રાખવો જોઇએ કે, જેને રસ્તો ક્રૉસ કરાવી રહ્યા છીએ, એ ડોહો કામનો માણસ છે કે નહિ ! કોઇ મરવા પડેલા ગરીબને ભવસાગર પાર કરાવવા માટે તો ઉપર શામળીયો બેઠો છે. આપણે તો એ જોઇ લેવું જોઇએ કે, કાકો કેટલા કરોડનો આસામી છે, એના દીકરાઓનો ધંધોધાપો આપણને કામમાં આવે એવો છે કે નહિ અને ઉંમર હજી તંદુરસ્ત હોય તો એ ય જોઇ લેવું જોઇએ કે, ડોહાની દીકરી... આઇ મીન, આ તો એક વાત થાય છે !

અલબત્ત, રસ્તો પાર કરાવ્યા પછી અત્યંત વિવેકપૂર્વક કાકાને પૂછવું જોઇએ (એ હા પાડે એવી રીતે) કે, 'કાકા, ઘેર મૂકી જઉં... અહીં ખાડા-ટેકરા બહુ છે !' અંકલને ખબર પડવી ન જોઇએ કે, મોટો ખાડો તો તું છે !
વડીલોને રસ્તો પાર કરાવવાના કેટલાક નિયમો છે. તમારા બંનેની સરખામણીમાં વૃધ્ધ એ લાગવા જોઈએ, તમે નહિ. બીજું, હાથ પકડયા પછી ખેંચાખેંચી નહિ કરવાની. સાયકલની પાછળ કપડું ઘસડાતું આવે,

એવી હાલત કાકાની થવી ન જોઇએ. કોમળ અને મૃદુ હાથે એમનો હાથ પકડીને લઇ જવાના હોય, સ્મશાને લઇ જવાના હોય એવા જોશોજૂનુનથી નનામીનો દાંડો પકડયો હોય એવો કચ્ચીને એમનો હાથ ન પકડાય ! ત્રીજું, રસ્તો ક્રોસ કરાવતી વખતે, ન કરે નારાયણ ને અચાનક કોઇ વાહન પૂરપેટ આવી ગયું, તો ડોહાને આગળ ધરી દેવાય... આપણો જાન જોખમમાં મૂકવાની જરૃર નથી. આપણે હજી બીજા કાકાઓને રસ્તા પાર કરાવવાના છે. ખુદ આપણે હજી ડોહા થવાનું બાકી છે. સુઉં કિયો છો ?

અને છેલ્લું... સામે પાર પહોંચ્યા પછી કાકાને તમારૃં બિઝનૅસ-કાર્ડ ખાસ આપી દેવાનું ને એમનું હોય, તો લઇ લેવાનું. એ પૂછે કે, શું કામધંધો કરો છો ? તો કહી દેવાનું, 'બસ... આ જ !'

આશીર્વાદ તો મળવાના જ છે, જો કાકા સંસ્કારી હશે તો કે, 'ભાઇ, તેં મને રસ્તો પાર કરાવ્યો... પ્રભુ તને દુનિયા પાર કરાવે ! આજે તેં મને ઉચક્યો, કાલે પ્રભુ તને ઉચકી લે...!'

'રામાયણ' ભણ્યા હો તો ભગવાન શ્રીરામને કેવટ હોડીમાં બેસાડીને ગંગા પાર કરાવે છે, એના બદલામાં કેવટીયો પ્રભુ પાસે હોડીનું ભાડું ઉબેર-ઓલાથી ય વધારે માંગી લે છે, હું તમને ગંગાપાર કરાવું... તમે મને ભવસાગર પાર કરાવો'.... ધંધામાં કોઇની બી શરમ ન રખાય ! તમે સમજ્યા ? મફતમાં તો ભગવાનોને ય રસ્તા પાર ન કરાવાય. હવે કોઇ પંખો ચાલુ કરો !

હજી આ કળા ઇન્ડિયામાં પૂરેપૂરી ફૂલીફાલી ન હોવાથી કેટલાક શીખાઉ યુવાનોનો રસ્તો ક્રૉસ કરાવવામાં પૂરો પગ બેઠો હોતો નથી અને પ્રારંભ ઘરડાઓને બદલે સ્કૂલે જતા બાળકોથી કરે છે. મોટે ભાગે, એમની સુંદર મમ્મી પાછળ આવતી જ હોય, એટલે આ યુવાનોની ગણત્રી સાવ ખોટી નથી. બાળકને ક્રૉસ કરાવીને આપણે મૂળ સ્થળે પાછા આવવાનું હોય છે, જેથી અદ્ભુત સ્માઇલ આપીને એની મૉમ 'થૅન્ક્સ' કહે. મિત્રો, આવા 'થૅન્ક્સ'થી તમારે બચવાનું છે.

પેલાની મૉમે તમને થૅન્ક્સ કીધું એટલે સમજી જજો કે, છોકરાઓને આવા રસ્તા તો ઘરઘાટીઓ કે સ્કૂલ-રીક્ષાવાળાઓ ય પાર કરાવી આપે છે ને આવા મધુરા 'થૅન્ક્સો' એમની મમ્મીઓ ધૂળજી-બૂળજી સમજીને આપતી હોય છે. અમે એક વાર આવી ભૂલ કરેલી અને ઘણા નમ્ર સ્માઇલ સાથે 'થૅન્ક્સ' સામે 'થૅન્ક્સ' કીધું હતું. એના જવાબમાં પેલીએ કોઇ રાણીસાહેબાની અદાથી અમને પૂછી જોયું હતું, 'બે કામના કેટલા લઇશ... ખાલી કપડાં અને વાસણ જ છે !'

એક જમાનો હતો, જ્યારે જુવાન અને સુંદર યુવતીઓ પણ રસ્તા ક્રૉસ કરતી. એ પહેલા જોઇ પણ લેતી કે, એને રસ્તો ક્રૉસ કરાવે એવો કોઇ હૅન્ડસમ યુવાન આજુબાજુમાં દેખાય છે ? એ તો અમે હૅન્ડસમ હતા, એટલે અમને તો આવું બધું યાદ હોય !!! રોજની સરેરાશ ત્રીસેક યુવતીઓને અમે મારગડો પાર કરાવતા. કોઇવાર ત્રીસને બદલે બત્રીસ પણ થઇ જાય. (આ સંખ્યાને યુવતીઓના ધાડાંમાં ન ગણવી... સ્પષ્ટતા પૂરી) મુખ્ય હૉબીના ફૉર્મમાં 'રસ્તો ક્રૉસ કરાવવો' લખ્યું, એનાથી અમારા પ્રિન્સિપાલ ઘણા પ્રભાવિત થયા હતા.

પણ એ જમાના આજે ક્યાં ? આજે તો પહેલા જેવી સુંદર યુવતીઓ ય નથી થતી. અમારા જમાનામાં યુવતી એકલી રસ્તો કદી ક્રૉસ ન કરે. અમારા જેવું કોક ઊભું હોય, એને રીક્વૅસ્ટીયું સ્માઇલ આપીને સાથે ક્રૉસ કરે. ઘણી મૃદુતાથી અમારા હાથો પકડવામાં આવતા. કેવી નાજુક ચાલથી એ રસ્તો ક્રૉસ કરતી. અમારૃં ધ્યાન આવતા-જતા ટ્રાફિકમાં ન હોય.

પેલીએ પકડેલા અમારા એક હાથમાં ઉપડતી ઝણઝણાટીઓમાં હોય. હાથ પકડયો હોય ત્યાં સુધી પૂરા તનબદનમાં રીતસરની ખાલી ચઢી જતી. ખોટું નહિ કહું, પણ હંગામી હસ્તમેળાપ જેવું-જેવું લાગતું. આજુબાજુ બસ, રીક્ષા કે સ્કૂટરોને બદલે ગોર મહારાજ, સાજન-મહાજન અને લગ્ન નિમિત્તે નવા શૂટો સિવડાવી લાવેલા પેલીના ભાઇઓ દેખાય. એ મરમરી હાથોની કસક હજી ય યાદ છે... પણ રસ્તો પાર કરાવી લીધા પછી મ્યુનિસિપાલિટીવાળાઓ ઉપર ગુસ્સો આવે કે, ઝટ આવી જાય એવી સામી ફૂટપાથો શું કામ બનાવતા હશે ? રસ્તાઓ તો કેવા પહોળા બનાવવા જોઈએ કે ફૂટપાથ આવે જ નહિ !

પણ એ જમાના તો ગયા. હવે તો આપણી પાસે રસ્તો ક્રૉસ કરાવે એવી છોકરીઓ ક્યાં રહી છે ? એ બધીઓ આજે ૭૦-૭૫ ની થઇ ગઇ. હવે એવા રસ્તાઓ ક્યાં છે ? અમારા સૌરાષ્ટ્રના મેળાઓના ફજન-ફાળકામાં બેઠા હોઇએ અને હાડકાં ઢીલા કરી નાંખે એવા વરસાદી ખાડા-ટેકરાઓ છે.

વળી, અમારા વખતમાં કમ્પિટિશનો બહુ, એટલે કે હરિફાઇઓ બહુ. રસ્તો એક છોકરી ક્રૉસ કરવા માંગતી હોય ત્યારે અમે બધા તો ઠીક, દુકાનદારો ધંધા છોડીને એને રસ્તો પાર કરાવવા ઉતરી આવે. હવે જો કે, એવી છોકરીઓ ય ક્યાં થાય છે, હવે એવા મરમરી હાથો ક્યાં અડાય છે...? હવે તો મજૂરે હાથમાં ત્રિકમ-કોદાળી પકડી હોય એવો તો પેલીનો હાથ હોય ! આપણે બંધ પડેલું સ્કૂટર ઘસડીને લઇ જતા હોઇએ, એવો સીન લાગે.

સાંભળ્યું છે કે, શ્રવણે તેના પ્રજ્ઞાાચક્ષુ માતા-પિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરાવી હતી. યે પૉઇન્ટ નૉટ કિયા જાય, મી લૉર્ડ...કે હવે કાવડના જમાના ગયા. હવે તો મા-બાપને આપણી એસી.ગાડીમાં બેસાડીને અડધા કલાકમાં 'ઘરડાંના ઘર'માં મૂકી આવો, એ યાત્રા જ છે ને ? નજીક તો ખરા. યાત્રાઓમાં તો આપણે અમદાવાદમાં અને ફાધર-મધર ક્યાંક કાશી-બનારસમાં ઠેબાં ખાતા હોય, એ હિસાબે વૃધ્ધાશ્રમો વધુ પૂણ્ય આપનારા કહેવાય કે નહિ ? આ તો એક વાત થાય છે. શું કાવડમાં બેસાડીને એમને લઇ જાઓ તો જ સાચી સેવા કહેવાય ? હરગીઝ નહિ. શ્રવણ પાસે સ્કૂટરની સાઇડ-કાર હોત તો એણે કાવડનો ફીઝૂલ ખર્ચો કર્યો હોત ? (મારે જવાબ 'ના'માં જોઈએ.)

યસ. હવે આપણે સ્ટોરીની બીજી બાજુમાં આવી ગયા કહેવાઇએ. સમજો ને, હવે ડિમ્પલ કાપડીયા કે કૅટરીના કૈફોને રસ્તો ક્રૉસ કરાવવાના જમાના તો ગયા. હવે તો આપણને રસ્તા ક્રૉસ કરાવવાના દહાડા શરૃ થયા. મુસિબત એટલી છે કે, પ્રજામાં હજી દોઢડાહ્યાઓ મળી જ રહે છે. 'આવો કાકા...તમને બહુ નહિ દેખાતું હોય... હું તમને રસ્તો પાર કરાવું.' આવી ઑફરો પાછી યુવાન સ્ત્રીઓ નથી કરતી.

ગધેડા જેવા દેખાતા યુવાનો કરે છે...ના પાડીએ તો ય ! કેમ જાણે આપણે ગૂગલ-મૅપ જોઇને રસ્તો ક્રૉસ નહિ કરી શક્તા હોઈએ ! એ વાત જુદી છે કે, એવો મૅપ વાપરવામાં ગૂગલે કંઇક વધારે પડતો શૉર્ટ-કટ બતાવ્યો, જે સીધો ઑર્થોપેડિક હૉસ્પિટલમાં જતો હતો...!

(વધુ: આવતા અંકે)
 

સિક્સર

'ઓહ... શું વાત કરૃં એના રૃપની ! દૂધ જેવો એનો ધોળો રંગ... દાડમની કળી જેવા એના દાંત...લાલ સફરજન જેવા એના ગાલ... સ્ટ્રૉબરી જેવા એના હોઠ...!'

'અલ્યા, તું પ્રેમમાં પડયો છે કે ફ્રૂટ-સેલાડમાં ?'

મસ્ત મઝાની ગુજરાતી કૉમેડી ફિલ્મ 'વિટામિન 'શી' નો આ સંવાદ છે. એક તબક્કે હીરો (આરજે) ધ્વનિતને એનો દોસ્ત કહે છે, 'બે યાર, તું ગીરમાં જીરાફ શોધવા આયો છે...?'

 

Post Comments