Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અનાવૃત - જય વસાવડા

ક્રિએટીવિટી એન્ડ ક્રિટિસીઝમ : ઈનોવેશનની LSD ફોર્મ્યુલા !

જાણી લીધા પછી ય નવું શોધવું એ ઇમેજીનેશન ઇનોવેશનનું તાળું ખોલવાની ચાવી છે. ક્રિએટીવિટી ન હોત તો સેટેલાઇટ ચેનલ્સથી મોબાઈલ ફોન - કશું ય જીવનમાં હોત નહિ. અરે, ફેશન કે ફેન પણ ન હોત ! તો લાઇફ કેવી બોરિંગ હોત ! ને એનું જન્મસ્થળ લેબોરેટરી નથી. લાઇફ છે. ક્રિએટિવિટી કોર્સમાંથી નહિ, પણ જાત સાથેના 'ડિસ્કોર્સ'માંથી પ્રગટે છે

વર્ષો પહેલા આ લખવૈયાએ લેખ લખેલો. અઢળક દાખલા-દલીલોથી પ્રાચીન શાસ્ત્રોથી આધુનિક વિજ્ઞાન સુધીનો અભ્યાસ ક્વૉટ કરીને એમાં 'મહત્વનો શબ્દ સેક્સ નહિ, પણ એજ્યુકેશન છે' એવું કહીને ફરજીયાત સેક્સ એજ્યુકેશનની ઉઘાડી ફેવર કરેલી.

હમણાં એક રીડરબિરાદરે ડિફરન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ જ મૂક્યો : ધારો કે, કાલથી ભારતમાં સેક્સ એજ્યુકેશન ફરજીયાત કરી દેવામાં આવે, તો આપણા એજ્યુકેટર્સ યાને ટીચર્સને કોણ એજ્યુકેટ કરશે ? એ બધા જૂની સીસ્ટમ ને જૂનવાણી સમાજમાં નર્ચર થઇને આવે છે. એમની વૈજ્ઞાાનિક સમજણ બેલેન્સ્ડ કોમ્યુનિકેશનની સ્કિલ વિકસાવતી કોઇ ટ્રેનિંગ છે ? જો નથી, તો સારો વિચાર હોવા છતાં એનો વાસ્તવિક અમલ અસંભવ છે.

એ માળખું કે માહોલ પેદા કરો, ત્યાં સુધી નિર્ણય મુલતવી રાખો અને સત્તાવાર ફરજને બદલે 'મરજીયાત' યાને મરજીથી આ જ્ઞાાન આવશ્યક હોય ત્યાં સુધી આપતા રહો. સરકાર ડ્રાઇવિંગ, મેકઅપ, રસોઇ, શૂઝની લેસ બાંધવાનું, શેવિંગ કરવાનું, કશું ક્લાસમાં સિલેબસના ભાગરૃપે શીખવાડતી નથી. તો ય આસપાસના બીજા આવડતવાળા આ જરૃર પડે ત્યાં માર્ગદર્શન  આપી શીખવાડી દે છે ને !

સ્માર્ટ આર્ગ્યુમેન્ટ. વિચારતા કરી મૂકે એવી. હુ વિલ વૉચ ધ વૉચમેન ? ચોકીદારની ચોકીદારી કોણ કરશે ? અલબત્ત, સરકારોને તો ટોળાંની વૉટબેન્ક હોય. એમને નારાજ કરવી પોસાય નહિ. માટે થોડો નકલી સુધારાનો કોસ્મેટિક દેખાવ કરી બાકીનું કૉલ્ડ સ્ટૉરેજમાં પધરાવી દે. માટે ટીચર્સને આ બાબતે એજ્યુકેટ કરવાના ગેમપ્લાનને બદલે (તો તો એક દસકાથી વધુ સમયમાં આખી જનરેશન નવી આ મામલે સજ્જ ને સહજ આવી શકત) ધાર્મિક લાગણીના મુદ્દે આ જરૃરી 'વિષય'નું વિસ્મૃતિકરણ કરી નાખવામાં આવ્યું !

પણ આ કેસ સ્ટડી ઉપયોગી એ રીતે કે ૩૬૦ ડિગ્રીએ અખિલાઇમાં વિચારો પછી ય કોઇક ખૂણો ભલભલા જીનિયસ ભેજાંબાજોથી છૂટી જવાનો. કોઇ સફળતાની સંભાવના કે નિષ્ફળતાનું નડતર એમને નથી દેખાવાનું. એ માટે આર્ગ્યુમેન્ટ્સ જરૃરી છે. આપણા તમામ ધર્મશાસ્ત્રો, નીતિશાસ્ત્રો આદેશને બદલે પ્રશ્નોત્તરીના સ્વરૃપમાં એટલે જ છે.

વાદે વાદે જાયતે તત્વબોધ :. વિવેકપૂર્વક અર્જુન બનીને એકનો એક સવાલ પાંચ વાર કરો તો ય કોઇ યોગેશ્વર ગીતાના સ્વરૃપે એના ખુલાસા કરે જ. 'હેઠો બેસ ચૂપચાપ, હું કહું એમ કર' જેવી જોહૂકમી ન કરે આવી, અંગત આક્ષેપોને બદલે ઈસ્યૂ / મુદ્દાની ગહનતા અને વિશાળતા તર્ક અને તથ્યથી ખોલવાની ચર્ચા કરવા જ જગતમાં ધારાસભા - સંસદનો કોન્સેપ્ટ આપ્યો. (બાકી કામ કરવા માટે તો કલેકટર, મામલતદાર, સચિવ, તલાટીનું સૅટ અપ છે જ ને !)

એને કહેવાય બ્રેઈનસ્ટોર્મિંગ. વિચાર વલોણું. મનનું સામૂહિક મંથન કરી મેળવાતું ઉત્તમ જ્ઞાાનનું માખણ.
    
ઓલિવર ને વિલ્બર રાઇટે વિમાન ઉડાડયું, એની વાત - ભૂલકાંઓના એંગલથી જુઓ તો ગુડી ગુડી જ લાગે. સૂરજ બડજાત્યાની ફિલ્મો જેવું સુગરીસ્વીટ. ેબે ય ભાઇઓ જ્યેષ્ઠ ભ્રાતા. પ્રિય અનુજ કહીને રોજ ઠાવકી ઠાવકી પ્રેમવર્ષા કરતાં હોય. એમ જ સાથે મોટા થયા, ભણ્યા, સંશોધક બન્યા, સાથે વિમાન બનાવ્યું, ઉડાડયું ને દુનિયાને એવીએશન એરામાં એન્ટ્રી અપાવી.

ઈઝ ઈટ ધેટ સિમ્પલ ? સોરી ઈટ્સ નૉટ., નોર્મલ સિબલિંગ્સ યાને ભાંડરડા મોટા થાય ત્યારે આટલી હદે ડાહ્યોડમરો ઈતિહાસ હોતો નથી. ધમાલધીંગામસ્તી, એકબીજાના વાળ ખેંચી પછાડવા સુધીના તોફાનો, ચીસાસીચોથી બચપણ શરૃ થાય છે.

સાઈકો કિલર જેવી લિમિટ ક્રોસ ન થાય ત્યાં સુધી આવા હેપનિંગ્સ હેલ્ધી છે. પાર્ટ ઓફ ગ્રોઇંગ અપ. એક દોરે ને બીજા ભૂંસે. એમ જ આર્ટ ઓફ સર્વાઇવલ વિકસે. ચપળતા અને નિરીક્ષણ ખીલે. નિર્ણય લેવા જ ફક્ત જરૃરી નથી, એને આસુરી વિઘ્નોથી બચાવ્યા કરવા ય એટલા જ જરૃરી છે, એવું બ્રહ્મજ્ઞાાન થાય.

ક્લાસરૃમ પણ ધારાગૃહોની જેમ આ ડિસ્કશન માટે જ છે. નૉટ ઉતારવા માટે કે ઓલરેડી છપાયેલી બૂકના રિપિટેશન - પઠન માટે નથી. સવાલો પેદા કરો, જવાબો શોધો. એમાંથી જે યાત્રા થાય એ દિમાગની ધાર કાઢે. વિચારવાના નવાનવા એંગલ મળે, તો જ ચાલુ ચીલો બદલાય ને નવો રસ્તો દેખાય. માર્ગ-દર્શન એને જ કહે ને ! નોલેજ કોઇ લાયબ્રેરીમાં કે સિલેબસમાં ફ્રીઝ થઇ ગયેલો બરફ નથી. એ તો નવીનતા, આધુનિકતાની ઉષ્માથી સતત વહેતી નવી નવી દિશાઓમાં નવા નવા નકશા કંડારતી નદી છે.

રાઈટ બ્રધર્સને તો એવું હતું કે આવા ડિસ્કશન કે ડિસએગ્રીમેન્ટ સ્વીટઓફ થાય જ નહિ. એક જ ફિલ્ડમાં જોડેકામ કરતા બાંધવો ! મોબાઇલમાંથી લૉગ ઑફ થાવ, પણ આ તો સતત ચોવીસે કલાક ચર્ચા ને ઉગ્ર દલીલો ચાલુ જ રહે ! આવી થૉટફાઈટની વકીલાત રિસર્ચર પ્રોફેસર એડમ ગ્રાન્ટ કહે છે.

એમ 'આર્ગ્યુમેન્ટ શુડ બી હૉટ, બટ નૉટ મેડ'. દલીલો ધારદાર ને જોરદાર થવી જોઇએ, પણ ગાંડા જેવી નહિ. સાવ ખોટી, પછાત - રિગ્રેસવ માન્યતાવાળી, ધાર્મિક લાગણી કે કોઇના ટાંટિયાખેંચના ઈર્ષાળુ એજેન્ડાવાળી, પોલિટિકલી મૉટિવેટેડ - રાજકીય પક્ષાપક્ષી કે ફેવરીટીઝમવાળી, ધમકીઓ, ગાળો (કટાક્ષના રમૂજી ને તીખા શબ્દોનું સર્જન એ સર્જકતા છે,

પણ એ સૂઝે ત્યારે જે ભાંડવાનું શરૃ થાય એ ગાળો છે એ ફરક યાદ રાખવો) જૂઠા અંગત આક્ષેપો અને વિવેકની મર્યાદા ચૂકી વાયડાઇની પર્સનલ સ્પેસમાં ઘૂસી જતાં દલીલોથી ટાઇમપાસ એન્ટરટેઇનમેન્ટ ક્રિએટ થાય. ઈનોવેશન ન થાય. માટે આવું ગાંડપણ એ સમયની બરબાદી છે. જેમાં હેતુ સામાવાળા પર સ્કોર કરી એટેન્શન ખેંચવાનો એમાંથી ટેન્શન ક્રિએટ થાય, ઈન્વેન્શન નહિ !

પણ બિયોન્ડ ધ ફિક્સ બોક્સ વિચારવા પ્રેરે. એવી કાઉન્ટર આર્ગ્યુમેન્ટસ તો પરાણે ચેલેન્જ પેદા કરી કસરતના સાધનો જેમ હાથપગછાતીપેટકમરના સ્નાયુઓ મજબૂત બનાવે, એમ દિમાગી કસરત આપે. નવી નવી દિશા ખૂલી જાય વિચારવાની.

અણધાર્યા ઈનપુટ્સ મળે. માનવજાતની તકદીર પલટાવી દેતી કોઇ શોધ કે કળાનો સ્પાર્ક, ઝબકારો થાય. એ માટે સર્જકે યોગ્ય લાયકાત ધરાવતા લોકો સાથે ખુલ્લા રહેવું જોઇએ વાતો કરવા. નહિ તો એ પોતાની જ માન્યતાઓના કિલ્લામાં કેદ બંધિયાર ખાબોચિયું બની આઉટડેટેટ થઇ જાય.

મોટા ભાગના સક્સેસફુલ ફિલ્મમેકર કે કોર્પોરેટ કિંગ કે રાજનેતાઓ એક સમય પછી કેમ ફેંકાઇ જાય છે ? કારણ કે, ખુશામત સિવાયનો લોકસંપર્ક ગુમાવી બેસે છે. બદલાતા વહેણ પરખાતા નથી. નવી પેઢી સાથે સેતુબંધ રચાતો નથી. પછી ડાયરેક્ટ / ઑબ્ઝર્વેશનના અભાવે ખર્ચ કરીને માર્કેટ રિસર્ચ કરાવવા પડે છે.

રાઈટ બંધુઓનો કેસ સ્ટડી આગળ ચલાવીએ તો એમના પાદરી પિતા પોતે ધાર્મિક હોવા છતાં બાળકોને મલ્ટીપલ એંગલ મળે એ માટે ઘરમાં નાસ્તિકતાના પુસ્તકો ય રાખેલા. પ્રતિપક્ષનો ઊંડો અભ્યાસ ન હોય તો મુકાબલામાં પરાજય મળે.

સ્કૂલમાં અડધો દિવસ પાડીને છોકરાઓ રખડવા કે ગેરેજમાં ખાંખાખોળા કરવા નીકળે ત્યારે એ પિતા પાદરીની સત્તા ચલાવવાને બદલે આ હરકતો હસીને ચલાવી લેતાં. એમ જ એકબીજા સાથે મતભેદ કરતા કરતા દિશા એક રાખી એ લોકો લિટરલી નવી ઉડાન ભરી શક્યા. દલીલબાજ હોવું જરૃરી છે. દલીલખોર નહિ.

સ્ટીવ જોબ્સ એન્ડ સ્ટીવ વૉઝેનિઆક વચ્ચે ય  એપલના સ્થાપનાકાળે આવા જ મતમતાંતર થતા. જે તે નેગેટિવલી લેવાને બદલે ઊલટું પોતાની લૂપહોલ્સ સુધારીને ભૂલો અટકાવવાનું, મોટી ગફલત થાય એ પહેલા આંતરિક ચર્ચાથી નટબોલ્ટ ટાઈટ કરવાનું એ શીખ્યા હોય તો જ એપલ જેવી બ્રાન્ડ વિકસે.

રાઇટ બ્રધર્સે પ્લેનના પ્રોપલર બાબતે આવી જ મૂંઝવણ અનુભવી હતી. દિવસો સુધી બહારના કોઈ સાંભળે તો ઝઘડો જ લાગે એવી રાડારાડ બેઉ કરતા. ફોર બેટર ક્રિએટીવિટી. (ચૂંટણીમાં કોણ જીતશે ને કઇ ફિલ્મ સો કરોડ કરશે જેવા સવાલોથી આગળ પણ દુનિયા હોય છે) આફટર એ પોઇન્ટ, અંદરખાનેથી એકબીજા માટે રિસ્પેક્ટ, સેમ પેશન અને લાગણી-જ્ઞાાનની કદર હોઈને સાચું શું છે એ સમજી જતાં.

સરવાળે, એકબીજાથી ઓપોઝિટ ઉભા હોય તે જે ચર્ચા શરૃ થઇ હોય એ પૂરી થાય ત્યાં બે ય એકબીજાની નજીક આવી જતાં. બીજાની વાતમાં કન્વિન્સ થતા જતાં, પોતાની મર્યાદાનો છેદ ઉડાડતા જતા ને પરિણામે જે ક્રિએટીવ ડિસીશન આવતું એ ફૂલપ્રૂફ રહેતું.

માટે બધા સાવ રોબોટની જેમ ખામોશ જ બેસે, એ કોઈ વિદ્યાભ્યાસની નહિ, વિદ્યા-આભાસની નિશાની છે. વિશ્વભરની સંસ્કૃતિઓએ 'મુખીપણા'ની વડીલશાહીમાંથી ન્યાયતંત્રો વિકસાવ્યા ત્યારે એમાં સ્કોપ આર્ગ્યુમેન્ટસનો રાખ્યો. કેવળ કાયદાનું પાલન નહિ. વકીલની દલીલ. કારણ કે મલ્ટીપલ એંગલ ચકાસ્યા વિના સત્ય ન જડે. તલવાર દંપતી હોય કે પ્રદ્યુમન મર્ડર દેખીતી રીતે મીડિયામાં ગાજેલા તારણ-કારણ ઉંડી તપાસ પછી સરપ્રાઇઝિંગલી ઉલટાઈ જાય છે, એવું બને જ છે ને ! સાયન્સમાં તો બધા નિયમો જડબેસલાક હોય.

તો પછી નવી પ્રોડક્ટ પણ બને જ નહિ. પણ કોઈ ન્યૂટન સાથે કોઈ આઈન્સ્ટાઇન અસહમત થાય તો જ વિજ્ઞાાન ચિત્તાફાળ ભરે ને પ્રગતિની ! જૂના નિયમોમાં વર્ષો સુધી બીજો રસ્તો ન દેખાયો હોય કોઇને, અને અ ગડમથલની દડમજલમાં કોઈ ટેલન્ડ આવી પ્રુવન જજમેન્ટને રોંગ ઠેરવી કાયડો સોલ્વ કરી દે, એમ નોબેલ પ્રાઇઝ જેવા સન્માનો મળે.

બાકી નહિ તો મૂળભૂત સિધ્ધાંતો સદીઓથી શોધાયા જ છે ને ! એટલે જ બાબાજીઓના ઘેટાજીઓના ઓડિયન્સમાં ને રિયલ સાયન્સમાં આસમાન જમીનનું અંતર છે. એટલે જ ધર્મ-પરંપરા-સંસ્કૃતિને મક્કમ સવાલો પૂછનારા ગમતા નથી, એમને ઠાર મારતા પહેલા સમાજ માટે અનિષ્ટ ઠેરવાના કારસા ચાલે છે.

પણ દુનિયા જીવવા જેવી રહે છે, મજા કરાવે છે, નવી નવી સુખસુવિધા, રક્ષણની તરકીબો આપણી મુસીબતો આસાન બનાવે છે, તો ક્રિએટીવિટીના કારણે. જાણી લીધા પછી ય નવું શોધવું એ ઇમેજીનેશન ઇનોવેશનનું તાળું ખોલવાની ચાવી છે. ક્રિએટીવિટી ન હોત તો સેટેલાઇટ ચેનલ્સથી મોબાઈલ ફોન - કશું ય જીવનમાં હોત નહિ.

અરે, ફેશન કે ફેન પણ ન હોત ! તો લાઇફ કેવી બોરિંગ હોત ! ને એનું જન્મસ્થળ લેબોરેટરી નથી. લાઇફ છે. ક્રિએટિવિટી કોર્સમાંથી નહિ, પણ જાત સાથેના 'ડિસ્કોર્સ'માંથી પ્રગટે છે. વાચન કિતાબનું કે કિન્ડલનું છે શું ? વધુને વધુ ભેજાંઓએ લખેલી દલીલો, આપેલી હકીકતો અને રચેલી સૃષ્ટિનું સારગ્રહણ. જે તમારી થોટપ્રોસેસને કિકસ્ટાર્ટ કરે.

આપણા દેશમાં ગુલામીકાળ પહેલાથી ક્યાંક ધર્મના નિયમ મર્યાદાની રૃઢિગત બેડીઓમાં આ મૌલિક સર્જકતા ગૂંગળાવા લાગી. એટલે ગુલામી આવી. એમાંથી લિબરેશન, મુક્તિ ત્યારે જ મળી જ્યારે નવી હવા ફરજીયાત કાળના પ્રવાહમાં અંગ્રેજો સાથે આવી.

એટલે ક્રાંતિકારીઓ અંગ્રેજી શિક્ષણ મેળવેલા હતા. એટલે જ તો જે રજવાડાં પ્રગતિશીલ હતા (ગોંડલ કે વડોદરા) એના રાજાઓ બ્રિટિશ સીસ્ટમમાં ભણેલા હતા. બહારની દુનિયા જોઈ ચૂકેલા. આજે ય બાબા રામદેવની પતંજલિ બ્રાન્ડના સામ્રાજ્ય પાછળ લંડન ભણેલા આદિત્ય લિટ્ટી નામના યુવાનનુંજ એન્જીન છે. અમુક ધર્મસંસ્થાઓ કે રાજકીય પક્ષો ફોરેનથી આઇડિયા લઇ આવે છે.

તો ક્રિએટીવિટીની આ સકસેસ ફોર્મ્યુલા સિક્રેટ નથી. પણ આપણે એ સ્વીકારીને જીવવા જેટલા ઓપન નથી. એ છે એલએસડી ના, નશાકારક દ્રવ્યો નહિ. પણ નફાકારક રેસિપી. જાત્તેપોત્તે બનાવેલી. (ગૂગલિંગ કરશો તો ઢૂંઢતે રહ જાઓગે !) શોર્ટ એન્ડ સિમ્પલ.

એલમીન્સ લિબર્ટી. ક્રિએટીવિટી એટલે જ બાઉન્ડ્રીની બહાર નીકળવું. આઝાદી વિના નવી અભિવ્યક્તિ થાય નહિ. સતત દુભાતી લાગણીઓ કે તમામ ધર્મજ્ઞાાતિરિવાજ પરંપરાને સાચવવામાં જ ઊર્જા વેડફાય, તો નવું ક્રાંતિકારી સંશોધન ક્યારે થાય ? એટલે જ અમેરિકાથી જાપાન, સ્વીત્ઝર્લેન્ડથી જર્મની, સ્પેનથી બ્રિટન, ઇઝરાયેલથી ન્યુઝીલેન્ડ ફ્રાન્સથી ઇટાલી બધા લિબરલ દેશોમાં જ સ્પોર્ટસ-સાયન્સ-આર્ટસ-બિઝનેસના નવા આઇડિયાઝને ટેલન્ટ ઉભરાય છે.

જડ પરંપરાની કેદમાં જકડાયેલા હિન્દુ-મુસ્લિમ રાષ્ટ્રોએ આ મામલે બહારથી ઉધાર લેવું પડે છે બધું ઇનર ક્રિએટીવિટીનો આથો આવે એ માટે બહાર ઉષ્મા જોઇએ લિબર્ટીની. એક્સપ્રેશન આવવાની જ ફ્રીડમ ન હોય, તો એનું એક્સટેન્શન ઇનોવેશન સુધી થાય જ નહિ. સેન્સર બોર્ડ નહોતા ત્યારે જ રામાયણ, મહાભારત, ભાગવત રચાયા. બાકી કડક નિયમોના અનુશાસન પછી પૈસા છતાં સાઉદી અરબે કોઈ મહાન કવિતા ય આપી છે માનવજાત ને ?

સેકન્ડ, એસ ફોર સ્ટડી. ચર્ચામાં આડેધડ ઓપિનિયન તો શાકમાર્કેટમાં કોલાહલ ઉભો કરે. એમાંથી ગેમ ચેન્જર રિઝલ્ટ ન આવે. કાગડાઓના કાકાકા કરવાથી ટહૂકાની મીઠાશ ન જન્મે. અભ્યાસ હોય એવા જાણકારોના મતભેદની ચર્ચામાંથી માખણ નીપજે. બાકી ઓઇલના ધાબાં જ પડે ખાલી. ક્રિએટીવિટી એટલે મનના નિરંકુશ તરંગો નહિ. એ માટે જે ફિલ્ડમાં સર્જકતા બતાવવાની હોય એની તાલીમ લેવાની ધગશ ને ધીરજ જોઇએ.

ખંત ને નિષ્ઠાપૂર્વકનું જ્ઞાાન મેળવો, સવાલ પૂછવા ને ચર્ચા કેળવવાની લાયકાત કેળવો તો સર્જકતાને દિશા મળે. ફિઝિક્સ પર આઈન્સ્ટાઇન સાથે હોકિંગને મતભેદ હોય, કોઈ વોટ્સએપ મચડતા હોકાને એનો અધિકાર નથી. નસીરૃદ્દીનની એક્ટિંગ સાથે અસંમત અમિતાભ થઇ શકે. નાથીબાઈ અથાણા પાપડવાળા નહિ.

રાઇટ બ્રધર્સ કે જોબ્સ-ગેટ્સ વચ્ચે ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય. પણ એમનો સ્ટડી એટલો હોય કે એ મતભેદોની ચર્ચા વાંચીને ય આપણા મગજના બંધ દરવાજા ખુલી જાય. ખાલી ચિત્રોના વિચાર આવ્યે હુએન કે સંગીતની ધુન સૂઝયે મોઝાર્ટ ન બની જવાય. કેવું બ્રશ કેન્વાસ પર ચાલે ને નોટેશન એરેન્જમેન્ટના કેમ બને એનો સ્ટડી કેળવવો પડે. ટ્રીટમેન્ટ વિના માત્ર ટેલન્ટથી ક્રિએટિવિટીની સક્સેસ ન મળે. કવિએ છંદ ને નર્તકે મુદ્રા શીખવી પડે.

લાસ્ટ, ડી ફોર ડિબેટ. પણ કોઇને પાડી દેવા-પછાડવા નહિ. નવું સમજવા, ભૂલો સુધારવા, સાચું શીખવા, મહાન શોધખોળો કે કૃતિઓ મોટે ભાગે સંઘર્ષના, યુદ્ધના, રક્તપાતના, બીમારીના દુકાળના વિભાજનના, રંગભેદના, ગુલામીના, જુલ્મસિતમના કાળમાં રચાઇ. ઘર્ષણ વિના તો ટાયર પણ સ્લિપ થઇ જાય. કોન્ફ્લિક્ટ તમને ઢંઢોળે ને તળિયે પડેલા સત્વને સપાટી ઉપર ખળભળાવીને લઇ આવે. અદ્રશ્ય ચેલેન્જ પેદા કરે.

ડિબેટથી ભાગવાનું નહિ. ખાલી મગતરાંઓ સાથે કરવામાં સમય બરબાદ નહિ કરવાનો. ડિબેટ ન થાય, તો આપણું ક્રિટીસીઝમ ન થાય. ને નિંદામણ ન થાય એ બગીચો વગડા જેવો લાગે ! ડિબેટ થાય તો જ આપણી વાતમાં રહેલા ગાબડાં દેખાય ને પૂરાય. કોઇ આર્ગ્યુમેન્ટ, ડિબેટ જ ન હોય, ત્યાં માનવસ્વભાવ હંમેશા જૂની ને જાણીતી વાતને ફોલો કરે.

ચાલુ ચીલા પર ચાલવામાં ક્રિએટીવિટી કેવી ? ગુ્રપથિંકિંગના રોગથી બચવાની દવા ડિબેટ છે. બાળકોને દંભી ગુડી ગુડી એન્વાયર્નમેન્ટમાં ઉછેરવાને બદલે સહજ ચર્ચા કરતા કે દલીલો સાંભળતા શીખવો, તો એટલા મેચ્યોર થશે જે સમજી શકશે કે - ભલા બધા જ વિચારોમાં સરખી પસંદવાળા ને સહમત ન પણ હોય. છતાંય એ બાજુએ રાખી એમને પ્રેમ થઇ જ શકે.

ડિબેટ - ક્રિટીસીઝમ જો કન્સ્ટ્રક્ટિવ હોય તો કેળવે કે સત્ય કોઇની જાગીર નથી. સર્જકતા કોઇની પ્રાઇવેટ મોનોપોલી નથી. સવાલ આર્ગ્યુમેન્ટને સ્માઇલ સાથે ને દ્વેષ / બાયસ વિના હેન્ડલ કરતા શીખવાનો છે. આપસમાં ઝગડનારા લાંબા ગાળે વધુ મજબૂત પ્રેમી કે દોસ્ત પુરવાર થાય છે. માટે કોઇ પાસે સાચું શીખવા મળે તો સ્વીકારવું, ભૂલ કબૂલવી, અહમ ન રાખવો. તો ઉલટી પ્રતિભા વધુ ખીલશે. યાદ રાખજો, બાળક ચાલતા સીધું ટટ્ટાર થઇ શીખતું નથી. પહેલા ગોથાં ખાય છે. ડગુમગુ પડે આખડે છે.

લિબર્ટી-સ્ટડી પછીની ડિબેટ આમ જ સત્યને વલોવીને સ્થિર કરે છે ! કોપી કરીને તકલાદી સફળતા મેળવવા કરતા ઓરીજનલ રહીને મેળવેલી નિષ્ફળતાનું મૂલ્ય અદકેરું છે!

ઝિંગ થિંગ

''કોઇ સફળતા આખરી નથી. કોઇ નિષ્ફળતા કાયમી નથી. શાશ્વત છે : સતત ચાલતા રહેવાની હિંમત !''
(વિન્સ્ટન ચર્ચિલ)
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments